બરફનાં પંખી/તેમ છતાં—

From Ekatra Foundation
Jump to navigation Jump to search
તેમ છતાં—

કોઈ શરૂઆતિયો માણસ
ભાષાની ઓસરીમાં
લથડિયા ખાતો ચાલે એમ
હું મારી એકલતાની મેડીના
પંદર પગથિયા
ચડું ને ઊતરું
આડી આવે બારી
બારી તો બંધ.
શું થાય!
સાંજ પડ્યે
આવી ચડઊતરના ધુમાડાથી
મારું આખ્ખુંયે અસ્તિત્વ
એટલું બધું ભરાઈ જાય કે
જાણે લાકડાની ધૂપદાનીમાં
હું ગુગળ થઈને બળતો ન હોઉં!
તેમ છતાં
મારી બરફની આંગળીઓએ
સૂરજને ચીતરવાનું સાહસ
હજી સુધી છોડ્યું નથી.

***