બરફનાં પંખી/કૂવામાં નાખી મીંદડી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
કૂવામાં નાખી મીંદડી

કૂવામાં નાખી મીંદડી તે આવી ખાલી હાથે રે....
આભ જઈને તળિયે બેઠું ઊંડા જળની સાથે રે....

સગડીમાં નાખ્યા કોલસાથી ઝગમગતું કાંઈ ફળિયું રે....
પવન ફૂંકાતા ઊડી ગયું રે શરીર જાણે નળિયું રે....

પ્રભાતિયા ગાયાના કંઠે પડ્યા ઉઝરડા બળતા રે....
રૂના પગલે આવી સાજણ, રૂના પગલે વળતા રે....

અબરખ જેવા દિવસો આવ્યા અબરખ જેવી રાતો રે....
કાગળ લખતી પેન્સિલ જેવી સાવ બટકણી વાતો રે....

દીવાદાંડીમાં ચક્કર દેતો દરિયો ઝગમગ ઝગમગ રે....
ઉધરસ ખાતી પથારિયુંમાં વાયુ ડગમગ ડગમગ રે....

છૂટી છવાઈ ઝુંપડિયુંમાં ફાનસ બળતાં ઝાંખાં રે....
છતરાયા જંગલમાં તમને જોયા આખે આખા રે....

નિહારિકાનું પૈડું મારા માથા ઉપર પડતું રે....
અણુબોંબના સાત ધડાકા જેવું ફૂલ ઉઘડતું રે....

કૂવામાં નાખી મીંદડી તે આવી ખાલી હાથે રે....
આભ જઈને તળિયે બેડું ઊંડા જળની સાથે રે....

***