બરફનાં પંખી/એક સાંજે

એક સાંજે

મારી છત્રીનો કાગડો
ક્રાઉક્રાઉક્રાઉ બોલી ઊઠ્યો.
પીપળા જેવો હું
ધ્રૂજી ગયો.
મહેમાન થઈને ચાંદરણું આવ્યું
બેઠું
સરક્યું
ને ચાલ્યું.
હું એકલો પડી ગયો.
હું ખોટો પડું એટલી હદ સુધી
સાચું બોલતો થઈ ગયો.
હવે હું દીવો નથી
પણ દીવો સળગાવતાં ઠરી ગયેલી
દિવાસળીની ટોચ ઉપર પડેલું અંધારું છું.
હવે હું ઈસુ નથી
પણ ક્રોસ છું
જેના પર માણસજાત
પોતાની તમામ ભૂલો ટીંગાડી શકે છે.

***