બરફનાં પંખી/બહારવટિયાનું ગીત
Jump to navigation
Jump to search
બહારવટિયાનું ગીત
મારા નામે ચોકડી હું તો ચોકડિયાળો જીવજી
બકરી કંઠે આંચળ પકડી લટકે સત્યમ્ શિવજી
ખાલી અમથું પકડી રાખ્યું પારા જેવું કરમાંજી
ભાષાનું ખાંપણ ઓઢીને લાશ પડી ગઈ ઘરમાંજી
ધિંગાણાની ગમાણમાંથી બકરી બોલી ગાંધીજી
કલ્પવૃક્ષની ડાળે કોણે જાસાચિઠ્ઠી બાંધીજી
ચણોઠીઓના ઢગલે દાઝ્યા કૈંક કવિના કિત્તાજી
શબ્દોમાં હું એમ પ્રવેશ્યો જેમ આગમાં સીતાજી
હજીયે કાળી કોતર વચ્ચે આંખ ફફડતી રાતીજી
સાંઢણીઓના વેગે ધબકે પવન ભરેલી છાતીજી
કાયમ માટે બંધ ભલેને હોય ગામનો ઝાંપોજી
શબ્દોના કાગળિયે મેં તો અક્ષર પાડ્યો ઝાંખોજી
મારા નામે ચોકડી હું તો ચોકડિયાળો જીવજી
બકરી કંઠે આંચળ પકડી લટકે સત્યમ્ શિવજી
***