બહુવચન/રમકડાંનું તત્ત્વદર્શન
ઘણાં વર્ષ પહેલાં – કેટલાં વર્ષ? ઘણું બધું ભૂલી જવાયું છે; સમજોને શૈશવની શરૂઆતના ધુમ્મસિયા દિવસોની વાત છે – એક દિવસ મારી મા કોઈ માદામ પેન્કાઉકને મળવા ગઈ હતી ત્યારે મને પણ સાથે લઈ ગઈ હતી. અત્યારના પેન્કાઉકની એ માતા તો નહિ હોય, કે પછી એમનાં પત્ની, અથવા કદાચ એનાં ભાભી પણ હોય? મને કશી જ ખબર નથી. મને યાદ છે કે એ એક અત્યંત શાંતિપૂર્ણ ઘર હતું, ર્યુ દે પ્વાંત નામે નીરવ શેરીમાંનું નાનાં નગરોમાં હોય એવું, એના પ્રાંગણના ખૂણાઓમાં લીલું ઘાસ ઊગેલું હોય. આ ઘરની એના અતિથિસત્કારના બારામાં ઘણી બધી ખ્યાતિ હતી. વરસના અમુક દિવસોમાં રોશની અને કોલાહલથી ઝળાંહળાં થઈ ઊઠતું. ત્યાં યોજાતા માસ્ક્ડ બૉલડાન્સ વિશે ઘણી વાતો સાંભળેલી. એમાંની એક મસ્યૂ એલેક્ઝાંદર દ્યૂમાને લગતી હતી. એ દિવસોમાં એમનો ‘હેન્રી ત્રીજાના યુવાન લેખક’રૂપે ઉલ્લેખ થતો, એઓ આવા એક બૉલડાન્સમાં માદ્મોઝાયલ એલ્સા મરક્યઅરને એમના હાથે વળગાડીને અનુચરના ગણવેશમાં લઈ આવેલા અને ખાસ્સો પ્રભાવ પાડી ગયેલા. મને ચોખ્ખું યાદ છે કે આ બાનુએ મખમલ અને રૂંવાંનો પોશાક પહેર્યો હતો. થોડો સમય વીત્યા કેડે એમણે કહ્યું : ‘અમારે ત્યાં આ બાળારાજા આવ્યા છે, એને કશુંક આપવાની મારી ઇચ્છા છે, જેથી મારી યાદગીરી સાથે લેતો જાય. એમણે હાથ ઝાલ્યો, અમે એક પછી એક ઓરડાઓમાંથી પસાર થયા; પછી એમણે એક ખંડનું બારણું ઉઘાડ્યું તો એક અતિ ભવ્ય અને સાચેસાચ પરીકથા જેવું દૃશ્ય મારી નજરે પડ્યું. એમાં દીવાલો શબ્દશઃ અદૃશ્ય, રમકડાંથી એટલી તો ખચખચાવેલી. અને છત પણ એમાંથી ઝૂલતાં રમકડાંની વિપુલતાથી ગાયબ હતી. જાણે ચૂનાની આશ્ચર્યજનક ભાતથી અલંકૃત થઈ ઊઠી હતી. ફરસ પણ માંડ પગ મૂકવા મળે એટલી સાંકડી કેટવોક જેવી. આ ખંડ એટલે ભાતભાતનાં રમકડાંઓનું સમસ્ત વિશ્વ, મોંઘામાં મોંઘાંથી તુચ્છમાં તુચ્છ, સીધાસાદાથી ભારે અટપટા. ‘આ તો બાળકોનો ખજાનો છે,’ બાનુએ કહ્યું, ‘હું એને વધુ ને વધુ સમૃદ્ધ કરવા અમુક રકમ નિયમિતરૂપે બાજુ પર રાખી મૂકું છું અને જ્યારે પણ કોઈ સરસ મજાનું બાળક મને મળવા આવ્યું હોય, હું એને અચૂક અહીં લઈ આવું, જેથી એ મારું સંભારણું સાથે લેતું જાય. આમાંથી તને ગમતું હોય એ તારું.’ બાળકોની એક લાક્ષણિકતા હોય છે, એમનાં મનનાં ત્રણે પાસાં ઇચ્છા, વિચાર અને અમલ તદાકાર થઈ જતાં હોય છે, આ મુદ્દે એઓ મોટેરાંઓથી જુદાં પડી જતાં હોય છે. વણસી ગયેલા મોટેરાંનો બધો વખત વિચારવામાં જ વીતી જતો હોય છે. બાળસહજ પ્રશસ્ય અને જ્વલંત સ્ફૂર્તિથી મેં એમાંનું સૌથી સુંદર, સૌથી મોંઘું, સૌથી છટાદાર, સૌથી નવતર, સૌથી અસાધારણ રમકડું ઊંચકી લીધું. મારા આવા અવિનય બદલ મારી માએ મને ખખડાવી નાખ્યો અને એને ઘરે લઈ જવાની ચોખ્ખી ના સુણાવી દીધી. એની ઇચ્છા એવી કે હું એમાંનું એકાદ નાનું અમથું લઈને સંતોષ વ્યક્ત કરું. પણ હું શેનો માનું? બધું સમુંસૂતરું પાર ઊતરે એમ મારી તરફેણનું સમાધાન કરી લીધું. મને ઘણી વાર વિચાર આવી જાય કે માદામ પાન્કાઉકના ખજાનામાંથી સંભારણારૂપે એકાદ રમકડું મેળવી જનાર બધ્ધા જ ‘સરસ મજાના છોકરાઓ’ એકઠા મળે તો કેવી ગમ્મત પડી જાય. એક જમાનામાં ચિંતામુક્ત શૈશવને માણનારા એ બધા આજે જિંદગીનો ખાસ્સો એવો કઠોર રેતાળપ્રદેશ વળોટી ચૂક્યા હશે અને લાંબા સમયથી રમકડાં સિવાય અન્ય કશા પર હાથ અજમાવી રહ્યા હશે. રસ્તે પસાર થતાં રમકડાંની કોઈ દુકાન સમક્ષ હું ઊભો ન રહી ગયો હોઉં અને અંદર રહેલા નજરેથી છટકવાં મુશ્કેલ ચિત્ર-વિચિત્ર આકૃતિઓ અને ભભકાદાર જમેલા પર મારી નજર ફરી વળી ન હોય અને મને પેલી મખમલી રૂંવાંનો પોશાક પહેરેલી ઢીંગલા-પરીની યાદ આવી ન હોય તો આ પ્રસંગ એને માટે કારણભૂત છે. વિશેષમાં, મેં મૂર્તિવિધાનની એ અજાયબ કળા પરત્વે કાયમી પ્રીત અને વાજબી અહોભાવની લાગણીને જાળવી રાખ્યાં છે. એની દીપી ઊઠતી સુઘડતા, આંખ આંજી નાખતા રંગ, આક્રમક હાવભાવ અને નિશ્ચિત મરોડો – આ સઘળાં મળીને સુંદરતા વિશેના બાળપણના ખ્યાલને કેટલી બધી વાચા આપતા હોય છે. રમકડાંની કોઈ ભવ્ય દુકાનનો ભપકો જ એવો અસાધારણ હોય છે કે કોઈ બુર્ઝવા ઍપાર્ટમેન્ટને બદલે આપણી પસંદગી એના પર જ ઊતરે. સમસ્ત જીવન એના લઘુ સ્વરૂપમાં અને તે પણ વળી વાસ્તવિક કરતાં અનેકગણું રંગીન, ઝળહળતું અને સફાઈદાર હોય એવું અહીં નજરે નથી પડતું? એમાં જોવા મળે છે ઉદ્યાનો, રંગભૂમિઓ, સુંદરતમ પોશાકો, હીરા જેવી નિર્ભેળ આંખો, રાતી ઝાંયથી ઝગી ઊઠતા ગાલ, મોહક ફીત, બગીઓ, તબેલાં, ઢોરોની ગમાણ, શરાબીઓ, નીમ હકીમો, બૅન્કરો, નટો, આતશબાજી સમા વિદૂષકો, રસોઈઘરો અને આખાં ને આખાં શિસ્તબદ્ધ લશ્કરો-હયદળ અને તોપખાનાં સમેત. બાળકમાત્ર એનાં રમકડાં સાથે વાતો કરતું જ હોય; બાળકના નાના મગજના કેમેરા ઓબસ્ક્યોરા મારફત કદમાં ટચૂકડા બની જઈને રમકડાં જીવનના ભવ્ય નાટકનાં અભિનેતા બની રહેતાં હોય છે. એમની રમતોમાં બાળકો એમનામાં રહેલી અમૂર્તિકરણની આવડત અને ઉચ્ચ કોટિની કલ્પનાશક્તિના પુરાવા પૂરા પાડી આપતાં હોય છે. રમકડાં વિના પણ રમતાં રહે છે. ઘર ઘર રમતી નાનકડી છોકરીઓ મોટાઓ જેવી રમતો રમતી હોય છે, એકબીજાને ઘેર જવાની કે કાલ્પનિક બાળકોની એકબીજા સામે રજૂઆત કરતી હોય એવી બાળકીઓને હું નિર્દેશ નથી કરી રહ્યો; એવી નાનકીઓ તો બાપડી પોતાની માતાઓની નકલ માત્ર કરતી હોય છે. એઓ તો એમની સદાયની ભાવિ નાદાનિયતનો ખ્યાલ આપતી રહે છે, અને હૈયે પૂરી ધરપત રાખજો કે એમાંની એકપણ મારી પત્ની બની શકે એમ નથી, પરંતુ એ ખંત! ખુરશીઓ સાથે ભજવાઈ રહેલા ખંતનો એ સનાતન ડ્રામા! એક ખુરશી પણ સ્વયં ખંત બની રહેતી જોઈ લો! ઘોડાઓ પણ ખુરશી જ, પ્રવાસીઓ પણ ખુરસી જ; – આ બધામાં સજીવ અભિનેતા હોય તો એક જ – એ બધાને હાંકનાર! ગાડાખેડુ! આખો રસાલો આમ જુઓ તો જડવત્ છે – તેમ છતાં એ બધા કલ્પિત અવકાશોને ગળી જવાની શી ધીકતી એમની ઝડપ છે! નિર્માણની કેવી તો સાદગી! રંગભૂમિ પર શારીરિક અને યાંત્રિક સંપૂર્ણતાનો આગ્રહ સેવનારા, શેક્સપિયરનાં નાટકો બર્બરતાભરી સાદગીમાં પણ સુંદરરૂપે નીખરી શકે એવું કલ્પી પણ નહિ શકનાર પ્રેક્ષકોની નિર્વીર્ય કલ્પનાને લજવાવું પડે એવું કશુંક અહીં નથી રહેલું? અને યુદ્ધ-યુદ્ધ રમતાં એ બાળકો! ત્યુલિયેરીમાં નહિ, સાચી બંદૂકો અને સાચી તલવારોથી નહિ. હું એ કહેવા માગું છું કે બબ્બે લશ્કરો પર કાબૂ જમાવી જાતે દોરી જતું એકલું એક બાળક. એના સૈનિકો હોય બાટલીનાં બૂચ, બાજીનાં સોગઠાં, આંગળીનાં હાડકાં અને ડ્રાફ્ટ્સની રમતની સોગઠીઓ; અને કિલ્લેબંધી માટે કદાચ પાટિયાં, પુસ્તકો વગેરે. હથિયારોરૂપે લખોટીઓ અને તમને ગમતું હોય એવું કશુંક; એમાં વળી મૃતદેહો, સુલેહ-સન્ધિઓ, બાનમાં રાખેલા લોકો, યુદ્ધ-કેદીઓ, અંજલિઅર્પણો. મેં વળી અમુક બાળકોમાં એવી માન્યતા પ્રવર્તતી હોવાનું નોંધ્યું છે કે યુદ્ધમાં થતા વિજય અનેે પરાજયનો નિર્ણય વધતી ઓછી મૃતદેહોની સંખ્યા પર નિર્ભર હોય. મોડેથી વૈશ્વિક જીવનના વમળમાં ઝંપલાવ્યા પછી એમના પર હુમલો ન થાય એ માટે બીજાઓ પર હિંસક હુમલો કરવાની ફરજ પડતી હોય છે, ત્યારે એમને શીખવા મળે કે વિજય તો મોટે ભાગે અનિશ્ચિત હોય છે, ખરો વિજય તો એ જ હોય જે, ઢળતી સપાટીની ટોચ પર રહેવા મળતું હોય, જ્યાંથી લશ્કર જાદુઈ ઝડપથી ગબડી શકતું હોય કે પછી અત્યંત ઝડપી પ્રગતિનું પ્રથમ સત્ર. કલ્પનાશક્તિનો પરિતોષ જેટલી સુગમતાથી થતો હોય એ બાળપણથી કલામૂલક વિભાવનાઓમાં રહેલી આત્મિકતાનો સંકેત દાખવતું હોય છે, કહોને કે સૌથી પ્રથમ મૂર્ત ઉદાહરણ હોય છે. અને એ પુખ્ત વયમાં પ્રવેશે ત્યાં સુધીમાં તો પરિપૂર્ણ કરી રાખેલાં ઉદાહરણો એના મનને પહેલાં જેવી ઉષ્મા પૂરી પાડી શકતાં નથી કે પહેલાં જેવું પ્રોત્સાહન આપી શકતાં નથી કે પહેલાં જેવા પ્રતીતિકર રહેતાં નથી. પરંતુ આપણે એથીય આગળ જઈએ અને બાળપણના એ વિપુલ વિશ્વનું વિશ્લેષણ કરીએ; આપણે બર્બર યુગનું અણઘડ રમકડું લઈએ, પ્રાથમિક સ્વરૂપનું રમકડું, એમાં એના બનાવનારની સમસ્યા હતી કે એ જેટલી બની શકે એટલી આકૃતિની નજીક પહોંચે અને બની શકે એટલાં સાદાં અને સસ્તાં સાધનો દ્વારા : ઉદાહરણરૂપે એક જ દોરાથી ગતિશીલ બની જતો વિદૂષક, એરણ પર ઘાવ કરતો લુહાર; એકાદ ઘોડો એના અસવાર સાથે ત્રણ ટુકડામાં; પગના રૂપમાં ચાર લાકડાની ચિપો, ઘોડાની પૂંછડીની સિસોટી કરવી, અને કદીક ટોપીમાં પીછું ખોસેલો ઘોડેસ્વાર, આ તો ભારે મોટો વૈભવ થઈ જાય; આ બધાં રમકડાં એક પેની, અર્ધી પેની કે ફાર્ધિંગમાં મળી રહેતાં હોય – પણ તમને એવું લાગે છે ખરું કે પરોપજીવી મા-બાપોની સમૃદ્ધિને અંજલિ આપનારાં નૂતન વર્ષનાં અદ્ભુત કલ્પનો કરતાં બાળપણની કાવ્યમયતાને અપાયેલા સોગંદ સમાં આવાં સાદાસીધાં કલ્પનો બાળકના મનમાં ઓછી વાસ્તવિકતા નિર્માણ કરતાં હોય? તો આવાં હોય છે અકિંચન બાળકોનાં રમકડાં. જ્યારે પણ તમે સવારના પહોરમાં સમય પસાર કરવાને ઇરાદે રાજમાર્ગ પર ટહેલવા નીકળી પડો તે વખતે તમારાં ખિસ્સાં આવા નાના નાના નુસ્ખાઓથી ભરી લેજો અને દુકાનોની હરોળ તળે અને વૃક્ષોની છાયા હેઠળ બેઠેલાં બાળકોનો ભેટો થાય ત્યારે એ અજાણ્યાં અકિંચન બાળકોના હાથમાં સેરવી દેજો. વિસ્ફારિત થયેલી આંખો જોવા પામશો. પહેલાં તો એઓ સ્વીકારવાની હિમ્મત નહિ કરે, પોતાના કિસ્મત પર જ એમને શંકા જાગશે; પછી એમના હાથ લાલસાપૂર્વક ભેટને ખેંચવા પ્રેરાશે અને પછી દોટ મૂકતાં ભાગશે પેલી બિલાડીની જેમ જેને તમે ખાવા ટુકડા ધર્યા હોય તે લઈને કશેક દૂર જઈને ખાવા, માણસ પરત્વે શંકાશીલ રહેવું એણે શીખી લીધું હોય છે. સમય પસાર કરવાનો આ એક મજેદાર માર્ગ છે. અકિંચનો માટેનાં રમકડાંનો વિષય નીકળ્યો છે તો, મેં એક વાર પેનીએ એકવાળાં રમકડાં કરતાં પણ વધુ સરળ કિન્તુ ખિન્ન કરી મૂકે એવું કશુંક જોયેલું એની વાત કરું – એ એક જીવતુંજાગતું રમકડું હતું. રસ્તાની ધારે, એક સુંદર મજાનો રજવાડો નજરે પડતો હતો, એક બાળક ઊભો હતો, તેજસ્વી અને ખીલી ઊઠેલો, અને પરગણાંના લટકચાળાથી ભરપૂર એવાં કપડાંમાં સજ્જ. વૈભવ, ચિંતા-કાળજીથી મુક્ત. પૈસો જોઈ જોઈને ટેવાઈ ગયેલાં હોય એવાં આ બાળકોને એવાં તો સુંદર બનાવી દીધેલાં હોય છે કે આપણને વિચાર સરખો ન આવે કે એઓ અને નીચલા થરના ગરીબોનાં બાળકો એક જ માટીમાંથી ઘડાયેલાં હોય છે. એની પડખે ભોંય પર એક રૂપાળી મજાની ઢીંગલી પડી હતી, એના માલિક જેવી જ ચોખ્ખી-ચણક, શ્રીમંત અને ઝગમગતી, સુંદર લિબાસમાં સજ્જ અને મણકાઓથી છાવરેલી. એ બાળકની પાસે ઢીંગલીને જોવા માટે આંખ નહોતી. એ તો આને જોઈ રહ્યો હતો – ગ્રિલની પેલી તરફ રસ્તા પર, કૌવચ અને કાંટાળા છોડની વચમાં બીજો એક છોકરો, ગોબરો, કંઈક અંશે દૂબળો, રસ્તે રઝળતાઓમાંનો એક, જેના ગાલ પરથી આંસુની પાતળી ધાર દદડીને એના પર બાઝેલા મેલના પોપડા અને રજમાંથી હળવેથી માર્ગ કાઢી રહી હતી. પ્રતીકાત્મક લોઢાના સળિયા વચ્ચેથી ગરીબ છોકરો પોતાનું રમકડું પેલા શ્રીમંત છોકરાને દેખાડી રહ્યો હતો. જે લાલસાપૂર્વક એને ચકાસી રહ્યો હતો, જાણે કોઈ વિરલ અજાણી વસ્તુને જોઈ રહ્યો હોય. હવે પેલો રઝળુ છોકરો સળિયાવાળા ખોખામાં ખખડાવતો હતો અને હલાવતો હતો. એ તો જીવતો ઉંદર હતો. પૈસાની બચત કરવા એનાં મા-બાપે સ્વયં જીવનમાંથી એ રમકડું ઉપાડ્યું હતું. મારું માનવું છે કે સામાન્ય રીતે પોતાનાં રમકડાં પર બાળકોનું વર્ચસ્વ હોય છે; બીજા શબ્દોમાં, એમની પસંદગી ઇચ્છાઓ અને પ્રકૃતિ અનુસાર નક્કી થતી હોય છે, તમે ચાહો તો એમને ધૂંધળી કહી શકો, જેનું ઘડતર હજી પૂરેપૂરું થયું નથી હોતું, પણ હોય છે એકદમ નક્કર. તેમ છતાં, કદીક એનાથી વિપરીત પણ બનતું નહિ હોવાનો આગ્રહ હું સહેજ પણ ધરાવતો નથી – મારો આશય છે રમકડાં કદી પણ બાળકો પર આધિપત્ય જમાવતાં નથી, વિશેષ કરીને સાહિત્યિક કે કલાત્મક પૂર્વનિયતિના કિસ્સાઓમાં. એ તો ભાગ્યે જ નવાઈભર્યું ગણાશે કે એ પ્રકારના બાળકને એનાં માતા-પિતાએ એને રંગભૂમિ એ કારણે આપી છે કે એ જાતે જ એમાંથી આનંદ પ્રાપ્ત કરવાનું ચાલુ રાખતો રહે જે એણે રંગભૂમિ અને કઠપૂતળીઓની ભજવણીમાં પ્રાપ્ત કર્યો હોય છે, રંગભૂમિને સૌંદર્યની આહ્લાદકતાના સૌથી શ્રેષ્ઠ સ્વરૂપે જોતાં ટેવાતો થાય. કેટલાક વખતથી એક એવા પ્રકારનું રમકડું બન્યું છે જે ઝપાટાબંધ ફેલાતું રહ્યું છે, અને એને વિશે મારે કશું સારું કે બૂરું કહેવું રહેતું નથી. મારો નિર્દેશ એ વૈજ્ઞાનિક રમકડાં પરત્વે છે. આ રમકડાંની એક મોટી ખોડ એ છે કે એ અત્યંત ખર્ચાળ છે. પરંતુ લાંબા સમય સુધી બાળકોને રમૂજ આપી શકે તેમ છે અને એમનાં બાળ-મગજમાં અદ્ભુત અને અણધાર્યા પ્રભાવો માટેનો રસ કેળવી આપે એવું છે. એમાંનું એક છે સ્ટીરીઓસ્કોપિક રમકડું, જે ગોળાકારમાં સપાટ આકૃતિ નિર્માણ કરી આપે છે. કેટલાંક વર્ષ પહેલાં એ પહેલી વાર દેખાયેલું. ફેનાસ્કિટોસ્કોપ તો એનાથીય જૂનું, પણ ઓછું જાણીતું. તમે એક યા બીજી હાલચાલની કલ્પના કરો, ઉદાહરણરૂપે નૃત્યકાર કે હાથચાલાકીની ભજવણી જે અમુક સંખ્યાની હિલચાલમાં વિભાજિત થયેલી હોય કે વિરચન પામેલી હોય; કલ્પના કરો એમાંની પ્રત્યેક હિલચાલ – વીસેક જેટલી કરવી હોય તો – એ જાદુગર અથવા તો નૃત્યકારના પૂરેપૂરા કદનું પ્રતિનિધિત્વ કરતી હોય છે. અને આ બધાં ગોળાકાર પૂંઠાંના છેડા ફરતે છાપેલી હોય છે. આ પૂંઠાંને, તેમ જ બીજું એક પૂંઠું જે પેલી વીસ નાની બારીઓને સમાન અંતરે કાપેલું હોય, એને હેન્ડલના છેડે રહેલા ખીલા(Pivot) સાથે જડી દો જે તમારા હાથમાં ઝાલેલું હોય છે, જેમ આગની આગળ આગ-પડદાને ઝાલી રાખીએ. પેલી વીસ નાની આકૃતિઓ, જે પૂરા કદની આકૃતિની વિરચન પામેલી હિલચાલનું પ્રતિનિધિત્વ કરતી હોય છે; તમારી સમક્ષ ગોઠવેલા અરીસામાં, એમનું પ્રતિબિંબ પડવા લાગે છે. તમારી આંખોને નાની બારીના લેવલ પર ગોઠવો અને પૂંઠાંને ઝડપભેર ઘુમાવવાનું શરૂ કરો. આ ઘુમાવવાની ઝડપ વીસ કાણાંઓનું એક જ ગોળ કાણામાં રૂપાંતર કરી નાખે છે જેમાંથી તમને અરીસામાં પ્રતિબિંબ પાડતી વીસ, નૃત્ય કરતી આકૃતિઓ જોવા મળશે. તમામ એકસરખી અને એકસરખી હિલચાલ કરતી અજબની ચોકસાઈપૂર્વકની. પ્રત્યેક નાની આકૃતિએ બીજી ઓગણીસનો લાભ લીધો હોય છે, પૂંઠાં પર એ ગોળગોળ ફરતી દેખાતી હોય છે અને હિલચાલ ગતિ એમને અદૃશ્ય રાખતી હોય છે; અરીસામાં, ભ્રમણ કરતી બારી દ્વારા, જોતાં એ સ્થિર થયેલી દેખાય છે, વીસ આકૃતિઓ વચ્ચે વહેંચાઈ ગયેલી બધી જ હિલચાલ ત્યાં ને ત્યાં અમલમાં આવતી હોય છે. આ મુજબ નિર્માણ કરવાનાં ચિત્રોની સંખ્યા અનંત હોઈ શકે. બાળકો પોતાનાં રમકડાં સાથે કેવો શિષ્ટાચાર દાખવતાં હોય છે તેમ જ એમનાં મા-બાપો આ સળગતા પ્રશ્ન પરત્વે કેવોક ખ્યાલ ધરાવતાં હોય છે એના વિશે મારે બે શબ્દો રજૂ કરવા છે. કેટલાંક મા-બાપ એવાં હોય છે જે બાળકોને કશું આપવાની ઇચ્છા જ નથી રાખતાં. આ પ્રકારના ઠાવકા, વધુ પડતા ઠાવકા લોકો જેમણે પ્રકૃતિનો કદી અભ્યાસ જ કર્યો નથી હોતો અને સામાન્યપણે એઓ એમની પાસેના લોકોને દુઃખી જ કર્યા કરતા હોય છે. એવા લોકો પ્રોટેસ્ટન્ટવાદથી ગંધાતા હોવાની કલ્પના મને કેમ આવ્યા કરતી હોય છે એની જ મને સમજ પડતી નથી. એ પ્રકારના લોકો કાવ્યાત્મક રીતે સમય પસાર કરવાનાં સાધનો અને યુક્તિઓ જાતે તો જાણતા જ નથી હોતા પણ મંજૂર પણ કરતા નથી હોતા. આ એવા પ્રકારના લોકો છે જે કોઈ ગરીબ બિચારાને પાંઉ લઈને પેટમાં નાખવાની શરતે એકાદ સિક્કો આપશે ખરા પણ પીઠામાં જઈને એકાદ ગ્લાસ પીવા માટે ઘસીને ના પાડી દેશે અને પાઈ પણ નહીં પરખાવે. જ્યારે પણ હું અમુક વર્ગના દોઢડાહ્યા અને અ-કવિ એવો લોકો, જેમના દ્વારા મને ઘણું સહેવાનું આવ્યું છે, એમનો વિચાર કરું છું ત્યારે મારા મજ્જાતંતુ નફરતની આગથી સળગી ઊઠે છે. કેટલાંક મા-બાપ એવાં પણ છે જેઓ રમકડાંને મૂક આદરને પાત્ર વસ્તુઓ ગણતાં હોય છે. મોઘાં કપડાંને પણ કંઈ નહિ તો રવિવારને દિવસે પહેરવાની છૂટ અપાતી હોય, પરંતુ રમકડાં પરત્વે તો એથી અનેક કાળજી લેવાવી રહી! તેથી કુટુંબનો કોઈ મિત્ર ભેટરૂપે એકાદ રમકડું બાળકના ખોળામાં મૂકે ન મૂકે એવામાં બાળકની કઠોર કાળજાની અને મખ્ખીચૂસ માતા ચીલઝડપે એ રમકડું ઊંચકી લઈને તાળાકૂંચીમાં મૂકી દે અને કહેવા લાગે, ‘તારી ઉંમરના બાળક માટે એ વધુ પડતું સુંદર છે; તું મોટો થાય પછી એનાથી રમજે.’ મારા એક મિત્રે એક વાર કબૂલ કરેલું કે એને રમકડાં સાથે નિરાંતે રમવાનો મોકો જ આપવામાં આવતો નહોતો – ‘અને હું જ્યારે મોટો થયો’, એણે ઉમેર્યું, ‘મારે બીજું કંઈક કરવાનું આવ્યું.’ ઉપરાંત, કેટલાંક એવાં પણ બાળકો હોય છે જે જાત સાથે પણ આવું જ વર્તન કરતાં હોય છે, એઓ રમકડાં સાથે રમવાને બદલે એમને સાચવી રાખે, વ્યવસ્થિત રીતે ગોઠવી રાખે, એની લાઇબ્રેરી બનાવે અને મ્યુઝિયમ બનાવે, પ્રસંગોપાત્ત પોતાના નાના મિત્રોને બતાવે ખરા પણ નહિ અડવાની શરતે. આવા પુરુષ-બાળકોથી હું અત્યંત સાવધ થઈ જાઉં છું. મોટા ભાગનાં બાળકોની અદમ્ય ઇચ્છા હોય છે પોતાનાં રમકડાંના અંતરાત્મા સુધી પહોંચવાની, એને નજરે જોવાની, કેટલાંકની એની સાથે ધરાઈને રમી લીધા પછી, જ્યારે કેટલાંકની તાબડતોબ. આવું આક્રમણ કરવાની ઇચ્છા વત્તેઓછે અંશે જે ઝડપથી થતી હોય છે એના પર રમકડાંની આવરદાનો મદાર રહેલો છે. આવી બાલિશ ઘેલછાને દોષી ઠેરવવાનું મારામાં રહેલું જણાયું નથી; આ એક પ્રથમ તત્ત્વજ્ઞાનપરક વલણ છે. આવી ઇચ્છા બાળકના મગજની મજ્જામાં રોપાઈ ગયા પછી બાળકની આંગળીઓમાં ગજબની ચંચળતા અને જોમ પુરાવા લાગે છે. બાળક રમકડાંને મચકોડે છે, આમળે છે, એની પર ઘસરકા કરે છે, એને હલબલાવી નાખે છે, ભીંત સાથે અફળાવે છે, ફરસ પર ઘા કરે છે. વખતોવખત એની યાંત્રિક ચાવીને ફરી ચાલુ કર્યા કરે છે, કેટલીક વાર વિપરીત દિશા ગતિશીલ કરે છે. રમકડાંનું જીવન અંતને આરે આવીને ઊભું રહે છે. ત્યુલિયરીના કિલ્લાને ઘેરો ઘાલનાર લોકોની જેમ પણ મરણિયો પ્રયાસ કરે છે; અંતે એને ખોલીને જ છૂટકો કરે છે, એ જોરાવર પુરવાર થાય છે. પરંતુ અંતરાત્મા ક્યાં? આને કહી શકાય વિષાદ અને ગ્લાનિનો પ્રારંભ. કેટલાંક વળી એવાં પણ હોય છે જેના હાથમાં હજુ તો રમકડું મુકાયું હોય, ભાગ્યે જ એને જોયું-તપાસ્યું હોય, તેવામાં જ એને તોડીફોડી નાખે. આવા લોકોના બારામાં મારે કબૂલી લેવું જોઈએ કે એમના આચરણ પાછળના ભેદભરમોભર્યા આશય મારી સમજમાં ઊતરે એમ નથી. માણસજાતનું અનુકરણ કરનારા ટચૂકડા પદાર્થો પરત્વે કોઈ વહેમી વલણ કામ કરી રહ્યું હોય છે કે પછી એમને બાળમંદિરમાં મૂકતાં પહેલાં ફ્રીમેશન સંપ્રદાયની દીક્ષાવિધિમાંથી પસાર થવાનું દબાણ કરવામાં આવતું હોય છે? ગૂંચવાયુંને કોકડું!