બરફનાં પંખી/મુક્તિ
મુક્તિ
જળથી છૂટા વ્હાણ તરે
ને વ્હાણથી છૂટા શઢ
શઢથી છૂટું લૂગડું ઊડે
ને લૂગડે ઢાંક્યા ગઢ
ગઢથી છૂટી કાંકરી ખરે
ને આભથી છૂટા ખગ
ખગથી છૂટું પીંછડું ઊડે
ને ચાલથી છૂટા પગ
આંખથી છૂટું જોણ ઊભું
ને હાથથી છૂટા કામ
નાકથી છૂટો વાયરો વાતો
ને જીવથી છૂટા રામ
***