બરફનાં પંખી/અનારકલીનું ડાઈંગ ડેકલેરેશન
જહાંપનાહ!
આ ધીમે ધીમે ઈંટ મૂકતો
બિચ્ચારો કડિયો ચણાય છે.
હું નથી ચણાતી.
મારા મુરદાના સમ!
હવે નથી રહ્યો ગમ
હું ભાષાની હેવાઈ
ભાષા વાંચું છું
શબ્દો વાંચું છું
પણ લાગણી ક્યાં વાચું છું?
હિમાલયના રેફ્રિજરેટરમાં
મૂકેલી લાગણીને તાજી કેમ કહેવાય?
જુઓ, મારા સલીમ!
સામેના ખેતર તરફ તો જુઓ!
તમાકુના છોડની માથે તડકો ઝીણો પડશે રે....
ખોટુકલી લાગણી માથે જજિયાવેરો પડશે રે....
જહાંપનાહ!
મને ચણીને તમે શું કરશો?
મને તો લોહીની લાલ ઈંટોથી ક્યારની ચણી દીધી છે
તમે લાલ ઈંટની દીવાલ નથી જોઈ?
ઝીણી રેતીનું ચણતર કાચું રે… હમણાં પડશે
મારા લોહીનું ચણતર સાચું રે… હમણાં પડશે
મારા સલીમ!
હું તો ઘાસનો હરિયાળો (એટલે લીલો નહિ પણ હરિયાળો)
યુનિફાર્મ પહેરીને
કાંઠાના મજબૂત જળોયાવાળી
જળની પાટી લઈને
તારા બાલમંદિરમાં
અઢી અક્ષર પાડવા આવી’તી
તારા બોલવામાં ચૂક હતી
કે મારા શ્રુતલેખનમાં ભૂલ હતી?
એ હું નથી જાણતી
વાચાના ભારથી
જીભના લોચા વળે છે
પ્રીતના લોચા વળે છે
પ્રીત એક એવી મૂંઝારી છે
જે ક્યારેય મૂંઝાતી નથી,
શરીર એ તો પ્રીતિનું ખાતર.
આ શરીરમાં ઉત્તમ ખાતર થવાની ક્ષમતા છે
પણ તું કોને ખાતર મને ચણે છે?
જહાંપનાહ!
હું નથી ચણાતી
તારો કડિયો ચણાય છે!
***