બહુવચન/એક જાપાનવાસી અને એક પૃચ્છક વચ્ચે ભાષા પર એક સંવાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
Bahuvachan Photo 13.jpg


એક જાપાનવાસી અને એક પૃચ્છક વચ્ચે ભાષા પર એક સંવાદ
માર્ટિન હાય્‌ડેગર

જાપાની : કાઉન્ટ કૂકીને તો તમે જાણો જ છો. તેમણે કેટલાંક વર્ષ તમારી પાસે અભ્યાસ કરેલો. પૃચ્છક : મારી સ્મૃતિમાં કાઉન્ટ કૂકીનું સ્થાન ચિરકાલીન રહેશે. જા : એમનું ઘણી નાની વયે અવસાન થયું. એમના ગુરુ નિશિદાએ એમનો સ્મારકલેખ લખ્યો છે. પોતાના વિદ્યાર્થીને ભવ્ય અંજલિ આપતા એ લેખને લખતાં એમને એક વરસ લાગેલું. પૃ : મારી પાસે કૂકીની સમાધિની અને એ સમાધિ જ્યાં આવેલી છે એ વૃક્ષરાજિની તસવીરો છે, તેનો મને આનંદ છે. જા : જરૂર, ક્યોતોમાંની દેરાવાળી વૃક્ષરાજિને હું જાણું છું. મારા મિત્રોમાંના ઘણા સમાધિની મુલાકાતે જવા અવારનવાર મારો સંગાથ કરતા હોય છે. ધર્માચાર્ય હોનેનએ બારમી શતાબ્દીની આખરમાં તે વખતના રાજાશાહી શહેર ક્યોતોમાંની પૂર્વ તરફની ટેકરી પર એ ઉપવનની, ચિંતન-મનના એક સ્થળરૂપે સ્થાપના કરી. પૃ : અકાળે અવસાન પામેલી આ પ્રતિભા માટે દેરાવાળી એ વૃક્ષરાજિ શોભતું સ્થાન બની રહ્યું છે. જા : કૂકીનું સમગ્ર ચિન્તન જાપાની પ્રજા જેને આઇકિ તરીકે જાણે છે તેને સમર્પિત થયેલું હતું. પૃ : કૂકી સાથેના મારા સંવાદ દરમિયાન હું એ શબ્દ શું કહેવા માગે છે એની દૂરની ઝાંખી સિવાય વિશેષ કશું પ્રાપ્ત કરી શક્યો નથી. જા : યુરોપથી પાછા ફર્યા પછી કાઉન્ટ કૂકીએ ક્યોતોમાં જાપાની કલા અને કવિતાની સૌંદર્યમીમાંસા પર વ્યાખ્યાનો આપેલાં. આ વ્યાખ્યાનો ગ્રંથસ્વરૂપે પ્રગટ થયાં છે. આ ગ્રંથમાં તેઓ યુરોપની સૌંદર્યમીમાંસાની મદદ વડે જાપાની કલાની પ્રકૃતિની સમજણ પ્રાપ્ત કરવા કાળજીપૂર્વક વિચારણા કરવાનો પ્રયાસ કરે છે. પૃ : પણ આવા પ્રયાસમાં, શું આપણે સૌંદર્યમીમાંસા તરફ વળી શકીએ ખરા? જા : કેમ નહિ? પૃ : “સૌંદર્યમીમાંસા” સંજ્ઞા અને એ સંજ્ઞા જેનો ફોડ પાડે છે એ યુરોપીય વિચારણામાંથી, યુરોપીય ફિલસૂફીમાંથી વિકસેલું છે. એમ હોવાથી, સૌંદર્યમીમાંસાપરક વિચારણા પૂર્વ-એશિયાઈ ચિન્તન માટે પરાઈ ભૂમિ જ બની રહેવાની. જા : તમે સાચા છો, એમાં શંકાને કોઈ સ્થાન નથી. તેમ છતાં અમારે જાપાનીઓએ સૌંદર્યમીમાંસાને અમારી મદદે આવવા હાકલ કરવી જ પડે. પૃ : શેના વડે? જા : જેની અમને ખેવના છે એ કળા અને કવિતાને સમજવા માટે સૌંદર્યમીમાંસા વિભાવનાઓ પૂરી પાડતું હોય છે. પૃ : તમને વિભાવનાઓની જરૂર પડે ખરી? જા : આમ જુઓ તો હા, કારણ કે જ્યારથી અમારે યુરોપીય ચિંતનપદ્ધતિનો મુકાબલો કરવાનો આવ્યો છે ત્યારથી અમારી ભાષાની અમુક અસમર્થતા છતી થઈ છે. પૃ : કઈ રીતે? જા : એકબીજાની ઉપરનીચે અસંદિગ્ધ ક્રમમાં ગોઠવાયેલી વસ્તુઓની સમ્બન્ધમૂલક રજૂઆત કરવા માટે જરૂરી એવી સીમાંકન શક્તિની અમારી ભાષામાં ન્યૂનતા વર્તાય છે. પૃ : આ ન્યૂનતાને તમે ગંભીરતાર્પૂક તમારી ભાષાની અધૂરપ તરીકે ઓળખાવો છો? જા : પૂર્વ-એશિયાઈ વિશ્વના યુરોપીય વિશ્વ સાથેના મુકાબલામાંથી છટકી શકાય એમ નથી એ વાત ધ્યાનમાં રાખતાં એવું લાગે છે કે તમારો પ્રશ્ન ચોક્કસ સૂક્ષ્મ ચિંતન માગી લે છે. પૃ : અહીં તમે એક વિવાદાસ્પદ પ્રશ્નને છંછેડી રહ્યા છો. આ પ્રશ્ન અંગે મેં ઘણી વાર કાઉન્ટ કૂકી સાથે ચર્ચા કરી છે. એ પ્રશ્ન છે : પૂર્વ-એશિયાઈ લોકો યુરોપીય વિભાવનાઓને પામવા તેની પૂંઠે પડે એ શું જરૂરી અને વ્યાજબી છે ખરું? જા : વિશ્વનો એકેએક ખંડ તકનિકીકરણ અને ઔદ્યોગીકરણના શરણે જઈ રહ્યો હોય એ સંજોગોમાં એમાંથી ઊગરવાનો કોઈ માર્ગ રહેતો નથી એવું જણાય છે. પૃ : તમે ખૂબ સાવધાનીપૂર્વક બોલી રહ્યા છો, તમે કહો છો “...એવું જણાય છે...” જા : સાચી વાત છે. પૂર્વએશિયાના અસ્તિત્વના દૃષ્ટિકોણથી જોતાં હજી એ શક્યતા રહે છે કે જે તકનિકીજગત અમારા પર સપાટો બોલાવી રહ્યું છે એ કેવળ સપાટી પૂરતું જ મર્યાદિત રહેવું જોઈએ. મને... એ... પૃ : ...એને કારણે જ, સઘળું આત્મસાત્‌ કર્યા પછી પણ અને સઘળું એકબીજામાં ભળી ગયું હોવા છતાં પણ યુરોપીય અસ્તિત્વ સાથેનો સાચો મુકાબલો તો થતો જ નથી. જા : કદાચ એવો મુકાબલો થઈ શકે પણ નહીં. પૃ : શું આપણે આવો દાવો કોઈ પણ પ્રકારની શરત વગર કરી શકીએ ખરા? જા : એવું સાહસ ખેડનાર હું છેલ્લો હોઈશ. જો એમ ન હોત તો હું જર્મની આવ્યો ન હોત. કિન્તુ, મને સતત એક દહેશત રહ્યા કરે છે, જે કાઉન્ટ ફૂકી પણ ટાળી શક્યા ન હતા. પૃ : તમે કઈ દહેશતની વાત કરી રહ્યા છો? પૃ : મને એવી દહેશત છે કે યુરોપીય ભાષાઓના પ્રાણમાં જ પડેલી વિભાવનાઓની સમૃદ્ધિથી અંજાઈ જઈને અમે ક્યાંક અવળે માર્ગે ચડી જઈશું અને જેનો અમારા અસ્તિત્વ પર દાવો છે એને અમે ધૂંધળું અને આકારહીન માનીને તુચ્છ ગણી કાઢીશું. પૃ : એના કરતાં પણ એક બીજું મોટું સંકટ ઝળૂંબી રહ્યું છે. એ સંકટને આપણા બેઉની સાથે નિસબત છે; એ સંકટ ઝટ નજરે ન ચડે એ રીતે વિકરાળ બનતું જઈ રહ્યું છે. જા : એ કઈ રીતે? પૃ : આપણને સંદેહ સરખો ન હોય એવા પ્રદેશમાંથી આ સંકટ તોળાઈ રહ્યું છે; અને બરાબર એ જ પ્રદેશમાં આપણે એ સંકટનો અનુભવ કરવાનો છે. જા : ત્યારે તો તમને એનો અનુભવ થઈ ચૂક્યો છે એવું લાગે છે નહિ તો તમે એને ચીંધી દેખાડ્યું ન હોત. પૃ : આ સંકટનો હજી મને પૂરેપૂરો અનુભવ થયો નથી; પણ કાઉન્ટ કૂકી સાથેના સંવાદમાંથી મને એ સંકટની ગંધ આવી ગઈ હતી ખરી. જા : એના બારામાં તમારે એમની સાથે કોઈ વાત થઈ હતી ખરી કે? પૃ : ના. એ સંકટ અમારા સંવાદમાંથી ઊભું થયું હતું જેમાં એ સ્વયં સંવાદરૂપ હતું. જા : તમે શું કહેવા માગો છો તે મને સમજાતું નથી. પૃ : અમારી વચ્ચેના સંવાદો ઔપચારિક કે શાસ્ત્રાર્થ સ્વરૂપના ન હતા. જ્યારે પણ એ પ્રકારનું સંકટ દેખાતું, ખાસ ખરીને સેમિનારોમાં, ત્યારે કાઉન્ટ કૂકી મૌન રહેતા. હું જે સંવાદની વાત કરું છું એ સંવાદો મારા ઘેર થતા, એ સ્વયંસ્ફૂર્ત ક્રીડાની જેમ. કાઉન્ટ કૂકી પ્રસંગોપાત્ત એમનાં પત્નીને પણ સાથે લઈ આવતા. તે વખતે તેઓ વાર-તહેવારે પહેરાતો પોશાક પહેરતાં. એ યુગલ પૂર્વએશિયાઈ વિશ્વને ઉજ્જ્વળતાથી ઉપસ્થિત કરતું. એ સાથે જ અમારી વચ્ચેના સંવાદનું સંકટ વધારે સ્પષ્ટતાપૂર્વક દેખાઈ આવતું. જા : હજી મને તો તમે શું કહેવા માગો છો એ સમજાતું નથી. પૃ : હું જે સંવાદના સંકટની વાત કરું છું એ સંવાદનું સંકટ સ્વયં ભાષામાં જ નિહિત હતું, અમે જેના વિશે ચર્ચા કરતા હતા એમાં કે અમે જે રીતે કરી રહ્યા હતા એમાં એ ન હતું. જા : પણ, કાઉન્ટ કૂકીનું તો જર્મન, ફ્રેંચ અને અંગ્રેજી ભાષા પર અસાધારણ પ્રભુત્વ હતું, ખરું કે નહિ? પૃ : બેશક. તેઓ જેની ચર્ચા કરવામાં આવી રહી હોય એના વિશે સઘળું યુરોપીય ભાષામાં કહી શકતા હતા. પણ, અમે આઈકિની ચર્ચા કરતા હતા; અને અહીં આગળ મારા માટે જાપાની ભાષાના પ્રાણમાં પ્રવેશ કરવા માટેનાં દ્વાર બંધ હતાં. તે આજ દિવસ સુધી બંધ છે. જા : સંવાદની ભાષાઓએ દરેક વાતને યુરોપીય રંગરૂપમાં ફેરવી નાખેલી. પૃ : તેમ છતાં એ સંવાદે પૂર્વ-એશિયાઈ કલા અને કવિતાની મૂળગત પ્રકૃતિ અંગે કહેવાનો પ્રયત્ન તો કર્યો જ હતો. જા : હવે મને વધારે સારી રીતે સમજાય છે કે તમને સંવાદના સંકટની ગંધ ક્યાં આવેલી. સંવાદની ભાષા સંવાદ શેના વિશેનો છે એની વાત કરવાની શક્યતાઓને સતત નષ્ટ કરતી હતી. પૃ : થોડા વખત પહેલાં મેં જરાક અણઘડ રીતે રહ્યું હતું કે ભાષા સત્તા (Being)નું નિવાસસ્થાન છે. જો માણસ પોતાની ભાષાને લઈને સત્તા (Being)ની આણ વર્તતી હોય તેમાં રહેતો હોય તો એવું કહી શકાય કે અમે યુરોપવાસીઓ પૂર્વ-એશિયાવાસીઓ કરતાં તદ્દન જુદા જ નિવાસસ્થાનમાં વસીએ છીએ. જા : જો આપણે એવું ધારી લઈએ કે આપણી ભાષાઓ કેવળ અલગ છે એમ જ નહિ, બન્નેના સ્વભાવ પણ એકબીજાથી ઇતર છે અને તે પણ ધરમૂળથી જ. પૃ : અર્થાત્‌, એક ઘર અને બીજા ઘર વચ્ચે સંવાદ થવો લગભગ અશક્ય છે. જા : “લગભગ” કહીને તમે સાચા ઠર્યા છો. કેમ કે કે કાઉન્ટ કૂકીએ ક્યોતો યુનિવર્સિટીમાં અમને જે કાર્યશાળાઓ આપેલી એમાં એ બધા સંવાદની તેઓ વારંવાર વાત કરતા. તમારી પાસે અભ્યાસ કરવા જર્મની આવવા માટે તેઓ કેમ પ્રેરાયા એ વિશે સ્પષ્ટતા કરવા જ્યારે અમે એમના પર દબાણ કરતા ત્યારે આવું અચૂક બનતું. તમારું પુસ્તક “Being and Time” “સત્તા અને સમય” ત્યારે પ્રગટ થયું ન હતું. પણ, પ્રથમ વિશ્વયુદ્ધ પછી કેટલાક જાપાની પ્રોફેસર્સ, જેમાં અમારા આદરણીય પ્રોફેસર તાનાબેનો પણ સમાવેશ થાય છે. એ પણ હુસેર્લના હાથ નીચે ફિનોમિનોલોજીનો અભ્યાસ કરવા માટે ફ્રેઇબુર્ગ ગયેલા. એ રીતે અમારા દેશબાંધવોને તમારો પ્રત્યક્ષ પરિચય થયેલો. પૃ : તમે કહો છો એવું જ તે વખતે હતું. એ દિવસોમાં હું, હુસેર્લના એક મદદનીશ તરીકે, જાપાની મહાનુભાવો સાથે, સપ્તાહમાં એક વાર, નિયમિતપણે હુસેર્લની પહેલી મુખ્ય કૃતિ “The Logical Investigation” વાંચતો હતો, ત્યાં સુધીમાં માસ્ટરમશાયને એ કૃતિ માટેનો ઊંચો અભિપ્રાય રહ્યો ન હતો. એ કૃતિ બે સદીઓના સંધિકાળ દરમિયાન પ્રગટ થઈ હતી. પણ, ફિનોમિનોલોજીનો પ્રાથમિક પરિચય પામવા આ પુસ્તકની પસંદગી કરવા પાછળ મારાં પોતાનાં કારણો હતાં. અને માસ્ટરમશાયે મારી એ પસંદગીને ઉદાર દિલે નભાવી લીધી હતી. જા : એ અરસામાં જ – હું માનું છું ત્યાં સુધી ૧૯૨૧માં – અમારા પ્રોફેસરોએ તમે જે ક્લાસ આપેલા તેમાં હાજરી આપેલી. એ બધા જાપાન પાછા ફર્યા ત્યારે તમારાં વ્યાખ્યાનોના અનુલેખ (ટ્રાન્સસ્ક્રિપ્ટ્‌સ) પણ સાથે લાવેલા. મારી ભૂલ ન થતી હોય તો એ અનુલેખોનું શીર્ષક હતું “અભિવ્યક્તિ અને આવિર્ભાવ” (Expression and Appearance). પૃ : અભ્યાસક્રમનું નામ તો એ જ હતું. પ્રોફેસર કૂકી મારી પાસે મારબુર્ગ આવ્યા એની પાછળ કોઈ ચોક્કસ કારણો હોવાં જોઈએ. જા : સાચે જ, અને મને લાગે છે કે એ કારણોનાં મૂળ તમે આપેલા એ અભ્યાસક્રમમાં પડેલાં છે જેના અનુલેખ જાપાનમાં બીજે બધે પણ ખાસ્સા જેવા ચર્ચાયા હતા. પૃ : અનુલેખ તો આમેય ખરડાયેલા સ્ત્રોત ગણાય; વિશેષ તો એ કે એ અભ્યાસક્રમ ઘણો અપૂર્વ હતો. તેમ છતાં ક્યાં લઈ જશે એની મને ખબર ન હોવા છતાં એવા માર્ગ પર ચાલવા માટેના પ્રયત્નો કરવાની એમાં ઝડપ હતી. મને એ માર્ગનાં સૌથી વધુ નિકટનાં તદ્દન ટૂંકા વ્યાપનાં પરિપ્રેક્ષ્યોની જ જાણ હતી, કારણ કે જ્યારે ક્ષિતિજ સતત સ્થાનાંતર કરતી હતી અને ડગલે ને પગલે વધુ ને વધુ અંધકારમય થતી જતી હતી ત્યારે એ પરિપ્રેક્ષ્યો મને એકધારો ઈશારો કરીને એમની સમીપ જવા માટે બોલાવી રહ્યાં હતાં. જા : મારા દેશબાંધવોને આ વાતનો ખ્યાલ આવી ગયો હોવો જોઈએ. ફરી ફરીને એવું કહેવાઈ રહ્યું હતું કે તમારા પ્રશ્નો ભાષાની અને સત્તાની (બીઈંગની) સમસ્યાઓની આસપાસ ઘૂમરાઈ રહ્યા હતા. પૃ : વાસ્તવમાં, આ વાત સમજવી ખાસ મુશ્કેલ કામ ન હતું, કારણ કે છેક ૧૯૧૫માં, મારા ડિઝર્ટેશનના શીર્ષક ‘Duns Scotus’ Doctrine of Categories and Theory of Meaning”માં જ બે પરિપ્રેક્ષ્ય દૃષ્ટિગોચર થઈ ગયાં હતાં : “Doctrine of categories” વ્યક્તિમત્તાઓની સત્તા પરની ચર્ચાનું રાબેતા મુજબનું નામ હતું : “Theory of meaning” એટલે કે grammatica speculative, સત્તા સાથેના ભાષાના સંબંધ પરનું પરાભૌતિકશાસ્ત્રપરક ચિન્તન હતું. પરંતુ, તે વખતે આ બધા સંબંધો મારા માટે અસ્પષ્ટ હતા. જા : એટલે જ તમે બાર વરસ સુધી મૌન પાળેલું. પૃ : ૧૯૨૭માં પ્રગટ થયેલું મારું પુસ્તક “Being and Time (સત્તા અને સમય)” મેં હુસેર્લને અર્પણ કરેલું, કારણ કે ફિનોમિનોલોજીએ આપણને માર્ગની શક્યતાઓ બતાવેલી. જા : તેમ છતાં મને લાગે છે કે “ભાષા અને સત્તા”નું પાયાનું વિષયવસ્તુ એ પુસ્તકની પશ્ચાદ્‌ભૂમાં રહેલું જ હતું. પૃ : એ વિષયવસ્તુ તો તમે જે ૧૯૨૧ના અભ્યાસક્રમનો નિર્દેશ કર્યો એમાં પણ રહેલું જ હતું. કવિતા અને કળાના પ્રશ્નને પણ એ જ વાત લાગુ પાડી શકાય. અભિવ્યક્તિવાદના એ દિવસોમાં આ બધા પ્રદેશો મારી સમક્ષ જ હતા. પણ એથી વિશેષ તો, પહેલા વિશ્વયુદ્ધની પહેલાંના મારા વિદ્યાર્થીકાળના દિવસોથી જ હ્યોલ્ડરલીન અને ટ્રાકલની કવિતાઓ મારી સમક્ષ હતી. અને એથી પણ પહેલાં મારા હાઇસ્કૂલનાં વરસો દરમિયાન – જો તારીખ આપીને વાત કરું તો ૧૯૦૭ના ઉનાળાના સત્રમાં, હુસેર્લના શિક્ષક ફ્રાન્ઝ બ્રન્ટાનોના ડિઝર્ટેશનમાં હું સત્તાના પ્રશ્નના સંપર્કમાં આવેલો. એ ડિઝર્ટેશનનું શીર્ષક હતું : “On the manifold meaning of being according to Aristotle” અને એ પ્રગટ થયું હતું ૧૮૬૨માં. આ પુસ્તક અને મારા પિતાતુલ્ય મિત્ર અને સાથી સ્વેબીયન ડૉ. કૉનરાર્ડ ગ્રોબર તરફથી ભેટ મળેલું, જે પાછળથી ફ્રેઇબુર્ગ ખાતે આર્કબિશપ બનેલા. પછી તેઓ કૉન્સટન્સના ટ્રિનિટી ચર્ચના વિકાર બનેલા. જા : એ પુસ્તક હજી તમારી પાસે છે ખરું? પૃ : આ રહ્યું તમારે જોવા અને એના પહેલા પાને જ હસ્તાક્ષરથી લખેલા આ મુજબના લખાણને વાંચી જવા સારુ : “મારા હાઈસ્કૂલના દિવસો દરમિયાન ગ્રીક ફિલસૂફીના પ્રથમ માર્ગદર્શક”. તમને હું આ બધું તમારા પર એવી છાપ પાડવા માટે નથી કહેતો હોતો કે આજે હું જે પ્રશ્નો પૂછી રહ્યો છું એ બધા પ્રશ્નોની મને ક્યારનીય જાણ હતી. પણ હું તો તમને એક બાબતની પુષ્ટિ આપવા માગું છું જર્મન ભાષાના પ્રોફેસર તરીકે તમે જર્મન સાહિત્યને પ્રેમ કરો છો અને તે હ્યોલ્ડરલીનના કાર્યને, ખાસ કરીને એના “ધ ર્‌હાઇન” નામના સ્તોત્રના ચોથા સ્તબકના પ્રારંભમાં એ જે કહે છે તે તમે બરાબર જાણો છો. એ કહે છે : “પ્રારંભે તમે જેવા હશો, તેવા તમે છેક સુધી રહેશો.” જા : ભાષાની તેમ જ સત્તાની ખોજ એ કદાચ તમારા પર પડેલા એ પહેલા કિરણની સોગાત છે. પૃ : આવી સોગાત પોતાને મળી છે એવો દાવો કરવાની હિંમત કોની ચાલે વારુ? હું તો કેવળ એક વાત જાણું : ભાષા અને સત્તા પરના ચિન્તને બહુ શરૂઆતથી જ મારો માર્ગ નક્કી કરી નાખેલો, એમ હોવાથી મેં જે કંઈ કામ કર્યું છે એની પશ્ચાદ્‌ભૂમાં એની ચર્ચા હંમેશાં રહેલી છે. “Being and Time”માં જો કોઈ પાયાની ઊણપ હોય તો એ કે મેં ખૂબ વહેલા ખૂબ દૂર જવાનું સાહસ કર્યું હતું. જા : જોકે, ભાષા વિશેના તમારા વિચારો વિશે ભાગ્યે જ એવું કહી શકાય. પૃ : ઓછે અંશે પણ તમારી વાત સાચી છે, કેમ કે મારું ડોક્ટરલ ડિઝર્ટેશન પૂરું થયા પછી વીસ વરસે મેં ભાષાનો પ્રશ્ન વર્ગમાં છેડવાની હામ ભીડેલી. એ જ અરસામાં મેં વર્ગમાં હ્યોલ્ડરલીનનાં સ્તોત્રોનાં પ્રથમ અર્થઘટનો જાહેર કરેલાં. ૧૯૩૪ના ગ્રીષ્મ સેમિનારમાં મેં “Logic” શીર્ષક હેઠળ એક વ્યાખ્યાનશ્રેણી આપેલી. વાસ્તવમાં, એ વ્યાખ્યાનોમાં મેં logos પર ચિન્તન વ્યક્ત કરેલું. એમાં મેં ભાષાની પ્રકૃતિને પામવાનો પ્રયાસ કરેલો. તેમ છતાં હું વિચારી રહ્યો હતો એ કહેવા માટે મેં લગભગ દસ વરસ લીધાં – એ વિચારણા માટે બંધબેસતો શબ્દ આજે પણ મને જડતો નથી. ભાષાની પ્રકૃતિના પ્રશ્નનો જવાબ મેળવવા માટે વિચારણા જે પરિશ્રમ કરી રહી છે તેનું ભાવિ, એની સઘળી વ્યાપકતા સમેત, આજે પણ આવરણમાં ઢંકાયેલું છે. એમ હોવાને કારણે ભાષાની પ્રકૃતિ વિશે હું જે વિચારવા મથી રહ્યો છું એ પૂર્વ-એશિયાની ભાષાની પ્રકૃતિ માટે પણ પર્યાપ્ત હશે કે કેમ; અને આખર જતાં – જે કદાચ આરંભ પણ હોય – ભાષાની પ્રકૃતિ એક એવો વિશ્વાસ જગાડી આપતી હોય કે યુરોપીય-પશ્ચિમી કથનને તેમ જ પૂર્વ-એશિયાના કથનને એવા એક સંવાદમાં મૂકી આપતી હોય જેમાં એક જ સ્રોતમાંથી ઉદ્‌ગમ પામેલાં ઝરણાંની જેમ શ્રવણમધુર કશુંક ગુંજી ઊઠતું હોય, એવી ચિન્તનમૂલક અનુભૂતિ સુધી ભાષાની પ્રકૃતિ પહોંચી શકશે કે કેમ એ હું હજી જોઈ શકતો નથી. જા : કિન્તુ, એ એક એવો સ્રોત છે જે બેઉ ભાષાવિશ્વોથી હજુ આવરણમાં ઢંકાયેલો રહ્યો હોય. પૃ : એ જ તો હું કહેવા માગું છું. એટલા માટે જ તમારી મુલાકાત મારા માટે વિશેષરૂપે આવકાર્ય છે. તમે ક્લેઇસ્ટનાં કેટલાંક નાટકો અને હ્યોલ્ડરલીન પરનાં મારાં કેટલાંક વ્યાખ્યાનોનો જાપાની ભાષામાં અનુવાદ કરી ચૂક્યા છો, તમારી પાસે ત્રીસેક વરસ પહેલાં મેં તમારા દેશબાંધવો સાથે જે પ્રશ્નોની ચર્ચા કરી હતી એ પ્રશ્નોને સાંભળવા માટે સરવા કાન છે. જા : તમારે મારા ગજા વિશે ઊંચો આંક બાંધવો નહિ જોઈએ, ખાસ કરીને હું જ્યારે જાપાની કવિતામાંથી આવતો હોઉં ત્યારે. મને હજી પણ યુરોપીય કવિતાની એની મૂળગત પ્રકૃતિને ન્યાય આપી શકે એવો પ્રતિસાદ આપવામાં મુશ્કેલી પડે છે. પૃ : આપણા સંવાદ માટે જર્મન ભાષાનો વિનિયોગ કરવામાં રહેલું જોખમ જોકે, અનિવાર્યપણે કાયમ જ રહે છે, તેમ છતાં મને લાગે છે કે એ દરમ્યાન મેં થોડુંક વધુ શીખી લીધું છે, જેથી કેટલાક દાયકાઓ પહેલાં હું જે રીતે પ્રશ્નો પૂછતો તેના કરતાં અત્યારે વધારે સારી રીતે પ્રશ્નો પૂછી શકું છું. જા : તે વખતે, મારા દેશબાંધવો, વર્ગ પૂરો કર્યા પછી તમારી સાથે જે સંવાદ કરતા એમાં તે અલગ જ દિશામાં જતા. પૃ : તેથી હું તમને હવે એક પ્રશ્ન પૂછું છું : જાપાની પ્રોફેસરો, અને ખાસ કરીને પાછળથી કાઉન્ટ કૂકી પણ, પેલી ટ્રાન્સસ્ક્રિપ્ટને આટલું બધું મહત્ત્વ શા માટે આપતા હતા? જા : હું કેવળ કૂકીના ખુલાસાઓનો અહેવાલ આપી શકું. એ ખુલાસા મને હજી પૂરા સ્પષ્ટ થયા નથી, કેમ કે તમારી વિચારપદ્ધતિનાં લક્ષણોની વાત કરતી વખતે એ વારંવાર “અર્થઘટનશાસ્ત્ર” અને “અર્થઘટનપરક” જેવી સંજ્ઞાઓનું આવાહન કરતા. પૃ : મને યાદ છે ત્યાં સુધી મેં આ સંજ્ઞાઓ પાછલા અભ્યાસક્રમમાં વાપરેલી, ૧૯૨૩ના ગ્રીષ્મ સત્રમાં. એ અરસામાં “Being and Time”નો પ્રથમ મુસદ્દો તૈયાર થઈ રહ્યો હતો. જા : અમારા મત મુજબ, કાઉન્ટ કૂકી આ સંજ્ઞાઓને સંતોષજનક રીતે સમજાવવામાં સફળ રહ્યા ન હતા; સંજ્ઞાના અર્થની બાબતમાં પણ નહિ અને અર્થઘટનપરક ફિલસૂફીની વાત કરતી વખતે તમે એમાં એ સંજ્ઞાઓ કયા અર્થમાં વાપરતા હતા એ બાબતમાં પણ નહિ. કૂકી સતત એક વાત પર ભાર મૂકતા કે આ સંજ્ઞાઓ ફિનોમિનોલોજીની એક નવી દિશા સૂચવે છે. પૃ : એ (સંજ્ઞાઓ) ખરેખર એવી લાગી પણ હોય. જોકે, હકીકતમાં તો મને પોતાને ફિનોમિનોલોજીની નવી દિશા સાથે કે કશીક નવીનતા સાથે પણ કોઈ નિસ્બત ન હતી. એથી પણ ઊલટું, હું તો ફિનોમિનોલોજીને પશ્ચિમની તત્ત્વમીમાંસામાં એના પોતાના આગવા સ્થાને પાછી લઈ જવા માટે, એની પ્રકૃતિ વિશે વધુ આદ્ય સ્વરૂપે વિચારવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જા : કિન્તુ તમે “અર્થઘટનપરક” સંજ્ઞાનો ઉપયોગ શા માટે કરેલો? પૃ : “બીઈંગ એન્ડ ટાઇમ”ની પ્રસ્તાવનામાં આનો ઉત્તર આપી દેવામાં આવ્યો છે (Section ૭C, pp. ૫૮ff). તેમ છતાં આ સંજ્ઞાનો ઉપયોગ આકસ્મિક છે એવી ભ્રાન્તિને દૂર કરવા કેટલીક ટિપ્પણી ઉમેરવાનું મને ગમશે. જા : મને યાદ છે કે આવી ભ્રાન્તિએ જ વાંધાવચકા ઊભા કરેલા. પૃ : ધર્મશાસ્ત્રોના મારા અભ્યાસકાળથી જ હું “અર્થઘટનશાસ્ત્ર” સંજ્ઞાથી પરિચિત હતો. તે સમયે હું પુનિત ગ્રંથ (બાઇબલ)ના વચન અને ધર્મવિદ્યાકીયસંબંધી ચિન્તન વચ્ચેના સંબંધને લગતા પ્રશ્નોથી સંક્ષુબ્ધ હતો. આ સંબંધ, ભાષા અને સત્તા વચ્ચેનો, તમે માનો તો એનો એ જ હતો, એ કેવળ આવરણથી ઢંકાયેલો અને મારી પહોંચ બહારનો હતો. જેથી મેં અનેક વિપથગમનો તથા મિથ્યા પ્રારંભો દ્વારા માર્ગદર્શક તંતુની ખોજ કરી જોઈ. જા : ખ્રિસ્તી ધર્મવિદ્યા વિશેનું મારું જ્ઞાન નહીંવત્‌ હોવાથી તમે જેનો ઉલ્લેખ કરી રહ્યા છો એ મને બહુ સમજાય એમ નથી. કિન્તુ એ હકીકત છે કે તમારી પાર્શ્ચભૂમિકા અને તમારા અભ્યાસને કારણે તમે ઈશ્વરવિદ્યાના ક્ષેત્રે જેઓ બહારથી આવે છે અને જેમણે પુસ્તકો વાંચીને એ ક્ષેત્ર વિશેની થોડીઘણી સમજ કેળવી છે એ લોકો કરતાં તમે પોતીકા ઘરમાં છો. પૃ : ધર્મવિદ્યાશાસ્ત્રની પાર્શ્વભૂમિકા સિવાય હું કદી પણ ચિન્તનના માર્ગે વળ્યો ન હોત. કિન્તુ જે આદિ હોય છે એ હંમેશાં આપણને ભાવિમાંથી મળવા આવતું હોય છે. જા : જો આદિ અને ભાવિ બેઉ એકબીજાને સાદ પાડે અને ચિન્તન એ સાદની અંદર પોતાનું ઘર બનાવે... પૃ : ...અને એમ એક સમ્યક ઉપસ્થિતિ બની રહે – પાછળથી, મને “અર્થઘટનશાસ્ત્રનો” ફરી એક વાર ભેટો થયો વિલ્હેમ ડિલ્ઘીમાં, એના હિસ્ટરી ઑવ આઇડિયાઝના સિદ્ધાન્તમાં, ડિલ્ઘીને અર્થઘટનશાસ્ત્ર સંજ્ઞાનો પરિચય પણ એ જ સ્રોતમાંથી, ધર્મવિદ્યાશાસ્ત્રમાંથી જ, અને ખાસ કરીને શ્લાયમાંખર પરના એના કામમાંથી થયેલો. જા : શબ્દશાસનવિદ્યાથી હું જે કંઈ માહિતગાર છું તે મુજબ સાહિત્યિક કૃતિઓના અર્થઘટનનાં લક્ષ્ય, એના માર્ગો અને એના નિયમો સાથે કામ પાર પાડતા શાસ્ત્રને અર્થઘટનશાસ્ત્ર કહી શકાય. પૃ : એનો સૌ પહેલો વિકાસ અને એનું સૌ પહેલું ઘડતર મહાગ્રંથ બાઇબલના અર્થઘટનના સંસર્ગથી. શ્લાયમાંખરનું એક વ્યાખ્યાન છે જેનું શીર્ષક છે “Hermeneutics and Criticism with Special Reference to The New Testament”. એ વ્યાખ્યાન એમની હસ્તપ્રતોમાં હતું જેનું મરણોત્તર પ્રકાશન થયેલું. એ અહીં મારી પાસે જ છે. હું એની “General Introduction”નાં પહેલાં બે વાક્યો વાંચી સંભળાવું : “અર્થઘટનશાસ્ત્ર અને વિવેચન, બેઉ શબ્દશાસનવિદ્યાની શાખાઓ, બેઉ પદ્ધતિશાસ્ત્રો, બન્ને એકસાથે જ રહેતાં હોય છે, કારણ કે એકને વ્યવહારમાં મૂકીએ એટલે બીજું પણ એમાં પૂર્વગૃહીત હોય. એમાંનું પહેલું બીજા માણસની ભાષા, ખાસ કરીને લેખિત ભાષા, સમજવા માટેની એક કળા છે જ્યારે બીજું, લેખનબદ્ધ કૃતિઓ અને પરિચ્છેદોની અસલિયત નક્કી કરી પર્યાપ્ત સાબિતીઓ તથા હકીકતો દ્વારા એમનું સ્થાપન કરવાની કળા છે.” જા : તદનુસાર, યોગ્ય અર્થમાં વિસ્તારાયેલો, “અર્થઘટનશાસ્ત્ર” શબ્દ, દૃશ્યકળા સહિતના કોઈ પણ ક્ષેત્રમાં કરવામાં આવતા અર્થઘટન માટેનો સિદ્ધાન્ત અને એ માટેની પદ્ધતિ એવો થાય. પૃ : બરાબર. જા : તમે આ સંજ્ઞાનો વિસ્તૃત અર્થમાં ઉપયોગ કરો છો ખરા? પૃ : તમારા પ્રશ્નની રીતિની મર્યાદામાં રહીને મારો ઉત્તર આમ હોઈ શકે : “Being and Time”માં આ સંજ્ઞા એથીય વ્યાપક અર્થમાં વપરાઈ છે. એનો અર્થ એવો નથી કરવાનો કે એમાં એક જ અર્થને એક કરતાં વધુ ક્ષેત્રોમાં વિસ્તારવામાં આવ્યો છે. “વ્યાપક”નો અર્થ, જોકે આમ થાય છે : આદ્ય સત્તામાંથી પ્રગટ થતી વિશાળતા “બીઇંગ અને ટાઈમ”માં, અર્થઘટનશાસ્ત્રનો અર્થ અર્થઘટનપરક ભૂમિકા પર રહીને અર્થઘટનની પ્રકૃતિને વ્યાખ્યાબદ્ધ કરવી એવો થાય છે, અર્થઘટનની કળા કે અર્થઘટન પોતે એવો નહિ. જા : તો પછી “અર્થઘટનપરક”નો અર્થ શો થાય? મને અહીં એવો સંદેહ જાય છે કે તમે “અર્થઘટનપરક” શબ્દનો અહીં મનસ્વી ઉપયોગ કરી રહ્યા છો. હું આ સંદેહને વશ થવાનો અવિનય કરી શકું એમ નથી. જે હોય તે, મારે તો આ શબ્દનો પ્રમાણભૂત ખુલાસો – એમ કહોને કે – તમારા મોઢેથી સાંભળવો છે. નહિ તો કાઉન્ટ કૂકીને વિચાર કરતા કરી દેનાર કયું તત્ત્વ હતું એ મને સમજાશે નહિ. પૃ : તમે કહો છો એમ કરવામાં મને ઘણો આનંદ થશે. પણ, ઝાઝી અપેક્ષા રાખતા નહિ, કારણ કે આ મુદ્દો કાં તો ઘણો ગૂઢ છે કાં તો આપણે કોઈ મુદ્દા સાથે કામ પાર પાડી રહ્યા નથી. જા : કદાચ કોઈ પ્રક્રિયા સાથે કામ પાર પાડી રહ્યા છીએ. પૃ : અથવા તો જે-છે-તે-સાથે. કિન્તુ આવી સંજ્ઞાઓ આપણને ઝડપભેર અપર્યાપ્તાઓમાં લઈ જશે. જા : આપણું કથન ક્યાં પહોંચવા માગે છે તેને આપણે પહેલેથી કોઈ રીતે દૃષ્ટિ સમક્ષ રાખીએ તો જ. પૃ : મારાં પાછળનાં લખાણોમાં મેં “અર્થઘટનશાસ્ત્ર” સંજ્ઞા વાપરવાનું બંધ કરી દીધું છે એ તો તમારી નજરમાંથી ભાગ્યે જ છટકી શક્યું હશે. જા : તમે તમારું દૃષ્ટિબિંદુ બદલી નાખ્યું છે એવું કહેવાય છે. પૃ : મેં મારું અગાઉનું દૃષ્ટિબિંદુ એટલા માટે પડતું નથી મૂક્યું કે મારે એની જગ્યાએ બીજું દૃષ્ટિબિંદુ અપનાવવું હતું. હકીકતમાં તો અગાઉનું દૃષ્ટિબિંદુ તો માર્ગમાં આવતો એક મુકામ માત્ર હતો. ચિન્તનપ્રક્રિયામાં જો કોઈ સ્થાયી તત્ત્વ હોય તો એ છે ચિન્તનનો માર્ગ અને ચિન્તનના માર્ગો પોતાની ભીતર એક એવો રહસ્યમય ગુણ ધારણ કરતા હોય છે જેને કારણે એ માર્ગ પર આપણે આગળ અને પાછળ ચાલી શકતા હોઈએ છીએ. અને ખરી વાત તો એ છે કે એ માર્ગે આપણે પાછળ જઈએ તો જ આગળ જઈ શકતા હોઈએ છીએ. જા : દેખીતી રીતે જ “આગળ”નો અર્થ તમે પ્રગતિ એવો તો નથી જ કરતા, કિન્તુ...મને યોગ્ય શબ્દ શોધવામાં અહીં મુશ્કેલી પડે છે. પૃ : અગ્ર (fore)– નિકટતમમાં નિકટતમ જેની આપણે સતત આગળ જતા હોઈએ છીએ એ જેટલી વખત આપણી નજરે પડે ત્યારે આપણને અજનબી લાગતું હોય છે. જા : અને પછી એની જગ્યાએ પરિચિત અને લાભકારક એવા કશાકની સાથે રહેવા આપણે તરત જ એવા અજનબીને પુનઃ ઝડપથી અવગણી નાખતા હોઈએ છીએ. પૃ : અને નિકટતા કે જેને આપણે સતત આંબી જતા હોઈએ છીએ એ આપણને પાછા હતા ત્યાં ને ત્યાં લાવતી હોય છે. જા : પાછા હતા ત્યાં ને ત્યાં, પણ ક્યાં? પૃ : જ્યાંથી પ્રારંભ કર્યો’તો ત્યાં જ તો વળી. જા : અત્યાર સુધીમાં તમારાં લખાણોમાં તમે આના વિશે જે વાત કરી છે એને આધારે જો હું આ વાત સમજવાનો પ્રયાસ કરું તો મને તો આ વાત સમજવી અઘરી પડે છે. પૃ : આદિ અને ભાવિની પરસ્પર હાકલમાંથી જન્મતા વર્તમાનની તમે જ્યારે વાત કરી હતી ત્યારે તમે એનો નિર્દેશ કરી દીધો હતો. જા : તમે કદાચ ધારી તો લીધું જ હશે કે જેવો હું અમારી જાપાની અનુભૂતિને અનુસરીને એના વિશે વિચારવા લાગું છું એવો જ હું એને સ્પષ્ટપણે જોઈ શકું છું. કિન્તુ મને ખબર નથી કે તમે પણ એને એ જ રીતે જુઓ છો. પૃ : એ વાત તો આપણા સંવાદમાં સિદ્ધ થઈ શકે. જા : જેને વ્યાખ્યાબદ્ધ કરવાના આશયથી શરૂ કર્યો હોય એને જો સંવાદ વ્યાખ્યાબદ્ધ ન કરે અથવા તો એને અવ્યાખ્યેયની ભૂમિકાએ પાછું લઈ જાય તો અમને જાપાનીઓને એમાં કશું અજુગતું નથી લાગતું. પૃ : મને લાગે છે કે વિચારશીલ વ્યક્તિઓ વચ્ચે સરસ ચાલેલા સંવાદ માત્રમાં આવું બનતું હોય છે. સંવાદ પોતે જ જાણે કે એ વાતની કાળજી રાખતો ન હોય કે જે અવ્યાખ્યેય છે એ એનામાંથી કેવળ સરી જ ન જાય, પણ સંવાદ દરમિયાન જ એ એની એકત્રિત થયેલી અનેરી દીપ્તિથી ઝળહળી ઊઠે. જા : કાઉન્ટ કૂકી સાથેના અમારા સંવાદો કદાચ એટલા બધા સારા ન નીવડી શક્યા. અમે જુવાનિયાઓએ અમારી હાથવગી માહિતીની તૃષા સંતોષવા માટે એમને કદાચ સીધા જ પડકાર ફેંકેલા. પૃ : જ્ઞાન માટેની પિપાસા અને ખુલાસા માટેની લાલસા કદી પણ ચિન્તનશીલ પૃચ્છા સુધી દોરી જઈ શકે નહિ. જિજ્ઞાસા હંમેશાં જાતે જ ઉપજાવી કાઢેલા ગુણોત્તર અને એ ગુણોત્તરની બૌદ્ધિક ગુણવત્તા પર નભતા આત્મસભાનતાનો પ્રછન્ન ઘમંડ હોય છે. જાણકારી માટેનો સંકલ્પ જે વિચારપ્રદ હોય એની સમક્ષ આશામાં રહેવાનો સંકલ્પ નથી કરતો. જા : આ રીતે હકીકતમાં તો અમારી (જાપાની) કળા અને કવિતાને પોતાની આગવી પ્રકૃતિ આપનાર તત્ત્વ કયું છે તદ્‌ વિષયક ઊંચી કક્ષાની સ્પષ્ટતા કરી આપવા યુરોપીય સૌંદર્યમીમાંસા કઈ રીતે અનુકૂળ છે એટલું જ અમે તો જાણવા માગતા હતા. પૃ : અને એ તત્ત્વ કયું હોઈ શકે? જા : અમારી પાસે એને માટે એક નામ છે, જેનો નિર્દેશ મેં પહેલાં કર્યો જ છે : આઇકિ. પૃ : કૂકીના હોઠે આ શબ્દ મેં કેટલી બધી વાર સાંભળેલો, પણ એ શબ્દ શું કહે છે એની અનુભૂતિ કર્યા વગર જ. જા : દરમિયાન, તમે અર્થઘટનશાસ્ત્ર વડે જે કહેવા માગો છો તેણે કોઈક રીતે કાઉન્ટ કૂકી માટે આઇકિ શબ્દને પ્રકાશિત કર્યો હશે. પૃ : મને ગંધ આવતી હતી ખરી, કિન્તુ હું કદી પણ એમની આંતરદૃષ્ટિને સમજી શકતો ન હતો. જા : એમ કરતાં તમને શું અટકાવતું હતું એ તો તમે જણાવી ચૂક્યા છો : સંવાદની ભાષા યુરોપીય હતી; પણ જેની અનુભૂતિ કરવાની હતી અને જેનો વિચાર કરવાનો હતો એ તો હતી જાપાની પૂર્વ-એશિયાઈ પ્રકૃતિ. પૃ : અમે જે કંઈ વાતચીત કરી એ આરંભથી જ યુરોપીય વિચારોના ક્ષેત્રમાં પરાણે જઈ પડી હતી. જા : તમે એનાથી શી રીતે સભાન થયા? પૃ : કૂકીએ જે રીતે પાયાના શબ્દ આઇકિની સમજ આપી હતી એ રીતેથી. એમણે જેના થકી અતીન્દ્રિયજન્ય એવા કશાકની આભા ફૂટી નીકળતી હોય છે એવી ઇન્દ્રિયજન્ય દીપ્તિ વિશે વાત કરેલી. જા : આ સમજૂતી આપીને, હું માનું છું કે કાઉન્ટ કૂકીએ, અમે જાપાની કળામાં જેની અનુભૂતિ કરીએ છીએ એનો ખજાનો ખોલી આપ્યો છે. પૃ : તો પછી તમારી અનુભૂતિ ઇન્દ્રિયજન્ય અને અતીન્દ્રિયજન્ય વિશ્વની વચ્ચેના ભેદની અંદર ગતિ કરતી રહી છે. આ ભેદની ઉપર જ તો લાંબા સમયથી જેને પશ્ચિમનું પરાભૌતિકશાસ્ત્ર ગણવામાં આવે છે એ નિર્ભર છે. જા : પરાભૌતિકશાસ્ત્રમાં વ્યાપી રહેલી આ ભિન્નતાનો સંદર્ભ આપીને તમે આપણે જે સંકટની વાત કરેલી એના સ્રોતને સ્પર્શી રહ્યા છો. અમારું ચિન્તન, જો એને ચિન્તન કહી શકાય તો, પરાભૌતિકશાસ્ત્રપરક ભિન્નતાની સમાન કોટિના એવા કશાકને જરૂર જાણે છે; કિન્તુ એમ હોવા છતાં, ભિન્નતા સ્વયં અને એમને જે ભિન્ન રાખે છે તેનું પણ પશ્ચિમી પરાભૌતિકશાસ્ત્રની વિભાવનાઓ દ્વારા આકલન થઈ શકે નહિ. અમે કહીએ છીએ ઈરો એટલે કે રંગ, અને કહીએ છીએ કુ એટલે કે રિક્તતા, ખુલ્લું આસમાન. અમે કહીએ છીએ : ઈરો વિના કુ નહિ. પૃ : આ તો પશ્ચિમી, એટલે કે, પરાભૌતિકશાસ્ત્રપરક સિદ્ધાન્તને બિલકુલ મળતું આવતું જણાય છે. આ સિદ્ધાન્ત કળાની સૌંદર્યમીમાંસાપરક રજૂઆત કરતાં આ જ વાત કરતો હોય છે. aestheton ઇન્દ્રિયો વડે પામી શકાય તે અને noeton અતીન્દ્રિયને ઝગારા મારતું કરે તે. જા : હવે તમને સમજાશે કે યુરોપીય સૌંદર્યમીમાંસાની સહાય લઈને આઇકિની વ્યાખ્યા બાંધવાનું, એટલે કે, તમે ચીંધી આપ્યું તેમ, પરાભૌતિકીય વ્યાખ્યા બાંધવાનું, કાઉન્ટ કૂકીને કેમ આટલું મોટું પ્રલોભન થયું હશે. પૃ : એના કરતાં મને જેની વધારે દહેશત હતી, અને આજે પણ એ દહેશત છે તે એ કે આમ કરવાથી તો પૂર્વ એશિયાઈ કળાની ખરી પ્રકૃતિ કાં તો ઢંકાઈ જશે કાં તો એને માટે યોગ્ય ન હોય એવા પ્રદેશમાં એ કળા ફેંકાઈ જશે. જા : હું તમારી આ દહેશતમાં પૂરેપૂરો સહભાગી છું, કેમ કે ઈરોનો અર્થ વર્ણ (રંગ) થાય છે એ વાત સાચી તેમ છતાં એનો અર્થ ઇન્દ્રિયો દ્વારા જે જાણી શકાય એના કરતાં પણ વિશેષ થતો હોય છે. કુ શબ્દ સાચે જ રિક્તતા અને ખુલ્લો અવકાશ દર્શાવે છે, તેમ છતાં માત્ર અતીન્દ્રિયજ્ઞાન કરતાં એનો અર્થ વિશેષ થાય છે. પૃ : તમારાં સૂચનો, જે હું દૂર બેઠો બેઠો જ સમજી શકું, મને વધુ અસ્વસ્થ કરી દે છે. મેં જે દહેશતની વાત કરી, એના કરતાં પણ વધારે મોટી દહેશત તો મારી ભીતર છે અને એ છે આપણી કાઉન્ટ કૂકીની સ્મૃતિમાંથી જન્મેલો આ સંવાદ હેમખેમ પાર ઊતરે એવી અપેક્ષાનો. જા : તમને લાગે છે કે આ સંવાદ જે વણકથ્યું છે એની વધુ સમીપ આપણને લાવીને મૂકી શકે? પૃ : કેવળ એ જ આપણને વિચાર કરતા રહેવાની સમૃદ્ધિ આપી શકે. જા : તમે “શકે” એમ કેમ કહો છો? પૃ : કારણ કે આપણે જેના વિશે સંવાદ કરી રહ્યા છીએ એ વિષય વિશે વાત કરવાની શક્યતાઓને આપણા સંવાદની ભાષા કદાચ એકધારી રીતે નષ્ટ કર્યા કરે એવી મારી દહેશત હવે મને હજીય વધુ સ્પષ્ટપણે દેખાય છે. જા : કારણ કે આ ભાષા સ્વયં ઇન્દ્રિયજન્ય અને અતીન્દ્રિયજન્ય વચ્ચેની પરાભૌતિકશાસ્ત્રપરક ભિન્નતા પર આધાર રાખતી હોય છે. આ ભિન્નતામાં જ ભાષાની સંરચનાને એક તરફ ધ્વનિ અને લિપિ તો બીજી તરફ અર્થ અને સંકેત જેવાં પાયાનાં ઘટકતત્ત્વોનો આધાર મળતો હોય છે. પૃ : કંઈ નહિ તો યુરોપીય વિચારસરણીના કાર્યક્ષેત્ર પૂરતી આ વાત સાચી. શું તમારા સંદર્ભમાં પણ આ જ વાત કરી શકાય? જા : ભાગ્યે જ. કિન્તુ મેં જણાવ્યું તેમ અમારે ત્યાં પણ યુરોપીય પ્રતિનિધાનના માર્ગો અને એની સાથે સંકળાયેલી વિભાવનાઓ પર મદાર બાંધવાની ભારે મોહિની છે. પૃ : આ મોહિનીને વધુ ઈંધણ પૂરું પાડવાની એક પ્રક્રિયા ચાલી રહી છે જેને હું આ પૃથ્વીનું અને એના પર વસતા માનવીઓનું સંપૂર્ણ યુરોપીકરણ તરીકે ઓળખાવું છું. જા : ઘણા લોકો આ પ્રક્રિયાને બુદ્ધિશક્તિની વિજયકૂચ તરીકે ઓળખાવતા હોય છે. અઢારમી સદીના ઉત્તરાર્ધમાં, ફ્રેંચ ક્રાન્તિમાં, બુદ્ધિશક્તિને એક અધિષ્ઠાત્રી જાહેર કરાઈ હતી કે નહિ? પૃ : કરાઈ હતી. એ દેવીની મૂર્તિપૂજા એટલી હદ સુધી લઈ જવાઈ કે જો કોઈ વિચારણા એ દેવીને નકારે તો એ વિચારણાને મૂળગામી વિચારણા કહેવાય જ નહિ. એવી વિચારણાને આજે સરાસર અબૌદ્ધિક ગણીને વખોડી કાઢવામાં આવે છે. જા : ડગલે ને પગલે અમારી સમક્ષ ટેક્‌નિકલ પ્રગતિનો દાખલો બેસાડતી એ બુદ્ધિશક્તિની સફળતાઓ દ્વારા તમારા યુરોપીય બુદ્ધિતત્ત્વના બિનવિવાદાસ્પદ આધિપત્યને જાણે કે પુષ્ટિ આપવામાં આવી છે. પૃ : આ ભ્રાન્તિ દિવસે દિવસે વધતી જાય છે. તેથી માણસ અને પૃથ્વીનું થઈ રહેલું યુરોપીકરણ મૂળગત પ્રકૃતિના સ્રોત પર કઈ રીતે આક્રમણ કરી રહ્યું છે એ આપણે જોઈ શકતા નથી. એવું લાગે છે કે આ સ્રોત સુકાઈ જવાના છે. જા : તમારા મનમાં જે ચાલી રહ્યું છે તેનું આંખે વળગે એવું ઉદાહરણ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ફિલ્મ રાશોમોન છે. એ તો તમે જોઈ હશે. પૃ : સદ્‌ભાગ્યે; દુર્ભાગ્યે, એક જ વાર. એ જોતાં મને લાગેલું કે જાપાની જગતની મોહિની અનુભવી રહ્યો છું, એવી મોહિની જે આપણને રહસ્યમયતાના પ્રદેશમાં ખેંચી જાય. પણ મને સમજાતું નથી કે સર્વગ્રાહી યુરોપીકરણના ઉદાહરણરૂપે તમે આ જ ફિલ્મ કેમ પસંદ કરી. જા : અમે જાપાનીઓ આ ફિલ્મને, ખાસ કરીને એમાંના પટ્ટાબાજીનાં દૃશ્યોને, વધુ પડતા વાસ્તવવાદની રજૂઆત જેવાં ગણીએ છીએ. પૃ : કિન્તુ એમાં પ્રશમિત હાવભાવ પણ હોય તો ખરાને? જા : આ પ્રકારની આંખે ન ચડે તેવી વિગતો તો એમાં વિપુલતાથી વહેતી હોય છે અને એ વિગતો યુરોપીય લોકોની ભાગ્યે જ નજરે ચડે. મને યાદ આવે છે એક હાથ ટેકવાયેલો છે બીજી વ્યક્તિ પર, આમાં એક જ ઠેકાણે એકત્રિત થતો સંપર્ક છે જે કોઈ પણ પ્રકારના સ્પર્શથી અનંતગણો દૂર છે, એમાં, તમારા વાક્યપ્રયોગને હું જે રીતે સમજું છું એ અર્થમાં, એવું કશુંક છે પણ એને હાવભાવ પણ કહેવાય એમ નથી, કારણ કે આ હાથ દૂરથી આવતી અને દૂર દૂર જતી હાકલના દ્વારા પ્રસરેલો છે અને ટેકવાયેલો છે. કારણ નિઃસ્તબ્ધતા એ હાકલને લાવે છે. પૃ : પણ આવા હાવભાવ જે અમારા હાવભાવથી જુદા પડે છે એમને ધ્યાનમાં લેતાં મને હજી પણ એ સમજાતું નથી કે તમે ફિલ્મનો યુરોપીકરણના ઉદાહરણ તરીકે કઈ રીતે ઉલ્લેખ કરી શકો? જા : ખરેખર તે સમજાય એવું નથી, કારણ કે હું હજી પણ મને અપૂરતો વ્યક્ત કરી રહ્યો છું. મને પૂરતો વ્યક્ત કરવા માટે મને બરાબર તમારી ભાષાની જરૂર પડે. પૃ : આ તબક્કે તમને પેલું સંકટ નથી દેખાતું? જા : મને લાગે છે કે આપણે થોડી ક્ષણો પૂરતો એ વાતને દેશવટો આપીએ. પૃ : જ્યાં સુધી તમે વાસ્તવવાદની વાત કરતા રહેશો ત્યાં સુધી પરાભૌતિકશાસ્ત્રની ભાષા બોલતા રહેશો અને ઇન્દ્રિયજન્ય વાસ્તવ તથા અતીન્દ્રિયજન્ય આદર્શ વચ્ચેની ભિન્નતાની અંતર્ગત ગતિ કરતા રહેશો. જા : તમારી વાત સાચી છે. જોકે, મેં જ્યારે વાસ્તવવાદનો ઉલ્લેખ કર્યો ત્યારે મારો આશય બિન-જાપાની પ્રેક્ષકોને ધ્યાનમાં લેતાં અનિવાર્ય ગણાય એવી સમગ્ર ફિલ્મમાં અહીંતહીં વેરાયેલી રજૂઆત મારા મનમાં ન હતી. અંતે તો, ફિલ્મમાંના વાસ્તવવાદનો સંદર્ભ ઉખેળીને હું જરૂર તદ્દન જુદી જ વાત કરતા માગતો હતો – જાપાની વિશ્વને પકડીને છબિકલાના વસ્તુપણામાં કેદ કરી દેવામાં આવ્યું છે અને હકીકતમાં એ વિશ્વને ફોટોગ્રાફી માટેના ચોકઠામાં ખાસ રીતે પરહેજ કરી લેવાયું છે. પૃ : જો મેં તમારી વાત બરાબર સાંભળી હોય તો તમે કદાચ એવું કહેવા માગો છો કે પૂર્વ-એશિયાઈ જગત અને ફિલ્મ ઉદ્યોગનું તાંત્રિકીય-રસકીય ઉત્પાદન એકબીજાથી વિસંગત છે. જા : મારા મનમાં પણ આ જ વાત ઘૂંટાય છે. એકાદ જાપાની ફિલ્મની સૌંદર્યમીમાંસાપરક ગુણવત્તાને ધ્યાન પર ન લઈએ, ને કેવળ આ હકીકત જ જોઈએ તો અમારા જગતને, તમે જેને વસ્તુપણું કહો છો તે ક્ષેત્રમાં ધકેલાઈ જવાની ફરજ પાડે છે. છબિકલાગત વસ્તુકરણ તો ક્યારનુંય નિતાંત વધતા જતા યુરોપીકરણના વિસ્તરતા જતા વ્યાપનું જ પરિણામ છે. પૃ : તમે જે સમજો છો એ કોઈ યુરોપવાસી સાંભળશે તો એ એને સમજશે નહિ. જા : નહિ સમજે, અને એટલા માટે નહિ સમજે કે જાપાની વિશ્વની અગ્રભૂમિ સંપૂર્ણપણે યુરોપી અથવા તો, તમે એમ પણ કહી શકો કે અમેરિકી છે. જ્યારે બીજી તરફ, જાપાની વિશ્વની પાર્શ્વભૂમિ, વધુ સારી રીતે કહેવું હોય તો એ વિશ્વ પોતે જ. તમે નો ‘No’ – નાટકમાં અનુભવો એ છે. પૃ : મને તો નો – નાટક પરના કેવળ એક પુસ્તકની જ જાણ છે. જા : હું પૂછી શકું કયું પુસ્તક? પૃ : બેન્લનો અકાદમી ટ્રિટીઝ. જા : જાપાનમાં, એ પુસ્તકને નિતાંત સંપૂર્ણ કૃતિ તરીકે અને નો – નાટક પર તમે વાંચી શકો એવી સર્વોત્તમ કૃતિ તરીકે લેખવામાં આવે છે. પૃ : કિન્તુ કેવળ વાચન ભાગ્યે જ પૂરતું લેખાય. જા : આવાં નાટક તો પ્રત્યક્ષરૂપે પામવા પડે. કિન્તુ જ્યાં સુધી તમે જાપાની અનુભૂતિની ભીતર જીવવા અસમર્થ હો ત્યાં સુધી એ પણ એટલું જ અઘરું નીવડવાનું. નો-નાટક શું નિરૂપે છે એ તમને બતાવવા, ભલે દૂર રહીને પણ, હું તમને એક ટિપ્પણી વડે મદદ કરીશ. તમે જાણો છો તેમ જાપાની રંગમંચ રિક્ત હોય છે. પૃ : એ રિક્તતા અસાધારણ એકાગ્રતા માગી લે છે. જા : ભલું થજો એ એકાગ્રતાનું. એના કારણે જ અજનબી એવી નિઃસ્તબ્ધતામાંથી પ્રચંડ વસ્તુ ખડી કરવા માટે અભિનેતાએ તો સહેજ અમથા આંગિક હાવભાવ કરવાની જરૂર રહે. પૃ : મારે તમને સમજવા શી રીતે? જા : ઉદાહરણ રૂપે, જ્યારે પહાડી ભૂમિદૃશ્ય ખડું કરવું હોય ત્યારે અભિનેતા ધીમેકથી એનો હાથ ઊંચકતો જાય અને સ્વસ્થતાથી એ હાથને નેજવાની જેમ પોતાની આંખો પર માંડે. હું કરી દેખાડું? પૃ : જરૂર. જરૂર કરી દેખાડો. (જાપાની હાથ ઊંચકી વર્ણવ્યા મુજબ નેજવું માંડે છે) પૃ : આ તો ખરે જ એવા આંગિક હાવભાવ છે જેનાથી યુરોપીયને ભાગ્યે જ ધરવ થાય. જા : આ બધા સાથે, આંગિક હાવભાવ દૃષ્ટિગોચર થતા હાથના હલનચલનમાં કે મૂળભૂત રીતે દેહની ભંગિમાં પણ ઝાઝા અસ્તિત્વ ધરાવતા નથી. તમારી ભાષા જેને “ચેષ્ટા” કહે છે એનો અર્ક કહી બતાવવો અઘરો છે. પૃ : તમે છતાં “ચેષ્ટા” શબ્દ આપણે અહીં જે કંઈ કહેવા માગીએ છીએ તેની સાચી અનુભૂતિ કરાવવામાં સહાયરૂપ થાય છે. જા : આખરે તો, મારા મનમાં જે છે તેની સાથે આનો બરાબર મેળ ખાય છે. પૃ : ચેષ્ટા એ તો નીપજની લણણી છે. જા : અમારી નીપજ એવું કહેવાનું તમે જાણી જોઈને ટાળી રહ્યા છો એવું નિઃશંક કહી શકાય. પૃ : કારણ કે જે સાચેસાચ નીપજતું હોય તે કેવળ આપણા પ્રતિ પોતાને નિપજાવતું હોય છે... જા : ... જોકે આપણે તો એની મોઢામોઢ થવા આપણે ભાગે આવતો હિસ્સો જ નીપજાવીએ છીએ. પૃ : જ્યારે તે પોતાને આપણી દિશામાં નીપજાવે ત્યારે તેણે તો ક્યારનીય આપણી પ્રતિ-નીપજને વહાવી જઈને ઉપહારણરૂપે આપણા માટે નીપજાવી આપી હોય છે. જા : નીપજને અથવા તો આંગિક ચેષ્ટાને તમે આ રીતે મૂકો છો : આપણે એને માટે જે નીપજાવીએ છીએ અને એ આપણા માટે જે નીપજાવે છે તેનું આ લણણી આદ્યરૂપે પોતાની ભીતર સાયુજ્ય સાધતી હોય છે. પૃ : જોકે એને આ રીતે સૂત્રબદ્ધરૂપે મૂકીને આપણે એવું જોખમ ખેડી રહ્યા છીએ કે આપણે લણણીને એક અનુગામી સાયુજ્યરૂપે સમજતા થઈ જઈએ છીએ... જા : ...એની અનુભૂતિ કરવાને બદલે. એ અનુભૂતિ થવી કે સમસ્ત નીપજ, આપવાની હોય કે ભેટીને મેળવવાની હોય, પ્રથમ તો એ માત્ર લણણીમાંથી જ ઊગતી હોય. પૃ : આપણે આંગિક ચેષ્ટાની આ સ્વરૂપે સફળ વિચારણા કરવી હોય તો પછી તમે મને હમણાં જે રીતે દેખાડી એવી ચેષ્ટાનો અર્ક ક્યાં લઈને શોધવાનો? જા : સ્વયં જે અદૃશ્યરૂપે રહેલી છે તે નીરખવાની ક્રિયામાં અને તે લણાઈ જઈને પોતાને શૂન્યતાની સન્મુખ એવી રીતે લાવી મૂકે કે તેમાંથી અને તેના દ્વારા પહાડો દૃષ્ટિગોચર થવા લાગે. પૃ : એ રિક્તતા, ત્યારે તો શૂન્યતા જેવી હોય છે, એ મૂળગત સત્તા કે જેને આપણે આપણી વિચારણામાં, જે કંઈ ઉપસ્થિત છે અને અનુપસ્થિત છે એમાં, ઇતરરૂપે ઉમેરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જા : નિશ્ચિતપણે આ કારણસર અમે જાપાનમાં બેઠાં તમારું વ્યાખ્યાન “વૉટ ઇઝ મેટાફિઝિક્સ?” તત્ક્ષણ સમજી શકેલા. ૧૯૩૦ માં તમારાં વ્યાખ્યાનો ભરતા એક જાપાની વિદ્યાર્થીએ એના અનુવાદનું સાહસ કરીને અમને સંપડાવેલું – અમને હજી પણ આશ્ચર્ય થાય છે કે એ વ્યાખ્યાનમાં તમે જે શૂન્યતાની વાત કરી છે એનું યુરોપીયનો શૂન્યતાવાદી અર્થઘટન કરવાની ભૂલ કેમ કરી બેઠા હશે. અમારે માટે શૂન્યતાનો અર્થ તો તમે “બીઈંગ” શબ્દ દ્વારા જે કહેવા માગો છે તેવો ઉદાત્ત અર્થ છે... પૃ : ...ચિન્તન કરવાના પ્રયાસમાં જેનાં પ્રથમ પગલાં આજ દિવસ સુધી અનિવાર્ય રહ્યાં છે. જોકે આ વાત જબરો ગૂંચવાડો ઊભો કરવામાં નિમિત્ત બની, આ ગૂંચવાડો સ્વયં વસ્તુના પાયામાં રહેલો હતો અને એને સત્તા (Being) નામના વિનિયોગ સાથે જોડી દેવામાં આવ્યો. જ્યારે મેં એ શબ્દ મારા એક પરાભૌતિકશાસ્ત્રનો અર્ક સારવી આપી અને એ રીતે પરાભૌતિકશાસ્ત્રને ફરીથી એની સીમાની અંદર લાવી આપતા નિબંધના શીર્ષકમાં મૂક્યો ત્યારે સત્તા નામ પરાભૌતિકશાસ્ત્રની ભાષાના વારસાની સાથે આપણને મળેલું હતું. જા : જ્યારે તમે પરાભૌતિકશાસ્ત્ર પર સરસાઈ મેળવવાની વાત કરતા હો છો ત્યારે આ વાત તમારા મનમાં હોય છે. પૃ : હા, આ જ વાત. પરાભૌતિકશાસ્ત્રનો ધ્વંસ કરવાની કે એનો ઈનકાર કરવાની વાત પણ નહીં. એ સિવાય બીજી વાત કરવી એટલે બાલિશતાભરી બેઅદબી કરવી અને ઇતિહાસનું અવમૂલ્યન કરવું. જા : અમને દૂર રહે પણ એક અચંબો થયા કરે છે. લોકો તમારા પર દોષારોપણ કરતા જ રહે છે. તેઓ કહે છે કે તમે તમારા અગાઉની વિચારણાના ઇતિહાસ પરત્વે નકારાત્મક વલણ ધરાવો છો. જ્યારે વાસ્તવમાં તમે તો એ ઇતિહાસના મૌલિક એવા વિનિયોગ માટે મથી રહ્યા છો. પૃ : એ વિનિયોગની સફળતા વિશે વિવાદ થવો જોઈએ અને એના વિશે વિવાદ કરવો પણ જોઈએ. જા : હકીકતમાં આ વિવાદ હજુ યોગ્ય પાટા પર ચડ્યો જ નથી. એ માટે તમારા “બીઈંગ” શબ્દના સંદિગ્ધ ઉપયોગને કારણે જે ગૂંચવાડો ઊભો થયો છે એ કારણ – જે ઘણાં બધાં કારણોમાંનું એક છે – જવાબદાર છે. પૃ : તમે સાચું કહો છો. કેવળ, એમાં એવો પ્રપંચ છે કે જે નિમિત્તે આ ગૂંચવાડો ઊભો થયો તેને પાછળથી સ્વયં મારા ચિન્તનના પ્રયાસ ઉપર જ આરોપી દેવામાં આવ્યો. આ પ્રયાસ સત્તા (Being) એટલે કે વ્યક્તિમત્તાઓની સત્તા (Being of beings) અને સત્તા (Being) એટલે કે સત્તા (Being) શબ્દનો જે સુયોગ્ય અર્થ થાય છે એ બન્ને વચ્ચેના ભેદને એટલે કે એમના સત્યને (the clearing) પોતાની રીતે સંપૂર્ણ સ્પષ્ટતાપૂર્વક વાકેફ હતો. જા : તો પછી તમે સત્તા શબ્દને તત્કાળ પરાભૌતિકશાસ્ત્રની ભાષાને, મક્કમ બનીને એના સુવાંગ વિનિયોગ માટે, ફરી સુપરત કેમ ન કરી દીધો? તમે જેની ખોજ કરી રહ્યા હતા એને તમે સમયની પ્રકૃતિના માર્ગે, “સત્તાના ભાવ”રૂપે, એનું પોતાનું નામ કેમ ન આપ્યું? પૃ : કોઈ વ્યક્તિ હજી જેને શોધી રહી હોય એને એનું નામ કઈ રીતે આપી શકે? નામ પાડવું એટલે આખરે તો શોધી કાઢવું તે. જા : તો પછી આ જે ગૂંચવાડો ઊભો થયો છે એને વેંઢાર્યે જ છૂટકો. પૃ : અલબત્ત, કદાચ લાંબા સમય સુધી, અને કદાચ આ રીતે જ, ગૂંચ ઉકેલવા આપણે ખંતપૂર્વક જહેમત કર્યે જ જવી પડશે. જા : કેવળ એ જ આપણને બહાર ખુલ્લા અવકાશમાં દોરી જશે. પૃ : પરંતુ ત્યાં જવાનો માર્ગ નકશામાં આંક્યા મુજબનો કે રસ્તો બાંધતાં અગાઉ ખીલા ઠોકીને રસ્તો નક્કી કરવામાં આવે એવો નથી હોતો. ચિન્તન પોતે જ પોતાનો રસ્તો બાંધવાનું શોખીન હોય છે, હું આને અદ્‌ભુત સિવાય બીજું કશું નહિ કહું. જા : જે રીતે બાંધકામ કરનાર લોકોએ પોતે છોડી ગયેલા બાંધકામની જગ્યાએ અને ક્યારેક તો એનીય પૂર્વેની જગ્યાએ પણ અવારનવાર પાછા જવું પડતું હોય છે એ રીતે. પૃ : ચિન્તનના માર્ગની પ્રકૃતિ અંગેની તમારી આંતરદૃષ્ટિથી હું ચકિત થઈ જાઉં છું. જા : આ બારામાં અમારો અનુભવ સમૃદ્ધ છે, વાત એટલી જ કે એ અનુભવ હજી ચિન્તનની પગથીના પ્રત્યેક ચાલકબળને નષ્ટ કરતા જતા વિભાવનાપરક પદ્ધતિશાસ્ત્રમાં રૂપાન્તર પામ્યો નથી. ઉપરાંત, તમે પોતે જ મને તમારા ચિન્તન માર્ગને અધિક સ્પષ્ટરૂપે નીરખતો કર્યો છે. પૃ : એ કઈ રીતે? જા : હમણાં હમણાં તમે (બીઈંગ) શબ્દને જૂજ ખપમાં લેતા હોવા છતાં, તમે એક સંદર્ભમાં આ નામનો ફરી એક વાર વિનિયોગ કર્યો છે; આ સંદર્ભને કારણે તમારા ચિન્તનમાં સૌથી મૂળગત શું છે તેની મને વધુ ને વધુ નિકટતાથી સ્પષ્ટતા થઈ ગઈ. તમારા “માનવતાવાદ પર પત્ર (લેટર ઑન હ્યુમેનિઝમ)માં તમે ભાષાને “સત્તાના નિવાસસ્થાન (હાઉસ ઑવ બીઈંગ)” તરીકે વર્ણવી છે; આજે, આપણા સંવાદના પ્રારંભમાં, તમે પોતે જ આ શબ્દસમુચ્યનો નિર્દેશ કર્યો. આ હું યાદ કરું છું ત્યારે મારે એનો પણ ખ્યાલ કરવો જોઈએ કે આપણો સંવાદ માર્ગ ચાતરીને ઘણે દૂર જઈ પહોંચ્યો છે. પૃ : એ તો એવું લાગે, હકીકતમાં તો હવે જ આપણે માર્ગ પર ચડવાની તૈયારીમાં છીએ. જા : આ ઘડીએ તો મને એવું લાગતું નથી. આપણે કૂકીના આઇકિ વિશેના સૌંદર્યમીમાંસાપરક અર્થઘટન વિશે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા... પૃ : ...આપણે પ્રયત્ન કરી રહ્યા હતા, અને એ પ્રયત્નની પ્રક્રિયામાં આવા સંવાદમાં રહેલા ભયસ્થાન વિશે વિચારવાનું ટાળી શક્યા નહિ. જા : આપણે જાણી લીધું કે સંકટ તો ભાષાના આવરણમાં ઢંકાયેલી પ્રકૃતિમાં રહેલું છે. પૃ : ભાષાના અર્કને સૂચવી આપતો હોય તેવા શબ્દસમૂહ “સત્તાનું નિવાસસ્થાન”નો તમે હજી હમણાં જ ઉલ્લેખ કર્યો. જા : આમ આપણે ખરેખર જ ભાષાના પથ પર ચાલી રહ્યા છીએ. પૃ : મોટે ભાગે તો એવું હશે કે આપણે એને જાણ્યા વિના એની આજ્ઞાને આધીન રહ્યા જેથી એ એકલો જ, તમારા શબ્દો અનુસાર, સંવાદને સફળ કરી આપતો હોય છે. જા : એ અવ્યાખ્યેય જે કશુંક વ્યાખ્યાબદ્ધ કરતું... પૃ : ...જેને આપણે એનાં જે પ્રેરણો છે તેના સાદના અણીશુદ્ધ કબ્જામાં સોંપી દેતા હોઈએ છીએ. જા : એવું જોખમ ખેડીને કે આ સાદ, આપણા કિસ્સામાં, સ્વયં નિઃસ્તબ્ધતા છે. પૃ : અત્યારે તમે શેના વિશે વિચારી રહ્યા છો? જા : એ એક જ વિશે જે તમારા મનમાં પણ છે, ભાષાની પ્રકૃતિ વિશે. પૃ : એ જ તો આપણા સંવાદને વ્યાખ્યાબદ્ધ કરી રહી છે. તેમ છતાં આપણે એને સ્પર્શવી જ નહિ જોઈએ. જા : નહિ જ તો વળી. તમારા યુરોપીય વિભાવનીકરણ અનુસાર સ્પર્શવાનો અર્થ એને ઝડપી લેવી એવો જો થતો હોય તો. પૃ : નહિ, એ બધાં વિભાવનીકરણો મારા મનમાં છે જ નહિ. ‘સત્તાનું નિવાસસ્થાન’ જેવો શબ્દપ્રયોગ પણ ભાષાની પ્રકૃતિની વિભાવના પૂરી પાડતો નથી. એટલે સુધી કે ફિલસૂફો તો અપાર ખેદથી અકળાઈ જઈને એમાં વિચારશીલતાની અવનતિ સિવાય વિશેષ કશું જોતા જ નથી. જા : હું પોતે પણ તમારા શબ્દપ્રયોગ ‘સત્તાનું નિવાસસ્થાન’ (હાઉસ ઑવ બીઇંગ)માં ચિન્તન માટે પુષ્કળ સામગ્રી જોઉં છું, કિન્તુ જુદાં જ કારણોસર મને એવી લાગણી થતી હોય છે કે એ ભાષાની પ્રકૃતિ વિશે એને હાનિ પહોંચ્યા વિના કશુંક કહી તો જાય છે. કેમ કે વ્યાખ્યાબદ્ધ એવા કશાકને એના સંપૂર્ણ કબ્જામાં રહેલા સાદને મૂકી આપવો અનિવાર્ય હોય તો એનો અર્થ કોઈ પણ રીતે એવો નથી થતો કે આપણી વિચારશીલતાએ ભાષાની પ્રકૃતિનો પીછો કરવો નહિ જોઈએ. કેવળ કઈ રીતે એવો પ્રયાસ કરવામાં આવે છે કે તે નિર્ણાયક બની જાય છે. પૃ : તો, હવે હું લાંબા સમયથી મને પજવી રહેલો અને તમારી અત્યારની મુલાકાતની ફરજ પાડી રહેલો એક પ્રશ્ન પૂછવાની હિમ્મત કરું છું. જા : તમારા પ્રશ્નો સમજી શકવાની મારી શક્તિ અંગે તમારે વધુ પડતો મદાર રાખવો નહિ જોઈએ. દરમ્યાન, આપણા સંવાદે, કોઈક રીતે એક વાત વિશે ઘણો બધો સભાન કરી દીધો છે કે ભાષાની પ્રકૃતિને સમ્બન્ધ છે ત્યાં સુધી કેટલું બધું તો વણવિચાર્યું પડ્યું છે. પૃ : અને ખાસ કરીને પૂર્વ-એશિયાઈ અને યુરોપીય લોકો માટે ભાષાની પ્રકૃતિ ભિન્ન સ્વરૂપે પ્રવર્તી રહેલી હોય ત્યારે. જા : તમે જેને ‘પ્રકૃતિ’ તરીકે ઓળખાવો છો તે પણ ભિન્ન રીતે પ્રવર્તી રહેલી હોય ત્યારે. તો પછી આપણું ચિન્તન બહાર ખુલ્લામાં આવી શકશે? પૃ : ઘણી સહેલાઈથી, જો આપણે વધુ પડતી માગણી નહિ કરીએ તો. આમ આ ઘડીએ તમારી સમક્ષ એક સદંતર પ્રાથમિક પ્રશ્ન મૂકવા હું મને પોતાને તૈયાર કરી રહ્યો છું. જા : મને ભય છે કે આ પ્રશ્ન સુધ્ધાં ઉત્તર આપી શકાય એવો નહિ રહે સિવાય કે આપણે માથે તોળાઈ રહેલા સંવાદના સંકટની અવગણના કરીએ. પૃ : એ બની શકે નહિ, કેમ કે આપણે એ સંકટ ભણી જ ધપી રહ્યા છીએ. જા : એમ હોય તો પછી પૂછી જ નાખો. પૃ : જાપાની જગત ભાષાને કઈ રીતે સમજતું હોય છે? વધારે સાવધાનીપૂર્વક પૂછવું હોય તો : અમે જેને ભાષા કહીએ છીએ તેને માટે તમારી ભાષામાં કોઈ એવો શબ્દ છે ખરો? જો ન હોય તો અમે ભાષાથી જે અનુભવીએ છીએ એની તમે કઈ રીતે અનુભૂતિ કરી શકો? જા : મને કદી કોઈએ આવો પ્રશ્ન પૂછ્યો નથી. અને મને એવું પણ લાગે છે કે તમે જે પૂછી રહ્યા છો તેની અમે અમારા પોતાના જગતમાં તો દરકાર પણ કરતા નથી. તેથી મારે એના પર જરા મનન કરવું પડશે. તમે એ માટે મને થોડીક ક્ષણો આપો.

 (જાપાનીવાસી આંખો મીંચી લે છે, મસ્તક નીચે નમાવે છે, અને દીર્ઘ ચિન્તનમાં સરી જાય છે. પૃચ્છક એમના અતિથિ ફરી વાર્તાલાપ શરૂ કરે એની રાહ જુએ છે.)

જા : ભાષાના બોલતા સ્વરૂપ માટે અને ભાષા માટે પણ વપરાતા એક શબ્દને બદલે ભાષાના મૂળગત સત્‌ને વ્યક્ત કરતો એક જાપાની શબ્દ છે ખરો. પૃ : ભાષાનું મૂળગત સત્‌ હોય છે જ એવું. એ સત્‌ ભાષાવૈજ્ઞાનિક ન હોઈ શકે. એ જ વાત “સત્તાના નિવાસસ્થાન” શબ્દસમુચ્ચયને પણ લાગુ પડે. જા : ઘણે દૂર રહીને પણ અમારો શબ્દ, જે અત્યારે મારા મન સમક્ષ છે, અને તમારા શબ્દસમુચ્ચયની વચ્ચે એક સગપણ હોવાની મને ગંધ આવી રહી છે. પૃ : આ શબ્દસમુચ્ચય ભાષાની પ્રકૃતિનો અણસારો આપી રહ્યો છે. જા : મને એવું લાગે છે કે જાણે તમે મુક્તિ અર્પતો શબ્દ ઉચ્ચાર્યો ન હોય! પૃ : તો પછી એ અણસારો શબ્દનું પાયાનું લક્ષણ બની રહેશે. જા : અણસારાની વાત તમે કેવળ અત્યારે કાઢી, મને એ શબ્દ જડતો ન હતો. જ્યારે મેં તમારું પ્રવચન “Letter on Humanism” વાંચ્યું ત્યારે અને જ્યારે મેં હ્યોલ્ડરલીનની “Home coming” કરુણિકા પર તમે આપેલા વ્યાખ્યાનનો જાપાનીમાં અનુવાદ કર્યો ત્યારે મેં જેનો આછોપાતળો અંદાજ કાઢેલો એ વધારે સ્પષ્ટ થયું હવે. એ જ અરસામાં હું ક્લેઇસ્ટ (Kleist)ના Penthesilea તેમ જ Amphitryonના અનુવાદ કરી રહ્યો હતો. પૃ : એ વખતે જર્મન ભાષાની પ્રકૃતિ તમારી પર પાણીના ધોધની જેમ પડી હોવી જોઈએ. જા : સાચે જ એવું થયેલું. જ્યારે હું અનુવાદ કરી રહ્યો હતો ત્યારે હું બે ભિન્ન ભાષાઓના વાસ્તવોની વચ્ચે જાણે કે લબડધક્કે લેવાઈ રહ્યો હોઉં એવો અનુભવ મને થયેલો. એટલી હદે કે વચ્ચે અમુક સમય માટે મારા પર તેજનું કિરણ ઝળકી ઊઠી મને ભાન કરાવતું કે પાયામાંથી જ જુદી લાગતી બે ભાષાઓનો વાસ્તવિક સ્રોત તો એક જ હતો. પૃ : તો પણ તમે યુરોપીય અને પૂર્વ-એશિયાઈ ભાષાઓને કોઈ એક જ સામાન્ય કોટિમાં સમાવી શકાય કે કેમ એની શોધ ન કરી. જા : હરગિજ નહિ. અત્યારે તમે જ્યારે અણસારાની વાત કાઢી છે ત્યારે એ મુક્તિ આપતો શબ્દ જેના દ્વારા અમને ભાષાની પ્રકૃતિનું – સમજ નથી પડતી હું મારી વાતને કઈ રીતે મૂંકું – નામ પાડતો શબ્દ તમને કહેવાની મને હિંમત આપે છે. પૃ : કદાચ અણસારો અપાઈ ગયો છે. જા : મુદ્દાની વાત થઈ આ. તેમ છતાં મને ભય છે કે તમારા “સત્તાના નિવાસસ્થાન”ને અણસારો ગણવાથી મને અને તમને પણ જેની અંદર એકેએક વસ્તુને ઠાંસી ઠાંસીને ભરી શકાય એવા આસપાસના ખ્યાલને એક આ માર્ગદર્શક વિભાવના તરીકે વિકસાવવા માટે લલચાવશે. પૃ : એવું તો ન જ બનવું જોઈએ. જા : તમે એને કઈ રીતે રોકશો? પૃ : સદંતર બાદબાકી કરી નાખવાના અર્થમાં એને કદી પણ રોકી શકાય નહીં. જા : કેમ નહીં? પૃ : કારણ કે વિભાવનાપરક પ્રતિનિધાનની ધાટી જ એવી હોય છે જે માનવીય અનુભૂતિના પ્રત્યેક પ્રકારમાં પોતાને ઘણી સફળતાપૂર્વક પેસાડી દે છે. જા : જ્યાં વિચારશીલતા અમુક અર્થમાં વિભાવના-રહિત હોય ત્યાં પણ? પૃ : હા, ત્યાં પણ. તમે એટલું જ વિચારોને કે કાઉન્ટ કૂકીએ કરેલું આઇકિનું સૌંદર્યમીમાંસાપરક અર્થઘટન, યુરોપીય અર્થાત્‌ પરાભૌતિકશાસ્ત્રપરક ખ્યાલો પર નિર્ભર હોવા છતાં તમે એને યોગ્ય ગણીને કેવું તરત જ સ્વીકારી લીધેલું. જા : હું તમને સાચી રીતે સમજી શક્યો હોઉં તો, તમે એમ કહેવા માગો છો કે વિચારઘડતરમાં પરાભૌતિકવાદી પદ્ધતિ અવગણી શકાય એમ નથી. પૃ : કાન્ટે પણ સ્પષ્ટપણે એવું જ જોયેલું, એની પોતાની રીતે. જા : પણ આપણે એમની (કાન્ટની) આંતરદૃષ્ટિના સૂચિતાર્થોને ક્વચિત જ સમજી શકીએ છીએ. પૃ : કારણ કે કાન્ટ એ વિચારોને પરાભૌતિકશાસ્ત્રથી આગળ જઈને વિકસાવી શકે એમ ન હતા. પરાભૌતિકશાસ્ત્રનો એક અતૂટ નિયમ છે. એ આપણે ધાર્યું પણ ન હોય એવા સ્થાને પોતાની સ્થાપના કરી દેતું હોય છે. એ ન્યાયશાસ્ત્ર (logic)ની કૈશિકીઓને ગણનશાસ્ત્ર (logistics)માં ફેરવી નાખતું હોય છે. જા : તમે એને પરાભૌતિકશાસ્ત્રપરક પ્રક્રિયા ગણો છો? પૃ : હા, હું સાચે જ એને એની એક પ્રક્રિયા ગણું છું. અને પરાભૌતિકશાસ્ત્રનું ભાષા પરનું એ આક્રમણ, જે પરાભૌતિકશાસ્ત્રની પ્રક્રિયામાં જ પ્રછન્નપણે સમાયેલું છે, એ ઉપેક્ષિત રહ્યું છે. મને લાગે છે કે આ એનું છેલ્લું આક્રમણ હશે. જા : ભાષાની પ્રકૃતિ અથવા તો વાસ્વવિકતા ભણી દોરી જતા માર્ગોની આપણે ઘણી બધી કાળજીપૂર્વક રખેવાળી કરવી જ જોઈએ. પૃ : જો આપણે એ માર્ગો તરફ દોરી જાય એવો એક ઉપમાર્ગ બનાવવામાં સફળ થઈએ તો પણ ઘણું. જા : તમે જે અણસારાનો ઉલ્લેખ કર્યો છે એ પણ મને તો લાગે છે કે એ માર્ગ તરફ દોરી જતી એક કેડીનો નિર્દેશ કરી જાય છે. પૃ : એક અણસારાની વાત કરવી એ પણ એક મોટું સાહસ ગણાય. જા : આપણે એ તો સારી રીતે સમજીએ છીએ કે વિચારક જે કહેવાનું છે એ કહેવા માટેનો શબ્દ પોતાની પાસે રોકી રાખશે; પણ એ શબ્દને પોતાની પાસે રાખવા માટે એવું નહિ કરે. એ જેના વિષે વિચારવાનો છે એનો સામનો કરવા માટે શબ્દને પોતાની પાસે રાખશે. પૃ : આ વાત અણસારાઓને બરાબર લાગુ પડે. એ ઘણા ગૂઢ હોય છે. એ આપણને ઈશારો કરી બોલાવતા હોય છે. એ ઈશારો કરીને જતા રહેતા હોય છે. એ આપણને જેના ભણી અણસારો કરતા હોય છે એના ભણી આપણે જઈએ ત્યારે એ અણસારા ત્યાંથી આપણી પાસે આવતા હોય છે. જા : તમે “આંગિક ચેષ્ટા” અને “નીપજ” શબ્દો દ્વારા જે સમજાવ્યુું છે અને તમે અણસારા દ્વારા જે સમજો છો એ બધું જાણે કે એક જ કોટિમાં વસે છે. પૃ : એવું જ લાગે છે. જા : તમે જે નિર્દેશ કર્યો છે એ રીતે જોતાં અણસારા અને આંગિક હાવભાવ સંકેતો અને આંકડા કરતાં જુદા પડે છે. એ બધાનો વસવાટ આમ તો પરાભૌતિકશાસ્ત્રમાં હોય છે. પૃ : હું કહીશ કે અણસારા અને આંગિક ચેષ્ટાઓ તો વાસ્તવ, કે જે મારા માટે એક છલનામયી સંજ્ઞા છે, એના એક અલગ જ પ્રદેશનાં રહેવાસી છે. જા : તમે જે સૂચવો છો તે લાંબા વખતથી મેં સેવેલા એક અંદાજને સમર્થન આપનારું છે. તમારો શબ્દપ્રયોગ “સત્તાનું નિવાસસ્થાન” એ કંઈ ઉતાવળમાં રચવામાં આવેલું કલ્પન નથી જે આપણને મનમાની કલ્પનાઓ કરવામાં સહાય કરે જેવી કે/નિવાસસ્થાન એટલે કશેક ને કશેક ઠેકાણે અગાઉથી ઊભું કરી દેવામાં આવેલું એક આશ્રયસ્થાન જેમાં સત્તાને સુવાહ્ય પદાર્થરૂપે સંઘરી મૂકવામાં આવે. પૃ : આપણે જેની વાત અગાઉ કરી ચૂક્યા છીએ એ સત્તાની સંદિગ્ધતા વિશે જેવા આપણે વિચારવા લાગીએ એ ખ્યાલ તરત નિરર્થક પુરવાર થશે. આ અભિવ્યક્તિ દ્વારા હું વ્યક્તિમત્તાઓની સત્તાનું પરાભૌતિકપરક પ્રતિનિધાન સૂચવવા નથી માગતો, પણ સત્તાની ઉપસ્થિતિ, વધારે ચોક્કસાઈપૂર્વક કહેવું હોય તો દ્વિ-અંગ(the two-fold)ની ઉપસ્થિતિ, સત્તા અને વ્યક્તિમત્તાઓ (Being and beings), પરંતુ એમના વિશે થતા ચિન્તનમાં આ દ્વિ-અંગ(the-two-fold)નું મહત્ત્વ સમજાયું હોય. જા : જો આપણે આ વાતને બરાબર ધ્યાનમાં લઈશું તો તમારો એ શબ્દપ્રયોગ કેવળ ધ્યાન ખેંચવા કાજે વપરાયેલો શબ્દ નહીં બની રહે. પૃ : એ તો બની જ ચૂક્યો છે. જા : કારણ કે તમે આજની વિચારશીલતા પાસેથી વધુ પડતું માગી રહ્યા છો. પૃ : વધુ પડતું, સાચી વાત છે, જે હજી પરિપક્વ થયું નથી એની પાસેથી. જા : તમે કહો છો પરિપક્વ. એટલે કે ઝાડ પરથી પાકું ફળ ખરે એમ પડે એવું. મને તો એવું લાગે છે કે એવા કોઈ શબ્દો હોય જ નહિ. એવા શબ્દો માટે જો કથન રાહ જુએ તો એનો ભાષાની પ્રકૃતિ સાથે મેળ નહીં બેસે અને તમે પોતે એક એવી છેલ્લી વ્યક્તિ છો જેને આવા કશાની જરૂર હોય. પૃ : તમે મને વધુ પડતું માન આપી રહ્યા છો. તમને વળતું માન આપવા માટે હું કહીશ કે અમારી સમસ્ત વિભાવનાઓ કરતાં તમે ભાષાના વાસ્તવની વધુ સમીપ છો એવો મારો અંદાજ છે. જા : હું નહિ પણ તમે જે શબ્દની માગણી કરી રહ્યા છો એ. હવે મારામાં જરાક હિંમત આવી હોવાથી એ શબ્દને હું ઝાઝો સમય સુધી રોકી શકું એમ નથી. પૃ : તમારું આ ટિપ્પણ જ કહે છે કે અમે જેને ભાષા કહીએ છીએ એની વાસ્તવિકતા માટેનો તમારો શબ્દ, જે હજી પણ તમે રોકી રાખ્યો છે, જેની આપણે આશા રાખવાની હામ પણ અત્યારે ભીડી શકતા નથી એવું વિસ્મય જગાડવાનો છે. જા : એવું બને ખરું. એ વિસ્મય તમારા પર એટલા બળથી ત્રાટકવાનું છે જેટલા બળથી તમે મને પ્રશ્ન પૂછ્યો ત્યારથી એણે મને બંદી બનાવી રાખ્યો છે. એ વિસ્મયને જરૂર છે વ્યાપકપણે ઝૂલવાની શક્યતાઓની. પૃ : એ કારણસર જ તમે અચકાવ છો. જા : શબ્દ એક અણસારો હોય છે, નહિ કે સંજ્ઞા સંકેતના અર્થમાં એવા તમારા નિર્દેશનથી મારામાં હિમ્મત આવી છે. પૃ : અણસારાઓને ઝૂલવા માટે વ્યાપક અવકાશની આવશ્યકતા વરતાતી હોય છે... જા : ...જેમાં મર્ત્યો કેવળ મંથર ગતિએ જ આગળપાછળ ઝૂલતા હોય છે. પૃ : આને જ અમારી ભાષા “અચકાવું તરીકે ઓળખાવે છે. મંથર ગતિ જ્યારે મુગ્ધ આદર પર વિશ્રામ કરતી હોય છે ત્યારેે સાચેસાચ આવું થતું હોય છે. તેથી જ હું તમને ઉતાવળે ધસી આવવાનું કહીને તમારા ખચકાટમાં ખલેલ પાડવા માગતો નથી.” જા : એ શબ્દ ઉચ્ચારવા માટેના મારા પ્રયાસમાં તમે જાણી ન શકો એટલી હદે સહાયરૂપ થઈ રહ્યા છો. પૃ : તમે મને એક જબરા ખળભળાટની અવસ્થામાં પાડી રહ્યા છો તે હું તમારાથી છાનું નહિ રાખું. ખાસ તો એ કારણસર કે ભાષા વિશારદો તથા ભાષાવિજ્ઞાનીઓ પાસેથી મારા પ્રશ્નનો ઉત્તર મેળવવાના અત્યાર સુધીના મારા સઘળા પ્રયાસો વ્યર્થ નીવડ્યા છે. હવે તમારું ચિન્તન મોકળાશથી હિલોળા લઈ શકે એટલા માટે, લગભગ તમારી પ્રેરણા વિના, ચાલો આપણે આપણી ભૂમિકાઓ જ બદલી નાખીએ અને મને ઉત્તર આપનારની ભૂમિકાએ જવા દો, ખાસ કરીને અર્થઘટનશાસ્ત્ર વિષેના તમારા પ્રશ્નનો ઉત્તર આપનારની ભૂમિકા. જા : તો હવે આપણે આપણા સંવાદના પ્રારંભ વેળાનો જે પ્રથમ માર્ગ આપણે લીધેલો તેના પર જ પાછા આવીએ છીએ, ખરુંને? પૃ : જે માર્ગ પર આપણે અર્થઘટનશાસ્ત્રની સ્પષ્ટતાઓ મેળવવા ઝાઝા દૂર જઈ શક્યા ન હતા એ જ માર્ગ પર; સાચું પૂછો તો, એ શબ્દનો વિનિયોગ કરવા હું કેમ પ્રેરાયો હતો તેની મેં કેવળ કથાઓ જ તમને કહેલી. જા : જ્યારે, સામા પક્ષે, હું નોંધતો જતો હતો કે હવે તમે એનો વિનિયોગ કરવાનું બંધ કરી દીધું છે. પૃ : અંતમાં મેં એ વાત પર ભાર મૂકેલો કે જો અર્થઘટનશાસ્ત્ર શબ્દને “ફિનોમિનોલોજી” સાથે સંલગ્ન શબ્દ તરીકે જોઈએ તો એનો અર્થઘટનશાસ્ત્રના પદ્ધતિશાસ્ત્ર જેવો રાબેતા મુજબનો અર્થ નહિ થાય પણ એનો અર્થઘટન સ્વયં એવો અર્થ થશે. જા : ત્યાર પછી આપણો સંવાદ તણાતો તણાતો અવ્યાખ્યાઈત પ્રદેશમાં જઈ પહોંચ્યો. પૃ : સદ્‌ભાગ્યે. જા : તો પણ, અર્થઘટન પર ફરી પાછા આવવા બદલ હું તમારો ઋણી છું. પૃ : એવું કરવા માટે મારો ઇરાદો એ શબ્દની વ્યુત્પત્તિથી શરૂ કરવાનો છે. એની વ્યુત્પત્તિ જ તમને બતાવી આપશે કે મેં એ શબ્દનો આડેધડ ઉપયોગ નથી કર્યો અને એ શબ્દ ફિનોમિનોલોજીમાં મેં કરેલા પ્રયોગ પાછળના આશયનું સ્પષ્ટીકરણ કરવા કેટલો તો સમર્પક છે. જા : દરમ્યાનમાં તમે એ બન્ને શબ્દોને પડતા મૂકેલા એના કારણે હું કેટલો બધો મૂંઝવણમાં મુકાઈ ગયેલો. પૃ : મેં એવું, ઘણી વાર માનવામાં આવે છે એમ, ફિનોમિનોલોજીના, મહત્ત્વને મિથ્યા ઠેરવવા માટે નહિ પણ મારા સ્વતઃના ચિન્તનના માર્ગને ત્યજી દઈ નામશૂન્યતાને વશ થવા કાજે કરેલું. જા : એક એવો પ્રયાસ જેમાં તમે ભાગ્યે જ સફળ થાઓ... પૃ : ...કેમ કે કોઈ પણ માણસ શીર્ષકો વિના જાહેરમાં સ્વીકૃત થઈ શકે નહિ. જા : કિન્તુ જેને તમે ત્યજી દીધી છે એ “અર્થઘટનશાસ્ત્ર” અને “અર્થઘટનપરક” સંજ્ઞાઓની વહારે ઝીણવટભરી સમજૂતી આપતાં તમને રોકી શકે નહિ. પૃ : પ્રયાસ કરી જોવામાં મને ખુશી થશે, કારણ કે એવી સમજૂતી ચર્ચામાં પરિણમી શકે. જા : તમારા ટ્રાકલની કવિતા પરના વ્યાખ્યાનમાં તમે ચર્ચા અંગે જે સમજણ આપી છે એ અર્થમાં. પૃ : બિલકુલ એ અર્થમાં, “હર્મન્યૂટિક્સ” (hermeneutics) શબ્દ ગ્રીક ક્રિયાપદ હર્મન્યૂન (nermeneuein)માંથી ઊતરી આવ્યો છે. આ ક્રિયાપદને હર્મન્યૂસ (hermeneus) નામ સાથે સંબંધ છે. એના આ નામને ચુસ્ત વૈજ્ઞાનિક ઢબે તો નહિ જ પણ જરા રમતિયાળ ઢબે હર્મસ (Hermes) નામના દેવ સાથે જોડી શકાય. અને હર્મસ એક દૈવી સંદેશવાહક છે. એનું કામ તો નિયતિના સંદેશા લાવવાનું; હર્મન્યૂન (hermeneuein) એટલે કે એ સંદેશ પ્રગટ કરવો તે. hermeneuein આ કામ કરી શકે છે કારણ એ એ સંદેશાને સાંભળી શકે છે. આ પ્રકારનું પ્રગટીકરણ કવિઓ દ્વારા કરવામાં આવેલું અર્થઘટન બને છે. કવિઓ વિષે સોક્રેટિસે, પ્લેટોનું lon કહે છે એમ, કહેલું કે તેઓ દેવોના અર્થઘટનકારો છે (hermes eisin ton theon). જા : પ્લેટોનો આ લઘુસંવાદ મને અતિપ્રિય છે. તમારા મનમાં જે સંવાદ છે તેમાં તો સોક્રેટિસ આ સાદૃશ્યતાને હજુ પણ આગળ લઈ જાય છે. એ કહે છે કે ગાયકો કવિના શબ્દના સંદેશને જાણતા હોય છે અને એ સંદેશને પ્રગટ કરતા હોય છે. પૃ : આ બધું એટલું તો સ્પષ્ટ કરી જ આપે છે કે અર્થઘટનશાસ્ત્ર એટલે અર્થઘટન નહિ, કિન્તુ એની પૂર્વે પણ સંદેશ અને સમાચારને જાણવા તે. જા : હર્મન્યૂઇન (hermeneuein)ના મૂળભૂત અર્થ પર તમે આટલો બધો ભાર શા માટે આપો છો? પૃ : કારણ કે આ મૂળભૂત અર્થે જ મને ફિનોમિનોલોજીપરક ચિન્તનમાં એનો વિનિયોગ કરવા પ્રેરેલો અને એ વિનિયોગે જ મારા માટે “Being and Time” માટેનો માર્ગ મોકળો કરી આપેલો. વ્યક્તિમત્તાઓની સત્તા (Being of beings) બહાર લાવી આપવી એ તે વખતે જરૂરી હતું અને આજે પણ છે. જોકે, હવે એ સત્તા પરાભૌતિકશાસ્ત્રની રીતિએ બહાર નહિ આવે પણ એ સત્તા સ્વયં પ્રકાશી ઊઠશે. સત્તા પોતે – એટલે કે : ઉપસ્થિત વ્યક્તિમત્તાઓની ઉપસ્થિતિ, એ બેઉના સરળ એકત્વના સંદર્ભમાં દ્વિ-અંગનું દ્વૈત આ જ તો માનવી પર પોતાનો દાવો કરતું રહે છે, આ જ તો માનવીની મૂળગત સત્તા ભણી વળવા માટે એને સાદ પાડતું હોય છે. જા : માનવી, તો પછી, દ્વિ-અંગની હાકલને અનુરૂપ પ્રતિભાવ આપી પોતાની પ્રકૃતિને પ્રત્યક્ષ કરતો રહે છે, અને એના સંદેશનો એ સાક્ષી બનતો રહે છે. પૃ : તદનુસાર, માનવ પ્રકૃતિ અને દ્વિ-અંગ સાથેના સંબંધમાં જો કંઈ પ્રવર્તમાન હોય અને એ સંબંધને શક્ય બનાવનાર હોય તો તે ભાષા છે. ભાષા જ અર્થપરક સમ્બન્ધની વ્યાખ્યા બાંધી આપતી હોય છે. જા : આ રીતે, હું જ્યારે તમને અર્થઘટનશાસ્ત્રના બારામાં પૂછતો હોઉં છું, અને તમે મને તમે જેને ભાષા કહો છો એ માટે અમારી પાસે શબ્દ છે કે નહિ એ વિષે પૂછતા હો છો ત્યારે આપણે એકબીજાને સમાન પ્રશ્ન જ પૂછતા હોઈએ છીએ. પૃ : ચોખ્ખી વાત છે, અને એટલા જ કારણે આપણે આપણા સંવાદના પ્રચ્છન્ન પ્રવાહને વિશ્વાસપૂર્વક સમર્પિત થઈ શકીએ... જા : ...જ્યાં સુધી આપણે પૃચ્છકો સુધી રહીએ. પૃ : તમારો આશય એવું કહેવાનો તો નથીને કે આપણે કુતૂહલને વશ વર્તી પરસ્પરને પ્રશ્નો પૂછી માહિતી ઓકાવી રહ્યા છીએ, કિન્તુ... જા : ...કિન્તુ ખરેખર તો જે કંઈ કહેવાય એને આપણે સીધા જ ખુલ્લામાં મુક્ત કરતા રહીએ. પૃ : એથી તો એવી છાપ ઊપસશે કે આપણે જે કંઈ કહીએ એ બધું જ અપ્રતિબદ્ધતાપૂર્વક તણાઈ જાય છે. જા : આપણે ભૂતકાલીન ચિન્તકોના સિદ્ધાન્તો પર નજર ઠેરવી એ સૌને પણ આપણા સંવાદમાં ભાગ લેતા કરી એ છાપનો પ્રતિકાર કરી શકીએ. મેં અત્યારે જે કહ્યું એ મેં જે કંઈ તમારી પાસેથી ગ્રહણ કર્યું છે એના આધારે કહ્યું છે. પૃ : તમે તેમાંથી જે કંઈ ગ્રહણ કર્યું તે વળી પાછું ચિન્તકોના ચિન્તનને શ્રુતજ્ઞાનથી પ્રાપ્ત કરાયું છે. પ્રત્યેક મનુષ્ય દરેક ક્ષણે પોતાના પુરોગામીઓ સાથે સંવાદ કરતો હોય છે અને કદાચ એથીય અધિક અને અધિક પ્રછન્નરૂપે આગામી ચિન્તકો સાથે સંવાદ કરતો હોય છે. જા : એક અધિક ગભીર અર્થમાં, પ્રત્યેક ચિન્તનશીલ સંવાદની ઐતિહાસિક પ્રકૃતિને જોકે, ઇતિહાસશાસ્ત્રની રીત મુજબ, ભૂતકાળમાં થઈ ગયેલા ચિન્તકો વિશે કે એમણે જે ચિન્તન કર્યું હોય એના વિશેનો અહેવાલ આપવાનાં સાહસો કરવાની આવશ્યકતા રહેતી નથી. પૃ : બિલકુલ નહિ. કિન્તુ પુરોગામી ચિન્તકોએ જેના વિષે વાત કરી હોય એનું યોગ્ય અર્થઘટન કરીને આવા વાર્તાલાપો તૈયાર કરવાની આજે આપણે માટે એક તાકીદની આવશ્યકતા છે. જા : એવા વાર્તાલાપો સરળતાથી પોતાની કક્ષા ગુમાવીને માત્ર ગધ્ધાવૈતરું બની રહે. પૃ : જ્યાં સુધી આપણે જાતે સંવાદ દ્વારા ચિન્તન કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યાં સુધી આપણે એ ભયને નિવાર્યો છે. જા : અને, તમે તમારી ભાષામાં કહો છો એમ, આપણે એકેએક શબ્દને જોખી-તોળીને વાપરવો જોઈએ. પૃ : પણ, એટલું જ નહિ, એકેએક કિસ્સામાં એકેએક શબ્દને એનું પૂરેપૂરું વજન, ખાસ કરીને પ્રછન્ન વજન, આપવામાં આવ્યું છે કે નહિ એ તપાસવું જોઈએ. જા : મને લાગે છે કે આપણે આ વણલખી ઉપચાર-વિધિને અનુસરી જ રહ્યા છીએ, જોકે મારે કબૂલ કરવું જોઈએ કે હું ખાસ્સો એવો અણઘડ પૃચ્છક છું. પૃ : આપણે બધા જ અણઘડ પૃચ્છકો બની રહેતા હોઈએ છીએ. ઘણીબધી કાળજી લેતા હોવા છતાં આપણે મૂળભૂત વાતો તો ભૂલી જ જતા હોઈએ છીએ. એ વાત આપણા આ સંવાદને, જે આપણને અંતિમે અર્થઘટનશાસ્ત્ર અને ભાષાની વાસ્તવિકતા પરની ચર્ચા સુધી દોરી લાવ્યો છે એને પણ લાગુ પડે. જા : શબ્દોના ઉપયોગ પરત્વે આપણે ક્યાં નિષ્કાળજી રાખી છે એ મને ઘડીભર તો દેખાયું નહિ. પૃ : એ એવું કંઈક છે જે મોટે ભાગે તો ખૂબ મોડેથી ધ્યાન પર આવતું હોય છે. એ માટે આપણા કરતાં વધારે તો આપણાથી અધિક શક્તિશાળી અને એમ હોવાથી અધિક વજનદાર એવી ભાષાની ખામી કારણભૂત છે. જા : કયા અર્થમાં? પૃ : આપણે આ ઘડીએ જ જે વાત કરી રહ્યા છીએ એનું જ ઉદાહરણ આપીને... જા : તમે કહ્યું કે ભાષા, ઉપસ્થિતિ અને વ્યક્તિમત્તાઓવાળા દ્વિ-અંગ સાથેના માનવ પ્રકૃતિના અર્થઘટનપરક સમ્બન્ધનું, એક મૂળભૂત લક્ષણ છે. આ ટિપ્પણી પર તત્કાળ કેટલાંક નિરીક્ષણો રજૂ કરવાનો મારો આશય હતો, પણ હવે એ કામ હું આપણે એ સંદર્ભમાં ક્યાં થાપ ખાઈ ગયા છીએ એ તમે દેખાડી આપો પછી જ કરીશ. પૃ : હું “સમ્બન્ધ” શબ્દ અંગે કહેવા માગતો હતો. આપણે એ શબ્દને “નાતો”ના અર્થમાં સમજીએ છીએ. એ રીતે આપણે એ શબ્દને (રિક્ત) ઔપચારિક અર્થમાં ઓળખીને એનો જાણે કે કોઈ ગાણિતિક સંકેતલિપિ ન હોય એ રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ. ગણનશાસ્ત્ર (લોજિસ્ટિક્સ)ની પ્રક્રિયા વિષે વિચારી જુઓ. પણ, “માણસ દ્વિ-અંગની સાથે અર્થઘટનપરક સમ્બન્ધ (relation)થી સંકળાયેલો છે,” આ પદસમૂહમાં આપણને “સમ્બન્ધ” (relation) શબ્દ કદાચ સંપૂર્ણપણે અલગ રીતે જ જોડાયેલો હોય એવું પણ સંભળાય. હકીકતમાં, જો આપણે જે કંઈ કહેવાયું છે એના પર વિચાર કરીએ, તો એ ભાવ સંભળાશે જ. હું ધારું છું ત્યાં સુધી આપણે એને સાંભળવો જ જોઈએ અને સાંભળી પણ શકીએ, તત્કાળ નહિ પણ નિરાંતે, પ્રલંબ ચિન્તન કરી લીધા પછી. જા : ત્યારે તો, અલ્પ સમય પૂરતા આપણે “સમ્બન્ધ” શબ્દને “નાતો”ના અર્થમાં સમજતા રહીએ તો કશી હાનિ નહિ થાય. પૃ : એ ખરું – કિન્તુ આ “સમ્બન્ધ” શબ્દ કે જે આપણા વિધાનનો મુખ્ય આધાર બની રહેવાનો છે એ પ્રારંભથી જ અપૂરતો છે. તૈયાર વસ્તુઓની માગ અને પુરવઠાની આપણે વાત કરતા હોઈએ ત્યારે એ બન્ને વચ્ચેના “પરસ્પર સમ્બન્ધ”ની વાત કરીએ છીએ. માણસ જો અર્થઘટનપરક સમ્બન્ધમાં હોય ત્યારે એમ સમજાય છે કે તે કંઈ વેપારની જણસ નથી પણ સમ્બન્ધ શબ્દ એમ જરૂર કહેવા માગે છે કે માણસને પોતાની વ્યક્તિમત્તા હોવાને લીધે માંગમાં હોય છે, એની જરૂર હોય છે, તે વ્યક્તિમત્તા હોવાને કારણે આવશ્યકપણાની ભીતર રહેતો હોય છે જેનો એના પર દાવો હોય છે. જા : કયા અર્થમાં? પૃ : અર્થઘટનપરકપણે – એટલે કે સંદેશા લાવીને સાચવી રાખવાની બાબતમાં. જા : માણસ “સમ્બન્ધથી સંકળાયેલો” હોય છે એમ કહેવું અને માણસ ખરેખર માણસ હોય છે જ્યારે એની જરૂર હોય છે અને જ્યારે એનો કોઈ/કશાના દ્વારા ઉપયોગ... પૃ : ...જે માણસને દ્વિ-અંગનું જતન કરવા હાકલ કરતું હોય છે... જા : ...જેને, મારી નજરે પડે છે ત્યાં સુધી તો, ન તો ઉપસ્થિતિના સંદર્ભમાં, ન તો ઉપસ્થિત વ્યક્તિમત્તાઓના સંદર્ભમાં કે ન તો એ બેઉની વચ્ચેના સમ્બન્ધના સંદર્ભમાં સમજાવી શકાય. પૃ : કારણ કે દ્વિ-અંગ પોતે જ સ્પષ્ટતાનું અનાવરણ કરી આપે છે, એટલે કે અનાવરિત થયેલી ભૂમિમાં જ માણસ વ્યક્તિમત્તાઓને અને ઉપસ્થિતિને પારખી શકતો હોય છે... જા : ...એવો માણસ જે સ્વભાવથી જ દ્વિ-અંગ સાથે સંકળાયેલો છે, એટલે કે, દ્વિ-અંગ દ્વારા જેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જા : જ્યાં સુધી આપણે દ્વિ-અંગ વિશે ઉપસ્થિત વ્યક્તિમત્તાઓ અને એમની ઉપસ્થિતિ વચ્ચેની તુલના દ્વારા સ્પષ્ટ બનતા ભેદના રૂપે જ વિચાર્યા કરીશું ત્યાં સુધી આપણે એનો પ્રત્યક્ષ અનુભવ ન કરી શકીએ. પૃ : તમે આટલું બધું સ્પષ્ટપણે જોઈ શકો છો તે મને અજાયબી લાગે છે. જા : આ સંવાદમાં હું જ્યારે તમને સમજી શકું છું ત્યારે સફળ થાઉં છું. જ્યારે મને એકલો પાડી દેવામાં આવે છે ત્યારે હું અસહાય હોઉં છું. તમે “સમ્બન્ધ” અને “ઉપયોગ” જેવા શબ્દો પ્રયોજતા હો છો ત્યારે પણ આવું જ બનતું હોય છે. પૃ : ...અથવા તો એમ કહોને કે હું જે રીતે એ શબ્દો પ્રયોજતો હોઉં છું એ... જા : ...એ ખૂબ અજનબી હોય છે. પૃ : હું એનો ઈનકાર કરતો નથી, કિન્તુ મને એવું લાગે છે કે જે ક્ષેત્રમાં આપણે વિહરી રહ્યા છીએ એ ક્ષેત્રમાં અજનબી લાગે એવી વસ્તુઓમાં થઈને પસાર થવાનું જો આપણે ટાળીએ નહિ તો આપણે એવી વસ્તુઓ પાસે પહોંચીશું જેની સાથે આપણો આદ્યરૂપે ઘરોબો હતો. જા : તમે “આદ્યરૂપે હોવા”ની વાતને કયા અર્થમાં સમજો છો? તમે એનો અર્થ આપણે શરૂઆતથી જ એ વસ્તુઓને જાણતા હતા એવો કરો છો. ખરુંને? પૃ : ના – આપણી પ્રકૃતિને બીજું બધું સોંપવામાં આવ્યું એ પહેલાં એની પાસે જે હતું એ અને જેને આપણે છેલ્લે જાણી શકીએ એ. જા : તો તમારું ચિન્તન એની શોધમાં હોય છે. પૃ : કેવળ એની જ – કિન્તુ આ રીતે, જે કંઈ ચિન્તનને પાત્ર છે એ સમસ્ત અને અખંડરૂપે આવરણમાં ઢંકાયેલું છે એની. જા : અને એવા ચિન્તનમાં તમે તમારા સાથીવિચારકોના સામ્પ્રત વિચારોની દરકાર કરતા નથી. પૃ : એવું લાગે છે અલબત્ત; કિન્તુ ખરી રીતે તો, વિચારનું પ્રત્યેક પગલું માનવીને પોતાના મૂળગત સત્‌ના પથને પામવા એણે જે ચિન્તન કરવું પડે છે તેમાં સહાયભૂત થવાના પ્રયાસની ગરજ સારે છે. જા : પરિણામે ભાષા પરનું તમારું ચિન્તન... પૃ : ...સત્તાની પ્રકૃતિ સાથેના ભાષાના સમ્બન્ધ પરનું ચિન્તન, એમ કહી શકાય કે, દ્વિ-અંગના હિલોળા સાથેના ભાષાના સમ્બન્ધ પરનું ચિન્તન. જા : પણ જો ભાષા અર્થઘટનપરકતા દ્વારા વ્યાખ્યાયિત વપરાશનું પાયાનું લક્ષ ન હોય, તો શરૂઆતથી જ ભાષાની વાસ્તવિકતાનો અનુભવ પરાભૌતિકપરક વિચારણામાં થતા ભાષાના અનુભવ કરતાં ભિન્ન પ્રકારનો હોવાનો. આ વાત મેં આ અગાઉ ચીંધી દેખાડવાનો પ્રયત્ન કરેલો. પૃ : પણ શેને માટે? જા : પરંપરાગતને કશાક નૂતન સાથે વિરોધાવવા ખાતર નહિ, પરંતુ આપણને યાદ દેવડાવવા કે આપણો સંવાદ ભાષાની પ્રકૃતિ પર ચિન્તન કરવાના પ્રયાસના ઇતિહાસપરક દૃષ્ટિકોણથી વાત કરી રહ્યો છે. પૃ : અતીત માટેના ચિન્તનમૂલક આદરથી પ્રેરાઈને એ વાત કરે છે. જા : અને આ મુદ્દો જ અમારે જાપાનીઓએ નોંધવાનો હતો, તમારી વ્યાખ્યાનશ્રેણીના શીર્ષકમાં તે સમાયેલો હતો. પૃ : મારે નિખાલસતાપૂર્વક તમને જણાવી દેવું જોઈએ કે અહીં તમે થાપ ખાઈ રહ્યા છો. આ વ્યાખ્યાનશ્રેણી “અભિવ્યક્તિ અને આવિર્ભાવ (એક્સપ્રેશન ઍન્ડ અપિયરન્સ),” (એનું શીર્ષક એક્સપ્રેશન ઍન્ડ મીનિન્ગ તો નહોતુંને?) અત્યારે આપણે જેને ચિન્તનશીલ સંવાદનું ઐતિહાસિક લક્ષણ કહીએ છીએ તેનાથી વાકેફ હોવા છતાં હજી ત્યારે વિવાદાસ્પદ હતી. જા : એનું શીર્ષક, તો પછી, તુલનાત્મક વિરોધ ચીંધી દેખાડવા પૂરતું હતું? પૃ : મારી નિસ્બત તો સંપૂર્ણપણે ભિન્ન એવી એક વાતને બહાર લઈ આવવાની હતી – જેના વિશે મને ગૂંચવણભરી તો નહિ પણ કેવળ અસ્પષ્ટ જાણ હતી. જુવાનીના જોસ્સાભરી આવી છલાંગો આસાનીથી દુષ્કૃત્યો તરફ દોરી જતી હોય છે. જા : શીર્ષકમાંનો “અભિવ્યક્તિ” શબ્દ તમે જેનો વિરોધ કરો છો તેને માટેનું નામ છે. કેમ કે ભાષાની પ્રકૃતિ ઉપરની તમારી મીટ ઉચ્ચારશાસ્ત્ર તેમ જ શબ્દોનાં લિખિત સ્વરૂપો, જેમને સામાન્ય રીતે ભાષાનાં મૂળગત ઘટકો તરીકે કલ્પવામાં આવ્યાં છે, જેવા ભાષાના અભિવ્યક્તિપરક લક્ષણ પર ઠરતી જ નથી. પૃ : “અભિવ્યક્તિ” સંજ્ઞા અહીં ઇન્દ્રિયજનિત સંવેદનોના પ્રાકટ્યના સંકીર્ણ અર્થમાં ગર્ભિત રહેલી છે. તેમ છતાં જ્યાં આપણું ધ્યાન ઉચ્ચારશાસ્ત્રપરક તેમ જ લિખિત સ્વરૂપોમાંના અર્થસંભાર પર કેન્દ્રિત થાય છે ત્યાં પણ ભાષાને તો હજી પણ અભિવ્યક્તિપરક લક્ષણ તરીકે લેખવામાં આવે છે. જા : એમ શા કારણે? બોલીને એના પૂરેપૂરા અર્થ સમજવામાં આવી હોય છે ત્યારે તે ઉચ્ચારશાસ્ત્રનાં ભૌતિક અને ઇન્દ્રિયજનિત પાસાંને ઉલ્લંઘી જતી હોય છે અને હંમેશાં એમ થતું રહે છે – ભાષા, સંવેદનરૂપે જે બોલાતું હોય છે અને લખાતું હોય છે તે પોતે જ અતીન્દ્રિયજન્ય છે, કશુંક એવું જે નિરંતર કેવળ ઇન્દ્રિયજન્ય હોય તેને ઉલ્લંઘી જતું હોય છે. આ મુજબ સમજાયાથી, ભાષા સ્વયં પરાભૌતિકશાસ્ત્રપરક છે. પૃ : તમે જેની પણ રજૂઆત કરો છો તે સર્વ સાથે હું સમ્મત છું, કિન્તુ ભાષાને અગાઉથી જ્યાં સુધી અભિવ્યક્તિરૂપે સમજવામાં આવી હોય ત્યારે પછી જ તે આ પરાભૌતિકશાસ્ત્રપરક પ્રકૃતિમાં પ્રકટ થતી હોય છે. અહીં અભિવ્યક્તિનો અર્થ કેવળ બોલીના ઉચ્ચારાયેલા ધ્વનિઓ તેમ જ લેખનની મુદ્રિત સંજ્ઞાઓ થતો નથી. અભિવ્યક્તિ સાથોસાથ કથન પણ હોય છે. જા : કથન એના આંતરિકપણાનું, જે કશું અંતરાત્મા સાથે સંલગ્ન હોય તેનું, સૂચન કરતું હોય છે. પૃ : વ્યાખ્યાનના એ દિવસોમાં, પ્રત્યેક જણ ફિનોમિનોલોજીના વર્તુળ સુધ્ધાં, અનુભૂતિ (erblenis) ની વાત કરતો હતો. જા : ડિલ્થીનું એક વિખ્યાત પુસ્તક આ શીર્ષક ધરાવે છે : “અનુભૂતિ અને કવિતા.” પૃ : આ અર્થમાં અનુભૂતિ કરવી એટલે ફરી પાછળ જવાનો નિર્દેશ કરવો; જીવન અને જિવાયેલી અનુભૂતિને ફરી પાછાં “હું” પાસે લઈ જવાં. પરનિષ્ઠતાનું સ્વનિષ્ઠ ભણીના મૂળ સુધી પાછા ફરવું તેનું નામ અનુભૂતિ, અતિશય ચર્ચાઈ ચૂકેલી સ્વ/પરની અનુભૂતિ સુધ્ધાં પરાભૌતિકશાસ્ત્રપરક સ્વનિષ્ઠતાના ક્ષેત્રની અંદર આવેલી છે. જા : અને સ્વનિષ્ઠતાનું આ ક્ષેત્ર અને તેની સાથે રહેલી અનુભૂતિને તો તમે દ્વિ-અંગના અર્થઘટનપરક સમ્બન્ધમાં પ્રવેશ કરવાની સાથે જ પાછળ મૂકી આવ્યા છો. પૃ : મેં પ્રયાસ તો કર્યો જ. “અભિવ્યક્તિ”, “અનુભૂતિ” અને “ચેતના”ના નામ હેઠળના માર્ગદર્શક ખ્યાલો આધુનિક ચિન્તનશીલતાના નિર્ણાયક મુદ્દાઓ હોઈ તેમણે જે નિર્ણાયક ભાગ ભજવ્યો છે તે સંદર્ભમાં જ તેમને તપાસવા પડે. જા : તો પછી, તમે “અભિવ્યક્તિ અને આવિર્ભાવ” એવું શીર્ષક શા કારણે પસંદ કર્યું તે હજી પણ મને સમજાતું નથી. એની પાછળ સાચું પૂછો તો વિરોધી ગુણ જાહેર કરવાનો આશય હતો, ખરુંને? “અભિવ્યક્તિ” કશીક આંતરિકતાનું કથન છે અને સ્વનિષ્ઠનું સૂચન છે એથી ઊલટું “આવિર્ભાવ” વસ્તુનિષ્ઠનું નામ પાડે છે. અહીં, હું કાન્ટે કરેલા વિનિયોગની યાદ દેવડાવું તો, એના કહેવા પ્રમાણે આવિર્ભાવો વસ્તુ હોય છે, અનુભૂતિની વસ્તુ. તમારા વ્યાખ્યાનને એવું નામ આપીને તમે સ્વ/પરના સમ્બન્ધ પરત્વે પ્રતિબદ્ધ તો બન્યા જ છો. પૃ : તમે ઉઠાવેલો વાંધો અમુક સંદર્ભે વાજબી એ કારણસર છે કે એ વ્યાખ્યાનોમાં ઘણું બધું સ્પષ્ટતા કર્યા વિનાનું રહી જવાનું જ હતું. કોઈ એક વ્યક્તિ એક જ કૂદકામાં લાંબે અંતરે જઈ શકે નહિ. અગ્રસ્થાન ભોગવતા વિચાર-વર્તુળને કુદાવી જવું. ખાસ કરીને પરંપરાગત વિચારણાની ખાસ્સી ઘસાઈ ગયેલી કેડીઓ સાથે કામ પાડી તેને કુદાવી જવી – આ કેડીઓ એવા પ્રદેશોમાં લુપ્ત થઈ હોય છે કે તમે એને પારખી પણ ન શકો. ઉપરાંત, સમસ્ત પરંપરાના અંતરને કુદાવી જવાની વાત જ એવી છે કે દેખીતી રીતે ભ્રષ્ટતાને વરેલો સંકલ્પ એને પાણીપોચો કરીને, એનાથી ઉફરા જવાને બદલે, અતીતની વસ્તુઓને અધિક આદિમરૂપે પામવાનો પ્રયત્ન કરતો હોય છે. “સત્તા અને સમય (Being and Time)”નું પ્રથમ પાનું હેતપૂર્વક પ્રશ્નને “પુનઃ ઉઠાવવાનું” કહે છે. કહેવાનો આશય એ નથી કે સદા એકસમાન રહેલા કશાકને કંટાળાજનક મંદગતિએ રજૂ કર્યા કરવું. કહેવાનો આશય છે પ્રાચીનમાં જે આવરણથી ઢંકાયેલું છે તેને બહાર લઈ આવવું, એકત્રિત કરવું, સાથે જોડી આપવું. જા : જાપાનમાંના અમારા અધ્યાપકો તેમ જ મારા મિત્રો તમારા આ દિશામાંના પ્રયાસોને હંમેશાં સમજતા રહ્યા છે. પ્રોફેસર તાનાબે, એક વાર તમે એમને પૂછેલા પ્રશ્ન પર વારંવાર આવી જતા, એ કહેતા : આપણે જાપાનીઓ આપણી પોતાની ચિન્તનશીલતાના આદરણીય બની ચૂકેલા આરંભોને કેમ યાદ નથી કરતા અને ભૂખાળવા બની યુરોપીય ફિલસૂફીના અધુનાતમ પ્રવાહોની પાછળ સદા દોડતા રહીએ છીએ. પૃ : આવા વલણની વિરુદ્ધમાં જવું એટલું બધું સરળ નથી. આ પ્રકારની રસમો સરવાળે તો, પોતાના વાંઝિયાપણાથી ગળાઈ મરે છે. એમાં આપણા પ્રદાનને શેની આવશ્યકતા છે તે જુદી વાત છે. જા : જેમ કે? પૃ : ચિન્તનને એના સ્રોત ભણી વાળી જતી કેડીઓ પર પુનઃ લક્ષ કેન્દ્રિત કરવું. જા : તમારા પોતાના પ્રયાસમાં તમને આવી કેડીઓ મળી આવે છે ખરી? પૃ : મળી આવે છે તો ખરી, કારણ કે મેં પોતે એમને પાડી નથી હોતી અને, દૂરથી આવતા કોઈ સાદનો હવામાં થઈને વહી આવતો પડઘો જાણે હોય તે રીતે ક્વચિત જ તેમને ઓળખી શકાય તેવી હોય છે. જા : તો પછી હું એવા અનુમાન પર આવું કે “અભિવ્યક્તિ અને આવિર્ભાવ”માંના પ્રભેદને તમે હવે સ્વ/પરના સમ્બન્ધમાં પોતાને સ્થાપતા નથી. પૃ : જેનો તમે ઉલ્લેખ કર્યો છે તે કાન્ટની આવિર્ભાવ અંગેની વિભાવનામાં હું જે ઉમેરવા માગું છું તેના પર તમે ધ્યાન આપશો તો તમે એથી પણ અધિક સ્પષ્ટતાથી જોઈ શકશો. કાન્ટની વ્યાખ્યાની એક એવી ઘટના પર માંડણી થઈ છે કે જે કંઈ ઉપસ્થિત છે તે બધું જ આપણા પ્રતિનિધાન માટે ક્યારનું વસ્તુરૂપ બની ચૂક્યું હોય છે. જા : આવિર્ભાવમાં, જે રીતે કાન્ટ એને વિશે વિચારે છે તેમ, આપણી અનુભૂતિએ વસ્તુને, આપણાથી વિરુદ્ધ એવા કશાકરૂપે, ક્યારની પોતામાં સમાવી લીધી હોવી જ જોઈએ. પૃ : એ જરૂરી છે, કાન્ટને યોગ્ય રીતે સમજવા પૂરતું જ નહિ, કિન્તુ બીજા બધાથી પણ વધુ મહત્ત્વનું છે જેથી આપણે આવિર્ભાવના પ્રકટ થવાની અનુભૂતિ કરી શકીએ, હું જો આ રીતે મૂકું તો, આદિમરૂપે. જા : આ કઈ રીતે બનતું હોય છે? પૃ : Phainomenaની Phenomena (ઘટના) તરીકે અનુભૂતિ અને ચિન્તન કરનારામાં ગ્રીકો સૌથી પ્રથમ હતા, પરંતુ એવી અનુભૂતિ કરવામાં ઉપસ્થિત વ્યક્તિમત્તાઓને વિરોધી વસ્તુપણાના પરિબળ તરીકે લેવાનું તેમનાથી પૂરેપૂરું પરાયું રહી ગયું. તેમના મતે Phainesthai એવો ભાવ દર્શાવે છે કે વ્યક્તિમત્તા પોતાની દીપ્તિ ધારણ કરતી હોય છે અને એ દીપ્તિમાં પોતે પ્રગટ થતી હોય છે. આમ આવિર્ભાવ હજુ પણ આવરણનો આવિષ્કાર કરીને બહાર આવતી સમસ્ત વ્યક્તિમત્તાઓની ઉપસ્થિતિનું પાયાનું લક્ષણ રહ્યું છે. જા : તદ્‌નુસાર, તમારા શીર્ષક “અભિવ્યક્તિ અને આવિર્ભાવ”માં તમે બીજા નામનો વિનિયોગ ગ્રીક અર્થમાં કરો છો? પૃ : હા અને ના. હા એટલા માટે કે મારે મન “આવિર્ભાવ” નામ વસ્તુઓનું વસ્તુરૂપે નામ નથી પાડતું અને નગણ્યપણે ચેતનાની વસ્તુઓ રૂપે – ચેતનાનો અર્થ હંમેશાં સ્વચેતના થતો હોય છે. જા : ટૂંકમાં, કાન્ટને અભિપ્રેત છે તે અર્થમાં આવિર્ભાવ નહિ જ. પૃ : કેવળ કાન્ટ સાથે વિરોધાવવાથી વાત પતી જતી નથી, કેમ કે જ્યાં પણ “વસ્તુ” સંજ્ઞા ઉપસ્થિત વ્યક્તિમત્તાઓ માટે પ્રયોજાય છે, જે પોતાની ભીતરમાં અસ્તિત્વને ધારણ કરી રહી હોય ત્યાં અને કાન્ટના અર્થઘટનનો અસ્વીકાર કરવામાં આવતો હોય ત્યાં, આપણે આવિર્ભાવનો ગ્રીક અર્થમાં ચિન્તન કરવાથી હજી ઘણા દૂર છીએ – કિન્તુ, જોકે, મૂળભૂત રીતે કદાચ અતિ પ્રછન્ન અર્થમાં, દકાર્તની રીતિમાં છીએ : “હું” એક સ્વનિષ્ઠ તરીકેના અર્થમાં. જા : તેમ છતાં તમારી “ના” એવું સૂચવી જાય છે કે તમે પણ, આવિર્ભાવને ગ્રીક ભાવમાં વિચારતા નથી. પૃ : તમે સાચા છો. અહીં જે નિર્ણાયક મુદ્દો છે તેને દૃશ્યમાનરૂપે રજૂ કરવું પણ ઘણું દુષ્કર છે, કારણ કે તે સરળ અને મુક્ત દૃષ્ટિ માગી લે છે. જા : આવી દૃષ્ટિ, દેખીતી રીતે, હજી વિરલ છે, કેમ કે આ સામાન્ય રીતે તમારી આવિર્ભાવની વ્યાખ્યાને, જોયા જાણ્યા વિના જ, ગ્રીક વ્યાખ્યાની કોટિએ મૂકવામાં આવી છે અને એવું નિશ્ચિત તારણ કાઢી આપવામાં આવ્યું છે કે તમારું ચિન્તન, ગ્રીક ચિન્તન સુધી, અરે એથીયે પૂર્વેના પૂર્વ-સોક્રેટિસના ચિન્તન સુધી પહોંચવા સિવાય અન્ય કશી જ નેમ ધરાવતું નથી. પૃ : એવો મત બિલકુલ બાલિશ છે, તેમ છતાં તેવા મતમાં કશુંક તથ્ય પણ છે. જા : એમ કઈ રીતે? પૃ : જરૂરી સંક્ષેપ સાથે તમારા પ્રશ્નનો ઉત્તર વાળવા હું એક શબ્દસમૂહને વળાંક આપવાનું સાહસ કરું જે એક અભિનવ અનર્થઘટન પરત્વે ખુલ્લું રહે છે... જા : ...જેનો તમે એટલી જ ત્વરાપૂર્વક જવાબ આપી શકો તેમ છો. પૃ : ચોક્કસ. જો તે આપણા સંવાદમાં વધુ વિલંબ ન સર્જે તો, આપણા સંવાદને સમયની મર્યાદા છે, કારણ કે આવતી કાલે તમે ફરી પાછા ફ્‌લારેન્સ ઊપડી જવાના છો. જા : મેં અગાઉથી નક્કી કરી લીધું છે, જો તમે મને ફરી મુલાકાત લેવાની રજા આપતા હો તો, હું વધુ એક દિવસ માટે રોકાઈ જાઉં. પૃ : એવું કશું, જોકે, હું નહિ કરું, કિન્તુ આગામી ક્ષણોના આહ્‌લાદક ચિત્ર સાથે મારે ઉત્તરોને સંક્ષિપ્ત રાખવા જ જોઈએ. જા : તો પછી તમારો ગ્રીક ચિન્તન સાથેનો સમ્બન્ધ કેવો છે? પૃ : ગ્રીકોએ સવાઈ ગ્રીક બનીને જે પ્રકારે ચિન્તન કર્યું તેમ આજના સમયમાં આપણું ચિન્તન કપરા કાર્યથી લાદેલું છે. જા : અને ગ્રીકો પોતાને સમજ્યા તેથી અદકી રીતે આપણે ગ્રીક પ્રજાને સમજી લઈએ. પૃ : નહિ, મુદ્દો એ નથી; કેમ કે સમસ્ત ચિન્તન પોતાને સૌથી ઉત્તમ રીતે સમજતું હોય છે, કહેવાનો ભાવ એવો છે એની સીમા આંકી રાખી હોય તે સીમાની અંદર રહીને પોતાને એ રીતે સમજતું હોય છે. જા : તો પછી એવું કહેવાનો અર્થ શો : ગ્રીકો એ સવાઈ ગ્રીકોની ભાતે જેવી વિચારણા કરી તે ભાતે વિચારણા કરવી. પૃ : આવિર્ભાવના અર્કને લક્ષ્યમાં રાખીને આ વાતનો ખુલાસો તુરન્ત આપી શકાય. જો ઉપસ્થિત હોવું પોતે જ આવિર્ભાવ તરીકે વિચારવામાં આવ્યું હોય, તો પછી ઉપસ્થિત હોવામાં જ ખુલ્લાપણાની અંદર પ્રકટીકરણ આવરણના આવિષ્કરણના ભાવમાં પ્રવર્તી રહેલું હોય છે. આ આવિષ્કરણ ભૂમિનાં શોધન તરીકે થતું હોય છે; કિન્તુ ભૂમિનું આ શોધન (Clearing) પોતે, ઘટનારૂપે પ્રત્યેક રીતે વણવિચાર્યું રહેતું હોય છે. ચિન્તનમાં પ્રવેશવા માટે આ વણવિચારાયેલી ઘટનાનો અર્થ છે : ગ્રીકોએ વિચાર્યું હતું તેથી અધિક મૌલિકરૂપે એની પૂંઠે જવું, તેના અસ્તિત્વના સ્રોતમાં એને નીરખવું. આમ નીરખવું તે જ એની પોતાની રીતે ગ્રીક છે. તેમ છતાં એ જે નીરખે છે તે હવે પછી, કદી ગ્રીક નહિ હોય. જા : તો પછી એ શું છે? પૃ : મને લાગે છે કે આ પ્રશ્નનો ઉત્તર આપવો આપણા માટે બંધનકર્તા નથી કે એનો ઉત્તર કશી સહાય કરે એમ પણ નથી. આવિર્ભાવને ઉપસ્થિતિના વાસ્તવરૂપે એના મૂળગત ઉદ્‌ગમમાં નીરખવો એ મહત્ત્વનું છે. જા : એમ કરવામાં તમે જો સફળ રહો તો તમે આવિર્ભાવને વિશે ગ્રીક રીતિમાં વિચારી રહ્યા છો, અને સાથે સાથે ગ્રીક રીતિમાં વિચારી નથી પણ રહ્યા. તમે કહ્યું – કંઈ નહિ તો એનો તમારા કહેવા મુજબ આટલો અર્થ તો થાય જ છે – આપણે સ્વ-પર સમ્બન્ધના ક્ષેત્રને આપણી પાછળ મૂકી દેતા હોઈએ છીએ જ્યારે અનુભૂતિ, હમણાં જ જેનો નિર્દેશ થયો, એવા ક્ષેત્રની અંદર પ્રવેશતી હોય છે જે ક્ષેત્રમાં આવિર્ભાવનો અસલ ઉદ્‌ગમ રહેલો છે – આપણે એમ કહેવાનું સાહસ ખેડીશું – સ્વયં પોતાને આવિર્ભૂત કરે છે? પૃ : ભાગ્યે જ, કિન્તુ તમે કશાક મૂળગત પર આંગળી મૂકી રહ્યા છો, કેમ કે આવિર્ભાવના સ્રોતમાં, કશુંક મનુષ્ય ભણી આવતું હોય છે જે ઉપસ્થિતિ તેમ જ ઉપસ્થિત વ્યક્તિમત્તાઓના દ્વિ-અંગને ધારણ કરતું હોય છે. જા : એ દ્વિ-અંગે, એની પ્રકૃતિ આવરણમાં ઢંકાયેલી હોવા છતાં સદાયનો અને ક્યારનોય પોતાને મુખ્ય પ્રતિ ધરી દીધો હોય છે. પૃ : મનુષ્ય, એના મનુષ્ય હોવાની સીમા સુધી, આ સંદેશનું શ્રવણ કરતો હોય છે. જા : મનુષ્ય, સદાયનો અને ક્યારનોય આ સંદેશનું શ્રવણ કરતો રહેતો હોય છે, એ વાત પર એનું વિશેષ ધ્યાન ન જતું હોવા છતાં એમ બનતું રહેતું હોય છે. પૃ : અને એ સમ્બન્ધને અર્થઘટનમૂલક કહેવામાં આવે છે, કારણ કે તે સંદેશના સમાચાર આપી જાય છે. જા : આ સંદેશ મનુષ્યને અધિકારપૂર્વક જણાવે છે કે તે એનો પ્રતિભાવ આપે... પૃ : ...એ સંદેશને સાંભળવો અને મનુષ્ય તરીકે એમાં રહેવું. જા : અને આ છે તમે જે કહેતા હો છો તે મનુષ્ય હોવું, તમે અહીં હજુ પણ “હોવા” શબ્દને કબૂલ રાખતા હો તો. પૃ : મનુષ્ય આ સંદેશનો સંદેશ-વાહક હોય છે એમ દ્વિ-અંગના આવરણનો આવિષ્કાર તેને કહેતો રહેતો હોય છે. જા : તમે જે કહી રહ્યા છો તેને, હું જ્યાં સુધી સમજી શકતો હોઉં ત્યાં સુધી, મને એવી ગંધ આવી રહી છે, અમારા (જાપાની) ચિન્તન સાથે ઊંડે ઊંડે પ્રછન્ન એવો લોહીનો નાતો છે, કારણ કે તમારા ચિન્તનનો પથ અને તેની ભાષા એટલાં તો ઇતર છે. પૃ : તમારી આ કબૂલાત એક રીતે મને હચમચાવી મૂકે છે. આપણે સંવાદમાં હોવાને કારણે જ હું એના પર કાબૂ રાખી શકું છું, કિન્તુ એક એવો પ્રશ્ન છે જેને હું પડતો મૂકી શકું તેમ નથી. જા : કયો? પૃ : એ પ્રશ્ન કાર્યસ્થળ (site) ને લગતો છે, તમને જેમાં લોહીની સગાઈની ગંધ આવી છે તે હવે અમલમાં આવે છે. જા : તમારો પ્રશ્ન દૂરના અંતરે જાય છે. પૃ : એ કઈ રીતે? જા : એ અંતર છે અવકાશની અસીમતાનું જે અમને કુ (KU)માં દર્શાવવામાં આવતું હોય છે, જેનો અર્થ છે : વ્યોમની રિક્તતા. પૃ : ત્યારે તો, મનુષ્ય, દ્વિ-અંગના આવરણના આવિષ્કારના સંદેશ-વાહકરૂપે પણ મનુષ્ય જ હોય, કેમ કે એણે જ તો અસીમની સીમા પર ચાલતા રહેવાનું હોય છે. જા : અને આ પથ પર ચાલતાં ચાલતાં તેણે સીમાના રહસ્યની ખોજ કરવાની હોય છે... પૃ : ...જે અન્ય કશામાં ઢંકાયલું હોઈ ન શકે સિવાય કે વાણીમાં અને આ વાણી એની પ્રકૃતિને નિર્ણિત કરી આપતી હોય છે અને તેને સુરીલી રાખતી હોય છે. જા : આપણે અત્યારે જે વાત કરી રહ્યા છીએ – “આપણે” બદલ ક્ષમા ચાહું – તેની ભાષાના પરાભૌતિકશાસ્ત્રપરક ખ્યાલના બળ પર હવે પછી ચર્ચા કરી શકાય તેમ નથી. તેથી એવા અનુમાન પર આવી શકાય જેને તમે સૂચવવાનો પ્રયાસ કર્યો છે કે તમે તમારી વ્યાખ્યાનશ્રેણીને “અભિવ્યક્તિ અને આવિર્ભાવ”નું શીર્ષક આપીને એવા ખ્યાલથી મોઢું ફેરવી લીધું છે. પૃ : આ સમગ્ર વ્યાખ્યાનશ્રેણી એક સૂચન તરીકે રહી છે, એમાં મેં એક આછેરી કેડીને અનુસરવાથી વિશેષ કશું કર્યું નથી, કિન્તુ એને હું અનુસર્યો છું તો ખરો જ. એ કેડી એટલે લગભગ પારખી ન શકાય એવું વચન, જેમાં એવું જાહેર કરવામાં આવ્યું છે કે આપણે એક ખુલ્લા અવકાશમાં મુક્ત થયા હોઈશું જે આ ક્ષણે ગાઢું અને મૂંઝાવી નાખનારું હોય તો બીજી ક્ષણે તીક્ષ્ણ વીજળી સમી અણધારી આંતરદૃષ્ટિ જોઈ લો. તે પછી કહેવાનો વારો આવ્યો ત્યારે, પુષ્કળ પ્રયાસ છતાં જે કહેવાનું હતું તે હાથમાંથી સરકી ગયું. જા : પાછળથી, પણ, “સત્તા અને સમય”માં ભાષાની ચર્ચા ભારોભાર સ્વલ્પ રહી છે. પૃ : તેમ છતાં આપણો સંવાદ પૂરો થયા પછી “સત્તા અને સમય”માંના ૩૪મા સેક્શનને વધુ સઘનપણે વાંચવાની તમને ઇચ્છા થાય ખરી. જા : મેં તે અનેક વાર વાંચ્યું છે અને પ્રત્યેક વેળા તમે એને આટલું ટૂંકું રાખ્ય બદલ રંજ અનુભવ્યો છે, કિન્તુ હું માનું છું કે હવે હું એ હકીકતના પૂરા તાત્પર્યને અધિક સ્પષ્ટતાપૂર્વક જોઈ શકું છું કે અર્થઘટનશાસ્ત્ર અને ભાષા એકસાથે રહેલાં છે. પૃ : પૂરું તાત્પર્ય ખરું પણ કઈ દિશામાંનું? જા : કાયાપલટ કરવા ભણીનું, વહાણ જે ત્વરાપૂર્વક પોતાનું સુકાન બદલે એટલી ત્વરાપૂર્વક, જોકે, કાયાપલટ સિદ્ધ થઈ શકે નહિ અને દર્શનશાસ્ત્રનાં સંશોધનોનો જે ખડકલો થયો છે તેને પરિણામે એથી પણ ઓછા પ્રમાણમાં સિદ્ધ થઈ શકે. પૃ : કાયાપલટો દરિયાઈ માર્ગની જેમ સિદ્ધ થતો હોય છે. જા : ...જેમાં એક કાર્યસ્થળ (Site) પાછળ છોડીને બીજા કાર્યસ્થળ ભણી... પૃ : ...અને તે કાર્યસ્થળોને ચર્ચા-વિચારણા હેઠળ મૂકવાનું માગી લેતું હોય છે. જા : એમાંનું એક કાર્યસ્થળ તે પરાભૌતિકશાસ્ત્ર. પૃ : અને બીજું? આપણે તેને નામ આપ્યા વિનાનું રહેવા દઈએ. જા : દરમિયાન, કાઉન્ટ કૂકીએ પોતાના સૌંદર્યમીમાંસામાંના પ્રયાસોમાં તમારો માર્ગ એમને સહાયભૂત નીવડશે એવી અપેક્ષા કયા ખયાલને આધારે રાખી હશે તેનાથી હું વધુ ને વધુ મૂંઝાતો જાઉં છું, કેમ કે તમારો માર્ગ પરાભૌતિકશાસ્ત્રને પાછળ છોડી દઈને આગળ વધવાનું કહે છે જેમાં સૌન્દર્યમીમાંસા જે પરાભૌતિકશાસ્ત્રના પાયામાં રોપાયલી છે તેને પણ પાછળ છોડી દેવી પડે તેમ છે. પૃ : કિન્તુ એને એવી રીતે પાછળ મૂકી દે છે કે આપણે હવે જ સૌન્દર્યમીમાંસાની પ્રકૃતિની વિચારણા કરી શકીએ, અને ફરી પાછી એને પોતાની સીમાની અંદર વાળી શકીએ. જા : કદાચ આવા ઉપક્રમે કાઉન્ટ કૂકીને આકર્ષ્યા હોવા જોઈએ; એ અત્યંત સંવેદનશીલ હતા, અને એટલા બધા વિચારશીલ હતા કે વાડાબંધ વાદોના કલનશાસ્ત્રને ભાગ્યે જ દાદ આપે. પૃ : તેમણે ધ્યાનાકર્ષક યુરોપીય શીર્ષક “ઇસ્થેટિક્સ”નો વિનિયોગ કર્યો ખરો, કિન્તુ એમની વિચારસરણી તેમ જ ખોજ તો કશાક અન્ય માટેની હતી... જા : આઇકિ માટે. આ એક એવો શબ્દ છે જેનો અનુવાદ કરવાની હિમ્મત હું અત્યારે પણ કરી શકતો નથી. પૃ : કિન્તુ એ શબ્દ આપણને છદ્‌મ એવું સૂચન કરે છે, તેને વર્ણવવા માટે તમે અત્યારે બહેતર સ્થિતિમાં છો. જા : તમે પહેલાં ઇસ્થેટિક્સની પ્રકૃતિનું સ્પષ્ટીકરણ કરી લો, ત્યાર પછી. પૃ : એ તો આપણા સંવાદના પ્રવાહ દરમિયાન ક્યારનું થઈ ચૂક્યું છે – જ્યાં આપણે એની વિશિષ્ટપણે વાત કરી નથી, બરોબર ત્યાં. જા : તમારો કહેવાનો ભાવાર્થ છે આપણે સ્વ-પર સમ્બન્ધની વાત કરી ત્યારે? પૃ : બીજે ક્યાં? ઇસ્થેટિક્સ (સૌન્દર્યમીમાંસા) અથવા આપણે તેને એમ પણ કહીએ, જે ક્ષેત્રની અંદર તે માનદંડ નક્કી કરી આપે છે તેની અનુભૂતિ, પ્રારંભથી જ તે આપણી ઊર્મિઓ અને આપણા વિચારો માટે કલાકૃતિને વસ્તુમાં ફેરવી આપે છે. કલાકૃતિ વસ્તુરૂપ બન્યા પછી જ તે પ્રદર્શન તેમ જ વસ્તુસંગ્રહાલય માટે લાયક ઠરે છે... જા : ...મૂલ્યવાન ગણાતી થાય છે અને તેનું મૂલ્ય અંકાવા માંડે છે. પૃ : કલાત્મકતાનો ગુણ સમકાલીન આધુનિક કલાની અનુભૂતિનું વ્યાવર્તક અંગ બની રહે છે. જા : અથવા તો આપણે સીધું એમ પણ કહીએ શકીએ : કલાના વ્યવસાયમાં. પૃ : કિન્તુ જે કલાત્મક છે તેની વ્યાખ્યા તો સર્જનાત્મકતા અને કલામર્મજ્ઞતાના સંદર્ભે જ થતી હોય છે. જા : કલા શું કલાત્મકતામાં રહેલી હોય છે કે પછી એથી વિપરીત સ્વરૂપમાં? કલાત્મકતા વિષયક સઘળી વાતો કલાકારને અગ્રસ્થાન અપાતું હોવાની ચાડી ખાતી હોય છે. પૃ : પ્રમાતારૂપે તે કૃતિ સાથે સમ્બન્ધમાં રહેલો હોય છે. જા : સમસ્ત સૌન્દર્યમીમાંસા જેમાં સમાવિષ્ટ થઈ હોય તેવું આ માળખું છે. પૃ : તે માળખું એટલું બધું પેચીદું, એટલે કે સર્વાશ્લેષી છે કે તે કલા અને તેની પ્રકૃતિ વિષયક અન્ય સર્વ પ્રકારોને ઝીલી લે છે. જા : તે ઝીલી શકે ખરું, કિન્તુ તેને પોતાનું બનાવી ન શકે. આટલા માટે જ મને અગાઉ કદી નહોતો એવો ભય અત્યારે લગી રહ્યો છે કે આઇકિની પ્રત્યેક સમજૂતી અર્થઘટનપરક વિચારસરણીના સકંજામાં જઈ ન પડે. પૃ : એનો આધાર હોય – તમે પ્રયત્ન તો કરી જુઓ. જા : આઇકિ એટલે પ્રસાદગુણસંપન્ન. પૃ : જેવો તમે આ શબ્દ ઉચ્ચાર્યો કે આપણે એકદમ સૌન્દર્યમીમાંસાના કેન્દ્રમાં પહોંચી ગયા – શિલર (Schiller)ના પ્રબન્ધ “પ્રસાદગુણ અને ગરિમા” (ગ્રેસ ઍન્ડ ડિગ્નિટી)ની યાદ આવી જાય. આ પ્રબન્ધ એણે પાછળથી લખેલા પત્રો “મનુષ્યનું સૌન્દર્યમીમાંસાપરક શિક્ષણ” (‘લેટ્‌સ ઑન ઇસ્થેટિક એડ્‌યુકેશન ઑવ્‌ મેન’)ની જેમ એ કાન્ટના સંવાદથી પ્રેરિત છે. જા : મને મળેલી માહિતી સાચી હોય તો, આ બન્ને કૃતિઓએ હેગલના “ઇસ્થેટિક્સ” માટે એક નિર્ણાયક ઉદ્દીપક તરીકે ફાળો આપેલો છે. પૃ : આપણે થોડાક મુદ્દાઓને આમતેમ ઉછાળીને મનને મનાવવાનો હવે પ્રયાસ કરીશું કે આપણે તો સૌન્દર્યમીમાંસાની પ્રકૃતિ પર પ્રભુત્વ મેળવી લીધું છે તો તે ઘમંડ ગણાશે. જા : બધી વાતને ધ્યાનમાં લઈ કેવળ એટલું હું કહું કે આઇકિ જેનો મેં હમણાં અનુવાદ કર્યો પ્રસાદગુણસંપન્ન તેને ઇસ્થેટિક્સથી વેગળી રાખવાનો પ્રયત્ન હું કરું પણ ખરો, એટલે કે સ્વ-પરના સમ્બન્ધથી વેગળી. હવે હું એને વશીકરણ કરી નાખે એવા “પ્રસાદગુણ” રૂપી ઉદ્દીપક તરીકે લેખતો નથી... પૃ : ...એટલે કે જે ઉદ્દીપન કરનારું છે, જે પ્રભાવો પાડનારું છે, જે aisthesis છે તેના પ્રદેશમાં નહિ – કિન્તુ? જા : કદાચ એથી વિપરીત દિશામાં. કિન્તુ આ નિર્દેશથી હું હજી સૌન્દર્યમીમાંસાના પ્રદેશ સાથે ભેરવાયલો રહું છું તેની મને જાણ છે. પૃ : આ આત્મ-નિગ્રહને આપણે ધ્યાનમાં રાખીએ તો તમે જે સમજૂતી આપવા માગો છો તેનો પ્રયાસ કરી જોવામાં સ્હેજે હાનિ જેવું નથી. જા : આઇકિ એ તો દૈદીપ્યમાન પ્રસન્નતાની નિઃસ્તબ્ધતાનો પ્રાણ છે. પૃ : તો તો તમે “પ્રસન્નતા”ને એના શાબ્દિક અર્થમાં લો છો – જે ફંદામાં ફસાવે છે, ને ઉપાડી જાય છે – નિઃસ્તબ્ધતાની અંદર. જા : એની અંદર ઉદ્દીપન કે પ્રભાવમાંનું કશું જ ક્યાંય પણ વરતાતું હોતું નથી. પૃ : આ પ્રસન્નતા અણસારાની કોટિની છે, એ આપણને ઈશારેથી આગળ ને આગળ બોલાવતી હોય છે અને આગળ ને પાછળ બોલાવતી હોય છે. જા : અણસારો, જોકે, આવરણના આવિષ્કારનો સંદેશ હોય છે. પૃ : તો પછી ઈશારેથી બોલાવી રહેલી નિઃસ્તબ્ધતાનો વિશુદ્ધ આનંદ એ અર્થમાં સમસ્ત ઉપસ્થિતિનો સ્રોત પ્રસાદગુણમાં રહેલો હોય. જા : મારી રજૂઆતની ઝીણવટભરી તપાસની વિગતોને તમે કાન દઈને સાંભળો છો તે હકીકત જ મારામાં એવો વિશ્વાસ જગાડે છે કે અત્યાર સુધી તમારા પ્રશ્નોના જવાબ આપવા અંગે મારા મનમાં ચાલી રહેલી ગડમથલને પડતી મૂકું. પૃ : મેં પૂછેલો પ્રશ્ન કે તમારી ભાષામાં, અમે યુરોપવાસીઓ જેને ભાષા કહીએ છીએ તેને માટે કયો શબ્દ છે એ જને? જા : આ ઘડી સુધી હું એ શબ્દથી ભાગતો રહેલો, કારણ કે મારે એનો અનુવાદ આપવો જ પડે તેમ હતું, અને તે વખતે ભાષા માટેનો અમારો શબ્દ અને માત્ર ચિત્રલિપિ (પિક્ટોગ્રાફ)રૂપે જ દેખાયા કરે, એટલે કે એવું કશુંક જે વિભાવનાઓના પરિસરમાં રહેલું હોય, કેમ કે યુરોપીય વિજ્ઞાન અને તે વિજ્ઞાનની ફિલસૂફી ભાષાની પ્રકૃતિનું આકલન કેવળ વિભાવનાઓના માર્ગે કરવા પ્રયત્નશીલ છે. પૃ : ભાષા માટે જાપાની શબ્દ કયો છે? જા : (થોડી વધુ અવઢવને અંતે) તે શબ્દ છે “કોતો બા”. પૃ : આ શબ્દ શું કહેવા માગે છે? જા : “બા”નો અર્થ થાય છે પર્ણો – પાંદડીઓ સહિત, અને વિશિષ્ટપણે તો પાંખડીઓ. ચૅરી બ્લોસમ્સ અને પ્લમ બ્લોસમ્સને યાદ કરી જુઓ. પૃ : અને “કોતો” એટલે? જા : જવાબ આપતાં નવ નેજાં પાણી ઊતરે એવો આ સવાલ છે, પરંતુ આપણે આઇકિની સમજૂતી આપી દીધા પછી આ શબ્દ સ્હેજ હળવો બને છે ખરો. આઇકિની સમજૂતી આપણે આ પ્રમાણે આપી : સંકેતથી બોલાવી રહેલી નિઃસ્તબ્ધતાનો નર્યો આનંદ. નિઃસ્તબ્ધતાનો પ્રાણ ઈશારેથી બોલાતી રહેલા આનંદને એના પોતીકા સ્વરૂપને પમાડે છે. આ એનો પ્રવર્તનકાળ હોય છે જેની હેઠળ પ્રસન્નતા પ્રાપ્ત થતી હોય છે, કિન્તુ ‘કોતો’ સદાય વળી એવું પણ દર્શાવતું હોય છે કે આ રીતે બનવા પ્રસંગે પ્રસન્નતા, પોતે, કશુંક એવું અર્પી જતી હોય છે જે અનન્યપણે પ્રત્યેક અપુનરાવર્તનશીલ પ્રસાદગુણની ભરપૂરતામાં ઝળકી ઊઠતું હોય છે. પૃ : તો પછી “કોતો” પ્રસાદગુણની દમકતી દામિની શો સંદેશ ઔચિત્યપૂર્ણ સંદેશ બની રહે છે. જા : અદ્‌ભુત રજૂઆત! કેવળ “પ્રસાદગુણ” શબ્દ આધુનિક માનસને સહેલાઈથી ગેરમાર્ગે દોરી જાય એવું બને. પૃ : કશેક દૂર પ્રભાવોના પરિસરમાં દોરી જાય... જા : ...આવા માનસનો એક ઉપપ્રમેય (corollary) હોય છે; આ માનસ અભિવ્યક્તિને એક રીત તરીકે જોતું હોય છે, જેમાં કશુંક મુક્તિને પામતું હોય છે. મને લાગે છે કે આપણે જો ગ્રીક શબ્દ ચારિસ (Charis) તરફ વળીએ તો તે વધુ સહાય કરી શકે તેમ છે. આ શબ્દ મને, તમે ટાંકેલી સોફોક્લિસની ઉક્તિમાંથી સાંપડેલો, જેને તમારા વ્યાખ્યાન... “કાવ્યરૂપે મનુષ્ય નિવસતો હોય છે (Poetically Man Dwells)”ને રજૂ કરતાં તમે graciousness (પ્રાસાદિકતા)નો આવો અનુવાદ આપ્યો છે – “ચારિસ”. પ્રસન્નતાની નિઃસ્તબ્ધતામાં પ્રાણના આગમનને શબ્દોમાં મૂકવામાં આવે તો તે સોફોક્લિસની ઉક્તિની વધુ સમીપ આવી રહે. પૃ : હજી બીજું કશુંક પણ છે જે હું ત્યાં કહેવા માગતો હતો, પરંતુ વ્યાખ્યાનના સંદર્ભને ધ્યાનમાં રાખતાં રજૂ કરી શક્યો ન હતો. તેમાં ચારિસ (Charis) ને ટિકટૌસા (tiktousa) તરીકે ઓળખાવાયો છે – જે બહાર તેમ જ આગળ લાવી આપે છે. અમારા જર્મન શબ્દો – dichten tichton – પણ એવું જ સૂચવે છે કે “પ્રાસાદિકતા” સ્વયં કાવ્યાત્મક છે, પોતે જ એવું કશુંક, જે ખરેખર કવિતા રચતું હોય છે, જાણે દ્વિ-અંગના આવરણમાંથી આવિષ્કારના સંદેશને સરવાણી ફૂટી હોય. જા : તમારા કથન દ્વારા તમે જે નૂતન અપેક્ષાઓનો માર્ગ ખોલી આપ્યો છે તેનો વૈચારિક મર્મ પામવા મને, આપણા સંવાદે ફાળવેલા સમય કરતાં વધુ સમયની જરૂર રહેશે. કિન્તુ એક મુદ્દો મને અત્યારે જ દેખાઈ રહ્યો છે કે તમારું કથન “કોતો”ના ભાવને અધિક સ્પષ્ટપણે કહી શકવામાં મદદરૂપ થાય છે. પૃ : જો તમારી સાથે “ભાષા” વિશેના જાપાની શબ્દ “કોતો બા”ની મારે પૂરતી વિચારણા કરવાની આવે તો તમારી વાત અનિવાર્યપણે આવશ્યક બની જાય છે. જા : તમને ખાસ્સો યાદ હશે આપણા સંવાદનો એ તબક્કો જેમાં મેં તમને એ જાપાની શબ્દો કહી દેખાડેલા જે લગભગ aistheton અને neotonની વચ્ચે રહેલા ભેદને મળતા આવે છે : ઇરો (Iro) અને કુ (Ku). ઇરોનો અર્થ છે વર્ણ (રંગ)થી પણ કશુંક અધિક, ઇન્દ્રિયો દ્વારા આકલન થઈ શકે તેથી અધિક. કુ એટલે ખુલ્લું, આકાશનું શૂન્યત્વ, એનો અર્થ છે અતીન્દ્રિયથી પણ કશુંક અધિક. પૃ : “અધિક”માં શેનો સમાવેશ થાય છે તે તમે કહી શક્યા નહિ. જા : આ બે શબ્દોમાં શેના અણસારાઓ રહેલા છે તે હવે હું સમજી શકું છું. પૃ : આ અણસારાઓ કઈ દિશા ભણીના છે? જા : જે સ્રોતમાંથી ઉદ્‌ગમ પામી આ બેઉ શબ્દો પરસ્પર પ્રભાવ પાડી રહ્યાની ઘટના બની રહી હોય તે સ્રોત ભણી આ ઈશારાઓ છે. પૃ : જેમ કે? જા : પ્રાસાદિકતાએ બહાર આણેલા દમકતા સંદેશની બનન્તી (happening) પૃ : “કોતો” વજન ધરાવતી બનન્તી (happening) બની રહે... જા : જે કશાને પણ ફૂલવા અને ફાલવા માટે આશ્રયસ્થાનની જરૂર છે તેના પર વજન ધરાવતી ઘટના. પૃ : તો, ભાષાના નામરૂપે “કોતો બા”એ શું કહેવાનું છે? જા : આ શબ્દ દ્વારા સમજાયેલો ભાષા વિશેનો ખ્યાલ આ છે : “કોતો”માંથી ફૂટી નીકળેલી પાંખડીઓ. પૃ : આ તો અદ્‌ભુત શબ્દ છે, અને તેથી આપણા ચિન્તન માટે પારાવાર સમો છે. ભાષા વિશેના અમારા નામ કરતાં આ કશુંક જુદું જ નામ છે. અમારા નામ પરાભૌતિકશાસ્ત્રની સરાણે સજાયા પછી આ રીતે રજૂ થાય છે : Language glosa, lingua, langue. લાંબા સમયથી ભાષાની પ્રકૃતિ વિશે ચિન્તન કરવાનું થવાથી “ભાષા” શબ્દના વપરાશથી હું ઓચાઈ ગયો છું. જા : વધુ બંધબેસતો શબ્દ તમે શોધી શકો ખરા? પૃ : હું માનું છું કે મેં એ શોધી કાઢ્યો છે; કિન્તુ સામ્પ્રત લટકણિયારૂપે એને વપરાવાથી બચાવવા તેમ જ વિભાવનાસૂચક બની ભ્રષ્ટ થતો બચાવી લેવાની મારી કોશિશ રહેવાની. જા : તમે કયા શબ્દનો વિનિયોગ કરો? પૃ : આ શબ્દ છે “ઉદ્‌ગાર”. એનો અર્થ છે કથન અને તેમાં શું કહેવાયું છે અને શું કહી શકાય તેમ છે. જા : અને “કહેવું”નો અર્થ શો? પૃ : મોટે ભાગે તો તેનો અર્થ થાય છે “પ્રદર્શિત” (Show) કરવું જેવો, આવા ભાવ સાથે : પ્રકટ થવું તેમ જ પ્રકાશવું, કિન્તુ અણસારાની રીતિએ. જા : ઉદ્‌ગાર, તો પછી માનવીય બોલચાલનું નામ રહે નહિ... પૃ : ...સિવાય કે પેલા મૂળગત અસ્તિત્વ જેનો તમારો જાપાની શબ્દ “કોતો બા” અણસારો આપે છે : જે ગાથા સમું છે તે... જા : ...જેના ઈશારેથી બોલાવી રહેલા અણસારાથી હું કેવળ અત્યારે, આપણા સંવાદ દ્વારા સ્વ-સ્થ થયો છું તેથી હું એ વાત પણ વધુ સ્પષ્ટપણે સમજી શકું છું કે કાઉન્ટ કૂકી કેવા તો બડભાગી હતા કે એમણે, તમારા માર્ગદર્શન હેઠળ, અર્થઘટનમાં થઈને જતા પોતાના માર્ગે ચિન્તન કરવા પ્રયત્ન કર્યો. પૃ : તમે વળી એ પણ જુઓ છો કે મારું માર્ગદર્શન કેટલું રંક નીવડે તેમ હતું; કેમ કે ઉદ્‌ગારની પ્રકૃતિમાં ચિન્તનશીલ દૃષ્ટિ ઠેરવવી એ તો કેવળ એવા માર્ગનો પ્રારંભ છે જે માત્ર પરાભૌતિકશાસ્ત્રના પ્રતિનિધાનમાંથી આપણને બહાર કાઢીને એવે સ્થળે લઈ જાય છે જ્યાં આપણે એ સંંદેશની ખેવના રાખતા થઈએ, એના યોગ્ય વાહક બનવાની કામના કરતા થઈએ. જા : એ માર્ગ તો લાંબો છે. પૃ : એટલો બધો નહિ, કારણ કે તે આપણને દૂર લઈ જાય છે, કિન્તુ એ કારણે કે એ જે નિકટ છે તેમાં થઈને લઈ જાય છે. જા : એ એટલો તો નિકટ છે, અને લાંબા સમયથી એટલો નિકટ રહ્યો છે, જેટલો કે ભાષાના વાસ્તવ માટેનો શબ્દ “કોતો બા” અમ જાપાનીઓ માટે છે. એવો શબ્દ જેના પર અત્યાર સુધી કશું જ લક્ષ્ય આપવામાં આવ્યું નથી. પૃ : “કોતો”માંથી ફૂટી નીકળેલી પાંખડીઓ. જ્યારે આ શબ્દ એના ઉદ્‌ગારનો આરંભ કરશે ત્યારે કલ્પનાને અત્યાર સુધી અનનુભૂત રહેલા પ્રદેશોમાં ભમવાનું ભાવી જશે. જા : કલ્પના તો ત્યારે જ ભમી શકે જો તે કેવળ પ્રતિનિધાન સમા ખયાલોને જતા કરવા તૈયાર થાય, કિન્તુ કલ્પના જ્યાં ચિન્તનની સરવાણીઓ રૂપે ઊભરાઈ રહી હોય ત્યારે મને તો લાગે છે કે ભમવા કરતાં વીણવામાં વધુ મજા છે. કાન્ટને ક્યારની આવા કશાકની જાણ હતી, તમે પોતે જ તો એ ચીંધી દેખાડ્યું છે. પૃ : કિન્તુ આપણું ચિન્તન આ સરવાણીએ આવી પહોંચ્યું છે ખરું? જા : નહિ પહોંચ્યું હોય તો પહોંચવામાં છે. પ્રશ્ન છે માર્ગ અપનાવવાનો. જેવો આપણે આ માર્ગ લીધો કે ભાષા માટેનો અમારો શબ્દ એને ઈશારેથી બોલાવીને નિમંત્રવાનો જ છે. અત્યારે આ બધું મને ચોખ્ખેચોખ્ખું દેખાઈ રહ્યું છે. પૃ : આપણે એવા અણસારાની શરણે જઈએ તે પહેલાં આપણે ભાષાની પ્રકૃતિ અંગે ખાસ્સા અનુભવી થવું જોઈશે. જા : મને તો એવું લાગે છે કે ચિન્તન અંગેના તમારા એ દિશામાંના પ્રયાસો તમારા માર્ગમાં દાયકાઓથી સાથે રહ્યા છે – અને તે એટલાં બધાં સ્વરૂપોમાં રહ્યાં છે કે ભાષામાં ઉદ્‌ગારની પ્રકૃતિ અંગે કશુંક કહેવા માટે તમે પૂરા સજ્જ થઈ ચૂક્યા છો. પૃ : અને તમે એ પણ જાણો છો કે પોતાના એકલાના પ્રયાસો પૂરા નીવડતા હોતા નથી. જા : વાત સાવ સાચી છે, કિન્તુ એકલું મર્ત્યબળ જે સિદ્ધ કરી ન શકે તે, આપણા પોતાના પગ પર ઊભા રહી જે પ્રયાસ આદર્યા હોય તેને ઉદારભાવે અન્યોમાં વહેંચતા રહેવાની તૈયારી હોય તો ત્વરાથી આપણે એ પ્રાપ્ત કરી શકીએ. પૃ : તાજેતરનાં વર્ષોમાં “ભાષા” શીર્ષક નીચે મેં ઘણાં સ્થળોએ વ્યાખ્યાન આપ્યું છે. તેમાં તાત્પૂરતી ટિપ્પણી કરવાનું સાહસ ખેડ્યું છે. જા : મેં એ પ્રવચનને લગતા અહેવાલો વાંચ્યા છે અને એના અનુલેખ (ટ્રાન્સસ્ક્રિપ્ટ્‌સ) સુધ્ધાં મેં વાંચ્યા છે. પૃ : આ પ્રકારના અનુલેખ, કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવ્યા હોય તેમ છતાં સદા શંકાસ્પદ સ્રોત ઠરતા હોય છે – મેં પૂર્વે કહ્યું છે તેમ – ઉક્ત વ્યાખ્યાનનો કોઈ પણ અનુલેખ, કોઈ પણ રીતે મારા વક્તવ્યની વિકૃત રજૂઆત છે. જા : આવો કઠોર ચુકાદો આપી તમે શું કહેવા ધારો છો? પૃ : આવો ચુકાદો અનુલેખ અંગે નહિ, કિન્તુ વ્યાખ્યાનના સ્પષ્ટતારહિત નિરૂપણ અંગે છે. જા : એમ કઈ રીતે? પૃ : એ વ્યાખ્યાન ભાષા વિશે કશું કહેતું નથી... જા : કિન્તુ? પૃ : અત્યારે હું આનો ઉત્તર આપું તો માર્ગને ઘેરી રહેલો અંધકાર પ્રકાશી ઊઠે તેમ છે. કિન્તુ હું એ ઉત્તર અત્યારે આપી શકું તેમ નથી, એ જ કારણોસર જે કારણોએ એ વ્યાખ્યાનને લિપિબદ્ધરૂપે છપાવવાથી મને રોકી રાખવા પ્રેર્યો છે. જા : કયાં કારણોસર એ પૂછવું મારા તરફે બેઅદબી ગણાશે. ઘડી વાર પહેલાં તમે જે રીતે અમારા જાપાની શબ્દોને સાંભળી રહ્યા હતા ને એનો સ્વીકાર કર્યો હતો તે પરથી તેમ જ દ્વિ-અંગના આવરણના આવિષ્કારનો સંદેશ અને મનુષ્ય એક સંદેશ – વાહક હોવા અંગે તમે જે સૂચન કર્યું હતું તે પરથી હું એક અટકળ બાંધી શકું છું કે ભાષાના પ્રશ્નને ઉદ્‌ગારની પ્રકૃતિ વિષયક ચિન્તનમાં રૂપાંતર કરી આપવો એવો થતો હશે. પૃ : હું તમને એનાં નિદર્શનો આપવામાં કસર રાખું છું એ બદલ મને દરગુજર કરશો. તે કદાચ છેને ઉદ્‌ગાર વિષયક ચર્ચા ભણી દોરી જાય. જા : એ તો સ્વ-સ્થાને રહેલા ઉદ્‌ગારની મૂળગત હસ્તીના પ્રદેશના પ્રવાસે જવાના સંયોગો ઊભા કરી આપે તેમ છે. પૃ : બીજા બધાં કરતાં પહેલું એ. કિન્તુ આ ઘડીએ મારા મનમાં કશુંક બીજું જ છે. મારા આમ અતડા રહેવાનું પ્રેરણ – અસ્પૃશ્યણીયમાં વધતી જતી મારી આંતરદૃષ્ટિ છે. અસ્પૃશ્યણીય આપણા માટે આવરણથી ઢંકાયેલું રહ્યું હોય છે. ઉદ્‌ગાર અને બોલચાલ વચ્ચે રહેલા ભેદને સમજાવી આપણને ઝાઝો લાભ થાય નહિ. જા : અમારામાં (જાપાનીઓમાં) – મને લાગે છે કે આ રીતે રજૂ કરું – તમારા પ્રકારના અતડાપણાને સમજી શકવાની જન્મજાત આવડત હોય છે. જ્યાં સુધી જાહેર થતું નથી કે રહસ્ય અત્યારે કાર્યરત છે, ત્યાં સુધી રહસ્ય રહસ્ય જ રહે છે. પૃ : સપાટી પરના અને અધીરાઓને, ધૈર્યવાન અને વિચારક કરતાં સ્હેજ પણ ઊતરતી રીતે નહિ, એવું દેખાવું જોઈએ જાણે ક્યાંય પણ રહસ્ય જેવું કશું હોય જ નહિ. જા : કિન્તુ આપણે તો સંકટથી ઘેરાયેલા છીએ, રહસ્યની મોટે સાદે વાત કરવાના નહિ પણ કાર્યપ્રક્રિયાને ચૂકી જવાના સંકટથી. પૃ : રહસ્યમયતાના નિર્ઝરની વિશુદ્ધિની રક્ષા કરવી એ મને તો સૌથી કઠિન લાગે છે. જા : કિન્તુ તેથી વાત કરવાના કષ્ટ અને જોખમથી એકદમ વેગળા રહેવાનો અધિકાર આપણને સાંપડી જાય છે ખરો? પૃ : અવશ્ય નહિ. આપણે આવી વાત કરવા અનવરતપણે મથવું જોઈએ. આવું જે કંઈ કહેવાયું હોય તે, અલબત્ત, વૈજ્ઞાનિક પ્રબન્ધનું સ્વરૂપ લઈ શકે નહિ. જા : ...કારણ કે અહીં પ્રશ્ન પૂછવા માટે જે આવશ્યક એવી ચાલ છે તે સરળતાપૂર્વક ગંઠાઈ જાય એવું બને. પૃ : એ તો નાની અમથી ખોટ છે. અન્ય કશુંક ખાસ્સું વજનદાર છે, અને તે આ : ભાષા વિશે વાતચીત કરી શકાય એવી વસ્તુ કદી હોય છે ખરી? જા : કિન્તુ અત્યારે આપણે જે કરી રહ્યા છીએ તે સાબિત કરી આપે છે કે આવી વાતચીત થઈ શકે છે. પૃ : મને ભય છે, વધુ પડતી. જા : તો પછી, મને એ સમજાતું નથી કે તમે શેને કારણે અચકાવ છો? પૃ : ભાષા વિશે વાત થવાથી ભાષા લગભગ અનિવાર્યપણે વસ્તુમાં ફેરવાઈ જતી હોય છે. જા : અને તેનું વાસ્તવ ગાયબ થઈ જાય છે. પૃ : તેવે વખતે ભાષા પાસેથી સાંભળવાને ઠેકાણે ભાષાની ઉપર આપણે આપણું સ્થાન લઈ લીધું હોય છે. જા : તો પછી કેવળ ભાષામાંથી વાત કરવાની રહે... પૃ : ...આ રીતે કે, ભાષાના વાસ્તવમાંથી થઈને ભાષાના વાસ્તવને સાદ પાડવાનો હોય અને એના વાસ્તવ ભણી દોરાવાનું રહે. જા : આપણે એ કઈ રીતે કરી શકીએ? પૃ : ભાષામાંથી વાત કરવી એ કેવળ સંવાદ જ હોઈ શકે. જા : ત્યારે તો આપણે સંવાદમાં વિહરી રહ્યા છીએ, તેમાં શંકા છે જ નહિ. પૃ : કિન્તુ તે ભાષાની પ્રકૃતિમાંથી થઈને આવતો સંવાદ છે ખરો? જા : મને લાગે છે હવે આપણે એક વર્તુળમાં ઘૂમી રહ્યા છીએ. ભાષામાંથી થતો સંવાદ ભાષાના વાસ્તવમાં થઈને આવતો હોવો જોઈએ, એ તે કઈ રીતે કરી શકે, પ્રથમ શ્રવણમાં પ્રવેશ કર્યા વિના તે તરત જ વાસ્તવ સુધી પહોંચતું હોય છે? પૃ : એક સમયે, મેં આ અજનબી સમ્બન્ઘને અર્થઘટનમૂલક વર્તુળ તરીકે ઓળખાવ્યો હતો. જા : અર્થઘટનશાસ્ત્રમાં આ વર્તુળ ડગલે ને પગલે રહેલું હોય છે, એટલે કે આજના તમારા ખુલાસા અનુસાર, જ્યાં સંદેશ અને સંદેશ-વાહક સમ્બન્ધ પ્રવર્તી રહેલો હોય ત્યાં તેનું અસ્તિત્વ હોય છે. પૃ : સંદેશ-વાહક સંદેશમાંથી આવેલો તો હોવો જ જોઈએ, કિન્તુ તે એના પ્રતિ ગયેલો પણ હોવો જ જોઈએ. જા : પહેલાં તમે એમ નહોતું કહ્યું કે વર્તુળ અનિવાર્ય છે, અને એમ કે, તેને કહેવાતો તર્કપૂત વિરોધ ગણી લઈને ટાળવાને બદલે આપણે એને અનુસરવું જોઈએ. પૃ : જરૂર, કિન્તુ અર્થઘટનપરક વતુર્ળના જરૂરી સ્વીકારનો અર્થ એવો નથી થતો કે સ્વીકૃત વર્તુળનો ખયાલ આપણને અર્થઘટનપરક સમ્બન્ધની આદિમ (originary) અનુભૂતિ કરાવી આપતો હોય છે. જા : ટૂંકમાં, તમે તમારો આ પૂર્વેનો મત પડતો મૂકશો. પૃ : એકદમ, અને આ સંદર્ભમાં એ વર્તુળની વાત કરવી હંમેશાં ઉપરછલ્લી ઠરી રહે એમ છે. જા : આજે તમે અર્થઘટનમૂલક વર્તુળને કઈ રીતે રજૂ કરો? પૃ : ભાષા વિશે વાત કરવાનું જેટલી મક્કમતાપૂર્વક ટાળું એવી જ મક્કમતાપૂર્વક તેની રજૂઆત કરવાનું પણ ટાળું. જા : તો પછી સઘળું, ભાષાના ઉદ્‌ગાર સાથે મેળમાં હોય ત્યાં સુધી આપણે પહોંચીએ, તેના પર અવલંબે. પૃ : કેવળ સંવાદ જ આવો મેળમાં હોય તેવો ઉદ્‌ગાર હોઈ શકે. જા : તો પછી, અચૂક, એ સંવાદનો પ્રકાર વિશિષ્ટ (sui generis) હોય. પૃ : એવો સંવાદ જે ઉદ્‌ગારને આદિમરૂપે સમર્પક હોય. જા : તો પછી લોકો વચ્ચે થતા પ્રત્યેક વાર્તાલાપને હવે પછી સંવાદરૂપે ઓળખાવી શકાય નહિ... પૃ : ...જો આ પછી આપણે એ સંવાદને સાંભળીએ ત્યારે જાણે કે તે આપણા માટે ભાષાના વાસ્તવ તથા કેન્દ્રીકરણને ઓળખાવી આપતો હોય છે. જા : આ અર્થમાં, તો પછી, પ્લેટોના ડાયલોગ્સ સુધ્ધાં સંવાદ રહે નહિ. પૃ : આ પ્રશ્નને હું ખુલ્લો રહેવા દઉં અને કેવળ એટલું જ ચીંધી દેખાડું કે કોઈ પણ સંવાદનો પ્રકાર આનાથી નક્કી થતો હોય છે કે તે જેમને કહેતો હોય છે તે બધા દેખીતી રીતે કેવળ કહેનારા હોય છે – મનુષ્યો. જા : જ્યાં પણ ભાષાની પ્રકૃતિએ મનુષ્ય સાથે ઉદ્‌ગારરૂપે વાત કરવાની [Speak(Say)] હોય ત્યાં, તે ઉદ્‌ગાર સાચુકલો સંવાદ આણી આપશે... પૃ  : ...આ સંવાદ ભાષા “વિશે” કહેતો નથી હોતો, પરંતુ ભાષ“ની” વાત કહેતો હોય છે, જેનો એની પ્રકૃતિની જરૂરિયાત મુજબનો વિનિયોગ થયો હોય. જા : અને તે વળી ગૌણ મહત્ત્વનું ગણાવાનું હોય કે સંવાદ આપણી સમક્ષ લિખિતરૂપે છે કે પછી એક સમયે કહેવાયો હતો અને અત્યારે ઝાંખો પડી ગયો છે. પૃ  : ચોક્કસ, કારણ કે અગત્યનું એ છે કે સંવાદ સાતત્યતાપૂર્વક આવતો રહેવો જોઈએ, ભલેને પછી તે લિખિત હોય કે મૌખિક હોય કે પછી બન્નેમાંથી કશું ન હોય. જા : આ પ્રકારના સંવાદના પ્રવાહને તેની આગવી લાક્ષણિકતા હોવી ઘટે જેમાં વાતચીત કરતાં નિઃશબ્દતા વધુ હોય. પૃ  : સૌથી વધુ તો નિઃશબ્દતા વિશેની નિઃશબ્દતા. જા : કારણ કે નિઃશબ્દતા વિશે બોલવું અને લખવું સૌથી વધુ ત્રાસદાયક બબડાટ પેદા કરતું હોય છે. પૃ  : નિઃશબ્દતા વિશે કેવળ નિઃશબ્દ રહેનાર કોણ હોઈ શકે? જા : એ તો પ્રમાણભૂત ઉદ્‌ગાર જ હોય... પૃ  : ...અને ભાષાના પ્રમાણભૂત સંવાદનો સાતત્યપૂર્ણ આમુખ બની રહે. જા : આપણો આ પ્રયત્ન અશક્યને આંબવાનો તો નથીને? પૃ  : ખરેખર એવું જ છે – જ્યાં સુધી મનુષ્યને હજી સંદેશ-વાહક તરીકેનો વિશુદ્ધ માર્ગ આપવામાં આવ્યો નથી જેની સંદેશને આવશ્યકતા હોય છે, અને આ સંદેશ જે મનુષ્યને દ્વિ-અંગના આવરણનો આવિષ્કાર બક્ષી આપતો હોય છે, ત્યાં સુધી એમ જ રહેવાનું. જા : આઇકિની પ્રકૃતિની ચર્ચા કરતાં આ સંદેશ-વાહકના માર્ગના પ્રાકટ્યની જાણકારી અને એની સાથે જતું બીજું ઘણું મને તો અજોડપણે દુરારાધ્ય લાગે છે. પૃ  : ચોક્કસ, કેમ કે કશુંક એવું બની આવવું જોઈએ જેનાથી એવો એ અપરિમેય અવકાશ જેમાં ઉદ્‌ગારની પ્રકૃતિ પોતાની દીપ્તિ ધારણ કરતી હોય છે તે પોતાને સંદેશ-વાહકના માર્ગ પર ખુલ્લી કરે અને તેના પર પ્રકાશી ઊઠે. જા : એ માટે નિઃસ્તબ્ધતાએ આવી લાગવું પડે. અપરિમેયતાના પ્રાણને ઉદ્‌ગારની સંરચનાની અંદર શાંત પાડી આપીને સંદેશ-વાહકને હાકલ પાડે. પૃ  : સંદેશ અને સંદેશ-વાહકના માર્ગનો આવરણથી ઢંકાયેલો સમ્બન્ધ સર્વત્ર ક્રીડા કરી રહ્યો હોય છે. જા : અમારી પ્રાચીન જાપાની કવિતામાં, એક અનામી કવિએ એક જ શાખા પર ખીલેલાં ચૅરીનાં ફૂલની તેમ જ પ્લમનાં ફૂલની ફોરમો એકબીજામાં તદાકાર થઈ જતી હોય તેનું ગીત ગાયું છે. પૃ : અપરિમેયતા અને નિઃસ્તબ્ધતાની એક-બીજા-ભણીની-હસ્તી આ રીતે દ્વિ-અંગના આવરણના આવિષ્કારનો સંદેશ એકસમાન ઔચિત્યમાં હોય એવું હું વિચારી રહ્યો છું. જા : અમારો (જાપાની) શબ્દ “કોતો બા” જે પ્રાસાદિકતા આણી આપતા હોય તેવા દમકતા સંદેશમાંથી ફૂલની પાંખડીઓ ફાલી ઊઠતી હોય છે જેમાં પડતો ભાષાની પ્રકૃતિનો પ્રતિઘોષ આજે કોણ સાંભળી શકે તેમ છે? પૃ : ભાષાની પ્રકૃતિનું આ સઘળામાંથી મળતું એક કાર્યસાધક સ્પષ્ટીકરણ આજે કોને દેખાય તેમ છે? જા : જ્યાં સુધી આપણે પ્રમેયો અને સાંકેતિક શબ્દોની માહિતીની માગણી કરતા રહીશું ત્યાં સુધી એ પ્રકૃતિને કદી શોધી શકાશે નહિ. પૃ : તેમ છતાં, એક વાર જો ભાષાના સંવાદ માટે પોતાને સજ્જ કરે તો ઘણું બધું લોક સંદેશ-વાહકના માર્ગના આમુખ ભણી ખેંચાઈ આવે તેમ છે? જા : મને તો એવું લાગે છે જાણે આપણે પણ, અત્યારે, ભાષા વિશે વાત કરવાને બદલે ઉદ્‌ગારની પ્રકૃતિની દેખરેખમાં પોતાને સુપરત કરી દીધી હોય તેવા માર્ગ પર થોડાંક ડગ માંડ્યાં ન હોય! પૃ : જે વચન આપે છે, પોતાને ઉદ્‌ગારની પ્રકૃતિ ભણી સમર્પિત કરે છે. જો તે કેવળ એવું દેખાય છે એવું નથી પણ તેવું જ છે, તો એ વાતથી આપણે ખુશી થવું જોઈએ. જા : જો તે એવું હોય, ત્યાર પછી શું? પૃ : ત્યાર પછી સઘળા “તે છે”ની વિદાયનો અવસર ઊભો થાય. જા : કિન્તુ તમે એવી વિદાયને એક ખોટ અને એક અસ્વીકૃતિરૂપે નહિ જ લેતા હો, ખરુંને? પૃ : કદી નહિ. જા : કિન્તુ? પૃ : જે હતું એના આગમનરૂપે. જા : કિન્તુ જે અતીત છે તે તો વ્યતીત થઈ જાય છે, વ્યતીત થઈ જ ગયું છે. તે હવે શી રીતે પાછું આવી શકે? પૃ : અતીતના વ્યતીતથી “જે હતું” કશુંક જુદું જ છે. જા : આપણે તેને શી રીતે વિચારી જોઈએ? પૃ : જે સ્થાયી છે તેની લણણીરૂપે... જા : ...તમે તાજેતરમાં કહ્યું તેમ, જે સ્થાયીત્વ અર્પે છે તેના સ્થાયીરૂપે... પૃ : ...અને સંદેશ-સદૃશ બની રહે છે... જા : ...સંદેશ-વાહકરૂપે એને આપણો ખપ હોય છે.

‘ઑન ધ વે ટુ લૅન્ગ્વેજ’ નામના માર્ટિન હાય્‌ડેગરના મૂળ જર્મન પરથી

‘ઑન ધ વે ટુ લૅન્ગ્વેજ’ નામના માર્ટિન હાય્‌ડેગરના મૂળ જર્મન પરથી
અંગ્રેજી અનુવાદ : પીટર ડી. હર્ટ્‌ઝ.
(તથાપિ : માર્ચ-મે, ૨૦૦૬)