બરફનાં પંખી/આંગળીથી નખ સાવ વેગળા
આંગળીથી નખ સાવ વેગળા
બરફ ને પાણી જેમ સાથે ફર્યાં ને તોય આંગળીથી નખ સાવ વેગળા રહ્યા
ટાપુ માનીને રાતવાસો કર્યો એ તો પીઠ હતી દરિયાઈ વ્હેલની
ફળની આશાએ સૌ લેતા સંભાળ અહીં શીશીમાં પાંગરતી વેલની
બરફ ને પાણી જેમ સાથે ફર્યા ને તોય આંગળીથી નખ સાવ વેગળા રહ્યા
આભલું લઈને અહીં આંખ ઉપર ગોઠવેલ ચાંદરણે આંખ થઈ આંધળી
બરફની પૂતળીને આંસુ આવ્યાના સમી આપણી તે વેદના પાંગળી
પાણી ને આભ સમાં સાથે ફર્યાં ને તોય આંગળીથી નખ સાવ વેગળા રહ્યા
***