બરફનાં પંખી/દે તાલ્લી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
દે તાલ્લી

કે પાદરમાં ઝરમર વેરાય તને મળવું : દે તાલ્લી
કે વાતમાં મોરલાના ટહુકાનું ભળવું : દે તાલ્લી

કે ગીતમાં અધકચરી માણસતા વાગી : દે તાલી
કે પાનખર પાંદડાની જાળીએથી ભાગી : દે તાલ્લી

કે ડાંગરના ખેતર ઢોળાય તારા ઘરમાં : દે તાલ્લી
કે કેડીઓ સમેટાઈ ગઈ મુસાફરમાં : દે તાલ્લી

કે આંખ હજી ઉઘડી નથી ને પડ્યાં ફોતરાં : દે તાલ્લી
કે ગામને મેળે ખોવાઈ ગયાં છેાકરાં : દે તાલી

કે સમળીના ચકરાવા વિસ્તરતા ખોરડે : દે તાલ્લી
કે ચાંદરણા પડતા ખડીંગ દઈ ઓરડે : દે તાલ્લી

કે એકવાર અડકી ગઈ આંખ તારી મન્ને : દે તાલ્લી
કે એકવાર અટકી ગઈ વાત કહી અન્ને : દે તાલ્લી

કે ચોકમાં પીછું ખર્યું ને લોક દોડ્યા : દે તાલ્લી
કે લેણદાર એટલા વધ્યા કે ગામ છોડ્યાં : દે તાલ્લી

***