બહુવચન/શણગાર અને અપરાધ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
Bahuvachan Photo 17.png


શણગાર અને અપરાધ
અડોલ્ફ લૂસ

માનવભ્રૂણ ગર્ભાશયમાં જે બધી અવસ્થાઓમાંથી પસાર થતું હોય, એ તમામમાંથી પ્રાણીસૃષ્ટિ પસાર થઈ ચૂકી હોય છે. માનવી જન્મે છે ત્યારે ત્યારે એનાં ઇન્દ્રિયસંવેદનો નવજાત કુરકુરિયા જેવાં હોય છે. શિશુવયમાં જ એ, મનુષ્યજાતિ વિકાસના જે જે તબક્કાઓમાંથી પસાર થઈ હોય છે એની સદૃશના ફેરફારોમાંથી પસાર થતો હોય છે. બેની વયે એ પાપુઆના આદિવાસીની આંખે જોતો થાય છે, ચારની વયે જરમેન આદિવાસીની, છની વયે સોક્રેટિસની, અને આઠની વયે વોલ્તેરની આંખે જોવું શરૂ કરે છે. આઠની વયે એ જાંબુડી રંગથી સભાન બનવા લાગે છે. આ રંગ અઢારમી શતાબ્દીએ શોધેલો રંગ છે; એની પૂર્વે જાંબુડીને ભૂરો કહેવામાં આવતો અને પર્પલ (રતાશ પડતો જાંબુડી રંગ) રાતો રંગ કહેવાતો. આજે પણ પદાર્થવિજ્ઞાનીઓ સૌર વર્ણપટ પરના રંગોને આંગળીથી ચીંધી દેખાડે છે જેનાં એ રીતનાં નામકરણ થયાં છે; પરંતુ એમને પારખી કાઢવાનું કામ તો ભાવિ પેઢીઓ પર છોડી દેવાયું છે. બાળક તો નીતિ-નિરપેક્ષ(amoral) હોય. આપણા માટે પાપુઆવાસી પણ એની સમાણો જ હોય. એ પોતાના શત્રુને હણીને પછી એને આરોગી જાય છે. આપણી દૃષ્ટિમાં એ કોઈ રીતે અપરાધી નહિ ઠરે, પરંતુ આધુનિક વ્યક્તિ કોઈની હત્યા કરીને ખાઈ જાય તો એ સરેઆમ અપરાધી જ ઠરે છે, અથવા મતિભ્રષ્ટ. પાપુઆવાસી પોતાની ત્વચાને, પોતાની નાવડીને, પોતાનાં હલેસાંને છૂંદણાંથી છાવરી દેતો હોય છે. એથી એ અપરાધી ઠરતો નથી હોતો, પરંતુ આધુનિક મનુષ્ય પોતાને છાવરે તો એ અપરાધી ગણાય છે, અથવા મતિભ્રષ્ટ. એવાં કારાગૃહો પણ છે જેમાં વસતા એંશી ટકા લોકોને શરીરે છૂંદણાં છૂંદેલાં હોય છે. કારાગૃહમાં ન હોય એવા છૂંદણાંધારીઓ સુષુપ્ત અપરાધી હોય છે અથવા તો મતિભ્રષ્ટ અમીરો. પોતાની મુખાકૃતિ અને હાથવગા એવા અન્ય કશાકને શણગારી નાખવાની સ્ફુરણા એ લલિતકળાઓનો ઉદ્‌ગમ સ્રોત છે. ચિતરામણ માટેની બાલિશ ક્રીડા છે. કલામાત્ર રત્યામક. આપણા યુગની કોઈ વ્યક્તિને દીવાલો કામુક પ્રતીકોનાં ડબકાંથી ભરી મૂકવાની ચળ જાગે તો કાં એ અપરાધી છે અથવા મતિભ્રષ્ટ. પાપુઆવાસી કે શિશુબાળ માટે જે નૈસર્ગિક છે તે પાકટ વયના આધુનિકમાં મતિભ્રષ્ટ હોવાની સંજ્ઞા બની જાય છે. મેં આ મુજબની એક શોધ કરી હતી જે મેં જગતને અર્પણ કરી દીધી : સભ્ય સમાજની ઉત્ક્રાંતિ, દૈનંદનીય વપરાશની વસ્તુઓ પરથી શણગાર દૂર કરવાના વલણ સાથે સમાનાર્થી હોય છે. મેં વિચારેલું, આમ કરવાથી હું જગતને ખુશીઓથી છલકાવી દઈશ : એ માટે મારો કોઈએ આભાર માન્યો નહિ. લોકો તો ઉદાસીન અને નત-મસ્તક જ રહ્યા. આપણે હવે પછી કશા જ નવા શણગાર સરજી નહિ શકીએ એ વાતથી એઓ હતાશામાં સરકી પડ્યા હતા, શું કહ્યું તમે? કેવળ આપણે, એટલે કે ઓગણીસમી શતાબ્દીના લોકો, પ્રત્યેક નિગ્રો કે આદિવાસી જે કરી શકતો એ કરી શકવા સમર્થ રહ્યા નથી? પુરોગામી શતાબ્દીઓમાં મનુષ્ય જાતિએ શણગાર વિનાના જે કંઈ પદાર્થો રહ્યા એમનો ઘા કરીને ખૂણામાં ફેંકી દીધા, છોને ત્યાં પડ્યા અને ભાંગીફૂટીને નાશ પામતા. કેરોલિન્ગના અરસાથી આપણી પાસે સુથારી કામ કરવા માટેનું એકપણ ટેબલ રહ્યું નથી, પરંતુ નકામી ગણાતી વસ્તુનો એકાદ ટુકડો શણગાર સજેલો જડી આવે તો એને ઊંચકી લઈ, સાફ-સૂથરો કરીને ખાસ એને માટે બનાવેલા આલીશાન મહેલમાં મૂકી આવીએ છીએ, અને ઉદાસીન બની આપણી નપુંસકતાથી લજવાઈ ઊઠીને ત્યાંના કાચનાં કબાટો આસપાસ ફર્યા કરતા હોઈએ છીએ. પ્રત્યેક યુગને એની પોતાની શૈલી હોય છે, કેવળ આપણા યુગને જ આપવામાં નહિ આવી? શૈલી એટલે શણગાર સજાવવા એવી લોકોની માન્યતા હતી. મેં કહ્યું, ‘રડવાનું બંધ કરો, તમે એટલું પણ જોઈ શકતા નથી આપણા યુગની મહાનતા નવા શણગાર સજી શકવાની અશક્તિમાં જ તો રહેલી છે. આપણે તો શણગારને વટાવીને પેલે પાર પહોંચી ગયા છીએ, આપણે શણગાર વિનાની નરી સાદગી સિદ્ધ કરી લીધી છે. જુઓ, જુઓ, હજી પણ સમય હાથમાં છે. સિદ્ધિ આપણને ચાંદલો કરવા આવી રહી છે. થોડા સમયમાં નગરની શેરીઓ ધોળેલી દીવાલોથી ઝગમગી ઊઠશે. ઝાયોન(Zion) એ પુનિતનગર, સ્વર્ગનું પાટનગર. ત્યાર પછી સિદ્ધિ તો આપણી જ ગણાતી હશે. પરંતુ ત્યાં બાબરા ભૂતો હાજર હતાં. એમણે આવી વાત સ્વીકારવાનો ઇનકાર ભણી દીધો. એમની ઇચ્છા એવી કે છોને મનુષ્યજાતિ શણગારની ધૂંસરી હેઠળ હાંફતી રહે. મનુષ્યજાતિ એવા બિન્દુએ જઈ પહોંચી હતી જેમાં શણગાર સજાવવાની વૃત્તિ એ આનંદપ્રાપ્તિનો સ્રોત રહ્યો નહોતો, જેમાં છૂંદણાંવાળી મુખાકૃતિ, રસકીય આનંદમાં વૃદ્ધિ કરનારી, જેમ પાપુઆવાસીઓને મન હતી, એને બદલે હવે લોકોના આનંદમાં ઘટાડો કરનારી નીવડી બેઠી. લોકો એવા બિન્દુએ જઈ પહોંચ્યા હતા જેમાં સાદગીભર્યું સિગારેટ કેસ એમને ગમવા લાગ્યું હતું, જ્યારે શણગારેલું કેસ ખરીદવાની ઇચ્છા જ કરતા નહોતા એ જ કિંમતે મળતું હોવા છતાં. એઓ પોતાના પોશાકથી ખુશ હતા, અને એ વાતે હરખાતા હતા કે મેળામાં રાખેલા વાંદરાઓની જેમ સોનેરી કિનારવાળી રાતી મખમલની પેન્ટમાં આમતેમ રખડવું નહિ પડે. મેં કહ્યું, ‘જુઓ, ગટે જે ખંડમાં મરણ પામેલો એ કેટલો ભવ્ય છે! તમારા નવજાગૃતિ કાળના દબદબા કરતાં! સાદગીભર્યા ફર્નિચરની એકાદ ચીજ તમારા મ્યુઝિયમમાં ગોઠવેલી વસ્તુઓ, એમાંના જડતર કામ કરતાં અને કોતરકામ કરતાં કેટલી તો રમણીય છે, ગટેની વાણી તમારા ન્યૂરેઝ બર્ગના ગોપકવિઓ કરતાં કંઈ કેટલીય રળિયામણી છે.’ ત્યાર પછી તો, એ સિદ્ધ કરી શક્યાનો સંતોષ આપણો જ હશે. આ વાતથી બાબરા ભૂતોને માઠું લાગી ગયું, અને રાજશાસન, જેનું કામ જ લોકોની સભ્યતામૂલક પ્રગતિમાં અંતરાયો નાખવાનું છે, એણે અલંકરણોને પુરસ્કૃત કરવાના પ્રયાસોને પ્રોત્સાહન આપવું શરૂ કર્યું. ધિક્કાર છે એવા શાસનતંત્રને જે પોતાના સનદી અધિકારીઓ દ્વારા ક્રાંતિ આણતું હોય! ટૂંક સમયમાં, વિયેના મ્યુઝિયમ ઓવ્‌ ફાઇન આટર્‌સના ભોજનખંડના સાઇડબોર્ડ પર એક તકતી મુકાઈ ગઈ, એમાં લખ્યું હતું ‘જાળ ભરીને માછલાં.’ પછી તો વિનાવિલંબે કાચનાં કબાટો આવી ગયાં, જેમાં બીજું શીર્ષક હતું ‘કામણગારી રાજકન્યા’, એમાં રહેલા ભરપૂર શણગારકામનો એ નિર્દેશ કરતું હતું. ઓસ્ટ્રીઅન રાષ્ટ્ર પોતાના કાર્યબોજને એટલી ગંભીરતાપૂર્વક લઈ લે છે કે પોતાના રાજ્યની હદમાંથી પેલા પ્રાચીન ફૂટ-ક્લોથ ક્યાંય પગ કરીને બહાર જતા નહિ રહે એની પણ પ્રજાને ખાતરી અપાવી દીધી. પ્રત્યેક વીસીમાં પહોંચેલા યુવાનને ફરજ પાડીને ફૂટ-ક્લોથ પહેરીને જ કવાયત કરે, ગૂંથેલાં મોજાંથી નહિ. આખરે એવી ધારણાથી કામ કરતું હોય છે : સંસ્કૃત પ્રજા કરતાં આદિવાસી પર રાજ કરવું સરળ છે. શણગાર માટેની ઘેલછા વળી રાજ્ય તરફથી મળેલી માન્યતાને પણ માણતી રહે છે અને આર્થિક સહાય, પણ મેળવ્યા કરે છે. જોકે, મારા પક્ષે વાત કરું તો, મને એ પીછેહઠ કર્યું હોવાનું જણાય છે. હું એવા કોઈ વાંધાને સ્વીકારી શકું નહિ કે શણગાર એ સભ્ય સમાજના આનંદમાં વૃદ્ધિ કરી આપનારો સ્રોત છે. મારા માટે તેમ જ સભ્ય સમાજના તમામ સભ્યો માટે પણ શણગાર આનંદ વધારી આપનાર હોતો જ નથી. મને જ્યારે જિંજરબ્રેડ ખાવાનું મન થાય ત્યારે હું કેકનો સાદામાં સાદો ટુકડો જ પસંદ કરું છું. શણગારથી છાયેલા હોય એમાંનો નહિ, જેમ કે હૃદયની આકૃતિ કંડારેલો કે પછી એક બાળકની અથવા પાયદળ સૈનિકની આકૃતિઓવાળામાંનો, કેવા તો સુશોભિત કરી નાખ્યા હોય છે! પંદરમી શતાબ્દીનો માણસ મને સમજી શકે નહિ, પરંતુ આધુનિકોમાંના તો તમામ, શણગારના પક્ષપાતીઓ તો વળી એવું વિચારે છે કે સાદગી માટેની મારી તરસ ઇન્દ્રિયદમનનો એક પ્રકાર છે. નહિ, સાહેબ, એપ્લાઇડ આટર્‌સના મારા પ્રોફેસરસાહેબ, હું આવું ઇન્દ્રિયદમન કરતો નથી. જિંજરબ્રેડ (કેક) મને એ રીતે વધુ સ્વાદિષ્ટ લાગતી હોય છે. શણગાર સજાવવાની વૃત્તિને પુનર્જીવિત કરવાના વલણે આપણી રસકીય ખીલવણીને હાનિ પહોંચાડીને તારાજ કરી છે એની સાથે આપણી જાતનું સમાધાન કરવું પ્રમાણમાં સરળ છે, કેમ કે કોઈ પણ વ્યક્તિ કે બીજું કશું પણ, અરે શાસનતંત્રની સત્તા સુધ્ધાં, મનુષ્યજાતિની ઉત્ક્રાંતિને રોકી શકે એમ નથી. એની ગતિને મંથર કરી શકે. આપણને રાહ જોવી પરવડે, પરંતુ આર્થિક દૃષ્ટિએ એ એક ગુનો જ છે, એટલા માટે કે માનવીય પરિશ્રમ, મૂડી અને વસ્તુસામગ્રીના વ્યય તરફ દોરી જાય છે. આ એવી હાનિ છે જેનો ઇલાજ સમય પણ કરી શકે નહિ. સભ્યતાના વિકાસની સાથે ઢસડાતી ચાલે ચાલનારા એમાં અંતરાયો નાખતા રહે છે. હું, કહોને કે ૧૯૧૨ના વર્ષમાં જીવી રહ્યો છું. મારો પાડોશી ૧૯૦૦ની આસપાસ, અને ત્યાં બેઠેલો પેલો માનવી ૧૮૮૦માં; સભ્યસમાજની અંદર રહેનારાઓ સમયના વ્યાપના મોટા અંતરમાં વસતા હોય છે. બહુ મોટો વ્યાપ રાજ્યતંત્ર માટે કમનસીબ નીવડે, એક કિસાન ગ્રોબ્ગલોકસરની છાયામાં ખેતી કરતો હોય એ બારમી શતાબ્દીમાં વસતો રહે છે. સમ્રાટની જયંતી ઊજવવા જે સરઘસનું આયોજન થયું હતું તેમાં ચોથી શતાબ્દીના રહેનારા આદિવાસીઓ પણ છે. આવું ઓસ્ટ્રીઆ જેવા રાષ્ટ્રમાં બનતું હોવાની જાણ થતાં અમે કંપી ઊઠ્યા. ખુશનસીબ છે એ ભૂમિ જેમાં સભ્યતાને અસ્તવ્યસ્ત અને સુસ્ત રાખનારાઓની સંંખ્યા મોટી ન હોય. ખુશહાલ અમેરિકા! અહીં ઓસ્ટ્રીઆમાં તો એવા એવા લોકો વસતા હોય છે જે આધુનિક ન હોય, હજુ અઢારમી સદીમાં જ ખૂંપેલા લોકો, જાંબુડિયા રંગના પડછાયાવાળાં ચિત્રો જોઈને છળી ઊઠનારા, કેમ કે એ જાંબલી રંગને પારખવાનું શીખેલા જ નથી હોતા. એવા લોકો જે રસોઈ રાંધનારે મરઘાને(Pheasant) તૈયાર કરવા પાછળ દિવસો ગળ્યા હોય તો એ એમને વધુ સ્વાદમય લાગે છે અને સિગારેટ કેસ જો નવ-જાગૃતિ-કાળનાં શણગાર કરેલું હોય તો વધુ રૂપાળું દેખાતું હોય છે, અને બહાર પેલા ગ્રામીણ પ્રદેશમાં? એમનાં તો કપડાંલત્તાં, ઘરનો અસબાબ, વગેરે બધું જ બાબા આદમના જમાનાનું જ હોય. જે કિસાન ખ્રિસ્તી નથી હોતો તે કેવળ અણઘડ જ હોય છે. પછાત રહી ગયેલા આ લોકો મનુષ્યજાતિના વિકાસની ગતિને મંદ પાડી નાખતા હોય છે. આર્થિક પાસા સાથે સંકળાયેલા એક મુદ્દાને લઈએ; તમારી પાસે એકબીજાની પડખે રહેતા પાડોશીઓ હોય – એમની આવશ્યકતાઓ, એમની અભીપ્સાઓ, એમની આવક વગેરે બધું જ સમાન હોય, પરંતુ બન્ને એકબીજાથી જુદા બે યુગોના ભિન્ન ભિન્ન સાંસ્કૃતિક પરિવેશમાંથી આવતા હોઈ તમને એવું જોવા મળશે કે વીસમી સદીવાળો વધુ ને વધુ શ્રીમંત થતો રહે છે અને અઢારમી સદીવાળો વધુ ને વધુ રંક. હું એ ધારીને જ ચાલી રહ્યો છું કે બન્નેની જીવનશૈલીઓ એમના અભિગમોનું પ્રતિબિંબ પાડતી રહી છે. વીસમી સદીવાળાને એની આવશ્યકતાઓ પૂરી પાડવા બહુ ઓછી મૂડીની જરૂર રહે છે તેથી એ ખાસ્સી બચત કરતો રહે છે. એને ગમતું શાક માત્ર પાણીમાં રંધાય, માખણના એકાદ લચકા સાથે પીરસાય. જ્યારે બીજા મહાશયને જાતજાતના સૂકામેવા અને વધારામાં મધ એમાં ભેળવ્યા વિના સ્વાદ ન આવે, સિવાય રાંધણિયો પણ એને બનાવવા કલાકોથી મથ્યો રહેતો હોય. એની શણગારસભર પ્લેટો મોંઘી કિંમતે ખરીદેલી હોય, જ્યારે વીસમી શતાબ્દીના માનવીને કેવળ સફેદ રંગની ક્રોકરીમાં જમવું ગમે. એક નાણાંની બચત કરનારો હોય અને બીજો એને વેડફી નાખનારો હોય, આવું તો કેટલાય દેશોમાં સમાન રીતે ચાલતું હોય છે. ફિટકાર હજો એવા દેશની પ્રજાને જે સંસ્કારોને વિકસાવવામાં પછાત રહી જતી હોય. અંગ્રેજો વધુ ને વધુ શ્રીમંત થતા ચાલ્યા છે અને આપણે એટલા જ રંક... શણગાર એના નિર્માતાઓના દરજ્જાઓને પણ જે હાનિ પહોંચાડે છે એ તો એનાથીય વધુ હોય છે, કેમ કે શણગાર આપણી સભ્યતાની નૈસર્ગિક પેદાશરૂપે હવે પછી ન રહેતો હોઈને પછાતપણાનું, ભ્રષ્ટતાનું લક્ષણ બની રહે છે, શણગાર કરનારો કારીગર એના શ્રમનું વાજબી વળતર મેળવવા પામતો નથી. લાકડા પર કોતરણી કરનારો અને સંઘાડિયા, ભરતકામ અને લેસકામ કરનારા કારીગરને વીસ કલાક કામ કરવું પડતું હોય છે. સુશોભન, વ્યાપકપણે વસ્તુઓને મોંઘીદાટ બનાવી મૂકે છે. આવું હોવા છતાં બને છે એવું કે શણગારેલો પદાર્થ સામગ્રીની દૃષ્ટિએ એ જ કિંમતનો હોય પણ એને ઉત્પન્ન કરવા પાછળ દેખીતી રીતે ત્રણ ગણો સમય લેતો હોય તેમ છતાં એને વેચવા મૂકતી વખતે સારા પદાર્થ કરતાં એની કિંમત અડધી રાખવામાં આવે છે. શણગાર કરવાનું પડતું મૂકવામાં આવે તો એનું પરિણામ હોય – કામના કલાકોમાં ઘટાડો અને વળતરમાં થતો વધારો, કોઈ ચીની કારીગર લાકડા પર કોતરકામ કરવા સોળ કલાક કામ કરતો રહે છે, જ્યારે અમેરિકી કારીગર આઠ કલાક કામ કરે છે. હું જો સાદગીવાળું ખોખું ખરીદવા પેલા શણગારેલા ખોખા જેટલી જ કિંમત ચૂકવું તો, વસ્તુને બનાવવામાં લાગતા સમયનો તફાવત કામગારનો બને છે અને જો શણગાર જેવું કશું હોય જ નહિ, આવી પરિસ્થિતિ આવતાં કદાચ બીજાં હજારો વર્ષ નીકળી જાય, ત્યારે આપણે આઠની જગ્યાએ ગણીને ચાર કલાક કામ કરવાનું રહેશે, કેમ કે અત્યારની ઘડીએ આપણા શ્રમનો અડધેઅડધો હિસ્સો શણગાર પાછળ આપવો પડે છે. શણગારનો અર્થ પરિશ્રમનો ધુમાડો અને એનાથી થતો તંદુરસ્તીનો ધુમાડો, આવું તો કાયમ બનતું આવ્યું છે. આજે, જોકે, એનો અર્થ સામગ્રીનો પણ ધુમાડો અને બન્નેનો અર્થ નાણાંનો પણ ધુમાડો. હવે પછી શણગાર અને આપણી સભ્યતા વચ્ચે કોઈ સજીવ સંધાન રહ્યું ન હોવાથી, શણગાર આ પછી આપણી સભ્યતાની અભિવ્યક્તિ નહિ હોય. અત્યારે જે પણ શણગાર સજવામાં આવી રહ્યા છે તેનો આપણી જોડે કોઈ સંબંધ હોતો નથી, બીજા કોઈ માનવી સાથે પણ નહિ કે વિશ્વ પર સત્તાનો દોર લાવનારી કોઈ પદ્ધતિ સાથે પણ નહિ. એનામાં વિકાસની કોઈ શક્યતા જ રહી નથી. આપણો ઓટ્ટો એક્કમાન ક્યાં છે આજે? કે પછી વાન ડર વેલ્ડના શણગાર? ભૂતકાળના કળાકારના મોઢા પર તંદુરસ્તીની સુરખી રહેતી અને શરીર પણ જોમથી તરવરતું, મનુષ્યજાતિના માથા પરનો મુગટ. આધુનિક શણગાર સજાવનાર કળાકાર, જોકે, પાછળ પડી ગયો છે કે રોગનો ભોગ બન્યો હોવાનો કિસ્સો બન્યો છે. ત્રણ વર્ષ પછી તો એ સ્વયં પોતાની નીપજને પોતાની હોવાનો ઇનકાર કરતો હશે. સંસ્કારી લોકો એમને સરેઆમ અસહ્ય હોવાનું જણાય છે. અન્યોને એ વાતથી સભાન થતાં વરસો નીકળી ગયા. ઓટ્ટો એક્કમાનનું કામ આજે કઈ જગ્યાએ જોવા મળે? ઓલબ્રીચનું કામ પણ એકાદ દાયકા પછી ક્યાં હશે? આધુનિક શણગાર કળાને કોઈ જનકો હોતા નથી અને નથી હોતા કોઈ સંતાનો; એમને કોઈ ભૂતકાળ નથી હોતો કે નથી એમનું કોઈ ભાવિ. અણઘડ લોકોને મન આપણા યુગની મહાનતા એક બંધ કિતાબ જેવી છે, એ લોકો ભલે એને ભાવાવેશથી વધાવતા રહે, અને પછી અલ્પ સમયમાં એ પોતાની હોવાનો ઇનકાર કરતા રહે. માનવજાતિ એની અખિલાઈમાં નિરામય જ હોય છે. કેટલાક જૂજ જનો કેવળ માંદલા હોય છે, પરંતુ એવા જ કળાકાર પર સિતમ ગુજારતા રહે છે. કળાકાર હવે એવી હદે તંદુરસ્ત બની ગયો છે કે શણગારની શોધ માટે છેક અસમર્થ બની ગયો છે. તેથી એ લોકોએ પોતે શોધેલાં શણગારોને અપાર વિવિધતા અને ભાત-ભાતની સામગ્રીમાં સાકાર કરી આપવા દબાણ કરતા રહે છે. શણગારની બાબતમાં બદલાતી રહેતી ફેશનો કસબકારના શ્રમથી પેદા થયેલી વસ્તુઓનું અકાળે અવમૂલ્યન થવામાં પરિણમે છે. શણગારની રચના પાછળ એણે ખરચેલાં સમય અને સામગ્રીના વપરાશમાં ખર્ચેલાં નાણાં આખરે તો વેડફાટમાં ગયાનું સમજાય છે. મેં એક સિદ્ધાંત રચી કાઢ્યો છે; વસ્તુમાં પ્રગટેલું સ્વરૂપ સ્થાયી હોવું જોઈએ, એટલે કે વસ્તુ જ્યાં સુધી નષ્ટ ન થઈ જાય ત્યાં સુધી એનું સ્વરૂપ પણ જળવાઈ રહેવું જોઈએ. હું સમજાવું : એકાદ સ્યૂટ હશે તો એની શૈલી ફરના કીમતી કોટ કરતાં અનેક વાર બદલતી રહેવાની. કોઈ સ્ત્રીનાં બૉલડાન્સ માટેનાં એક રાત્રિ માટે બનેલાં વસ્ત્ર-પરિધાન લાકડાની ડેસ્ક કરતાં કંઈ કેટલીય ઝડપે બદલાતાં રહેશે. આપણને પણ ફટ્‌ હજો, જો આપણે પણ પાટલીની શૈલી બોલ માટેનાં પરિધાનની ઝડપે બદલતા રહેતા હોઈએ, કેમ કે એની જુનવાણી શૈલી આપણાથી સહી જતી નથી, તો પછી પાટલી માટે ખરચેલાં નાણાં વેડફાઈ ગયાનું સમજી લેવું. શણગાર કરનાર કળાકારો અને કસબીઓ આનાથી સારી રીતે સભાન હોય છે, અને ઓસ્ટ્રીઆમાં તો આવી ઊણપને હકારાત્મક સ્વરૂપમાં લેતા દર્શાવતા હોય છે. એઓ કહે છે, ‘એક વપરાશકાર જે પોતાના કરાવેલા સુશોભનને દાયકા પછી સહી ન શકે અને દર દશ વર્ષે એપાર્ટમેન્ટના સુશોભનને બદલતો રહે છે એ વપરાશકાર બીજા એક વપરાશકાર કરતાં વધારે સારો ગણાય જે પોતાના ઘરની વસ્તુઓને વાપરી વાપરીને કુચ્ચો ન થઈ જાય ત્યાં સુધી ઘસિટ્યા કરતો હોય. ઉદ્યોગને પહેલાં વપરાશકારની જરૂર છે. ઝડપભેર બદલાતી ફેશનો લાખોને રોજી પૂરી પાડતી હોય છે.’ આ વાત ઓસ્ટ્રીઆના અર્થકારણના મર્મને પ્રગટ કરી આપે છે. કશેક આગ ફાટી નીકળી હોય ત્યારે આપણે વારંવાર સાંભળતા હોઈએ છીએ, ‘પાડ માનો પ્રભુનો! હવે ફરીને લોકો માટે કામ નીકળશે.’ બસ, એકાદ ઘરને દીવાસળી ચાંપી દો, સામ્રાજ્યને પલીતો ચાંપો અને પછી જોઈ લો. પ્રત્યેક જણ ધનના ઢગલામાં આળોટતો હશે! દર ત્રણ વરસે તમે તમારું નવું ફર્નિચર કરાવતા રહો, અમે એ જૂનાને કુહાડીથી ફાડી નાખીને અગ્નિદેવને પ્રજ્વળતો રાખવા અર્પણ કરી દીધું છે. અને માળખાની ધાતુનાં ચોકઠાં અમારે દર ચાર વર્ષે ઓગાળી નાખવાં પડે છે, કારણ કે લિલામ સુધ્ધાંમાં એની સામગ્રી અને બનાવવા માટેનો શ્રમ થયો છે એ ખર્ચનો દશમો ભાગ પણ પાછો મળે તેમ નથી, અને આપણે વધુ ને વધુ પૈસાપાત્ર થતા જઈશું! કેવળ વપરાશકારને જ નુકસાન ભોગવવું પડે છે એવું નથી, સૌથી વધુ નુકસાની ભોગવવાનું તો નિર્માતાને ભાગે આવી પડે છે. આજકાલ તો, આભાર માનીએ થઈ રહેલા વિકાસનો કે, જે વસ્તુને શણગારની કશી જરૂર નથી એને જ અમથી શણગાર્યા કરવામાં આવતી હોય છે. એનો અર્થ છે શ્રમનો વ્યય અને સામગ્રીનો દુરુપયોગ. જો વસ્તુઓ એના ભૌતિક સ્વરૂપમાં હસ્તીમાં રહેવાની હોય તેટલો જ સમય રસકીય દૃષ્ટિએ પણ રહેવાની છે તો વપરાશકાર પણ એની વધુ કિંમત ચૂકવવા તૈયાર થશે જેનાથી કસબીને પણ વધુ રળવાની તક મળશે અને ઓછા કલાક કામ કરવું પડશે. જે વસ્તુ માટે મને એવી ખાતરી મળે કે એ જીર્ણ થાય ત્યાં સુધી હેમખેમ રહેશે તો હું એની બીજી જોડ પણ ખરીદી લઉં, ચાર ગણી કિંમત ચૂકવીને ખરીદવામાં મને તો ખુશી જ હશે, જોકે બીજી દુકાનમાં એ દશમાં મળતી હોવા છતાં, પરંતુ આ સોદાઓ કસબની કળાકારોની ધૂંસરી હેઠળ ખેંચાઈને પોતાની શક્તિ ગુમાવી રહ્યા હોય, કસબની ગુણવત્તાની કશી કિંમત મૂકી શકાય નહિ. એની ખરી કિંમત ચૂકવવા કોઈ તૈયાર ન હોય તો આખરે ભોગવવું પડે કામને. એ એક રીતે તો સારી વસ્તુ પણ છે, કારણ કે અલંકરણ કરેલા પદાર્થો કઢંગી રીતે નીપજાવ્યા હોય ત્યારે જ કેવળ સહ્ય હોય છે. મને એવું જાણવા મળે કે લાગેલી આગ તો નક્કામો કચરો બાળવા લગાડી હતી તો ખુલાસો સરળતાથી મારે ગળે ઊતરી જશે. Kunsterhausના પ્રદર્શનમાં મૂકેલી દમ વિનાની, ઠઠારો કરેલી વસ્તુઓને પણ હું માણી શકું છું, કેમ કે હું જાણતો હોઉં છું કે એને ઊભી કરવા પાછળ બે કે ચાર દિવસો જ લાગે છે અને સંકેલી લેવામાં કેવળ એક. પરંતુ જ્યાં પથ્થર ફેંકવાના હોય ત્યાં સિક્કાઓ ઉછાળવામાં આવે, સિગાર સળગાવવા બેન્ક નોટોનો ઉપયોગ થતો હોય, મોતીને વાટીને ભુક્કો કરી એને પી જવાતું હોય – આ બધું મને રસકીય દૃષ્ટિએ અજુગતું લાગતું હોય છે. આવી રીતે સજાવેલી વસ્તુઓ જ્યારે ઉત્તોમત્તમ સામગ્રીમાંથી અને મહત્તમ કાળજીપૂર્વક, એની પાછળ કામના કલાકો ખર્ચવામાં આવ્યા હોય ત્યારે જ ખરેખર તો રસહીન થઈ જતી હોય છે. મારે એક કબૂલાત કરવાની છે કે ગુણવત્તાભર્યા કસબની માગ કરવાવાળો હું જ સર્વ પ્રથમ હતો. પ્રોફેસર હોફમાનની વિયેના ખાતેની Apollo Candle Factoryની કરેલી આંતરિક સજાવટ ચૌદ વર્ષ પહેલાં પાઈનમાં રંગીન કાચ વડે કરવામાં આવી હતી એ કામ કરતાં એમણે તાજેતરમાં કરેલી ડિઝાઈનો જરીકે સહ્ય નથી. હવે પછીનાં બીજાં ચૌદ વર્ષ પછી પ્રોફેસર હોફમાનની ડિઝાઈનો જે રીતની દેખાતી હશે તેવી અસહ્ય તો નહિ જ હોય. મારું પોતાનું Cafe Museumનું કામ જે એ દુકાનના અરસામાં જ ખુલ્લું મુકાયેલું તે પણ ત્યારે જ અસહ્ય બની રહેશે જ્યારે એમાંના સુથારી કામના ટુકડાઓ થવા શરૂ થયા હશે. એક આધુનિક વ્યક્તિ જે અલંકરણને પૂર્વગામી યુગોની કલાત્મકતાએ વધારે બોજ લાદનારું લક્ષણ ગણતો હોય છે અને એ કારણે એને પુનિત ગણતો હોય છે, એ તો આધુનિક શણગારની પ્રકૃતિને તંદુરસ્તી વિનાની, પરાણે લાદેલી, પીડાદાયક રીતે પરાણે લાદેલી તત્કાળ ઓળખી કાઢશે. આજની સભ્યતાના સ્તર પર રહેનારો કોઈ પણ જણ હવે પછી શણગારની કળા નીપજાવી શકે એવું રહ્યું નથી. જે એ સ્તર સુધી હજુ પહોંચ્યા નથી તેમની વાત ન્યારી છે. હું જે આદર્શનો બોધ કરું છું એ આદર્શ છે, અમીરનો. મારો કહેવાનો ભાવ છે, માનવજાતિના મૂર્ધન્ય સ્થાને બેઠેલો જણ, તેમ છતાં એની પાસે એક ઊંડી સમજણ છે. તળિયે રહેલાઓની સમસ્યાઓ, અભીપ્સાઓ પરત્વે. આફ્રિકાવાસી એનાં કપડાં પર, એક ચોક્કસ લયને અનુસરતી ભાતો ઉપસાવતો હોય છે. કાપડને સાળ પરથી ઉતારી લીધા પછી જ દૃષ્ટિગોચર થવા લાગે છે; એ જ પ્રમાણે પોતાની જાજમ વણનારો પેલો પર્શિયાવાસી; સ્લાવોક ખેડુ-સ્ત્રી એનું જે લેસકામ કરે છે, એ વૃદ્ધા રેશમ અને ગ્લાસ બીડમાં પોતાની સોયનું જે અદ્‌ભુત કામ દેખાડે છે. અમીર એ બધાને પોતપોતાની રીતે પોતપોતાનું કામ કરવાની છૂટ આપતો રહે છે, એ જાણે છે કે એ બધા પોતાના કામને જે સમય ફાળવે છે તે તેમને મન પવિત્ર છે. કોઈ ક્રાંતિકારી સીધો એમની સમક્ષ ધસી જઈ કહેવા લાગશે કે આ બધું કરવાનો કશો અર્થ નથી, જેમ એ કોઈ વૃદ્ધાને રસ્તામાંના કોઈ ધર્મસ્થાનકમાંથી બહાર સંભળાવવા લાગે, ઈશ્વર જેવું કશું છે જ નહિ, પરંતુ અમીર વર્ગનો કોઈ નાસ્તિક હશે તો પણ ચર્ચ પાસેથી પસાર થતી વખતે પોતાની હેટ ઊંચકી લઈને આદર વ્યક્ત કરશે. મારા જોડા સાયુથની ભાતો અને વીંધોથી એવા ભર્યા ભર્યા ભાસે છે. મોચીભાઈનું સર્જન છે એ, જેનું મહેનતાણું એને હજી મળ્યું નથી. હું એવી કલ્પનામાં સરી પડું છું અને એને કહેતો હોઉં છું, પગરખાંની એક જોડ બનાવવાનો તારો દર ત્રીસ ક્રાઉનનો છે, હું તને ૪૮ ક્રાઉન ચૂકવવાનો છું. એ સાંભળીને મોચી ભાઈ એવા તો અધ્ધર ઊંચકાઈને રળિયાત થઈ જશે અને એનાં કસબ અને ઊંચી સામગ્રીનો વિનિયોગ ગુણવત્તાભર્યો હોવાથી મેં ચૂકવેલા વધારાના પૈસાને ક્યાંય આંબી જાય એ રીતે મારો આભાર માનશે. એ ખુશ છે અને એના ઘરમાં ખુશી એક જૂજ ચીજ હોય છે, એને એક એવો જણ મળી ગયો છે જેણે એને સારી રીતે સમજી લીધો છે, એના કામ પરત્વે આદર ધરાવે છે, એની પ્રામાણિકતા પરત્વે લેશ પણ સાશંક નથી. એ એના મનઃચક્ષુ સમક્ષ તૈયાર થઈ ચૂકેલી નીપજ જોતો હોય છે. એ ઘડીએ સારામાં સારું ચામડું ક્યાં મળે એની એને જાણ હોય છે. પોતાના કયા કારીગરને કામની જવાબદારી સોંપવી તેની જાણ છે અને જોડમાં સબુથ પ્રદેશની બધી જ અનુપમ ભાત અને વીંધથી ભરપૂર હશે. ત્યાર પછી હું મમરો મૂકું છું, ‘પરંતુ એક શરત છે, એ જોડ તદ્દન સાદગીભરી હોવી જોઈશે.’ હું એને સાતમે આસમાનેથી ઢસડીને નરકની ઊંડી ખાઈમાં પછાડીશ. એણે બહુ ઓછું કામ કરવાનું રહેશે. મેં એની તમામ ખુશીને એની પાસેથી છીનવી લીધી છે. હું જે આદર્શનો બોધ કરું છું એ છે અમીરનો આદર્શ. મારા પંડ પર હું શણગાર સજું ખરો જો એ મારા સાથી-માનવોને ખુશી લાવી દેનારું હોય, એ મારા માટે પણ ખુશી લાવે. પેલા આફ્રિકાવાસીનાં અલંકરણોને, પર્શિયાવાસીનાં, સ્લાવોક ખેડુ-સ્ત્રીનાં, મારા મોચીનાં કેમ કે એ એમના જીવનને સાર્થકતાની અનુભૂતિનું ઉચ્ચ-બિન્દુ પૂરું પાડતું હોય છે, અને એને પ્રાપ્ત કરવાનું એમની પાસે અન્ય કોઈ જ સાધન નથી. આપણી પાસે એવી કળા છે જે અલંકરણના તત્ત્વને અતિક્રમી ગઈ છે. દિવસભરનું વૈતરંક અને ત્રાસ વેઠ્યા પછી આપણે બિથોવનનું Tristan સાંભળવા જઈ શકતા હોઈએ છીએ. મારો મોચી એવું કરી શકતો નથી. મારે એનો ધર્મ એની પાસેથી છીનવી લેવો નહિ જોઈએ, કેમ કે એથી એનામાં ઊભો થનારો ખાલીપો પૂરી આપવા મારી પાસે કશું જ નથી, પરંતુ કોઈ જણ ‘નવમી’ સાંભળીને આવ્યા પછી વૉલપેપરની ભાત માટે ડિઝાઇન બનાવવા બેસે તો એ જણ કાં તો ધુતારો છે કે પછી મતિભ્રષ્ટ. શણગારનું ગાયબ થવું અન્ય કળાઓ માટે વણકલ્પ્યા ગભરાટથી ખીલી ઊઠ્યા સમાણું નીવડ્યું છે. બિથોવનની સિમ્ફનીઓ એવા કોઈથી તો નહિ જ લખાઈ હોય જેને રેશમ, જરકશી અને લેસના લિબાસમાં વીંટળાયેલા રહેવું પડતું હોય. જે લોકો આજે મખમલી જેકેટ પહેરીને ફરતા હોય છે એ કળાકાર નથી, પરંતુ બંગલાઓ અને ઘર રંગનારા રંગાટીઓ હોય છે. આપણે આજે હવે વધુ પરિષ્કૃત બન્યા છીએ, વધુ સૂક્ષ્મ; જ્યારે લોકોને પશુઓના ધણને અનુસરવાનું રહેતું ત્યારે જુદા તરી આવવા રંગનો ઉપયોગ કરવો પડતો, આધુનિક મનુષ્ય પંડને છુપાવવા પોશાકનો ઉપયોગ કરતો થયો છે. પોતાની વ્યક્તિમત્તાની સમજણ એટલી પ્રચંડપણે રહેલી છે કે એ હવે પછી પોશાક દ્વારા અભિવ્યક્તિ પામી નહિ શકે. અલંકરણનો અભાવ એ બૌદ્ધિક સામર્થ્યની સંજ્ઞા છે. આધુનિક મનુષ્ય પુરોગામી કે પરભૂમિની સભ્યતાઓનાં અલંકરણોનો પોતાને ગમતી રીતનો અને જ્યાં પણ યોગ્ય લાગતો હોય એવો વપરાશ કરે છે. સ્વયં પોતાના શોધક સામર્થ્યનો તો અન્ય કશા પર એકાગ્ર કરતો રહે છે.

(સન્ધિ : વર્ષ ૪ : સળંગ અંક ૧૫ : ૨૦૧૦)