બહુવચન/બૌદ્ધિકોની સરજત
બૌદ્ધિકો એ એક સ્વાયત્ત સ્વતંત્ર જૂથ છે કે પછી પ્રત્યેક જૂથને એના આગવા નિષ્ણાત કોટિના બૌદ્ધિકો હોય છે? ખરી અટપટી સમસ્યા છે, કેમ કે આજ દિવસ સુધીમાં બૌદ્ધિકોની કોટિઓની સરજતમાં યથાર્થ ઐતિહાસિક પ્રક્રિયા દ્વારા વૈવિધ્યપૂર્ણ સ્વરૂપો ધારણ થતાં રહ્યાં છે. આ સ્વરૂપોમાં સૌથી મહત્ત્વનાં બે છે : ૧. આર્થિક પ્રવૃત્તિની નીપજમાં વિશ્વમાં અનિવાર્યપણે આવશ્યક કામગીરીની મૌલિક ભૂમિમાં હસ્તીમાં આવતું પ્રત્યેક સામાજિક જૂથ પોતાની પડખેઅડખે બૌદ્ધિકોના સજીવ રૂપનાં એક કે અધિક જૂથ સરજતું રહે છે, જે એને કેવળ આર્થિક પ્રવૃત્તિના ક્ષેત્રે નહિ, પરંતુ સામાજિક કે રાજકીય ક્ષેત્રોમાં પણ એના કામમાં સમરૂપતા તેમ જ સભાનતા અપાવતું રહે છે. ઉદ્યોગ-જગતનો ઉદ્યમમાં મચ્યો રહેતો કોઈ મૂડીવાદી ખેલંદો પોતાની અડખેપડખે ઔદ્યોગિક તંત્રવિદ્યાનો કસબી, રાજનૈતિક અર્થકારણનો નિષ્ણાત, નૂતન સંસ્કારજગત તેમ જ નૂતન કાનૂની કાર્યપદ્ધતિઓના આયોજક અને એવા એવા લોકોનું પણ સર્જન કરતો રહે છે, એ નોંધવું જોઈશે કે આપણો આ ખેલંદો ઉચ્ચ વર્ગના સામાજિક રીતે વિકસી ચૂકેલા વર્ગમાંથી આવતો હોઈને અમુક દિગ્દર્શિતા (dirigente) તેમ જ તંત્રવિદ્યામૂલક સંસ્કારો ગળથૂથીમાં જ મળેલા હોય છે. એમને તંત્રવિદ્યામૂલક સામર્થ્ય (intellectual) પ્રાપ્તિ માટે ખપમાં લેવા જરૂરી બને છે. કેવળ પોતાના ક્ષેત્રમાં કાર્ય કરતા રહીને, એમાં પહેલ કરવાની વૃત્તિ કેળવીને નહિ, પરંતુ અન્ય ક્ષેત્રોમાં પણ, કંઈ નહિ તો આર્થિક નીપજના, પોતાનાં સૌથી નિકટતમ ક્ષેત્રોમાં તો ખરું જ. એણે પ્રજાના આમ-સમુદાયના સંગઠનકાર બનવું રહેશે; એણે એના વ્યાપારમાંના રોકાણકારો તેમ જ એનો માલ ખરીદનારા ગ્રાહકોના ‘વિશ્વાસ’ના સંપાદનકાર બનવું પડશે. તમામ ખેલંદાઓ નહિ તો છેવટે ભદ્ર વર્ગના ચુનંદાઓમાં તો આવું સામર્થ્ય હોવું જ રહ્યું કે એઓ વ્યાપક રૂપના સમાજના સંગઠનકર્તા બની રહે, એમાંની સેવાઓના સંકુલ ગણાતા પ્રાણસભર તંત્રથી માંડી રાજ્ય-શાસનના પ્રાણસભર તંત્ર સુધીનાને આવરી લે એવા, કારણે કે કેવળ પોતાના વર્ગની અભિવૃદ્ધિ કરવાના સાનુકૂળ પરિવેશો ઊભા કરવાની માગ હોય છે અથવા છેવટે પોતાના ‘નાયબો’, નિષ્ણાત કોટિના કર્મચારીઓની પસંદગી કરી એમને ચૂંટી કાઢવાનું સામર્થ્ય, જેથી વ્યાપારની બહારના સંબંધોનું સંગઠન કરવાની કામગીરી એમને સુપરત કરી શકાય. એ તો નજરે પડે જ છે કે પ્રત્યેક નવો વર્ગ પોતાની સાથે સાથે પ્રાણસભર બૌદ્ધિકોનું સર્જન કરતો રહે છે; એમની ખિલવણી સાથે એમનો વિસ્તાર પણ કરતો રહે છે, એ મોટે ભાગે તો પ્રાકૃતિક પ્રકૃતિનાં આંશિક પાસાંઓનો વિશારદ હોય છે. આ બધું નવા વર્ગે પ્રકાશમાં આણેલો નૂતન સામાજિક પ્રકાર કરતો રહે છે. સામંતશાહી યુગના અમીરો અને ઉમરાવો સુધ્ધાં કશુંક વિશિષ્ટ સામર્થ્ય ધરાવતા હતા : એ હતું લશ્કરી સામર્થ્ય. હવે કાળની કોઈ એવી ઘડી આવી જેમાં ઉમરાવશાહી પોતાનું આ સામર્થ્ય ખોઈ બેઠી. બસ, તે ક્ષણથી એનાં વળતાં પાણી થવાનો આરંભ થઈ ગયો. પરંતુ સામંતશાહી અને એના પુરોગામી પ્રશિષ્ટ યુગમાંના બૌદ્ધિકોની સરજતનો પ્રશ્ન એક અલાયદો અભ્યાસ માગી લે છે. આવી સરજત અને એનો વિકાસ એવાં સાધનો અને માર્ગોને અનુસરે છે જેનું અધ્યયન નોખી અને સઘન રીતે કરવું પડે. આમ, આપણે એટલું નોંધી શકીએ કે ખેડુ-પ્રજાનો આમ સમુદાય, જોકે, આર્થિક નીપજના જગતમાં એનું કર્તવ્ય નિભાવતો રહ્યો છતાં એના પોતાના કહી શકાય એવા પ્રાણવંત બૌદ્ધિકો અંગે એમણે વિકાસ કર્યો હોવાનો જણાતું નથી, તેમ જ પરંપરાગત બૌદ્ધિકોના સ્તરને પણ આત્મસાત્ કર્યો હોવાનું જણાતું નથી. જોકે, ખેડુ-પ્રજાની હસ્તીમાંથી જ અન્ય જૂથો પોતાના બૌદ્ધિકોને ખેંચી લેતાં રહ્યાં છે અને પરંપરાગત બૌદ્ધિકોની ખાસ્સી મોટી સંખ્યાનાં મૂળ આ ખેડુ-કુળમાં પડેલાં છે. ૨. જોકે, પ્રત્યેક ‘આવશ્યક’ સામાજિક જૂથ એના પુરોગામી આર્થિક માળખમાંથી બહાર પડીને અને આ માળખાની વિકસવાની અભિવ્યક્તિરૂપે ઇતિહાસમાં ઉદય પામતું હોય છે. (કંઈ નહિ તો વર્તમાન પર્યંતના સમગ્ર ઇતિહાસમાં) અને આ પૂર્વે અસ્તિત્વમાં રહેનારી બૌદ્ધિકોની કોટિઓ રાજકીય તેમ જ સામાજિક સ્વરૂપોમાં આવતા રહેલા મહાજટિલ અને ક્રાંતિકારી પરિવર્તનો સુધ્ધાંથી વિચલિત થયા વિનાની ઐતિહાસિક સાતત્યની ધારાનું પ્રતિનિધિત્વ કરતી રહી હોવાનું જણાયું છે. બૌદ્ધિકોની આ બધી કોટિઓમાંથી ધર્મોપદેશકોની કોટિ સહુથી વધુ લાક્ષણિક હતી. ખૂબ લાંબા અરસાથી (ઇતિહાસના પૂરા એક તબક્કા સુધી આંશિક રીતે આલેખિત થઈ છે) સંખ્યાબંધ સામાજિક સેવાઓ પર ઈજારો જમાવી રાખ્યો હતો; ધર્મગત વિચારસરણી એટલે કે એ યુગનાં વિજ્ઞાન અને દર્શનશાસ્ત્ર; એની સાથે સાથે શાળાઓ, શિક્ષણ, નીતિશાસ્ત્ર, ન્યાય, સખાવત, સુકૃત્યો ઇત્યાદિ. ધર્મોપદેશકોની કોટિને જમીનદારી ધરાવતી ઉમરાવશાહી સાથે સંલગ્ન બૌદ્ધિકોની કોટિ લેખી શકાય તેમ છે. ન્યાયની દૃષ્ટિમાં એનો મોભો ઉમરાવશાહીની બરોબરીનો હતો, જેની સાથે એણે જમીનના સામંત-માલિકીના ઉપભોગમાં હિસ્સેદારી રાખી હતી તેમ જ મિલકત જોડે સંકળાયેલા રાજશાસન તરફથી મળતા વિશિષ્ટાધિકારો પણ ભોગવ્યા. પરંતુ ઉપરીમાળખા(superstructures)ના ઉપલા હિસ્સા પરની ઈજારાશાહી ધર્મોપદેશકો માટે છેક સંઘર્ષ વિના કે મર્યાદા વિના ભોગવી શકાય તેવી રહી નહિ. તેથી જ તો એક નવી કોટિનું અવતરણ થયું. (જેની અંદર ઊતરીને અને નક્કર અભ્યાસ કરીને) અને તે પણ વિવિધ સ્વરૂપોમાં થયું. અને રાજાશાહીની વધતી જતી કેન્દ્રીભૂત સત્તાએ જેની હિમાયત કરી અને એના વિકસવાની જોગવાઈ પૂરી પાડી, છેક નિરંકુશવાદ સુધી પહોંચવા. આમ આપણે noblese de robe (ઝભ્ભાધારીઓ)ની નિર્મિતિ થતી જોઈએ છીએ. સ્વયં પોતાના વિશેષાધિકારો સહિતની, વહીવટદારોના સ્તર સાથેની, એમાં શાસ્ત્રવિશારદો અને વૈજ્ઞાનિકો, સિદ્ધાંતકારો, બિન-ધર્મોપદેશકોના દર્શનશાસ્ત્રીઓ, વિ. વિ.નો સમાવેશ હોય છે. પરંપરાગત બૌદ્ધિકોની આવી વિવિધ કોટિઓ એમના અસ્ખલિત ઐતિહાસિક સાતત્યની તેમ જ એમની વિશિષ્ટ ગુણવત્તાઓની અનુભૂતિ espirit de corps દ્વારા કરતી હોવાથી એઓ પોતાને અધિપ સ્થાને રહેલા જૂથથી સ્વાયત્ત તેમ જ સ્વતંત્રરૂપે આગળ ધરે છે. આ પ્રકારની સ્વ-આકારણી વિચારધારામૂલક અને રાજકીય ક્ષેત્રે પરિણામો ઊભાં કર્યા વિનાની હોય નહિ, એ પરિણામો પણ દૂરગામી અને મહત્ત્વનાં જ હોય. બૌદ્ધિકોના સામાજિક સંકુલે અપનાવેલા આ વલણ જોડે આખેઆખી આદર્શવાદી ફિલસૂફીને સુગમતાથી સાંકળી શકાય તેમ છે. અને એની વ્યાખ્યા-સામાજિક આદર્શવાદની અભિવ્યક્તિ-રૂપે કરી શકાય તેવી હોય છે. જેનાથી બૌદ્ધિકો પોતાને સ્વાયત્ત, સ્વતંત્ર અને સ્વયં પોતાનાં લક્ષણોથી અભિસિક્ત હોવાનું માનવા લાગતા રહે છે. એક મુદ્દો, જોકે, નોંધી રાખવો જોઈએ કે પોપ તેમ જ ચર્ચની મોખરાની હરોળ પોતાને સેનેટરો એગ્નેલી તેમ જ બિન્ની સાથે સંકળાયેલા હોવાનું ગણાવે છે એના કરતાં ઈસુ ખ્રિસ્ત તેમ જ એમના દેવદૂતો ઘણા વધુ સંકળાયેલા હોવાનું ગણતા હોય છે. જેન્ટિલ અને ક્રોચેના બારામાં આ વાત કંઈક જુદી જ બની જાય છે. વિશિષ્ટરૂપે તો ક્રોચેના બારામાં. ક્રોચે પોતાને પ્રગાઢપણે એરિસ્ટોટલ અને પ્લેટો સાથે સંકળાયેલો રહ્યો હોવાનું અનુભવતો હોય છે, તો બીજી તરફ, સેનેટરો એગ્નેલી અને બિન્ની સાથે પોતાને જોડનારી કડીઓ પર ઢાંકપિછોડો પણ કરતો નથી, અને બરાબર અહીં જ તો ક્રોચેની ફિલસૂફીનું માહાત્મ્યપૂર્ણ લક્ષણ પારખી શકાતું હોય છે. બૌદ્ધિક સંજ્ઞાની સ્વીકૃતિની આડે આવનારી મહત્તમ સીમાઓ કઈ છે? આપણને એવું કોઈ એકાત્મક પ્રતિમાન મળી રહે ખરું જે બૌદ્ધિકોની વિધ વિધ દિશામાં જતી તેમ જ વિરોધી દિશામાં પણ જતી તમામ પ્રવૃત્તિઓને સમાનરૂપે આલેખી આપે? સામાજિક જૂથોમાં એકસાથે અને આવશ્યક માર્ગે ભેદ પાડી આપે? સંબંધોની કાર્યપદ્ધતિનો આ જે સમવાય છે જેની અંદર (સાથે બૌદ્ધિકોનાં જૂથો જે એમના પર સજીવારોપણ કરતાં હોય) આ પ્રવૃત્તિઓનું સ્થાન રહેલું હોય છે એવા સામાજિક સંબંધોના સર્વસાધારણ સંકુલમાં એને શોધવાને ઠેકાણે ભેદ તારવી આપનાર આવા પ્રતિમાનની ખોજ ચલાવવી એ મારી દૃષ્ટિએ પદ્ધતિની વ્યાપક રૂપમાં ફેલાયેલી ક્ષતિ છે. ખરેખર તો, કામગાર અથવા તો શ્રમજીવીનું ઉદાહરણ લઈએ તો, એ એની શારીરિક કે સાધનયુક્ત કામગીરીને કારણે વિશિષ્ટરૂપે આલેખાતો નથી હોતો, પરંતુ અમુક વિશિષ્ટ પરિસ્થિતિઓમાં તેમ જ સામાજિક સંબંધોના સંદર્ભે કરી રહ્યો હોવાના કારણે. (એક એવી પણ વેગળી વિચારણા છે જેમાં નિતાન્ત શારીરિક શ્રમનું અસ્તિત્વ હોતું નથી અને ટેલરનો એ શબ્દપ્રયોગ ‘તાલીમ પામેલો ગોરીલો’ પણ એક રૂપક છે જે અમુક દિશામાં રહેલી સીમાઓના નિર્દેશ કરી આપે છે : કોઈ પણ શારીરિક શ્રમ, સૌથી નિકૃષ્ટ ગણાતું કે યાંત્રિક રૂપનું, એમાં ટેક્નિકલ પાત્રતા લઘુતમ પ્રમાણમાં રહેલી જ હોય છે, એટલે કે સર્જનાત્મક બૌદ્ધિક પ્રવૃત્તિનું લઘુતમ.) અને આપણે પણ આ અગાઉ નિરીક્ષણ કર્યું જ છે કે ઉદ્યોગપતિ ખેલંદાની પાસે સ્વયં પોતાના કાર્યના આધારે, અમુક સંખ્યાની પાત્રતા હોવી રહી. આમ તો જોકે, સમાજમાં એ જે ભાગ ભજવે છે એનો નિર્ણય આ કારણે થતો નથી, પરંતુ સર્વસાધારણ સામાજિક સંબંધોને કારણે થતું હોય છે, જે ઉદ્યોગ-જગતમાં એ ખેલંદાનું સ્થાન કેવુંક છે તે વિશિષ્ટપણે આલેખી આપવામાં થતું હોય છે. તમામ મનુષ્યો બૌદ્ધિક હોય છે, એવું આપણે આના પરથી કહી શકીએ ખરા, પરંતુ તમામ મનુષ્યોએ સમાજમાં બૌદ્ધિક કામગીરી કરવાની હોતી નથી. બૌદ્ધિકો અને અ-બૌદ્ધિકો વચ્ચે ભેદ પાડવાનો આવે ત્યારે વાસ્તવમાં તો બૌદ્ધિકોની વ્યાવસાયિક કોટિનું કેવળ તત્ક્ષણનું કાર્ય, એવો નિર્દેશ કરાતો હોય છે, એટલે કે ભેદ પાડનારાના મનમાં વિશિષ્ટ વ્યાવસાયિક પ્રવૃત્તિ જે દિશામાં ઢળેલી હોય છે એ નિશ્ચિત કરી આપવાનો ખ્યાલ હોય છે. બૌદ્ધિક વિકાસભણી કે સ્નાયુ-ચેતાતંત્રમૂલક પ્રયાસ ભણી? આનો અર્થ થાય છે, કોઈ વ્યક્તિ બૌદ્ધિક વિશે વાત કરી શકે, અ-બૌદ્ધિક વિશે નહિ, કારણ કે અ-બૌદ્ધિક જેવું કશું હોતું જ નથી. પરંતુ બૌદ્ધિક-મસ્તિષ્કનો વિકાસ અને સ્નાયુ-ચેતાતંત્રમૂલક પ્રયાસ એ બન્ને વચ્ચેનો નાતો પણ કંઈ બધો વખત સમાન હોતો નથી, તેથી તેમાં બૌદ્ધિક પ્રવૃત્તિની માત્રા બદલાતી રહેતી હોય છે. એવી કોઈ માનવીય પ્રવૃત્તિ નથી જેમાં પ્રત્યેક સ્વરૂપની બૌદ્ધિક પ્રવૃત્તિને ભાગ લેતી રોકી શકાય : homo faberને homo sapienથી વેગળો કરી શકાય નહિ. પ્રત્યેક મનુષ્ય, અંતે તો, એની વ્યાવસાયિક પ્રવૃત્તિની બહાર કશાક પ્રકારની પ્રવૃત્તિ કરતો જ રહેતો હોય છે. એટલે કે એ એક દાર્શનિક હોય છે, કળાકાર હોય છે, રસિકજન હોય છે, અને એ વિશ્વ વિશેની વિશિષ્ટ વિભાવનામાં ભાગ લેતો રહેતો હોય છે, એની પાસે નૈતિક આચરણની એક સુસ્પષ્ટ રેખા હોય છે એટલે વિશ્વ વિશેની વિભાવનાને નિરંતર રાખવા કે એને બદલતી રાખવા પોતાનો ફાળો આપ્યા જ કરે છે, એટલે કે વિચારની અવનવી રીતોને અવતારતો રહે છે. બૌદ્ધિકોનો એક નૂતન સ્તર નિર્માણ કરવાની સમસ્યા તેથી જ તો બૌદ્ધિક પ્રવૃત્તિને આલોચનાત્મકરૂપે વિકસાવવામાં રહેલી છે. આવી બૌદ્ધિક પ્રવૃત્તિ પ્રત્યેક હસ્તીમાં હોય છે. વિકસવાની એક ચોક્કસ માત્રામાં, એના સ્નાયુ-ચેતાતંત્રમૂલક પ્રયાસોને એક નવા સંતુલન ભણી દોરી જાય છે. ચેતાતંત્ર સ્વયં, સર્વસાધારણ વ્યવહારુ પ્રવૃત્તિઓનું ઘટક-તત્ત્વ હોઈને, તે ભૌતિક તેમ જ સામાજિક વિશ્વનું શાશ્વતરૂપે નિર્માણ કરતા રહેવાની ધરપત આપે છે અને વિશ્વ વિશેની એક નૂતન પૂર્ણ વિભાવનાનો પાયો બની રહે છે. બૌદ્ધિકોનો પરંપરાગત અને અણઘડ પ્રકાર સાક્ષર, દાર્શનિક અને કળાકારો હોવાનો દાવો રજૂ કરતો હોય છે અને વળી પોતાને ‘ખરા’ બૌદ્ધિકોમાં ખપાવતો હોય છે. આધુનિક યુગમાં તંત્રવિદ્યામૂલક શિક્ષણ ઔદ્યોગિક પરિશ્રમ સાથે પ્રગાઢપણે જકડાયેલું હોઈને સૌથી પ્રાકૃતિક અને પાત્રતારહિતની કક્ષાએે બૌદ્ધિકોનો પાયો બની રહેવું જોઈએ. આવી પીઠિકાના આધારે સાપ્તાહિક Ordine Nuovoએ નૂતન બૌદ્ધિકવાદનાં અમુક નવાં સ્વરૂપોને વિકસાવવા અને એમની વિભાવનાઓ નિશ્ચિત કરી આપવાનું કામ આરંભ્યું. એને મળેલી સફળતા પાછળનાં કારણોમાંનું આ કંઈ છેક નાખી દેવા જેવું કારણ નહોતું, કેમ કે આ વિભાવનાઓ સુષુપ્ત અભીપ્સાઓ સાથે સાદૃશ્ય ધરાવતી હતી અને જીવનનાં સમ્યક્ સ્વરૂપોને અનુસરનારી હતી. નૂતન બૌદ્ધિકોની હોવાની રીત હવે પછી વક્તૃત્વ છટા કેળવવામાં નહિ હોય, એ તો ઊર્મિઓ અને આવેગો ચલાયમાન રાખનારું બાહ્ય અને ક્ષણિક બળ છે, પરંતુ વ્યવહારુ જીવનમાં રચયિતા, સંગઠનકાર તેમ જ શાશ્વત રૂપના પ્રતીતિકારની ક્રિયાશીલ ભૂમિકા અદા કરવામાં રહેલી હશે. નહિ કે સાદા અમથા વક્તા બની રહેવામાં (એની સાથે અમૂર્ત ગાણિતિક મિજાજથી ચડિયાતા) ટેક્નિક – એક – કાર્યથી આરંભી ટેક્નિક – એક – વિજ્ઞાન સુધી પહોંચવામાં હશે અને ત્યાંથી પછી ઇતિહાસ પરત્વેની એક માનવીય વિભાવનામાં પરિણમવાની હશે, જેના વિના કોઈ પણ વ્યક્તિ ‘વિશારદતા’ કેળવી શકશે, પરંતુ ‘દિગ્દર્શિતા’ (વિશારદતા+રાજકીયતા) પ્રાપ્ત કરવા નહિ પામે. આમ બૌદ્ધિક કાર્યને અમલમાં મૂકવા ઐતિહાસિકરૂપે નિર્મિત વિશારદતાની કોટિઓ હોય છે. આ કોટિઓ આમ તો તમામ સામાજિક જૂથોના સંદર્ભમાં રચાઈ હોય છે, પરંતુ વિશેષ કરીને મહત્ત્વનાં જૂથો માટે અદકેરી રીતે. એ અધિપ સામાજિક જૂથના સંદર્ભે વધારે વ્યાપક અને સંકુલ થતી રહે છે. આધિપત્ય પ્રાપ્ત કરવા વિકસી રહેલા કોઈ જૂથની પ્રમુખ લાક્ષણિકતા એ હોય છે કે પરંપરાગત પોતાનામાં આત્મસાત્ કરી લઈ એમના પર ‘વિચારધારા’ મૂલક વિજય હાંસલ કરવો; પરંતુ આત્મસાત્ કરવાની ને વિજય પ્રાપ્ત કરવાની પ્રક્રિયા જેટલી વધુ વેગીલી અને ક્ષમતાવાન એની સાથે સાથે પોતાના સજીવ બૌદ્ધિકોને વિકસાવવામાં વધુ સફળ રહે. મધ્યકાલીન યુગમાંથી બહાર પડેલા સમાજોમાં એક વિશાળ અર્થમાં શિક્ષણની પ્રવૃત્તિ અને સંગઠનોએ જે પ્રચંડ વિકાસ સાધ્યો છે તે અર્વાચીન વિશ્વમાં બૌદ્ધિક કાર્યો અને કોટિઓએ ધારણ કરેલા મહત્ત્વનો સૂચકાંક બની રહે છે. પ્રત્યેક વ્યક્તિની બૌદ્ધિકતાને ગહન અને પ્રશસ્ત કરવાની સમાંતર વિવિધ વિશારદતાઓને સંખ્યાબહુલ અને સંકીર્ણ કરવાના પ્રયાસ પણ થઈ રહ્યા છે. વિજ્ઞાન અને તંત્રવિદ્યાનાં તમામ ક્ષેત્રોમાં કહેવાતી ઊંચી સભ્યતાને ઊંચે લઈ જવા જે પ્રોત્સાહન અપાય છે તે તમામ કક્ષાઓની શૈક્ષણિક સંસ્થાઓમાં જોઈ શકાતી હોય છે. વિવિધ કક્ષાના બૌદ્ધિકોને ખીલવવાનું સાધન શાળા જ તો હોય છે. વિવિધ અવસ્થાઓમાંનાં બૌદ્ધિક કાર્યનાં પ્રમાણને વસ્તુલક્ષીપણે નાણી જોવું હોય તો વિશારદતા પૂરી પાડતી શાળાઓની સંખ્યા અને દરજ્જાઓ પરથી એમ થઈ શકે. શિક્ષણે આવરી લીધેલા ‘કાર્યક્ષેત્ર’નો વ્યાપ જેટલો વધારે અને ચઢતા ક્રમની શિક્ષણ સંસ્થાઓની સંખ્યા જેટલી વધારે એના પ્રમાણમાં શાસન વિશેષની સભ્યતા વધુ સંકુલ. આ માટેનું તુલનાત્મક બિન્દુ ઔદ્યોગિક તંત્રવિદ્યાના ક્ષેત્રે મળી રહે છે. કોઈ દેશના ઔદ્યોગીકરણનું પ્રમાણ એ કેટલી હદે મશીનો બનાવી શકનારાં મશીનોથી સુસજ્જ છે તેમ જ ઉપકરણો અને નવાં મશીનોથી વધુ ચોક્સાઈભર્યાં ઉપકરણો બનાવતું રહે જે વળી એથીય સારાં મશીનો તેમ જ ઉપકરણો ઉત્પન્ન કરે, આમ ચાલતું રહે એના પરથી નક્કી થતું હોય છે. જે દેશ વૈજ્ઞાનિક લેબોરેટરીમાં પ્રયોગ માટેનાં ઉપકરણોની રચના કરવામાં કુશળ હોય અને રચેલાં ઉપકરણોનું પરીક્ષણ કરી શકે એવાં નવાં ઉપકરણો રચવા જેટલું વધુ સુસજ્જ હોય એ દેશને ઔદ્યોગિક ક્ષેત્રનો સૌથી વધુ સંકુલ દેશ કહી શકાય; સંસ્કૃતિની ઉચ્ચતમ કક્ષાએ પહોંચેલો દેશ અને એવું એવું. આવી જ તુલના બૌદ્ધિકોની સરજત કરતા અને એ કાર્યને સમર્પિત થયેલી શાળાઓ માટે પણ યથાર્થ ઠરે છે. ઊંચી સભ્યતાનો પ્રસાર કરતી શાળાઓ અને સંસ્થાઓને એકમેકમાં આત્મસાત્ કરી શકાતી હોય છે. આ ક્ષેત્રે પણ ગુણવત્તાને અને પરિમાણને વેગળાં કરી શકાય નહિ. તંત્રવિદ્યાપરક-સાંસ્કૃતિક વિશારદતા કેળવી આપનારી સૌથી પરિષ્કૃત સંસ્થાઓ માટે તો મહત્તમ શક્ય એટલી હદે પ્રાથમિક શિક્ષણનો પ્રસાર તેમ જ માધ્યમિક કક્ષાઓની સંખ્યાની દૃષ્ટિએ શક્ય એટલી હદે વધુ વિસ્તાર માટે મહત્તમ કાળજી રખાય એનાથી રૂડું કંઈ હોય નહિ. સ્વાભાવિક છે કે ટોચની શૈક્ષણિક પાત્રતાની પસંદગી અને ખિલવણી માટે બૃહત્તમ પાયો પૂરો પાડી આપવો, એટલે કે ઊંચી સભ્યતા તેમ જ ટોચની કક્ષાએ તંત્રવિદ્યાને લોકશાહી માળખું કરી આપવું – એ પણ ગેરલાભ વગરનું તો છે નહિ; એથી બૌદ્ધિક સ્તરોના મધ્યમ વર્ગની સમક્ષ બેકારીની એક જબ્બર કટોકટી ઊભી થાય છે, અર્વાચીન સમાજોમાં ખરેખર આવું બનતું રહ્યું છે. એક વાત નોંધી રાખવા જેવી છે કે નક્કર વાસ્તવિકતામાં બૌદ્ધિક સ્તરોનો વિકાસ અમૂર્ત લોકશાહીની ભૂમિ પર નહિ, પરંતુ નક્કર પરંપરાગત પ્રક્રિયાઓ મુજબ થતો હોય છે. એવા એવા સ્તરો હસ્તીમાં આવી પડ્યા છે જે પારંપરિક રીતે બૌદ્ધિકોની ‘નીપજ’ હોય અને આ સ્તરો અન્ય એવા સ્તરોને મળતા આવતા હોય છે જેમણે ‘બચત’ કરવામાં વિશારદતા પ્રાપ્ત કરી હોય, એટલે કે નીચલા મધ્યમ વર્ગના તેમ જ મધ્યમ વર્ગના જમીનદાર બુર્ઝવાસી તેમ જ નીચલા વર્ગના અને મધ્યમ વર્ગના શહેરી બુર્ઝવાસી. વિભિન્ન પ્રકારની શાળાઓ (પ્રશિષ્ટ તેમ જ વ્યાવસાયિક)નું વિતરણ ‘આર્થિક પ્રવૃત્તિ’ની ભૂમિ પર તેમ જ ઉક્ત સ્તરોની ભીતર રહેલી અભીપ્સાઓ નક્કી કરતી હોય છે, અથવા બૌદ્ધિક વિશારદતાઓની વિવિધ શાખાઓના નિર્માણના સ્વરૂપની રચના કરતી હોય છે. આમ, ઇટાલીનો ગ્રામીણ બુર્ઝવાસી ઉદ્યોગો માટે તંત્રવિદ્યાના કસબીઓનું નિર્માણ કરતો હોય છે. પરિણામે, ઉત્તર ઈટાલી મોટે ભાગે તંત્રવિદ્યાના કસબીઓનું નિર્માણ કરતું રહે છે, અને દક્ષિણ કાર્યકર્મીઓ અને વ્યાવસાયિક લોકોનું. બૌદ્ધિકો તેમ જ નીપજના વિશ્વ વચ્ચેનો નાતો, બુનિયાદી સામાજિક જૂથો વચ્ચે હોય છે એવો પ્રત્યક્ષ હોતો નથી, પરંતુ બદલાતી રહેતી માત્રામાં સમાજના વણાટપટ પર તેમ જ ઉપરીમાળખામાંની સંકુલતામાં ‘વ્યવહિત’ થયેલો હોય છે જેના ખરેખરના કાર્યકર્મીઓ બૌદ્ધિકો જ હોય છે. વિવિધ બૌદ્ધિક સ્તરો અને એમનું બુનિયાદી સામાજિક જૂથ સાથેનું જે સંધાન હોય છે એની માત્રાની જૈવિક ગુણવત્તાનું પ્રમાણ નક્કી થઈ શકવાની શક્યતા હોવી જોઈએ તેમ જ એમનાં કાર્યો તથા ઉપરીમાળખા તળિયેથી ટોચ સુધીનાં (માળખાના પાયાથી ઉપર ભણી) કાર્યોનો અનુક્રમ સ્થાપી આપવાની શક્યતા આ ઘડીએ તો, આપણે એટલું કરી શકીએ કે ઉપરીમાળખાના બે મુખ્ય દરજ્જાઓ નિયત કરી લેવા; એમાંના એકને ‘નાગરિક સમાજ’ કહી શકીએ, જે સજીવ તત્ત્વોનો સામાન્ય રીતે ‘અંગત’ ગણાતો સમવાય છે, અને બીજાને ‘રાજકીય’ અથવા શાસનતંત્ર કહીએ. આ બન્ને દરજ્જાઓ એક તરફ ‘પ્રભુત્વ’ના કર્તવ્ય સાથે સાદૃશ્ય ધરાવે છે અને જેને અધિપ જૂથ સમગ્ર સમાજમાં સત્તાનો અમલ કરવા વિનિયોગમાં લેતું હોય છે, જ્યારે બીજી તરફ, ‘પ્રત્યક્ષ આધિપત્ય’ અથવા આદેશ છે જેનો અમલ શાસનતંત્રમાં તેમ જ ન્યાયીક સરકારમાં થતો રહેતો હોય છે. જેની ચર્ચા થઈ રહી છે તે કાર્યો ખરેખર તો સંગઠનાત્મક તેમ જ સંધાનપરક હોય છે. બૌદ્ધિકો તો સામાજિક પ્રભુત્વના તેમ જ રાજકીય સરકારના ઉપાશ્રિત(subaltern) કાર્યોના અમલ કરનારા અધિપ જૂથના ‘નાયબો’ હોય છે. એમનું ઘડતર આ પ્રમાણેનું હોય છે : ૧. અધિપ બુનિયાદી જૂથે સામાજિક જીવન પર લાદેલી સર્વસાધારણ દિશાને પ્રજાના આમ-સમુદાયની મેદનીઓએ આપેલી ‘નૈસર્ગિક’ સંમતિ હોય છે. નીપજના વિશ્વમાં અધિપ જૂથનું સ્થાન અને કાર્યને લીધે એ જે ‘મરતબો’ (પરિણામ સ્વરૂપે વિશ્વાસ) ભોગવતો હોય છે તે કારણે આ સંમતિ ઐતિહાસિક સ્વરૂપે સરજાયેલી હોય છે. ૨. જે જૂથો સક્રિય કે નિષ્ક્રિયરૂપે પણ સંમતિ દર્શાવતાં નથી એમના પર રાજ્યશાસનનું આ ઉપકરણ કાયદેસરથી શિસ્ત લાદી આપી છે. ઉપકરણ, જોકે, સમસ્ત સમાજ માટે એવી અપેક્ષાએ ઘડવામાં આવ્યું હોય છે કે આદેશ અને દિશા અંગે નૈસર્ગિક સંમતિ મળવી વિફળ જાય ત્યારે ઊભી થતી કટોકટીની પળોમાં એને ઉપયોગમાં લઈ શકાય. સમસ્યાને રજૂ કરવાની આ રીતને પરિણામે બૌદ્ધિકતા નામે વિભાવનાનું લાંબુંલચક વિવરણ થઈ જવા પામ્યું છે, પરંતુ વાસ્તવિકતાની નક્કર નિકટતા સુધી પહોંચાડી આપે એવો આ એકમાત્ર માર્ગ છે. વળી એ વર્ણ(caste)ની પૂર્વવિભાવના સાથે પણ સજ્જડપણે બંધાયલો છે. સામાજિક પ્રભુત્વ અને રાજશાસનના આધિપત્યનું આયોજન કરવાની કામગીરી નિશ્ચિતપણે શ્રમની એક વિશિષ્ટ શ્રેણી ઊભી કરી આપે છે અને એના થકી પાત્રતાઓની પણ શ્રેણી ઊભી થાય છે જેમાંની કેટલીકમાં તો દિગ્દર્શિતાનું અથવા સંગઠન સાધવાની કામગીરીનું એકપણ લક્ષણ હોતું નથી. ઉ.ત. સામાજિક કે શાસકીય દિગ્દર્શનમાં શારીરિક તેમ જ ઉપકરણમૂલક લક્ષણોયુક્ત કાર્યોની એક આખી શ્રેણી હસ્તીમાં રહેલી હોય છે (કારોબારી બહારનું, પદાધિકારીઓ તેમ જ કાર્યકર્મીઓ કરતાં એમાં આડતિયાનું કામ જ વધારે હોય) તો હવે એ દેખીતું છે કે આવા ભેદ પાડવાનું પણ આવી પડતું હોય છે અને એ પણ દેખીતું છે કે આવા અન્ય ભેદો પાડવાનું પણ આવશે. ખરેખર, બૌદ્ધિક પ્રવૃત્તિને એનાં આંતરિક લક્ષણોની દૃષ્ટિએ પણ ભેદ પાડવો રહ્યો, આત્યંતિક વિરોધની ક્ષણોમાં એની અસલી પ્રકૃતિનું ગુણવત્તામૂલક ભેદનું પ્રતિનિધાન કરતું હોય છે જેના ઉચ્ચતમ દરજ્જે હશે વિવિધ વિજ્ઞાનોના, દર્શનશાસ્ત્રોના, કળાના સર્જકો અને સૌથી નીચેના દરજ્જે અત્યંત વિનમ્ર ‘વહીવટદારો’ પૂર્વેથી હસ્તીમાં રહેલી, પારંપરિક તેમ જ બૌદ્ધિક રિદ્ધિના જનકો હશે. આધુનિક વિશ્વમાં બૌદ્ધિકોની કોટિ, આ અર્થમાં સમજાઈ હોઈને, અનનુભૂત વિસ્તરણ પામી છે. લોકશાહીમૂલક-અમલદારશાહી કાર્યપદ્ધતિએ કામગીરીઓના ગંજ ખડકી દીધા છે જે બધા જ નીપજની સામાજિક આવશ્યકતાની દૃષ્ટિએ સાભિપ્રાય ઠરતા નથી, જોકે, એ અધિપ બુનિયાદી જૂથની રાજકીય આવશ્યકતાની દૃષ્ટિએ સાભિપ્રાય ઠરતા હોય છે. તેથી જ તો લોરીઆની ‘અનુત્પાદક કામગાર’ની વિભાવના આવી પડી (પરંતુ કયા સંબંધમાં અનુત્પાદક અને કોના સંબંધમાં?). આ એવી વિભાવના છે જે આંશિકરૂપે સાભિપ્રાય ઠરી શકે છે જો કોઈ એ વાતને પણ ગણતરીમાં લે કે આ આમ-સમુદાયો એમના સ્થાનનો ગેરલાભ લઈને રાષ્ટ્રીય આવકની ખાસ્સી મોટી કટકી પોતાના ગુંજામાં સેરવી લેતા હોય છે. આમ-સમુદાયોની રચના થકી વ્યક્તિઓ તો એકસમાન કદમાં વેતરાઈ ગઈ હોય છે. માનસશાસ્ત્રની દૃષ્ટિએ અને વૈયક્તિક પાત્રતાની દૃષ્ટિએ એમ બન્ને રીતે અને અન્ય એકસમાન કદવાળાઓની જેમ એ જ ઘટનાનું નિર્માણીકરણ, સ્પર્ધાનું તત્ત્વ જે આ વ્યવસાયો, બેકારી, શાળાઓમાં ઊપજોનો અતિરેક, વિદેશોમાં વસવાટ ઇત્યાદિના સંરક્ષણ માટે આવશ્યક સંગઠન રચી લેતું હોય છે.
(સન્ધિ : વર્ષ ૪ : સળંગ અંક ૧૬ : ૨૦૧૦)