બરફનાં પંખી/કવિ વિનાનું ગામ

કવિ વિનાનું ગામ

પ્હાડ ફરીને પાછા વળતા પ્હાડ મૂકીને આવ્યા
પરોઢનું ઝાંખું અજવાળું ખાલી હાથે લાવ્યા
કુંજડીઓના હારબંધ ટહુકાની બારી ખુલ્લી
સૂર્ય ડોકિયું તાણે ત્યાં તો ઝળહળ ઝાકળ ઝૂલી
અંધકારનો ભણકારો થઈ ભમરો ફોરમ દોરે
સવારના ચહેરા પર બેસી અજવાળાને કોરે
કોરાતે અજવાળે ઊભાં રહીને પર્વત કાંખે
ખોબે ખોબે ધુમ્મસ પીધું પતંગિયાની પાંખે
ધુમ્મસ પીને ઝાંખી પાંખી એકલતાને ટેકે
ઢાળ ઊતરી ઊભાં આવીને પલાશવનની મ્હેકે
પલાશવન તો જાય દોડતું ક્યાંય લગી હરણોમાં
પર્વત આખો થાકે મ્હારા થંભેલા ચરણોમાં
મનમાં એવું થાય કે પૂગું પ્હાડ મૂકી સૂમસામ
અવાજના જંગલમાં ભટકે. કવિ વિનાનું ગામ

***