બરફનાં પંખી/અભરે ભરાઈ ગયાં
Jump to navigation
Jump to search
અભરે ભરાઈ ગયાં.
તમે અણધાર્યા વાદળની જેમ ચડી આવ્યા ને અભરે ભરાઈ ગયાં આભલાં
અમે વૈશાખી તડકામાં બાવળની હેઠ પડ્યા
પડતર જમીન સમા યાતરી
તમે આવળના ફૂલ સમું એવું જોતા કે જાણે
મળતી ન હોય પીળી ખાતરી.
અમે જૂનો ભરવાડ જેમ ઘેટાં ગણે ને એમ
દિવસો ગણીએ કે હવે કેટલા?
તમે દીધા સંભારણાના પરદા ઊંચકાય નહીં
લોચનમાં થાક હતા એટલા.
અમે પીછું ખરે ને તોય સાંભળી શકાય
એવા ફળિયાની એકલતા ભૂરી
તમે ફળિયામાં આવીને એવું બેઠા કે
જાણે રંગોળી કોઈ ગયું પૂરી
તમે અણધાર્યા વાદળની જેમ ચડી આવ્યા અને અભરે ભરાઈ ગયાં આભલાં
***