બરફનાં પંખી/કાચો કુંવારો એક છોકરો
Jump to navigation
Jump to search
કાચો કુંવારો એક છોકરો
ઐ કાચો કુંવારો એક છોકરો હતો ને એક છોકરી હતી.
ઐ દરિયા ઉપર ઓલ્યા સપ્તર્ષિ જેમ સાત મચ્છર ઊડ્યા
નાના હતા ને તૈ ખાટલા ટપ્યા ને પછી ઉંબરા ટપ્યા
ને પછી દરિયો ટપતા તો ભાઈ ગલઢાં થયા ને પછી
જૂનું મકાન કર્યું ખાલી એવું તો ભાઈ ખાલી!
પછી ભમ્મરિયા ઘૂનામાં ન્હાવા પડ્યા,
પછી પાણીનો રંગ મને લાગી ગિયો,
પછી દોરી ઉપર ભીના લૂગડાની જેમ
મને સૂકવી દીધો સાવ સૂકવી દીધો.
પછી હરિયાની ઓસરીમાં પિંજારો બેઠો
ને રૂથી ભરાઈ જતા કોરા આકાશમાં
સૂરજનો સાવ ઝીણો તણખો પડ્યો ને
આગ લાગી, એવી તો ભાઈ, લાગી!
ઐ કાચો કુંવારો એક છોકરો હતો ને એક છોકરી હતી
***