બરફનાં પંખી/જે. પી.ની પંચોતેરમી વર્ષગાંઠ
Jump to navigation
Jump to search
જે. પી.ની પંચોતેરમી વર્ષગાંઠ
નવાઈ લાગે છે કે
એક બીમાર માણસે
કરોડો લોકોને રાતોરાત સાજાં કર્યાં
લોકશાહીની કિડની જ બગડી ગઈ એટલે
આખોય દેશ ઓગણીસ મહિના સુધી
સતત ડાયાલિસિસ પર રહ્યો.
તમે અમારા લોહીને ગાતું કર્યું
તમે અમારા લોહીને વહેતું કર્યું
તમે અમારા લોહીને ગાતું કર્યું
આજે અમારી નસોમાં લોહી વહેતું નથી
તમે વહો છો.
સત્તાનાં દસ માથાં
ને સત્યનું એક માથું
આ માથાંભારે દસ માથા સામે એક
નિર્દોષ માથું કેમ ટકી શકે?
છતાં ટક્યું.
કારણ કે આજે વિજયાદશમી છે.
અમારાં કરોડો માથાં તો કરફ્યુગ્રસ્ત હતાં.
અમારા વિચારો હાઈજેક થયા હતા
ભાષા તોતડી હતી
કાન લાઉડસ્પીકર થઈ ગયા હતા
ફાઉન્ટનપેનને લકવો થયો હતો.
નવાઈ લાગે છે કે
એક બીમાર માણસે
કરોડો લોકોને રાતોરાત સાજાં કર્યાં
***