બરફનાં પંખી/ઝીણાં ઝીણાં

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ઝીણાં ઝીણાં


ઝીણાં ઝીણાં રે આંકેથી અમને ચાળિયા
કાયા લોટ થઈને ઊડી
માયા તોય હજી ના છૂટી
ડંખે સૂની મેડી ને સૂનાં જાળિયાં!

સૂની ડેલીને જોઈ પૂછશો ન કોઈ કે અવસરિયાં કેમ નથી આવતા
પાંદડું તૂટે તો લોહી નીકળશે ડાળને એટલે તોરણ નથી બાંધતા

છાપરે ચડીને મારું જીવતર બોલે તો ઈ ને કાગડો જાણીને મા ઉડાડજો
કાયાની પૂણીમાંથી નીકળે જે તાર ઈને ખાંપણ લગીરે કોઈ પૂગાડજો
ઝીણાં ઝીણાં.......

એક રે સળીને ચકલી માળો માને તો ઈને રોકી શકાય નહીં
ઈરે માળામાં કોઈ ઈંડું મૂકે તો ઈને ફોડી શકાય નહીં
ઝીણાં ઝીણાં......

***