બરફનાં પંખી/બાકસ ખોખું

બાકસ ખોખું

બાકસ ખોખું જિંદગી ને સળીઓ જેટલાં દુઃખ રે
ચૂલો સંધ્રુકતા ઊડે ધુમાડો વહુને લાગે ભૂખ રે

એક પગરખું મુસાફરી ને મુસાફરીમાં ખેતર રે
બે ખેતરવા જેટલે આઘે બોલતા ઝીણાં તેતર રે

ત્રણ ચોમાસાં સાવ કોરાડા જાય પછીના કૂવા રે
કાચ-કાગળિયા લખવા ટાણે ધૂણ્યા કલમના ભૂવા રે

ઢોલ નગારા વગાડી થાક્યાં લોક બિચારા ભોળા રે
શબ્દખોરના ઘડપણ પરથી હટે ન તીડનાં ટોળાં રે

નહીં વિચાર્યા પાપની કંઈ થપ્પી જેવડી જાત રે
ઢીંગલી આંખે ઉજાગરા જેટલી ઘરની વાત રે

***