બરફનાં પંખી/પથ્થરની કાયામાં
પથ્થરની કાયામાં
મારી પથ્થરની કાયામાં વેલીનાં પાંદડાં ફરકે
પાલવમાં આળખેલા ફૂલને સુગંધ ફૂટી
પગલીથી ચિતરાયાં ફળિયાં
રમકડાંના મોરલા ગ્હેક્યા કરે ને ઊડ્યાં
વાદળાં બનીને મારાં નળિયાં
મારા કમખામાં ચોમાસું એવું બેઠું કે હવે
સહરાના કાંઠાયે છલકે
મારી પથ્થરની કાયામાં....
પંખા ઉપર કોઈ માળો ન બાંધશો
પંખો ફરશે ને વિખરાશે
રમકડાંના મોરલા ગ્હેકશે નહીં અને
ફળિયામાં પગલી ખોવાશે
મૃગજળ સીંચીને અમે ઉછેરી વેલ એનાં
પાંદડાંઓ ડાળમાંથી સરકે
મારી પથ્થરની કાયામાં વેલીનાં પાંદડાં ફરકે
***