બરફનાં પંખી/કાવ્યાભાસ
રાત્ય પછવાડે પ્હો થ્યું
હાલો હવે બૌ થ્યું.
ભાદરવાના તડકે ઊભો માનવ-મોલ સુકાય
મચ્છરના પડછાયા જેટલા સુખની ટાઢક થાય.
આંખ્ય ખંખેરી જોણક વેર્યાં
ઝળઝળિયાનાં ચશ્માં પહેર્યાં.
ટાવરિયામાં નૌ થ્યું
હાલો હવે બૌ થ્યું.
બૂંધુ વાસણ જિંદગી ઘોબાનો નહીં પાર
ઘોબો એક ઉપાડતાં પડતા ઘોબા ચાર
કુંજર કાને વાંસળી ને કીડી કાને ઢોલ
ગોકીરાની જાનમાં પડ્યા તોતડા બોલ.
એકલદોકલ સૌ થ્યું
હાલો હવે બૌ થ્યું.
લાપી પૂર્યે નવ ટળે જીવમાં પડી તિરાડ
સગપણ સાંધા તૂટતા; કણ સાંધા તે પ્હાડ !
સાગર ને મેાજાં વચાળ બખિયા મારો ચાર
જૂનાં અતલસ ફાટિયાં લાવ, રફૂગર બાર !
અગડં બગડં કૌ થ્યું
હાલો હવે બૌ થ્યું,
હવે ગમતું નથી અંતરિયાળ મને ઋષિરાયજી રે
મારે જોઈતો નથી અસબાબ હવે લાગું પાયજી રે
મારું ગામતરું સાવ એળે ગિયું ઋષિરાયજી રે
પગે થાકની ઘૂઘરીયું વાગ્યા કરે લાગું પાયજી રે
મારું પરબીડિયું લઈ જાવ તમે ઋષિરાયજી રે
કોરો કાગળ સંદેશામાં મેાકલિયો લાગું પાયજી રે
હાલો હવે બૌ થ્યું.
***