બરફનાં પંખી/મને કોઈ વાંચશો નહીં

From Ekatra Foundation
Jump to navigation Jump to search
મને કોઈ વાંચશો નહીં

માછીમાર તો શરીરની જાળ ફેંકી જાણે.
ગભરુ માછલી તો માત્ર ફસાઈ જાણે.
ફસાવું ય ક્યાં સહેલું છે?
આ નખ જેવડી માછલીને
સમુદ્રનો ભાર ક્યાં લાગે છે?

હું ક્રેઈનથી પણ ન ઊંચકી શકાય
એવી ઝીણી માછલી થઈ ગયો છું.
એક શંખથી બીજે શંખ
એક કોડીથી બીજી કોડી
ફર્યા કરું છું.
જોયા કરું છું ન જોયાને.

આખા દિવસમાં
હું કેટલું જીવ્યો?
તેનો હિસાબ
આકાશના ચોપડે જોવો હોય તો
સાંજ ઢળ્યે
પશ્ચિમની ક્ષિતિજ ઉપર
મારા નામે
લાલ મીંડું મુકાઈ જાય છે.

હું નથી મીરાંબાઈ
હું માછલીબાઈ છું.
સમુદ્રમાં કાળી શાહીનો ખડિયો
ઢોળી નાખ્યા પછી
પાણીમાં જે ધાબું પડે
એ ધાબું તે મારો શ્યામ!
દૂસરો ન કોઈ…………

એક વાર જાપાનના દરિયાકિનારે
હું પકડાઈ ગઈ.
માછીમારે મને જાળમાંથી ઊંચકીને કહ્યું :
‘જો જીવવું હોય તો કલ્ચર મોતી પકાવ.’
મને કલ્ચર મોતી પકવતાં આવડતું નહોતું
એટલે હું રડવા લાગી.
કલ્ચર મોતી પકાવતી
બીજી માછલીઓએ
મારી ઠેકડી ઉડાડી,
ખી ખી ખી હસવા લાગી,
પૂંછડીઓ મારવા લાગી,
મારી આંખ તો આંસુથી ભરાઈ ગઈ
આંખના પાણીદાર મોતીને જોઈ
માછીમાર એવો તો ગેલમાં આવી ગયો કે
મને કાચની પેટીમાં પૂરી પોતાને ઘેર લઈ ગયો.

તે દિવસથી
હું માછલી મટીને આંસુનું કારખાનું બની ગઈ.
રોજ સવારે માછીમાર મારા માટે
નવી નવી યાતનાઓ લઈને આવે છે.
ધીમે ધીમે ક્રમશઃ
હું માછલીમાંથી લાઈબ્રેરી થતી જાઉં છું.
મારે લાઈબ્રેરી નથી થવું.
મારે માછલી રહેવું છે.
માટે મહેરબાની કરીને
મને કોઈ વાંચશો નહીં.
જો વાંચશો તો તમેય લાઈબ્રેરી થઈ જશો.
મારે માછલીહત્યા નથી કરવી.
સમુદ્રમાં તો સમુદ્રવત્ જિવાય.
માછલીવત્ ન જિવાય.
માછલીવત્ જીવવું હોય તો
એક્વેરિયમમાં જા.
લાઇબ્રેરીમાં જા.
સુખનો રોટલો ખા.
વરસાદ પડ્યા પછી
આ આથમતી સાંજની પીળાશમાં
મારો સફેદ કાગળ પણ પીળો થઈ ગયો છે.

વૃક્ષો પીળાં
પંખી પીળાં
પ્હાડ પીળા
હું ય પીળો.
જાણે કે ઈશ્વરને કમળો થયો!
પણ તમે કેમ સફેદનાં સફેદ રહ્યાં?
બધું જ પીળું થવા બેઠું છે ત્યારે
કાગળના ડૂચા હાથમાં લઈને
તમે શું ઊભાં છો?
સમુદ્ર ઉપરથી આવતા
ભેજવાળા પવનોમાં
ઘઉંની ફોતરી થઈને ઊંચકાઈ જાવ!
જેટલી સહેલાઈથી
માખીની તૂટેલી પાંખને
પવન ઊંચકી જાય છે
એટલી સહેલાઈથી
ઊંચકાઈ જવું અઘરું છે, ભાઈ!

***