બરફનાં પંખી/સર્જક-પરિચય
જોશી, અનિલ રમાનાથ (જ. 28 જુલાઈ 1940, ગોંડલ; અ. 26 ફેબ્રુઆરી 2025, મુંબઈ) : ગુજરાતી કવિ, નિબંધકાર, કટારલેખક. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ ગોંડલ અને મોરબીમાં લીધું. અમદાવાદની એચ. કે. આર્ટ્સ કૉલેજમાંથી 1964માં ગુજરાતી તથા સંસ્કૃત વિષયો સાથે બી.એ. થયા. 1962થી 1969 દરમિયાન હિંમતનગર અને અમરેલીમાં શિક્ષક રહેલા. પછી મુંબઈમાં ‘કૉમર્સ’ના તંત્રી વાડીલાલ ડગલીના અંગત સહાયક તરીકે 1971થી 1976 સુધી સેવાઓ આપી. 1976–77માં ત્યાં જ પરિચય ટ્રસ્ટમાં સહસંપાદક રહ્યા. 1977થી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ‘લૅંગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ’માં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર હતા.
‘કદાચ’ (1970) અને ‘બરફનાં પંખી’ (1981) એમના કાવ્યસંગ્રહો છે. સાતમા-આઠમા દાયકાના નવતર કવિઓમાં અનિલ જોશીનું મહત્ત્વનું સ્થાન રહ્યું છે. 1960 પછી કવિતામાં આધુનિક વલણો દેખાયાં અને વિસ્તર્યાં ત્યારે ગીતને પણ આધુનિકતાનો સંસ્પર્શ થયો. ગુજરાતી ગીતમાં આધુનિકતાનો એવો ઉન્મેષ અનિલ જોશીનાં ગીતોમાં પમાયો. પરંપરાગત ગુજરાતી ગીતને એમણે દૃઢ તર્ક વગેરેમાંથી મુક્ત કર્યું. મર્યાદિત ભાવ-અર્થબોધના પ્રણાલિકાગત સંદર્ભોમાંથી પણ અનિલ જોશીને હાથે ગીત મુક્તિ પામે છે. ગીતના પરંપરાબદ્ધ સ્વરૂપને સાચવીને આ કવિએ ગીતમાં આધુનિકતા આણવાના સફળ પ્રયોગો કર્યા છે. ‘સાગમટે’ (2023) એમની સમગ્ર કવિતાનો સંગ્રહ છે.
‘રંગ સંગ કિરતાર’ (2005)માં એમનાં ચિંતનાત્મક લખાણો છે. ‘અનિલ જોશીની કેટલીક વાર્તાઓ’ એમનું વાર્તા સંપાદનનું પુસ્તક છે. ‘સ્ટૅચ્યૂ’ (1988) અને ‘પવનની વ્યાસપીઠ’ (1988) એમના અંગત તથા લલિત નિબંધોના સંગ્રહો છે. ‘જળની જન્મોતરી’, ‘ઓરાં આવો તો વાત કરીએ’ (2002) અને ‘ઊર્મિનો ઓચ્છવ’, ‘શબ્દનો સહવાસ’ (2005), ‘બોલપેન’, ‘બારીને પડદાનું કફન’, ‘દિવસનું અંધારું છે.’ વગેરે એમના અન્ય નિબંધસંગ્રહો છે. ‘ગાંસડી ઉપાડી શેઠની’ (2023) એમની નિખાલસ આત્મકથા છે. ‘જન્મભૂમિ-પ્રવાસી’ આદિ વર્તમાનપત્રોમાં લખાયેલા આ નિબંધો ગદ્યકાર અનિલ જોશીનો પરિચય કરાવે છે. ‘સ્ટૅચ્યૂ’ સંગ્રહને 1990નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક મળ્યું છે. 2010માં નરસિંહ મહેતા ઍવૉર્ડથી સન્માનિત થયા છે. ‘બરફનાં પંખી’ને જયન્ત પાઠક પારિતોષિક મળ્યું છે.
— મણિલાલ હ. પટેલ
(‘ગુજરાતી વિશ્વકોશ'માંથી ટૂંકાવીને)