બરફનાં પંખી/કવિનું અકાળે મૃત્યુ

કવિનું અકાળે મૃત્યુ

સમુદ્રના ખારા પવનથી
ચિક્કાર ભરેલા
દિવાનખાનામાં
પિયાનોની કાળી ચાલના
પગથિયાં ઊતરતી
પીળી આંગળીઓ
એકાએક અટકી પડી.
અમે બે મિનિટની દાબડીમાં
અમારું મૌન ગોઠવીને ઊભાં રહ્યાં
પણ
શબ્દ-સરોવરના હંસ!
તમે ક્યાં ચાલ્યા?
બેસો. બેસો.
આ તો
રાજાબાઈ ટાવરના
કાંટા ઉપર કબૂતર બેઠું ને
સાડા પાંચ વાગ્યા.

***