બહુવચન/નૉબેલ વ્યાખ્યાન Art, Truth and Politics, કલા, સત્ય અને રાજકારણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
Bahuvachan Photo 15.5.png


નૉબેલ વ્યાખ્યાન Art, Truth and Politics કલા, સત્ય અને રાજકારણ
હૅરોલ્ડ પિન્ટર

૧૯૫૮માં મેં આ મુજબ લખેલું : ‘જે કાંઈ વાસ્તવ છે તે અને જે કાંઈ ભ્રમણા છે તે તેમ જ જે કાંઈ સત્ય છે તે અને જે કાંઈ મિથ્યા છે તે, તેમની વચ્ચે એવું કંઈ જડબેસલાક હોતું નથી. કોઈ પણ વસ્તુ કાં તો સત્ય હોવી જોઈએ અથવા તો મિથ્યા હોવી જોઈએ તે જરૂરી નથી. તે બન્ને હોઈ શકે છે. સત્ય પણ તેમ જ મિથ્યા પણ.’ હું માનું છું કે આ પ્રતિપત્તિઓ આજે પણ એટલી જ અર્થ-સભર છે અને કલા દ્વારા થતા આવિષ્કારને લાગુ પાડી શકાય તેમ છે. તેથી એક લેખક તરીકે હું તેમને વળગી રહું ખરો કિન્તુ એક નાગરિક તરીકે નહિ. એક નાગરિક તરીકે મારે પૂછવું જ રહ્યું : સાચું શું છે? ખોટું શું છે? નાટકમાં સત્ય સદાયનું છટકિયાળ રહ્યું છે. તમે સત્યને કદી એકદમ પામી શકતા નથી હોતા છતાં એની શોધ માટે નિરંતર મથ્યા રહેવું તે એક અનિવાર્ય કર્તવ્ય બની રહે છે. શોધ જ સ્પષ્ટપણે સઘળા પ્રયાસોને પ્રવૃત્ત કરનારું બળ છે. શોધ એ જ તમારો ભગીરથ પુરુષાર્થ. અંધારામાં કંઈ કેટલીય વાર સત્ય સાથે તમારો અણધાર્યો ભેટો થઈ જાય છે, એની સાથે ટકરાઈને અથવા તો સત્યનો સહેજ અણસાર આપી જતાં કલ્પન કે આકૃતિની ઝલક મેળવીને અને આવું કશું બની ગયાનો મને ખ્યાલ સરખો હોતો નથી. કિન્તુ સાચી વાત એ છે કે નાટ્યકલામાં જડી આવે એવું એક સત્ય જેવી વસ્તુ કદી હોતી નથી. તેમાં તો અનેક સત્યો રહેલાં છે. આ સત્યો એકબીજાને પડકારતાં હોય છે, એકબીજાથી મોઢું ફેરવી લેતાં હોય છે, એકબીજાનાં પ્રતિબિંબ પાડતાં હોય છે. એકબીજાની ઉપેક્ષા કરતાં હોય છે, એકબીજાની છેડછાડ કરતાં હોય છે, એકબીજા પરત્વે અંધ હોય છે, ક્યારેક તમને એવું લાગવા માંડે છે કે તત્ક્ષણનું સત્ય તમારા હાથમાં આવી ગયું છે, તેવામાં તો તમારી આંગળીઓ વચ્ચેથી તે સરકી ગયું હોય છે અને વિલુપ્ત થઈ ગયું હોય છે. અવારનવાર મને એવું પૂછવામાં આવે છે કે મારાં નાટકો કઈ રીતે રચાઈ આવે છે. હું કહી શકતો નથી અને મારાં નાટકોનો સાર પણ આપી શકતો નથી, એટલું કહું કે એમાં આટઆટલું બન્યું. એમણે આટઆટલું કહ્યું. એમણે આટઆટલું કર્યું. મોટા ભાગનાં નાટકો એકાદ પંક્તિ, એકાદ શબ્દ ને એકાદ કલ્પન પરથી રચાયાં છે, અપાયેલા શબ્દની પાછળ પાછળ ટૂંક સમયમાં કલ્પન આવી ચડે છે. હું બે ઉદાહરણ આપું છું જેમાં બે પંક્તિઓ એકદમ અંતરિક્ષમાંથી જ મારા મસ્તકમાં આવી ચડી, તેની પાછળ પાછળ કલ્પન આવ્યું અને તેની પાછળ હું. આ નાટકો છે ‘ધ હોમ કમિન્ગ’ અને ‘ઓલ્ડ ટાઈમ્સ’. ‘ધ હોમ કમિન્ગ’ નાટકની પહેલી પંક્તિ આ પ્રમાણે છે, ‘પેલી કાતરનું તમે શું કર્યું?’. ‘ઓલ્ડ ટાઈમ્સ’ની પહેલી પંક્તિ છે, ‘ડાર્ક (તમસ)’. પ્રત્યેક કિસ્સામાં એથી વિશેષ જાણકારી મારી પાસે નહોતી. પહેલા કિસ્સામાં કોઈ એક જણ કાતરની તપાસમાં છે અને કાતરનું પગેરું કાઢવા અન્ય એક જણ પાસે, જેણે કદાચ આ કાતર ચોરી છે એવી શંકાના આધારે, કાતરની માગણી કરે, કિન્તુ મને પોતાને કોઈ પણ કારણસર જાણ હતી કે જે વ્યક્તિને ઉદ્દેશીને કહેવાય છે તેને કાતર સાથે કશી લેવાદેવા નથી અને આમ જુઓ તો પ્રશ્ન પૂછનાર વ્યક્તિ સાથે પણ કશી લેવાદેવા નથી. ‘તમસ (ડાર્ક)’ માં મેં એક વ્યક્તિના વાળને વર્ણવવા ધાર્યું હતું, એક સ્ત્રીના વાળ, અને તે એક પ્રશ્નના ઉત્તરરૂપે હતું. પ્રત્યેક કિસ્સામાં વાતને આગળ ધપાવવા મારા પર દબાણ થઈ રહેલું વરતાતું હતું. આ બધું આંખ સમક્ષ દૃશ્યરૂપે બની રહ્યું હતું, અત્યંત ધીમી ગતિના લોપરૂપે, છાયામાંથી પ્રકાશમાં. હું હંમેશાં નાટકનો પ્રારંભ પાત્રોને એ, બી, સી,ની ઓળખ આપીને કરું છું. એક નાટક જે ‘હોમ કમિન્ગ’ બન્યું તેમાં મેં જોયું કે એક માણસ એક તદ્દન ખાલી ઓરડામાં પ્રવેશ કરે છે અને એક બેડોળ સોફામાં બેઠાં બેઠાં ઘોડદોડની પત્રિકા વાંચી રહેલા, ને પ્રમાણમાં યુવાન લાગતા માણસને પ્રશ્ન કરે છે. કોઈ પણ કારણસર મને એની ગંધ આવી ગયેલી કે ‘એ’ એક પિતા છે અને ‘બી’ એનો દીકરો છે. કિન્તુ મારી પાસે એના કોઈ પુરાવા ન હતા. જોકે થોડીક વારમાં જ મારી ધારણાને પુષ્ટિ મળી ગઈ જ્યારે ‘બી’ (પછીથી લેન્ની બન્યો તે) ‘એ’ (પછીથી મેક્સ બન્યો તે) ને કહે છે, ‘ડૅડ, હું વાતનો વિષયાંતર કહું તેમાં તમને વાંધો નથીને? હું તમને કશુંક પૂછવા માગું છું. આપણે રાતનું ભોજન કર્યું, શું નામ હતું એનું? તમે એને શું કહેતા હો છો? એકાદ કૂતરો કેમ પાળતા નથી તમે? તમે તો કૂતરા માટેના રસોયા છો. સાચ્ચે જ. તમે એમ માનતા હો છો કે તમે ઘણા બધા કૂતરાઓ માટે રાંધી રહ્યા છો?’. તો હવે ‘બી’ ‘એ’ને ડૅડ કહીને સંબોધે છે તેથી તે બન્ને બાપ-દીકરા છે એવી મારી ધારણા વાજબી હતી અને ‘એ’ એક રસોયો છે તે સ્પષ્ટ થાય છે અને એણે રાંધેલા ભોજનની કોઈ ખાસ કદર થતી હોવાનું લાગતું નથી. આનો અર્થ એવો કરવો કે તો પછી માતા છે જ નહિ? મને ખબર નથી. કિન્તુ મેં મારી જાતને તે વખતે કહેલું, આપણા આરંભો આપણા અંતને કદી જાણવા પામતા નથી. ‘તમસ (dark)’. એક વિશાળ બારી. સમી સાંજનું આકાશ. એક પુરુષ ‘એ’ (પછીથી Deeley) તેમ જ એક સ્ત્રી ‘બી’ (પછીથી Kate), પીણું પીતા બેઠા છે. ‘જાડી કે પાતળી?’ પુરુષ પૂછતો હોય છે. તેઓ કોને વિશે વાત કરી રહ્યા છે? પણ પછી મને એક સ્ત્રી દેખાય છે, બારી પાસે ઊભેલી, એક સ્ત્રી ‘સી’ (પછીથી Anna બનનારી છે તે), પ્રકાશની એક જુદી જ અવસ્થામાં, પેલા લોકો તરફ પીઠ રાખી છે, એના વાળ કાળા છે. આ એક અદ્‌ભુત ક્ષણ હોય છે, પાત્રોનું સર્જન કરવાની ક્ષણ, અત્યારની ઘડી સુધી જેમનું અસ્તિત્વ જ હતું નહિ એવાં પાત્રો, ત્યાર પછી જે કંઈ બને છે તે એટલું તો ચંચળતાભર્યું, અચોક્કસ અને ભ્રાંતિકારક સુધ્ધાં હોય છે; જોકે ક્યારેક તે ધસમસી આવતા હિમપ્રપાતસમું પણ હોઈ શકે. આમાં સર્જકની સ્થિતિ બેહૂદી બની રહે છે. એક અર્થમાં પાત્રો તરફથી એને કોઈ આવકાર મળતો નથી. પાત્રો એને ગાંઠતાં નથી, એમની સાથે પનારો પાડવો સુગમ નથી હોતો, એમની વ્યાખ્યા કરવી મુશ્કેલ બને છે, એમને કશો આદેશ આપી શકો નહિ, અમુક હદ સુધી એમની સાથે અંત-હીન એવી રમત રમવી પડે છે, ઉંદર-બિલાડી, આંધળોપાટો, સંતાકૂકડી. કિન્તુ, અંતે તો તમારા હાથમાં લોહી-માંસવાળા માણસો જ આવવાના. ઇચ્છાશક્તિથી ભર્યા ભર્યા તેમ જ આગવી વૈયક્તિક સંવેદનશીલતા ધરાવતા લોકો. આ લોકો એવાં અંગોના બનેલા હોય છે જેને તમે બદલાવી શકો નહિ, વાપરી શકો નહિ કે વિરૂપ કરી શકો નહિ. તેથી કલામાં ભાષા એક ભારે સંદિગ્ધ એવો સોદો બની જાય છે, એ એક પ્રકારનું કળણ, કૂદવાનો ઝૂલો (trampoline), કે થીજીને બરફ બનેલી તળાવડી બની જાય છે જે તમારા, રચયિતાના, પગ હેઠળથી ગમે તે ક્ષણે ફસકી જાય એમ છે. કિન્તુ મેં કહ્યું છે તેમ સત્ય માટેની શોધને કદાપિ થંભાવી શકાય નહિ, એને બરખાસ્ત કરી શકાય નહિ, એને મુલતવી રાખી શકાય નહિ. એનો તો મુકાબલો કર્યે જ છૂટકો, તત્કાળ, ત્યાં ને ત્યાં જ. રાજનીતિવિષયક રંગભૂમિ એક જુદી જ સમસ્યાઓનો સમુચ્ચય લઈને આવે છે. ઉપદેશાત્મકતા કોઈ પણ હિસાબે નિવારવી રહી. વસ્તુલક્ષિતા અનિવાર્ય છે. પાત્રો જાતે જ પોતાનો શ્વાસ લેતા હોય એવી છૂટ તેમને આપવી પડે. સર્જકે પોતાનાં રસ, મનોવલણ કે અભિનિવેશોને સંતોષવા ખાતર પાત્રોને સીમિત કે સંકુચિત રાખે તે પાલવી ન શકે. સર્જકે તો વિવિધ દૃષ્ટિકોણથી પાત્રો સુધી પહોંચવાનો અભિગમ કેળવવાની તૈયારી રાખવી જોઈએ, ભરપૂર અને અનિરુદ્ધ પરિપ્રેક્ષ્યોના વ્યાપથી, કદાચ, ક્યારેક, એમને અચંબો આપીને, તેમ છતાં પાત્રો જે માર્ગે જવા ઇચ્છતાં હોય ત્યાં તેમને જવા દેવાનું સ્વાતંત્ર્ય સર્જકે આપવું જોઈએ. આવું દર વખતે કાર્યસાધક ન પણ નીવડે અને રાજનીતિવિષયક (કટાક્ષિકા), અલબત્ત, આવા એકપણ આદેશને, ગણકારતું હોતું નથી, ખરું પૂછો તો તે એનાથી તદ્દન ઊલટી દિશામાં જવા કરે છે. એ જ તો એનો ઉદ્દેશ હોય છે. ‘ધ બર્થડૅ પાર્ટી’ નાટકમાં મને લાગે છે કે મેં વિકલ્પોના સમસ્ત વ્યાપને શક્યતાના ગાઢ અરણ્યમાં વિચરવા દીધા પછી જ આખરી તબક્કામાં મેં એમને વશીભૂત કરવાના કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ‘માઉન્ટ લેંગ્વેજ’ એવા કોઈ સંચાલનના વ્યાપનો ડોળ કરતું નથી. આ નાટક પાશવી, ટૂંકું અને કુરૂપ બની રહે છે. કિન્તુ તે નાટકમાંના સૈનિકો તેમાંથી પણ અમુક રમૂજ તો મેળવી જ લેતા હોય છે. કોઈક વાર એક વાત ભૂલી જવાતી હોય છે કે જુલમગારો બહુ સહેલાઈથી કંટાળી જતા હોય છે. પોતાનો જુસ્સો ટકાવી રાખવા એમને થોડા મનોરંજનની જરૂર રહે છે. બગદાદમાં આવેલી અબુ ઘ્રેઈલમાં જે ઘટનાઓ બની તે અલબત્ત આ વાતનું સમર્થન કરી આપે છે. ‘માઉન્ટ લેંગ્વેજ’ની અવધિ કેવળ ૨૦ મિનિટની છોને હોય કિન્તુ આ નાટક કલાકોના કલાક સુધી ચાલ્યા જ કરે એવું છે, ચાલ્યા જ કરે, બસ ચાલ્યા જ કરે. એની એ પેટર્ન, એનું જ પુનરાવર્તન થયા જ કરે થયા જ કરે, કલાકોના કલાક સુધી. બીજી તરફ ‘ઍશીઝ ટૂ ઍશીઝ’ પાણીની ભીતરમાં ભજવાઈ રહ્યું હોય એવું મને જણાય છે. ડૂબી રહેલી એક સ્ત્રી, મોજાંમાંથી થઈને ઉપર તરફ પહોંચવા જતો એનો હાથ, નજર બહાર પાણીમાં નીચે તરફ પડી જતો, અન્ય લોકો સુધી પહોંચવા મથતો, પણ ત્યાં કોઈ જ ન હોવાનું જણાતાં, પાણીની ભીતર કે પાણીની ઉપર, કેવળ છાયાઓ, પ્રતિબિમ્બો, તરતાં રહેલાં; ડૂબી જવાના એ ભૂમિદૃશ્યમાં ડૂબીને ગાયબ થઈ જતી પેલી સ્ત્રીની આકૃતિ, કેવળ અન્યો માટે નિર્માણ થઈ હોવાનું જણાતી, નિયતિમાંથી ઊગરી જવા અસમર્થ એવી એક સ્ત્રી. કિન્તુ જેમ એ લોકો મરણ પામ્યા, એણે પણ મરવું જ રહ્યું. રાજનીતિવિષયક ભાષા. રાજકારણી લોકો ઉપયોગ કરે તે, આવા કોઈ પ્રદેશમાં પ્રવેશવાનું સાહસ કરી શકે નહિ, કેમ કે રાજકારણીઓમાંની બહુમતીને સત્ય પરત્વે રસ હોતો નથી કિન્તુ સત્તા હાંસલ કરવામાં અને સત્તાને ટકાવી રાખવામાં રસ હોય છે. આ સત્તાને ટકાવી રાખવી હોય તો તો પ્રજા અજ્ઞાન રહે તે આવશ્યક બને છે, સત્ય વિશે તેઓ અજાણ રહીને જીવે, પોતાના જીવનના સત્ય સુધ્ધાં વિશે અજાણ રહે, એટલે જ તો આપણે ચોમેરથી જુઠ્ઠાણાંના વેલબુટ્ટા ભરેલા જંગી ચાકળાઓથી ઘેરાયેલા છીએ, એમાંથી જ આપણને પોષણ મળતું રહે છે. અહીંનો એકેએક જણ જાણે છે કે ઈરાક પરના આક્રમણને વાજબી ઠેરવવા આપણને એવું કહેવામાં આવ્યું કે સદ્દામ હુસેન, જનસમુદાયને નેસ્તનાબૂદ કરી નાખે એવાં મહાખતરનાક શસ્ત્રોનો જથ્થો ધરાવે છે, જેમાં કેટલાંક તો ૪૫ મિનિટની અંદર ફેંકી શકાય જેના વડે ભયાનક પાયમાલી સર્જી શકાય. આપણને ખાતરી આપવામાં આવેલી કે આ સાચી વાત છે. વાત સાચી હતી જ નહિ. આપણને એવું ઠસાવવામાં આવેલું કે ઈરાકે અલ કાયદા સાથે હાથ મિલાવેલા છે અને ૨૦૦૧ના સપ્ટેમ્બરની ૧૧મીએ ન્યૂ યોર્કમાં જે કાળો કેર વર્ત્યો તેની જવાબદારીમાં એનો પણ હિસ્સો છે. આપણને એમ ઠસાવવામાં આવેલું કે આ વાત સાચી છે. વાત સાચી હતી જ નહિ. આપણને કહેવામાં આવ્યું કે ઈરાક જગતની સુરક્ષિતતા માટે ભયજનક છે. આપણને ઠસાવવામાં આવ્યું કે આ વાત સાચી છે. વાત સાચી હતી જ નહિ. સત્ય તો સમૂળગું કંઈક જુદું જ છે. આ સત્યને જે વાત સાથે નિસબત છે તે કંઈક આવી છે, જગતમાં અમેરિકા કઈ રીતની ભૂમિકા ભજવવા માગે છે તેની સમજણ ધરાવે છે અને તેને સાકાર કરવા કેવું મૂર્તરૂપ આપવું તેની પસંદગી કરે છે. કિન્તુ હું વર્તમાનમાં પાછો ફરું તે પહેલાં તાજેતરના ભૂતકાળ પર એક દૃષ્ટિપાત કરી લેવા માગું છું, એટલે કે બીજા વિશ્વયુદ્ધ પછીની અમેરિકાની વિદેશનીતિ પર. મારું તો એવું માનવું છે કે આ સમયગાળાને ભલે મર્યાદિતરૂપે પણ એક પ્રકારના સૂક્ષ્મ પરીક્ષણને અધીન બનાવવાની આપણા સૌની અનિવાર્ય આવશ્યકતા બની રહે છે, આટલુંક કરી લેવા જેટલો સમય અહીં મળી રહેશે. સૌ કોઈ જાણે છે કે યુદ્ધોત્તર સમયગાળામાં સોવિયેત યુનિયન અને પૂર્વીય યુરોપના સઘળા દેશોમાં શું શું બન્યું હતું : પદ્ધતિસરની પાશવીલીલા, વ્યાપક પ્રમાણમાં ફેલાયેલા અત્યાચારો, સ્વતંત્ર વિચારનું નિર્દયતાભર્યું દમન. આ સઘળાનું પૂરેપૂરું દસ્તાવેજીકરણ થઈ ચૂક્યું છે અને ચકાસણી થઈ ચૂકી છે. કિન્તુ, અહીં મારી જિકર એવી છે કે સમયના આ જ ગાળા દરમિયાન અમેરિકાએ આચરેલા અપરાધોની કેવળ અછડતી નોંધ લેવાઈ છે ત્યાં દસ્તાવેજીકરણની, જવાબદારીના સ્વીકારની કે એનાં કરતૂતોને અપરાધ તરીકે ઓળખાવવાની તો વાત ક્યાં કરવી. હું એમ માનું છું કે આ કામ ઉપાડી લઈને એની પાછળ મંડી પડવું જોઈએ અને જે સત્ય છે તેને જગત આજે જ્યાં ઊભું છે તેની સાથે નિકટનો સંબંધ છે. જોકે સોવિયેત યુનિયનના અસ્તિત્વને કારણે, અમુક હદ સુધી એના પર નિગ્રહ હોવા છતાં જગતભરમાં અમેરિકાએ આચરેલાં કરતૂતોએ સ્પષ્ટ કરી આપ્યું છે કે એણે એવું ધારી લીધું છે કે મનફાવે તેમ વર્તવાનો એને પરવાનો મળી ગયો છે. કોઈ એક સાર્વભૌમ સત્તાધારી રાજ્ય પર સીધું આક્રમણ કરવાની નીતિ વાસ્તવમાં અમેરિકાએ કદી પસંદ કરી નથી. મોટે ભાગે પોતે જેને “ધીમા તાપનો સંઘર્ષ (Low intensity conflict) તરીકે ઓળખાવે છે તેવી નીતિ અપનાવી છે. ધીમા તાપનો સંઘર્ષનો અર્થ એવો છે કે હજારોની સંખ્યામાં લોકો મરતા હોય ખરા પણ ધીમે ધીમે, એક બોમ્બ ફેંકીને એ જ લોકોનો સંહાર એક ઝાટકે કરી શકાય તે રીતે નહિ. એનો અર્થ એ કે તે દેશના હૃદયમાં રોગના ચેપી જંતુ મૂકી દેવા, રોગને પ્રાણઘાતકપણે વકરવા દેવો અને ગેંગરીનને પુરબહારમાં ખદબદતો જોવો. આમ જનતા કાબૂમાં આવી જાય – કે મરણતોલ માર ખાય – વાત એકની એક – અને હુમલાખોરના ખુદના મિત્રો, લશ્કર અને મોટી વ્યાપારી પેઢીઓ, આરામથી સત્તાની ગાદી પર બેસી જાય પછી કૅમેરાની સામે ઊભા રહીને પોકાર કરવો કે લોકશાહીનો વિજય થયો છે. હું જે વર્ષોની વાત કરું છું તે અરસામાં અમેરિકાની વિદેશનીતિનું આ સામાન્ય પાસું હતું.” નિકારાગુઆની કરુણાંતિકા એક ઘણો મહત્ત્વપૂર્ણ કિસ્સો હતો. અમેરિકા ત્યારે અને અત્યારે જગતમાં જે ભૂમિકા ભજવતું આવ્યું છે તેનું એક જબરું ઉદાહરણ હોઈ મેં તેને અહીં રજૂ કરવા પસંદ કર્યું છે. ૧૯૮૦નાં પાછલાં વર્ષોમાં લંડન ખાતેની અમેરિકાની એલચી કચેરીમાં એક સભા ગોઠવવામાં આવી હતી. તેમાં હું હાજર હતો. યુનાઇટેડ સ્ટેટસ કૉન્ગ્રેસ એક નિર્ણય લેવાની તૈયારીમાં હતી કે નિકારાગુઆ રાજ્યની સામે ઝુંબેશ ચલાવી રહેલા કોન્ટ્રાઓને હજી વધુ રકમ ફાળવવી કે નહિ તે વિશે નિર્ણય લેવાનો હતો. નિકારાગુઆ રાજ્યવતી રજૂઆત કરનાર પ્રતિનિધિમંડળનો હું પણ એક સભ્ય હતો. આ પ્રતિનિધિમંડળના સૌથી પ્રતાપી સભ્ય જોન મેટ્‌કાલ્ફ નામે એક પાદરી હતા. અમેરિકાના જૂથ વતી આગેવાની લેનાર હતા રૅમન્ડ સિટ્‌ઝ (તે વખતે તેઓ રાજદૂત પછી બીજા ક્રમાંકના અધિકારી હતા. પછીથી તેઓની ખુદ રાજદૂત તરીકે નિમણૂક થઈ હતી.) ફાધર મેટ્‌કાલ્ફે કહ્યું, “સાહેબ, નિકારાગુઆની ઉત્તરે આવેલા (ચર્ચ) દેવળવાળા પરિસરને કાર્યભાર મારા હાથમાં છે, મારા કબજામાંના પ્રદેશમાં અમારા માણસોએ એક શાળા, એક સ્વાસ્થ્યકેન્દ્ર અને એક સાંસ્કૃતિક કેન્દ્ર ઊભાં કર્યાં હતાં. અમે બધાં શાંતિમય જીવન ગાળી રહ્યા હતા. કેટલાક મહિના પહેલાં કોન્ટ્રાઓના એક જૂથે અમારા પ્રદેશ પર હુમલો કર્યો. તેમણે બધું જ નષ્ટ કરી નાખ્યું. શાળા, સ્વાસ્થ્ય કેન્દ્ર, સાંસ્કૃતિક કેન્દ્ર ઇત્યાદિ. નર્સ અને શિક્ષિકાઓ પર બળાત્કાર ગુજાર્યો, દાક્તરોની કતલ કરી નાખી, નિર્ઘૃણ રીતે જંગલી લોકો જેવો વર્તાવ કર્યો. મારી એવી વિનતિ છે કે યુએસ સરકારે આવી આઘાતજનક આતંકવાદી પ્રવૃત્તિને આપેલો ટેકો પાછો ખેંચી લેવો જોઈએ.” રૅમન્ડ સિટ્‌ઝ એક વિચારવાન, જવાબદાર, અને અંતિ સંસ્કારી વ્યક્તિ તરીકે નામાંકિત હતા. રાજદૂતોનાં વર્તુળોમાં આદરણીય ગણાતા. એમણે બધું સાંભળ્યું, થોડોક વિરામ લીધો ને પછી સહેજ ગાંભીર્યપૂર્વક બોલ્યા, ‘ફાધર’, એમણે કહ્યું, ‘હું તમને કશીક વાત કરું, યુદ્ધમાં તો સદાય નિર્દોષ લોકોને ભાગે જ દુઃખ ભોગવવાનું આવે છે.’ વાતાવરણમાં સ્તબ્ધતા છવાઈ ગઈ. અમે એમને તાકી રહ્યા. એમનું રૂંવાડુંય ન ફરક્યું. નિર્દોષ લોકોને ભાગે સદાય દુઃખ ભોગવવાનું જ આવે છે. વાહ! ક્યા બાત હૈ! અંતે કોઈ બોલી ઊઠ્યું : ‘કિન્તુ આ કિસ્સામાં ‘નિર્દોષ લોકો’ જે પાશવી અત્યાચારોના ભોગ બન્યા હતા, તે તો તમારી સરકારે આપેલી આર્થિક સહાયને પરિણામે સરજાયા હતા. આ સહાય તો ઘણી બધી સહાયોમાંની માત્ર એક હતી. જો કૉન્ગ્રેસ કોન્ટ્રાઓને હજુ વધુ પૈસાની સહાય આપશે તો આવા અત્યાચારો થતા જ રહેવાના. શું અગાઉ આવું બન્યું નથી? એક સાર્વભૌમ રાજ્યના નાગરિકો પર ખૂનામરકી અને વિનાશ આચરવા માટે તમારી સરકાર ગુનેગાર છે કે નહિ?’ સિટ્‌ઝ મહાશયના પેટનું પાણી પણ ન હલ્યું. એમણે તો કહી દીધું, ‘રજૂ થયેલી હકીકતો તમારાં પ્રતિપાદનોને સમર્થન આપે છે તે સાથે હું સમ્મત થતો નથી.’ અમે એલચીકચેરીમાંથી બહાર નીકળતા હતા તેવામાં યુએસ રાજદૂતના એક સહાયકે મને કહ્યું કે એને મારાં નાટકો વાંચવાં બહુ ગમતાં હતાં. મેં જવાબ ન આપ્યો. મારે તમને યાદ દેવડાવવું જોઈએ કે રાષ્ટ્રપતિ રેગને તે વખતે આવું વિધાન કરેલું, ‘કોન્ટ્રાઓ તો આપણા સ્થાપક પિતૃઓના નૈતિક સમકક્ષ છે.’ અમેરિકાએ નિકારાગુઆમાં પાશવી સરમુખત્યારીને ૪૦ વર્ષ સુધી ટેકો આપ્યા કર્યો. નિકારાગુઆની પ્રજાએ સાન્દીનિસ્ટાના નેતૃત્વ નીચે આવી હકૂમતને ૧૯૭૯માં ઊથલાવી પાડી. અદ્‌ભુત હતું આ આમપ્રજાનું આંદોલન. સાન્દીનિસ્ટા પણ કંઈ પૂર્ણ નહોતા. એઓ કંઈ ઓછા અભિમાની નહોતા. એમની રાજનીતિ વિષયક ફિલસૂફીમાં સંખ્યાબંધ વિરોધાભાસી તત્ત્વો હતાં. તેમ છતાં એઓ બુદ્ધિમાન, વિચારવાન અને સંસ્કારી હતા. એઓ એક સ્થિર, શિષ્ટ અને બહુમુખી (pluralistic) સમાજની રચના કરવા નીકળી પડ્યા. મૃત્યુદંડની સજાને રદબાતલ કરી, સેંકડો હજારોની સંખ્યામાં ખેડૂતોને મૃત્યુના મુખેથી પાછા લાવ્યા. ૧૦૦,૦૦૦થી પણ વધારે કુટુંબોને જમીનના માલિકી હક આપ્યા. બે હજાર શાળાઓ ઊભી કરી. સાક્ષરતા વધારવાની વિલક્ષણ ઝુંબેશે દેશમાંનો નિરક્ષરતાનો આંક ઘટીને એક સપ્તમાંશથી પણ ઓછો કર્યો. મફત શિક્ષણની વ્યવસ્થા કરી અને એવાં જ સ્વાસ્થ્ય કેન્દ્રો સ્થાપ્યાં. બાળમરણનું પ્રમાણ ત્રીજા ભાગનું થઈ ગયું. પોલિયોના રોગને નાબૂદ કરવામાં આવ્યો. આ બધી સિદ્ધિઓને માર્ક્‌સવાદી/લેનિનવાદી વિધ્વંસક પ્રવૃત્તિ તરીકે ઓળખાવીને અમેરિકાએ આકરી નિન્દા કરી. યુએસ સરકારની દૃષ્ટિએ આ એક ખતરનાક દાખલો બેસાડવામાં આવી રહ્યો હતો. જો નિકારાગુઆને સામાજિક અને આર્થિક ન્યાયના પાયાના માનદંડ સ્થાપવાની છૂટ આપવામાં આવે, જો તેને સ્વાસ્થ્યરક્ષા અને શિક્ષણનાં ધોરણોને ઊંચાં લઈ જવામાં આવે, સામાજિક ઐક્ય અને રાષ્ટ્રીય આત્મસમ્માન પ્રાપ્ત કરાવવામાં આવે તો પડોશનાં રાષ્ટ્રો પણ આવા જ પ્રશ્નો પૂછશે અને આ પ્રમાણે જ વર્તવા લાગશે. અલબત્ત, એ અરસામાં જ એલ સેલ્વાડોરમાં પૂર્વવત્‌ સ્થિતિ (Status quo) સ્થાપવા સામે ઉગ્ર પ્રતિકાર થઈ રહ્યો હતો. આ પહેલાં હું જણાવી ગયો છું કે “જુઠ્ઠાણાંના વેલ-બુટ્ટા ભરેલા ચાકળા અને ચંદરવા” આપણી ચોમેર ટીંગાડી દેવામાં આવ્યા છે. પ્રેસિડન્ટ રેગને નિકારાગુઆને ઘણી વાર “આપખુદશાહીની અંધાર કોટડી” તરીકે વર્ણવી છે. આ વર્ણનને સામાન્ય રીતે પ્રસારમાધ્યમોએ અને ચોક્કસપણે તો બ્રિટિશ સરકારે તો સચોટ અને સુયોગ્ય ટિપ્પણી તરીકે ખપાવ્યું છે. કિન્તુ વાસ્તવમાં સાન્દીનિસ્ટા સરકારના અમલ દરમિયાન મૃતદેહોના ઢગલાઓ મળ્યાની કોઈ નોંધ ન હતી. રિબામણી થયાની કોઈ નોંધ નથી. પદ્ધતિસરની અને ઔપચારિક રીતે લશ્કરે પાશવીતા આદરી હોવાની નોંધ નથી. એકપણ પાદરીનું નિકારાગુઆમાં કદી પણ ખૂન થયાની નોંધ નથી. વાસ્તવમાં તો ત્રણ પાદરી સરકારમાં હતા, બે જેસ્યુઆઇસ્ટ અને એક મેરીનોલ (mary knol) મિશનરી. આપખુદશાહીની અંધારી કોટડીઓ ખરેખર તો પડોશમાં હતી, એલ સાલ્વાડોરમાં અને ગ્વાતેમાલામાં. અમેરિકાએ ૧૯૫૪માં લોકશાહી રીતે ચૂંટાયેલી ગ્વાતેમાલાની સરકારને તોડી પાડી હતી અને એવો અંદાજ લગાડવામાં આવ્યો છે કે ૨૦૦,૦૦૦ની ઉપરની સંખ્યામાં લોકો, ક્રમાનુસાર આવતી રહેલી લશ્કરી સરમુખત્યારીનો ભોગ બન્યા હતા. ૧૯૮૯માં સાન સાલ્વાડોરમાં સેન્ટ્રલ અમેરિકન યુનિવર્સિટી ખાતે જગતના છ પ્રતિષ્ઠિત જેસ્યુઆઇસ્ટની બૂરી રીતે કતલ કરવામાં આવી હતી. આ કૃત્ય યુએસએના જ્યોર્જીઆ રાજ્યની ફોર્ટ બેનિંગમાં તાલીમ પામેલી અલકાટિ રેજિમેન્ટની એક બટેલિયને આચરેલું. અત્યંત શૂરવીર આર્કબિશપ રૉમેરોને, તેઓ ધાર્મિક વિધિ કરાવી રહ્યા હતા ત્યારે, મારી નાખવામાં આવ્યા. એક અંદાજ મુજબ ૭૫,૦૦૦ લોકોને મરણને શરણ કરવામાં આવ્યા. એમને કયા કારણસર મારી નાખવામાં આવ્યા? એમને એ કારણસર મારી નાખવામાં આવ્યા કે એ લોકો એવી માન્યતા ધરાવતા હતા કે આથી પણ વધારે સુંદર જીવન જીવી શકવું શક્ય છે અને આપણે તેવું જીવન પ્રાપ્ત કરવું જોઈએ. આ પ્રકારની માન્યતાએ એમને સત્વર કમ્યુનિસ્ટ ઠરાવી દીધા. તેઓ મૃત્યુ પામ્યા કેમ કે સ્ટેટસ કોની સામે પ્રશ્ન કરવાની એમણે હામ ભીડી હતી. આ સ્ટેટસ કો એટલે ગરીબાઈ, માંદગી, અવનતિ અને અત્યાચાર. અમેરિકાએ આખરે સાન્દીનિસ્ટાની સરકારને તોડી જ પાડી. તેમ થવામાં કેટલાંક વર્ષ લાગ્યાં અને ખાસ્સા એવા પ્રતિકાર આડે આવ્યા, કિન્તુ આકરી આર્થિક કઠણાઈ અને ૩૦,૦૦૦ જેટલી મરણસંખ્યાને અંતે નિકારાગુઆની પ્રજાનો જુસ્સો તોડી નાખ્યો. તે થાકી ગયા હતા અને ફરી એક વાર ગરીબાઈની ચુંગાલમાં ફસાયા. દેશમાં નવેસરથી જુગારના અડ્ડા ઘૂસી આવ્યા. નિઃશુલ્ક આરોગ્યસેવા તેમ જ નિઃશુલ્ક શિક્ષણના દિવસો પૂરા થયા. મોટા ધંધાદારીઓ વેર વાળવાના નિર્ધાર સાથે પાછા આવી ગયા. ‘લોકશાહી’નો જય જય કાર બોલાયો. કિન્તુ આ ‘નીતિ’ માત્ર મધ્ય અમેરિકા પૂરતી જ મર્યાદિત હતી એવું નહોતું, દુનિયાના સઘળા દેશોમાં તે આચરવામાં આવતી હતી. તે અંત-હીન હતી અને આ ‘નીતિ’ જ એવી છે કે જાણે કશું બન્યું જ નથી. બીજા વિશ્વયુદ્ધના અંત પછી અમેરિકાએ જગતભરના દેશોમાં જમણેરી પાંખ ધરાવતી લશ્કરી સરમુખત્યારીને રીતસર પોષવા માંડેલી અને જે દેશમાં આવી લશ્કરી સરમુખત્યારી નહોતી ત્યાં ઊભી પણ કરી આપી. હું આ દેશોની વાત કરી રહ્યો છું : ઇન્ડોનેશિયા, ગ્રીસ, ઉરુગ્વે, બ્રાઝિલ, પારાગ્વે, હૈતી, તુર્કી, ધ ફિલિપાઈન્સ, ગ્વાતેમાલા, એલ સાલ્વાડોર અને ચિલી તો ખરું જ. ૧૯૭૩માં અમેરિકાએ ચિલી પર જે અત્યાચાર ગુજારેલો તેની અસરને નિવારી શકાય તેમ નથી તેમ જ માફ કરી શકાય તેમ નથી. સેંકડો હજારોની સંખ્યામાં આ સઘળા દેશોમાં મરણ થયાં હતાં. શું વાત કરો છો? બધા કિસ્સામાં અમેરિકાની વિદેશનીતિને કારણે થયાં હતાં? એનો જવાબ છે હા. મરણ થયાં હતાં અને તે અમેરિકાની વિદેશ નીતિને કારણે થયાં હતાં. તમને એ નહિ સમજાય. આવું કદી બન્યું નથી. કશું પણ કદી બન્યું નથી. આ જ્યારે બની રહ્યું હતું તેમ છતાં એ બની રહ્યું નહોતું. તેમાં કશો જ વાંધો હતો નહિ. તેમાં રસ પડે તેવું કશું હતું જ નહિ. યુનાઇટેડ સ્ટેટ્‌સે આચરેલા અપરાધો એકદમ વ્યવસ્થિત, એકધારા, અધમ, અને નિર્દય રહ્યા છે. પ્રમાણમાં બહુ જૂજ લોકોએ એના વિશે ખરેખર વાત કરી છે. કોઈકે આ વાતને અમેરિકા સુધી પહોંચાડવાની જરૂર છે. સર્વજન હિતાય નામનો મુખવટો પહેરીને જગતવ્યાપી સત્તા હાંસલ કરવા નૈદાનિક દોરીસંચાર કરીને અમેરિકાએ દુનિયાને નચાવ્યે રાખી છે. આ એક તેજીલું, વિનોદી પણ ખરું, અત્યંત યશસ્વી એવું સંમોહન કર્મ છે. મને કહેવા દો કે અમેરિકા નિઃશંકપણે જાહેર માર્ગ પરનો મોટામાં મોટો ખેલ છે, તે ભલે પાશવી, બેતમા, કઠોર અને તોરીલું હોય છતાં અત્યંત ચાલાક છે. એક (સેલ્સમેન) વિક્રેતા તરીકે પોતાની જાત પર મુસ્તાક રહીને નીકળી પડ્યું છે અને તેની પાસે સૌથી વધારે વેચવા યોગ્ય વસ્તુ છે આત્મરતિ. તે વિજેતા રહ્યું છે. ટેલિવિઝન પર તેના બધા જ પ્રમુખોને મોઢેથી એવું કહેતા સાંભળવા મળશે : ‘ધ અમેરિકન પીપલ’, જેમ કે આ વાક્યમાં છે. ‘હું અમેરિકાની પ્રજાને સંબોધીને કહું છું કે હવે અમેરિકી પ્રજાએ પ્રાર્થના કરવાનો અને પોતાના અધિકારોનું રક્ષણ કરવાનો સમય આવી પુગ્યો છે અને હું અમેરિકી પ્રજાને એવી વિનંતી કરું છું કે તે પોતાના પ્રમુખમાં શ્રદ્ધા રાખે કે અમેરિકી પ્રજા વતીથી પ્રમુખ જે કંઈ પગલાં ભરશે તે એમના હિતમાં હશે.’ તેજના તણખા વેરતી ચાલ છે આ. વિચારને આઘો રાખીને ભાષાનો ખરેખર વિનિયોગ થયો છે. આરામદાયક ઓશીકાની ગરજ સારે છે આ શબ્દો ‘ધ અમેરિકન પીપલ’ ધરપત આપીને સુંવાળી તળાઈમાં સૂવડાવી દે છે. વિચાર કરવાની આવશ્યકતા રહી નહિ. તમે બસ આરામથી લેટ્યા કરો ગાદીમાં. આવી ગાદી કદાચ તમારી બુદ્ધિમત્તાને કે તમારી વિવેચનશક્તિને રૂંધી નાખતી હશે કદાચ. છતાં છે તો ભારે આરામદાયી. અલબત્ત, પેલા ગરીબીરેખાની નીચે જીવન વિતાવતા ૪ કરોડ લોકો તેમ જ અમેરિકાભરમાં પથરાયેલી જેલોના સળિયા પાછળ કેદ થયેલાં સ્ત્રી-પુરુષોને આ વાત સ્પર્શતી નથી. હવે તો અમેરિકા પેલા ઓછી ઉગ્રતાવાળા સંઘર્ષની પણ પરવા કરતું નથી. એને એમ લાગે છે કે મીંઢા રહેવાનો અને આડા-અવળા રસ્તા અપનાવવાનો હવે કોઈ અર્થ નથી. હવે તો તે કોઈની પણ શેહશરમ રાખ્યા વિના બેધડકપણે પોતાનાં પત્તાં ટેબલ પર મૂકી દે છે. યુનાઇટેડ નેશન્સ, આંતરરાષ્ટ્રીય કાયદાકાનૂન અને આલોચનાત્મક અસંમતિની ઐસીતૈસી કરી નાખે છે. આ બધાને તે વંધ્ય અને અપ્રસ્તુત લેખે છે. એની પાસે પોતાની પાછળ પાછળ બેં બેં કરીને ચાલ્યું આવતું લવારું છે : દયનીય અને સુસ્તીભર્યું – ગ્રેટ બ્રિટન. આપણી નૈતિક સંવેદનશીલતાને શું થઈ ગયું છે? આપણી પાસે અગાઉ કદી આવી સંવેદનશીલતા હતી ખરી? આ શબ્દો દ્વારા કયો અર્થ અભિપ્રેત થાય છે? આજકાલ જવલ્લે જ વપરાતી એક સંજ્ઞાનો સંદર્ભ તો સૂચવી જતો નથીને? એટલે કે વિવેકબુદ્ધિ? એવી વિવેકબુદ્ધિ જે માત્ર વ્યક્તિએ પોતે કરેલાં કૃત્યોની જવાબદારી લેતી નથી કિન્તુ અન્યો સાથે સહયોગમાં કરાયેલાં કૃત્યોની જવાબદારી સાથે પણ જેને સંબંધ છે? શું આ બધું મરી પરવાર્યું? ગ્વાનામાન્સેના અખાત સુધી નજર દોડાવી જુઓ. સેંકડોના સેંકડો લોકોને ત્રણત્રણ વરસ સુધી કશો આરોપ મૂક્યા વિના અટકાયતમાં ગોંધી રાખ્યા છે, એમનું કોઈ કાનૂની પ્રતિનિધિત્વ કરતું નથી કે કાયદા વિષયક કોઈ પ્રક્રિયા પણ નથી થતી. અમસ્તા જ કાયમ માટે ગોંધી દીધા છે. આવું સંપૂર્ણપણે ગેરકાયદેસર માળખું જીનિવા કન્વેન્શનનો ભંગ કરીને પણ જાળવી રખાયું છે. આવું બધું નિભાવી લેવામાં આવે છે એટલું જ નહિ, ‘આંતરરાષ્ટ્રીય જમાત’ કહીને ઓળખાવાય છે તે સમૂહ પણ આ વિશે ભાગ્યે જ કશી વિચારણા કરે છે. આવું ગુનાહિત કૃત્ય એવો દેશ આચરી રહ્યો છે જેણે પોતાને ‘મુક્તવિશ્વના અગ્રણી’ હોવાની જાહેરાત કરી છે. ગ્વાન્ટેમાન્ટો અખાતના રહેવાસીઓનો આપણે કદી વિચાર કર્યો છે ખરો? એને વિશે મિડિયાને શું કહેવાનું છે? વચ્ચે વચ્ચે તે ટપકી પડતા હોય છે ખરા – પાન નંબર છ પરની એક ટચૂકડી આઇટમ મારફત. તેઓને ધણીધોરી વગરની ભૂમિમાં રવાના કરી દેવામાં આવ્યા છે જ્યાંથી તેઓ કદાચ પાછા ન પણ ફરે. અત્યારની ઘડીએ ઘણા તો ભૂખ-હડતાલ પર ઊતરી પડ્યા છે તેથી તેમને પરાણે પોષણ અપાઈ રહ્યું છે, એમાંના કેટલાક તો બ્રિટનના રહેવાસીઓ છે. પરાણે-પોષણ આપવાની પદ્ધતિમાં પણ જે ચોક્કસાઈ જાળવવી પડે છે તેમાંનું અહીં કશું જ નથી. કોઈ શામક ઔષધિ નથી અપાતી, પીડા-હારક ટીકડીઓ નથી. બસ, એકાદ નળી તમારા નાકમાં ખોસી દીધી હોય અને એક તમારા ગળામાં ઉતારી હોય. તમને લોહીની ઊલટી થઈ જાય. આ તો રીતસરની રિબામણી છે. આ બારામાં બ્રિટનના વિદેશપ્રધાને શું કહ્યું? કશું જ નહિ. આ બારામાં બ્રિટનના વડા પ્રધાને શું કહ્યું? કશું જ નહિ. કેમ? તો કે અમેરિકાએ જણાવી દીધું છે : ગ્વાન્ટેમાન્ટો અખાતમાં અમારા આચરણ વિશે જો કોઈ કશી ટીકા કરશે તો તેને મૈત્રીભાવવિહોણું પગલું લેખાશે. તમે કાં તો અમારી સાથે છો અથવા તો અમારી સામે છો. એટલે તો બ્લેર બાબુની બોલતી બંધ થઈ ગઈ છે. ઈરાક પરનું આક્રમણ એક ડાકુગીરીનું પગલું હતું. એક રાષ્ટ્રનો નિર્લજ્જ આતંકવાદ. આંતરરાષ્ટ્રીય કાયદાની જે કંઈ વિભાવના ઊભી થઈ છે તેનો સરેઆમ અનાદર કરનારું પગલું હતું. આ આક્રમણ એક આપખુદ લશ્કરી પગલું હતું અને જૂઠાણાં પર જૂઠાણાંની હારમાં એના પ્રેરણાસ્રોત પડેલા છે. મિડિયા અને તે મારફત પ્રજાનો પણ, સ્વાર્થ સાધવા, હડહડતો, ઉપયોગ કરવામાં આવ્યો હતો; આ કૃત્ય પાછળનો આશય હતો મધ્યપૂર્વમાં અમેરિકી લશ્કરી તાકાત અને આર્થિક પકડને દૃઢીભૂત કરવાનો. આ કૃત્યને વાજબી ઠેરવવા કારણો તો આપવાં જ પડે અને આપેલાં કારણો જો તે કૃત્યને વાજબી ઠેરવવા નિષ્ફળ નીવડે તો – છેલ્લા ઉપાય તરીકે – અમે આ પ્રદેશને મુક્તિ અપાવી છે એવો મુખવટો પહેરીને પણ કાર્ય સાધી લેવું. આ તો લશ્કરી તાકાતનું અત્યંત ભયાનક પ્રતિપાદન થયું, એવી લશ્કરી તાકાત જે હજારોની સંખ્યામાં નિર્દોષ લોકોની કતલ કરવા અને અપંગ બનાવવા માટે કારણભૂત છે. આપણે ઈરાકની પ્રજા પર લાદ્યા છે સિતમ, ક્લસ્ટર બોમ્બ, યુરેનિયમનો વાપરી નાખેલો જથ્થો, અસંખ્ય કતલો, આડેધડ કરેલાં ખૂન, કંગાલિયત, અવનતિ અને મૃત્યુ અને આને ‘મધ્યપૂર્વને સ્વાતંત્ર્ય અને લોકશાહી અપાવ્યાનું’ લેખીએ છીએ. સામૂહિક હત્યાખોર અને યુદ્ધના ગુનેગારનું બિરુદ હાંસલ કરવા તમારે કેટલી સંખ્યામાં લોકોને હણી નાખવા પડે? એકાદ લાખ? મારી દૃષ્ટિએ એટલા તો ઘણા થઈ ગયા હોત. તેથી બુશ અને બ્લેરને આંતરરાષ્ટ્રીય ગુનેગારો માટેની અદાલતમાં આરોપીના પીંજરામાં ઊભા કરવા ન્યાયી ગણાશે. કિન્તુ બુશ મહાશય તો ભારે શાણા ગણાય છે. એમણે આંતરરાષ્ટ્રીય ગુનેગારો માટેની અદાલતને માન્યતા જ આપી નથી. એટલે બુશે ચેતવણી આપી રાખી છે કે જો કોઈ અમેરિકન સૈનિક કે પછી રાજકારણીને આરોપીના પીંજરામાં ખડો કરવામાં આવશે તો હું નૌકાદળને રવાના કરીશ. પરંતુ ટૉની બ્લેરે તો આ અદાલતને માન્ય રાખી છે. તેથી એના પર મુકદ્દમો ચલાવી શકાય તેમ છે. આ બાબતમાં અદાલતને રસ પડે એમ હોય તો અમે સરનામું પણ આપી રાખીએ, તે ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ, લંડન. આ સંદર્ભમાં મૃત્યુ સાવ અપ્રસ્તુત બની રહે છે. બુશ અને બ્લેર બેઉ જણ મરણને ઊંચી અભરાઈ પર ચડાવી દે છે. ઈરાકના વિપ્લવનો પ્રારંભ થયો તે પહેલાં જ ઓછામાં ઓછા ૧૦૦,૦૦૦ ઈરાકીઓ અમેરિકન બોમ્બ અને મિસાઈલના મારામાં માર્યા ગયા હશે. આ લોકોનું કોઈ મહત્ત્વ નથી. તેઓ મૃત્યુ પામ્યા છે એની કોઈ સાબિતી નથી. એ બધા અનામી હતા. તે મરી ચૂક્યા છે તેની નોંધ સુધ્ધાં નથી. અમેરિકી લશ્કરના સેનાપતિ ટૉમી ફૅન્કસે તો રોકડું પરખાવી જ દીધું. ‘અમે શબોની ગણતરી કરતા નથી.’ આક્રમણના આરંભના દિવસોમાં બ્રિટિશ અખબારોમાં પહેલા પાના પર ટોની બ્લેરને એક નાનકડા ઈરાકી બાળકને ચૂમી લેતા છાપ્યા છે, એને મથાળું આપ્યું છે ‘કૃતજ્ઞ બાળક. (અ ગ્રેટફુલ ચાઇલ્ડ.)’ થોડાક દિવસો પછી અખબારના અંદરના પાને તસવીર સાથેનો વૃત્તાંત છપાયો જેમાં ચારેક વર્ષનું બેઉ હાથ વિનાનું બાળક છે. એનું આખું કુટુંબ મિસાઈલના હુમલામાં ફૂંકાઈ મર્યું હતું. કેવળ આ બાળક જીવતું બચી ગયું હતું. ‘મને મારા હાથ ક્યારે પાછા મળશે?’ બાળક પૂછે છે. વાત પડતી મુકાઈ હતી. ટૉની બ્લેરે એને હાથમાં તેડી લીધો નહોતો કે બીજા કોઈ અંગ છેદાઈ ગયેલા બાળકને કે લોહી નીંગળતા શબને. રક્ત એક બહુ ગોબરી વસ્તુ છે. તમે ટેલિવિઝન પર ગંભીર પ્રવચન કરી રહ્યા હો ત્યારે આ લોહી તમારા શર્ટ અને ટાઈને ગોબરી કરી નાખે. ૨૦૦૦ અમેરિકનના મૃતદેહ હાવરાબાવરા કરી દેનારી ઘટના છે. તેમને રાતોરાત અંધારામાં જ કબ્રસ્તાન પહોંચાડી દેવાય છે, ગુપચુપ દફનાવી દેવાય છે. વિકલાંગ થયેલા એમની પથારીમાં સબડતા હોય છે, કેટલાક એમના શેષ જીવન પર્યંત. આમ મૃત અને વિકલાંગ બન્ને સબડી રહ્યા છે, ભિન્ન પ્રકારની કબરોમાં. અહીં હું પાબ્લો નેરુદાની એક કવિતા “આઇ એમ એક્સપ્લેઇનિંગ અ ફ્યુ થિન્ગ્સ”નો એક અંશ અવતરણરૂપે રજૂ કરું છું :

અને એક સવારે સળગી રહેલું સકળ
એક સવારે ધરતીના પેટાળમાંથી
લપકી પડી હોળીની ઝાળ
માનવજનોને ભરખી જતી
તે પછી ભડકે બળતી
તે પછી બંદૂકમાં ધરબવાનો દારૂ
અને તે પછી લોહી.
વિમાનો અને મૂરલોકો સંગે આવ્યા લૂંટારા
આંગળીઓમાં વીંટી પહેરી ને સહચરીઓની
સોબત સાથે આવ્યા લૂંટારા
દુવાઓનો છંટકાવ કરતા
શ્યામવર્ણના ખ્રિસ્તી સાધુઓને
સાથે લાવ્યા લૂંટારા
આકાશની આરપારથી આવી પૂગ્યા
બાળકોની કતલ કરવા
અને બાળકોનું લોહી કશા આડંબર વગર
બાળકોના લોહીની જેમ વહેવા લાગ્યું શેરીઓમાં.

શિયાળમાં જે શિયાળવાંને ધૂત્કારતા હોય
સૂકાં ઝાંખરાં જે પથ્થરોના કોળિયા ભરી
થૂંકી નાખતા હોય
ઝેરીલા જે ઝેરીલાની ઘૃણા કરતા હોય.

તમારી સન્મુખ રહીને સ્પેનનું લોહી
ગર્વ અને છરીઓનું એક મોજું બની
ભરતીનાં મોજાંની જેમ ઊંચે ઊછળી
તમને ડુબાડી દેતું મેં નીરખ્યું છે.

તરકટી
સેનાનીઓ :
જોઈ લો મારું પ્રાણહીન ઘર
ખંડિયેર બની ગયેલા સ્પેન ભણી નજર નાખો
પ્રત્યેક ઘરમાંથી
ફૂલોને સ્થાને
ધગધગતી ધાતુ વહી ચાલી છે
સ્પેનના પ્રત્યેક ખૂણામાં
સ્પેન પાંગરી રહ્યું છે
અને પ્રત્યેક મૃત બાળકમાંથી
આંખો ધરાવતી એક એક રાઇફલ
અને પ્રત્યેક અપરાધમાંથી બુલેટો પ્રગટી રહી છે
જે એક દિવસ તમારા હૃદયનું લક્ષ્ય-વર્તુળ શોધી કાઢશે.

અને તમે પૂછશો : એની કવિતા
સ્વપ્નો અને પર્ણોની
અને પોતાના વતનના અલૌકિક જ્વાળામુખીની વાત
કેમ કરતી નથી.
આવીને જોઈ લો શેરીઓમાં વહેતા લોહીને
આવીને જોઈ લો
શેરીઓમાં વહેતા લોહીને
આવીને જોઈ લો લોહીને
શેરીઓમાં વહેતું!

* * *

હું એક સ્પષ્ટતા કરી દઉં ને નેરુદાની કવિતાનું અવતરણ ટાંકીને હું કોઈ પણ રીતે પ્રજાસત્તાક સ્પેનની સદ્દામ હુસેનના ઈરાક સાથે તુલના કરતો નથી. મેં નેરુદાને એટલા માટે ટાંક્યા છે કે સમકાલીન કવિતામાં નાગરિક વસ્તી પર કરાયેલા બોમ્બમારાનું આટલું બળકટ નાભિજનિત નિરૂપણ મેં વાંચ્યું નથી. હું અગાઉ જણાવી ગયો છું કે હમણાં હમણાં અમેરિકા ખુલ્લેઆમ પોતાનાં પત્તાં ટેબલ પર મૂકે છે. આ હકીકત છે. તેની સત્તાવાર રીતે જાહેર કરાયલી નીતિને અત્યારે “ફુલ સ્પેક્ટ્રમ ડોમિનન્સ” તરીકે વ્યાખ્યાબદ્ધ કરવામાં આવી છે. આ મેં આપેલી શબ્દસંજ્ઞા નથી. તે અમેરિકાએ પોતે જ આપેલી સંજ્ઞા છે. ફુલ સ્પેક્ટ્રમ ડોમિનન્સનો અર્થ આવો છે, ભૂમિ પર, દરિયા પર અને અવકાશ પર તેમ જ તેનાં આનુષંગિક સાધન-સંપત્તિ પર સંપૂર્ણ રીતનું આધિપત્ય. ધ યુનાઇટેડ સ્ટેટ્‌સ એ આજે વિશ્વભરમાં ૧૨૩ દેશોમાં ૭૦૨ લશ્કરી મથકો પર કબ્જો ધરાવે છે, અલબત્ત, આમાંથી સ્વીડનને ઉદારતાપૂર્વક અપવાદ ગણ્યો છે. આપણે ચોક્કસપણે જાણતા નથી કે તે ત્યાં પહોંચ્યા કઈ રીતે? તે ત્યાં પહોંચી ગયા છે તે વાત નક્કી. ધ યુનાઇટેડ સ્ટેટ્‌સ પાસે ૮૦૦૦ સક્રિય અને ત્રાટકવા માટે સજ્જ એવાં ન્યુક્લિયર વૉરહૅડ્‌સ છે. બે હજાર તો વાળ જેટલી હળવી ચાંપ ધરાવતાં સાવધ તેમ જ છોડવા માટે પંદર મિનિટની ચેતવણી પૂરતી હોય તેવાં આણ્વિક પ્રક્ષેપકાસ્ત્રો છે. તે આણ્વિક બળની એક નવી સિસ્ટમ વિકસાવી રહ્યું છે. સદાયના સંગાથી બ્રિટિશરો પોતાના આણ્વિક પ્રક્ષેપકાસ્ત્ર ટ્રાઇડેન્ટને બદલાવી નાખવા માગે છે. મને આશ્ચર્ય થાય છે કે તેઓ કોની સામે આ બધું તાકવા માગે છે? ઓસામા બિન લાદેન સામે? તમારી સામે? મારી સામે? જો ડૉક્સ સામે? ચીન સામે? પૅરિસ સામે? કોણ જાણે છે? આપણે તો એટલું જાણીએ છીએ કે આ બધું બાલિશતા ભર્યું ગાંડપણ છે. આણ્વિક શસ્ત્રોનો જથ્થો ધરાવવો અને તેને ઉપયોગમાં લેવાની ધમકીઓ આપ્યા કરવી. આ અત્યારે અમેરિકાની રાજકીય ફિલસૂફીના કેન્દ્રમાં રહેલી છે. આપણે એક વાર ફરીથી યાદ કરી લેવાની જરૂર છે કે અમેરિકા ચિરકાળ માટે લશ્કરી પગદંડો જમાવવા મુસ્તાક છે અને એમાં છૂટછાટ મૂકવાનાં કોઈ લક્ષણ ધરાવતું નથી. સ્વયં અમેરિકામાં જ હજારોની-લાખોમાં નહિ તોય-સંખ્યામાં લોકો પોતાની સરકારના વ્યવહારથી એટલા તો ઉબાઈ ગયા છે, ભોંઠપ અનુભવે છે, કોપી ઊઠ્યા છે કે જાહેરમાં પોતાની આવી લાગણી પ્રદર્શિત કરતા રહે છે. કિન્તુ અત્યારની પરિસ્થિતિ મુજબ આ લોકો હજુ સુસંગત રાજકીય પરિબળ તરીકે ઊભરી શક્યા નથી. ત્યાં રોજ રોજ વધતી રહેલી ચિંતાઓ, અચોક્કસતાઓ અને દહેશતોનું પ્રમાણ આપણને દેખાઈ આવે છે, તેમાં ઘટાડો થવાની શક્યતા નહિવત્‌ છે. હું જાણું છું કે પ્રમુખ બુશ પાસે ભાષણ લખી આપવા અત્યંત સમર્થ લોકો ઘણા છે. કિન્તુ હું પોતે એ સેવા આપવા તૈયાર છું. પ્રમુખથી ટેલિવિઝન પર રાષ્ટ્રને સંબોધીને ભાષણ કરે તે માટે મેં એક ટૂંકું ભાષણ લખી રાખ્યું છે તે નીચે મુજબ રજૂ કરું છું. મેં એમને આવા દેખાડ્યા છે – ચિંતાતુર, સુઘડ રીતે ઓળેલા વાળ, ગંભીર, મગરૂબ. નિખાલસ ક્વચિત્‌ મોહક વક્ર સ્મિત વેરતા, અનોખી રીતે આકર્ષક માનવીના પણ માનવી. “ભગવાન ગરવો છે. ભગવાન ભવ્ય છે. મારો ભગવાન ગરવો છે. બિન લાદેનનો ભગવાન વરવો છે. તેનો વરવો એવો ભગવાન છે. સદ્દામનો ભગવાન ભવ્ય છે. મારો ભગવાન વરવો હતો, સિવાય કે એની પાસે હતો જ નહિ. એ જંગલી હતો. આપણે કંઈ જંગલી નથી. આપણે લોકોનાં ડોકાં કાપી નાખતા નથી. આપણે સ્વાતંત્ર્યમાં શ્રદ્ધાવાન છીએ. ભગવાન પણ એવી જ ભલામણ કરે છે. હું કંઈ જંગલી નથી. હું લોકશાહી રીતે ચૂંટાઈ આવેલો સ્વાતંત્ર્યપ્રેમી લોકશાહી દેશનો પ્રમુખ છું. આપણે એક કરુણાસભર સમાજ છીએ. આપણે તો કરુણાસભર વીજળીના આંચકા, કરુણાસભર પ્રાણઘાતક ઇન્જેક્શન આપીએ છીએ. આપણે એક મહાન દેશ છીએ. હું સરમુખત્યાર નથી. સરમુખત્યાર તો પેલો છે અને ઓલો પણ. તેઓ બધા જ. મારી પાસે તો નૈતિક સત્તા છે. આ મુઠ્ઠી તમે જુઓ છોને? તે મારી નૈતિક સત્તા છે. રખે ક્યાંક ભૂલી જતા.” લેખકનું જીવન એક ભારે અસુરક્ષિત, લગભગ નિર્વસ્ત્ર પ્રવૃત્તિ હોય છે. તેને માટે રોદણાં રોવાની જરૂર નથી. લેખકે સામે ચાલીને એવું જીવન વહોરી લીધું હોય છે અને તેને વળગી રહેલો હોય છે. કિન્તુ એમ કહેવું ખરું ગણાશે કે લેખક તરીકે તમારે જેટલા પણ વાયરા વાય તે બધાને ખુલ્લે ડિલે ઝીલવાના રહે છે, તેમાં કેટલાક તો સાચ્ચે જ બરફીલા હોય છે. તમે સ્વેચ્છાએ બહાર પડ્યા છો, એકલા પડ્યા છો અને સુભેદ્ય છો. તમને કોઈ આશ્રયસ્થાન હોતું નથી, રક્ષણ મળતું નથી. સિવાય કે તમે જુઠ્ઠું બોલો – એવા કિસ્સામાં તો તમે સામે ચાલીને સુરક્ષિત સ્થાન ઊભું કરો છો, દલીલરૂપે કહેવું હોય તો, તમે રાજકારણી બન્યા છો. આજની સંધ્યાએ મેં મરણની ઘણી બધી વખત ઉલ્લેખ કર્યો છે. હું મારી પોતાની એક કવિતા નામે “મરણ” અવતરણરૂપે રજૂ કરીશ.

</poem>ક્યાંથી જડી આવ્યું એ મડદું? કોને જડી આવ્યું એ મડદું? મડદું જડી આવ્યું ત્યારે મડદું જ હતું? કેમ કરતાં જડી આવ્યું એ મડદું? કોણ હતું પોતે એ મડદું? કોણ હતા એના પિતા કે દીકરી કે ભાઈ યા તો કાકા કે બહેન કે માતા કે દીકરો પેલા મૃત અને ફેંકી દેવાયેલા દેહનાં? મડદું ફેંકી દેવાયું ત્યારે મડદું જ હતું? મડદું ફેંકી દેવાયું હતું? કોણે ફેંકી દીધું હતું એને?

મડદું ફેંકી દેવાયું ત્યારે નગ્ન હતું કે સફરે જવાના લિબાશમાં?

તમે કયા કારણે મડદાને મડદું જાહેર કર્યું? તમે જાહેર કર્યું એ મડદાને મડદું? કેટલું ઓળખતા હતા તમે એ મડદાને? કેમ કરી જાણ્યું તમે કે મડદું મરી ગયું છે?

સ્નાન કરાવ્યું તમે એ મડદાને બેઉ આંખો બંધ કરી તમે એ મડદાની? દફનાવી દીધું તમે એ મડદાને? ત્યજાયેલી હાલતમાં જ છોડી દીધું તમે મડદાને ચૂમી ભરી તમે મડદાને?<poem> * * *

દર્પણમાં જોતા હોઈએ ત્યારે આપણી સામે જે આકૃતિ ખડી થાય છે તે એકદમ ખરી ભાસે છે. કિન્તુ એકાદ મિલિમીટર જેટલું ખસ્યા કે આકૃતિ બદલાઈ જાય છે. ખરેખર તો આપણે સૌ પ્રતિબિંબોના અંત-હીન વ્યાપને નીરખી રહેલા હોઈએ છીએ. પરંતુ ક્યારેક કોઈ લેખકને દર્પણ ભાંગી નાખવું પડે છે, કેમ કે સત્ય તો દર્પણની પેલી પારથી આપણને તાકી રહ્યું હોય છે. હું માનું છું કે પ્રચંડ વિષમતાઓનું અસ્તિત્વ હોવા છતાં નાગરિક તરીકે આપણે એક અફર, દૃઢ અને ઉગ્ર બૌદ્ધિક સંકલ્પ દ્વારા આપણા જીવન અને આપણા સમાજોના અસલી સત્યને વ્યાખ્યાયિત કરી આપવું આપણા સૌના માથે આવી પડેલું કટોકટીભર્યું કર્તવ્ય છે. સાચું પૂછો તો એક આદેશ જ છે. જો આવો કોઈ સંકલ્પ આપણા રાજનીતિવિષયક દર્શનમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો નહિ હોય તો પછી આપણે જે વસ્તુને લગભગ ગુમાવી બેઠા છીએ – માનવી હોવાની ગરિમા – તેની પુનઃ સ્થાપનાની આશા રાખવી વ્યર્થ છે.

સૌજન્ય : ધ નૉબેલ ફાઉન્ડેશન, ૨૦૦૫
(તથાપિ : વર્ષ-૧ : અંક ૨ : ડિસેમ્બર-ફેબ્રુઆરી, ૨૦૦૬)