બહુવચન/સત્યજિત રાય સાથે એક વાર્તાલાપ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સત્યજિત રાય સાથે એક વાર્તાલાપ
ધૃતિમાન ચેટરજી

કલકત્તાથી પ્રગટ થતા બંગાળી ફિલ્મ સામયિક ‘આનંદ લોક’ના ૧૮મી જાન્યુઆરી, ૧૯૯૨ના અંકમાં આ મુલાકાત પ્રગટ થઈ. એ અંકમાં સામયિકના તંત્રીએ આ નોંધ મૂકી છે :

ગઈ અગિયારમી ડિસેમ્બર, ૧૯૯૧ની સવારે અગિયારના ટકોરે ન્યૂ યોર્કથી એક ટેલિગ્રામ, મધ્ય કલકત્તાના બિશપ લેફ્રોયલેન પર આવેલા સત્યજિત રાયના ઘરે આવી પહોંચે છે. સત્યજિત રાયની પુત્રવધૂ લલિતા રાય એ ટેલિગ્રામ ખોલે છે. ટેલિગ્રામમાં અથવા શુભેચ્છા સંદેશમાં અકાદમી ઓવ્‌ મોશન પિક્‌ચર્સના પ્રેસિડન્ટ જણાવે છે, શ્રી રાય એમના જીવનસમગ્રના કર્તૃત્વની સિદ્ધિરૂપે ૧૯૯૨ના વર્ષનો વિશેષ ઓસ્કાર પ્રાપ્ત કરે છે. આ ઓસ્કાર એટલે જગતનું સર્વોચ્ચ સન્માન. આપણે પણ એમના અંગે સન્માનિત થયા ગણાઈએ. આ ઘટનાવિશેષને સ્મરણમાં રાખીને અમે વિશિષ્ટ એવા અભિનેતા ધૃતિમાન ચેટરજીએ લીધેલી એક સુદીર્ઘ મુલાકાત અહીં પ્રસિદ્ધ કરવાનું યોગ્ય ગણીએ છીએ. આમ તો આ મુલાકાત ઘણા વખત અગાઉ લેવાયેલી, છતાં આ અંતરંગ એવા વાર્તાલાપમાંથી સર્જક સત્યજિત રાય નવા રૂપે જાણવા મળશે.

* * *

પ્ર. : આપની તાજેતરની છબિ “શાખા-પ્રશાખા”નું ખૂબ અગત્યનું એક પાત્ર પ્રશાન્ત, કદાચ સંગીત વિશે વાત કરતાં એવું બોલતો હોય છે, ‘જે કંઈ સહજ સરળ એ જ મહત્‌,’ એટલું મૂલ્યવાન. આપનું વ્યક્તિગત જીવન-દર્શન પણ કંઈ એવું ખરું? ઉ. : હા, અલબત્ત, આ પ્રશ્નનો મારો ઉત્તર હામાં જ હોય. પણ આ અંગે હું બહુ ઊંડા પાણીમાં ઊતરવા માગતો નથી. મારી પોતાની લખેલી વાર્તાઓ ખૂબ સહજ-સરળ હોય છે, મારી ફિલ્મોનું માળખું પણ એવું જ સહજ-સરળ હોય છે અને આ ફિલ્મો બંગાળી પ્રેક્ષકોને લક્ષમાં રાખીને તૈયાર કરતો હોઉં છું. પરિણામે આ બધી ફિલ્મોમાં કથા કહેવાની રીત પણ સહજ અને સરળ ભાવવાળી હોય છે. હું જ્યારે સહજ-સરળ એવો શબ્દપ્રયોગ કરતો હોઉં ત્યારે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે મોત્ઝાર્ટ અથવા તો બેટોવનને પણ હું પ્રાથમિકભાવે સહજ-સરળ ગણતો હોઉં છું. ચોક્કસ, મોત્ઝાર્ટ કે બેટોવનના કાળમાં સંકુલ કાર્યનું પણ મહત્ત્વ રહ્યું જ છે. પરંતુ એ સઘળી જુદી જ વાતો છે. સાચું કહું તો જીવનના આ તબક્કે પહોંચ્યા પછી કોઈ પણ રીતે જટિલ કે સંકુલ બનવા હું ઇચ્છતો નથી. હું તો સરળ જીવનયાપન ઇચ્છું. હું એક નિશ્ચિત એવા લક્ષ્ય ભણી આગળ ધપવા ઈચ્છું છું. પ્ર. : આ પ્રશ્નને થોડોક ચાતરીને હું પૂછવા માગું છું. આજે પણ આપ આટલા સરળ ભાવથી ફિલ્મો બનાવતા રહો છો, એ કઈ રીતે બનતું હોય છે? કોઈ ઑફિસ નહીં, પર્સનલ કમ્પ્યુટર જેવું કશું નહીં, સઘળું જાતે જ કરતા હો છો; એટલું જ નહીં વેશભૂષા સુધ્ધાં જાતે જ આંકતા હો છો; મોટા ભાગના ફિલ્મસર્જકો કંઈ આ રીતે આજે કામ કરતા નથી હોતા. તો, આ શું તમારી પસંદગીની પ્રવૃત્તિ છે કે પછી સારા સહાયકના અભાવને કારણે કે પછી એ બન્નેનો ફાળો સાથે જ હોય છે? ઉ. : કમ્પ્યુટરને બદલે ફિલ્મ તૈયાર કરવા વિશે મારાં જે કંઈ વિચારો અને લાગણી હોય છે એને જ હું વધુ સમય ફાળવતો હોઉં છું. મહત્ત્વનો ભાર એના પર જ આપતો હોઉં છું. સૌથી પ્રથમ આવે પટકથા, જે હું જાતે જ લખું છું. બીજો ડ્રાફ્‌ટ કરવાનું પ્રયોજન ઊભું થાય તો પણ હું જાતે જ કરું એટલું જ નહીં, ત્રીજો ડ્રાફ્‌ટ કરવાની આવશ્યકતા વરતાય તો પણ હું જાતે જ એ કરું. ત્યાર પછી આવે કળાકારોની પસંદગી કરવાનું. શરૂ શરૂમાં બિનવ્યાવસાયિક કળાકારોને લઈને કામ કરવું ગમતું, પણ ધીરે ધીરે ધંધાદારી કળાકારોની સાથે કામ પાડવાનો મહાવરો પડી ગયો. પછી તો સ્વાભાવિક છે કે કામ એથીય વધુ સરળ બની ગયું. કોણ જાણે કેમ બિનધંધાદારી કળાકારો પાસેથી કામ લેવાનું સાચેસાચ ખૂબ મુશ્કેલ કાર્ય છે. પહેલી નજરે – સિનેમા તૈયાર કરવાની આખી પ્રવૃત્તિ ખૂબ સરળ જણાતી હોય, મારાં વિચારો, ભાવનાઓ અને સમયનો મોટો ભાગ બીજાં બધાં કામોમાં ખરચાઈ જાય. કેમ કે કયો અભિનેતા કેવો પોશાક પહેરશે, કઈ દુકાનેથી એ બધું ખરીદવાનું વગેરે. અત્યારે એ બધાં કામ મેં છોડી દીધાં છે. મારા સાથી જરૂરી વસ્તુઓ મારી પાસે લઈ આવે, એમાંથી હું પસંદ કરી લઉં. એ પહેલાં, પ્રોડક્‌શનનો ચાર્જ સંભાળતા લોકોને સાથે લઈને ખરીદી કરવા હું નીકળી પડતો. એ સિવાય બીજુંય લખવા કરવાનું કામ પણ રહેતું. જેમ કે શૂટિંગ શેડ્યુલ વિગતે તૈયાર કરવાનું કામ પણ જાતે જ કરતો. આ કામ પણ તદ્દન જાણે ફિલ્મ બનાવવા જેટલું જ ભારે. મૂળે તો, મને આ રીતે કામ કરવું ગમતું. કદાચ એ કારણે કામનો બોજો વધતો પણ હોય. પણ આ રીતે કામ કરવામાં અને આનંદ મળતો. હું એને જરા પણ સહજ નહીં કહું, ઊલટું, એમ કહીશ કે કામ એ રીતે કરવા માગતો, જાણે એકમાત્ર આ રીતે જ થઈ શકે. કમ્પ્યુટર અથવા બીજા કોઈને ભરોસે આ અંગેના નિર્ણય લેવાની જવાબદારી હું છોડી ન દઉં : હું જાતે જે કંઈ કરવા માગતો હોઉં એ અંગેનો નિર્ણય મારી જાતે જ લેવાનું પસંદ કરું. કોણ જાણે, આ રીતે જ મેં કામ કરવાની શરૂઆત કરેલી અને એમાં સફળ પણ રહ્યો. મારી સૌપ્રથમ ફિલ્મમાં જે પ્રમાણે મેં સફળતા હાંસલ કરેલી એના પરથી જ મેં નક્કી કરી નાખેલું, કામ કરવાનો કદાચ સૌથી સુવિધાભર્યો માર્ગ આ જ છે. એ માર્ગે જ શક્ય હોય એટલે સુધી કામ કરતો રહ્યો છું. પ્ર. : હું જે જાણવા માગું છું એ એ કે, આ આપનું સઘળાની સાથે મંડી પડવું – એ વિવિધ કારણોસર હોઈ શકે – બધું કામ જાતે જ કરવું જોઈએ એવી આસ્થામાંથી આવ્યું હોય અથવા તો કામને માટેની જવાબદારી બીજા પર ઢોળી શકાય એમ નથી એવી આશંકામાંથી પણ એ આવી હોય. લક્ષ્ય પ્રતિ પહોંચવામાં સહજતા આવી હોય એટલા માત્રથી કોઈ એને સરળતા ન પણ કહે, તેમ છતાં કામ કરવાની પદ્ધતિમાં સાહજિકતા તો રહેલી જ છે. હું એ જાણવા માગું છું કે કામ કરવાનો કે વસ્તુને જોવાનો આ પ્રકાર જ શું ફિલ્મ તૈયાર કરવામાં અત્યંત સહાયભૂત નીવડે કે પછી આપ જે કરો છો, જે રીતે કામ કરતા હો છો અને એમાં પાર ઊતરતા હો છો એ બધા પાછળ આ પદ્ધતિ હોય છે અને આપને સહાયભૂત થતી હોય? ઉ. : ચિત્ર દોરવું અથવા બાળકથા લખવી એની સાથે ફિલ્મનિર્માણની પ્રવૃત્તિની તુલના ન કરવી જ સારી. ફિલ્મ તો અનેકગણી વેરવિખેર અને વિસ્તૃત પ્રવૃત્તિ છે. એમાં કેટકેટલા વિભાગો રહેલા હોય છે. ભરોસો મૂકી શકાય એવા લોકો જડી આવે તો એમના પર અમુક જવાબદારી નાખવી જ પડે. જેમ કે, હમણાં હમણાં કેમેરાની બાબતમાં મારો દીકરો મને સહાય કરતો હોય છે. આ કામ અગાઉ હું જાતે જ કરતો. અત્યારે મારા દીકરા પર મને પૂરતો ભરોસો છે. મને શું જોઈએ એની એને જાણ હોય છે. મને પણ પૂરી ખાતરી હોય છે કે હું જે કંઈ પણ ઇચ્છીશ એ પ્રમાણે જ એ કામ કરશે. આવો ભરોસો મૂકી શકાય એ જ અસલ વાત છે. આરંભના દિવસોમાં મારે વ્યાવસાયિક સ્વર રચયિતા જોડે કામ પાડવું પડતું. અલબત્ત, આ લોકો કંઈ ફિલ્મી દુનિયાના ધંધાદારી સંગીત રચયિતા નહોતા. એઓ સંગીતજગતના ઉચ્ચ કોટિના કળાકારો હતા. ફિલ્મ માટે નાનું-મોટું સ્વરનિયોજનનું કામ કરી આપે ખરા. એ બધામાં રવિશંકરે ઠીક ઠીક કામ કર્યું. પરંતુ અનુભવે મને સમજાયું, મને જે કંઈ જોઈતું હોય એ દરેક વખતે એમની પાસેથી મેળવવું મુશ્કેલ છે. પરિણામે મારે જાતે જ કમર કસવી પડી. ઉપરાંત, એમના જેવા કળાકારો સાથે વધુ ઘરોબો કેળવાય તો વ્યક્તિગત સ્તરે સંબંધો બગડવાની આશંકા પણ થવા માંડી. શરૂઆતમાં એ બધું કામ કંઈ એટલું સરળ નહોતું, ઊલટું ખૂબ ખૂબ મુશ્કેલીભર્યું નીવડ્યું. કેમ કે સ્ટાફ નોટેશન મને સમજાય નહીં, એ સિવાય બંગાળી નોટેશન રીતિનો પણ હું પૂરો જાણકાર તો નહિ જ. સ્ટાફ નોટેશન લઈને જ મેં કાર્ય આરંભ્યુ. બાળપણમાં મિનિએચર સ્કોર લઈને સંગીત સાંભળવા બેસતો એ આવે વખતે ખપમાં આવ્યું. પછી જોયું કે વાદ્યકારોને પ્રાયઃ પ્રત્યેકને સ્ટાફ નોટેશન ટ્રાન્સક્રાઈબ કરી આપવા પડતા. પછી તો ઓર્કેસ્ટ્રેશન માટે મેં મારી પોતાની બંગાળી નોટેશન પદ્ધતિ ઊભી કરી લીધી. આજે પણ મેં એ રીત જ ચાલુ રાખી છે. મને લાગે છે કે કદાચ આ જ પદ્ધતિ આપણા માટે એકમાત્ર અને સાહજિક ગણાય એવી છે. સિનેમાનું સર્જન ખૂબ જ વિશિષ્ટ એવું કાર્ય છે. મારા બીજા કોઈ કામ જેવું એ જરા પણ ન ગણી શકાય. જેમ કે ગ્રાફિક્‌સ અંગેનું મારું કામ. પ્ર. : ઘણાં વર્ષો પૂર્વે અમલ ભટ્ટાચાર્ય વ્યાખ્યાનમાં આપે એવું મંતવ્ય રજૂ કરેલું, સિનેમાનું સર્જન કરવું અને બાળસાહિત્ય લખવું – આજીવિકા માટે આપના આ મૂળભૂત લક્ષ્ય રહ્યાં છે. તો, આજે પણ શું આપ એવું કહી શકો ખરા? એવું બીજું કોઈ કામ જે કરવામાં તમને આનંદ આવ્યો હોત અથવા હાથમાં લીધા પછી કરી શક્યા હોત. એટલે કે ફિલ્મસર્જન અને બાળકથાઓ લખવા સિવાયનું. આજે પાછા વળીને એક વાર તમારું પોતાનું કામ જુઓ તો એ અંગે તમારું શું માનવું છે? ઉ. : મને લાગે છે સર્જક કળાકાર તરીકે હું જે કરવા ઇચ્છતો હતો એમાંનું હું બધું કરી છૂટ્યો. મેં કદી ચિત્રકાર બનવાનું ઇચ્છ્યું નહોતું. એને બદલે હું ગ્રાફિક ડિઝાઈન કરું છું. હું ઇલસ્ટ્રેશન કરું છું અને આ કામ કરવું મને ખૂબ ગમતું હોય છે. શરૂઆતમાં આ કામમાં ખૂબ ઉત્તેજના અનુભવતો, પરંતુ હમણાં આ કામ મેં ઘણું ઓછું કરી નાખ્યું છે. ખાસ કરીને મારી ઉમ્મરના કારણે. પરિણામે હું ફિલ્મ બનાવવામાં અને વાર્તાઓ લખવામાં વિશેષ મન પરોવું છું. પરંતુ અનુકૂળતા અને સમય મળ્યાં હોત તો કેવળ એક જ કામ કરવામાં મને ખૂબ આનંદ થયો હોત, એ હતું ‘વાલ્મીકિ પ્રતિભા’ને આધારે બંગાળીમાં એક ઓપેરાનું નિર્માણ કરવું. એમાંની ગીતરચનાઓનું ઓર્કેસ્ટ્રેશન દ્વારા સંયોજન કર્યું હોત, એટલે કે ઓર્કેસ્ટ્રેશન દ્વારા એમાં રહેલાં ગાબડાં પૂરી શકાયાં હોત. આને અંગે મેં ખૂબ વિચારણા કરી રાખી હતી. પણ એ કશા નક્કર સ્વરૂપે અમલમાં ન મૂકી શકાયા. કેવળ આ એક વસ્તુ અનુકૂળતા મળી હોત તો ચોક્કસ કરી હોત. થિયેટર, ખાસ કરીને રંગમંચ મને કદી આકર્ષી શક્યું નહીં. ઉપરાંત અનેક પ્રતિભાશાળી કળાકારોએ મંચ પર કાર્ય કર્યું છે અને કરી પણ રહ્યા છે, એમના હાથમાં રંગમંચ પૂરેપૂરો સલામત છે. ફિલ્મના ક્ષેત્રે પરિસ્થિતિ એવી સારી નથી. મને લાગે છે કે થિયેટર ઘણું વધારે સમૃદ્ધ રહ્યું છે. અનેક પ્રકારનું રસપ્રદ કાર્ય રંગમંચ પર લગભગ સતત ચાલતું રહ્યું છે. ફિલ્મમાં એટલું બધું કામ કાઈ શક્યું નથી. છતાં, મારા લોહીમાં સિનેમા તૈયાર કરવાની વૃત્તિ પ્રબળ રહેલી છે. મારો ઉદ્દેશ પણ સિનેમા તૈયાર કરવાનો રહ્યો. રંગમંચ એવો કદી ઉપેક્ષિત રહ્યો નથી. માત્ર આ એક સ્વરૂપ એવું રહી ગયું જેમાં વિશેષ કંઈ કામ થઈ શક્યું નથી, ખાસ કરીને રવીન્દ્રનાથના આ નાટક અંગે. એમના પહેલાંના કામમાં ગીતરચનાઓ ઘણી અદ્‌ભુત હતી, પાછળથી એનો પ્રકાર ઘણો બદલાઈ ગયો. મને યાદ આવે છે, એમનું આરંભના ગાળાનું – જોડાસાંકોરપર્વના ગાળાનું કામ. એ વખતે એમના કામ પર મોટા ભાઈ જ્યોતિરીન્દ્રનાથનો પ્રભાવ ખૂબ પડેલો. એઓ બન્ને સાથે મળીને કામ કરતા. ધ્યાનથી તપાસી જોતાં જણાઈ આવશે, એ વખતે જુદા પ્રકારના સંગીતે, જુદા પ્રકારનાં ગીતોએ જન્મ ધારણ કર્યો હતો. પાછળના કામમાં એ પ્રકાર જોવા મળતો નથી. રવીન્દ્રનાથ કલકત્તા છોડીને કાયમ માટે શાન્તિનિકેતન જતા રહ્યા ત્યારે જ જ્યોતિરીન્દ્રનાથના પ્રભાવમાંથી મુક્ત બન્યા. એ વખતે એમણે તદ્દન અહીંથી માંડીને ત્યાર પછીના ગાળામાં એક પોતાની આગવી શૈલી ઊપજાવી. ઘણી બધી અમર રચનાઓને જન્મ આપ્યો. પ્ર. : નાટકનો વિષય વાતમાં પ્રવેશ્યો એ તો ખૂબ મજાની વાત. ધારો કે કોઈ આવીને એવો પ્રસ્તાવ મૂકે કે ‘ગણશત્રુ’ અથવા તો ‘શાખા-પ્રશાખા’ને રંગમંચ પર રજૂ કરો તો આપને એ કેવું લાગે? ઉ. : ના, ના, ના, આ ઉમ્મરે હું કોઈ હિસાબે એ કામ કરું નહીં. આજથી વીસ કે ત્રીસ વર્ષ પહેલાં જો આવો કોઈ પ્રસ્તાવ હોત તો એ વિશે વિચારણા કરી જોવાનું કદાચ ગમ્યું હોત. હવે તો નહીં જ. અને મને નથી લાગતું કે આવો કોઈ પ્રસ્તાવ આવી પડે. રંગમંચના અભિનેતાઓ સાથે કામ પાડવાની મને કશી સમજણ નથી, કેમ કે મેં કદી આવું કામ કર્યું નથી. ધારો કે મેં કર્યું હોત, તો પણ એ મારી પસંદગી મુજબનું ન હોત, ખામીવાળું હોત, જેવું પણ થયું હોત કદાચ મને ગમ્યું હોત. અત્યારે આ ઉમ્મરે નવી પ્રવૃત્તિની સમજણ કેળવવાની ઇચ્છા નથી રહી. પ્ર. : આપે ખામીવાળું બન્યું હોત એવી જે વાત કરી એથી શું કહેવા માગો છો? ઉ. : ધારો કે ફિલ્મ બનાવવાનું શક્ય ન રહ્યું હોત તો મારે બીજું કશુંક કરવું તો પડત જ. બંગાળી ફિલ્મ બનાવવાનો ખર્ચ જે પ્રમાણે વધવા માંડ્યો છે, કાચી ફિલ્મના ભાવ ઊંચા ને ઊંચા જતા જાય છે, બધી જ વસ્તુના ભાવ જે રીતે વધવા માંડ્યા છે. એ સિવાય ભારતમાં મારી ફિલ્મોની મર્યાદિત બજાર પર મદાર રાખીને ફિલ્મો બનાવ્યે જવી એ અત્યંત મુશ્કેલ કાર્ય છે. હું કામ કરતો રહ્યો છું મૂળે તો મારી ફિલ્મોની વિદેશી બજારની આવકમાંથી. હમણાં જો એવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય કે કેવળ રંગમંચ પર કામ કર્યા વિના બીજો કોઈ ઉપાય જ ન રહે તો કદાચ કરું પણ ખરો, અને કોને ખબર છે એ જ કામ મને ગમવા પણ માંડે? તું જાણતો નથી, પ્રારંભથી જ સિનેમા સાથે હું એટલો બધો ઓતપ્રોત રહ્યો છું, એનું એટલું તો અનુશીલન કર્યું છે, ફિલ્મો જોવાનો આનંદ એટલો તો હાથવગો રહ્યો છે. જરૂર, હું નાટકો જોવા જાઉં ખરો, એ વિશે ખરાખોટાની આલોચના પણ કરી શકું, પરંતુ એ કંઈ સર્જનાત્મક ન ગણી શકાય. એ તો ક્રિટિકલ થવાની વાત ગણાય. પ્ર. : હમણાં જ આપે એક રસપ્રદ વાત કરી. આપે કહ્યું કે આપનું નાટકની દુનિયામાં ન આવવાનું મુખ્ય કારણ એ હતું કે નાટક એ વખતે કેટલાક પ્રતિભાશાળી અને સુરક્ષિત હાથોમાં હતું, જ્યારે સિનેમાજગતમાં એનો સમૂળગો અભાવ હતો. આ એક હકીકત છે. એક સૃજનશીલ કળાકારે કયા માધ્યમમાં કામ કરવું એ નિર્ણય લેવામાં આ વાત મહત્ત્વની ખરી કે? ઉ. : પ્રત્યેક મનુષ્યમાં એક છૂપી ઇચ્છા ધરબાયેલી પડી હોય છે, બીજા બધા કરતાં વધારે સારા બનવાની અથવા તો સૌથી ચડિયાતા બનવાની. હા, હા. ખબર નથી પડતી આ વાત કઈ રીતે સમજાવવી. હું બધો જ વખત શંભુના કામની, ઉત્પલના કામની, બીજા કેટલાંક કામ, બીજાં પણ કેટલાંક જૂથની પ્રશંસા કરતો. નાટક જોવાની શરૂઆત શિશિર ભાદુડીથી કરેલી. એમના અભિનય પર હું ખુશ હતો, છતાં હંમેશ નહીં. એમનાં નાટકોનું આયોજન વગેરે ખૂબ નબળાં રહેતાં. આખરી-સ્પર્શ, જે કારણ સઘળું ઊભરી આવે એવું ફિનિશ ન મળે. એ સિવાય, અમુક પ્રતિભારહિત ટેક્‌નિશિયનો દ્વારા એમને કામ કરવું પડતું. લોકો તો કેવળ શિશિર ભાદુડીને જોવા જતા. ત્યાર પછી ઈપ્ટાનું આગમન થવું, બિજન ભટ્ટાચાર્યનાં નાટકો લઈને એક પછી એક નવા જ પ્રકારનું કામ આવતું થયું. એ બધું ખૂબ સરસ હતું, ખૂબ આંતરિક હતું. નાટકની રજૂઆતનાં આવાં આયોજનો જોઈને આવેગથી હું પ્લાવિત થઈ જતો. ત્યાર પછી પણ જુદા જુદા નાટકવાળાઓએ કામ શરૂ કરી દીધેલું. એ બધા પણ ખરેખર ઘણા ઊંચી શ્રેણીના પ્રયોગો કરતા હતા. મને કદી એવું નથી લાગ્યું કે હું પોતે ક્યારેય ઉત્પલના શ્રેષ્ઠ પ્રોડક્‌શન જેવું કામ કરી શકું. મને હંમેશાં લાગ્યું છે કે એ વસ્તુ મારામાં છે જ નહિ. જોકે કસોટીએ ચડવાનો પ્રસંગ આવ્યો નહિ છતાં મને લાગ્યા કરતું કે મારા વશની વસ્તુ નહોતી. પ્ર. : હવે થોડું વિષયાંતર કરીએ. આપની છેલ્લી બે ફિલ્મો છે ‘ગણશત્રુ’ અને ‘શાખા-પ્રશાખા’. બન્ને ફિલ્મોમાં બે વિશેષતાઓ છે. પહેલી તદ્દન સરળ અને તેથી જ અલંકારરહિત, અડબંગ શૈલી. અને બીજી, વ્યક્તિગત શૌર્ય, સાહસ, સચ્ચાઈ વગેરે લઈને સીધેસીધા વક્તવ્યની રજૂઆત. વાત એમ છે કે તમે એક એવું માધ્યમ પસંદ કર્યું જે તમને કેટલુંક વિશેષ વક્તવ્ય રજૂ કરવાની અનુકૂળતા કરાવી આપે છે. એકાદ વાર્તા લઈને એની અંદર રહેલા સિદ્ધાંતને બહાર ખેંચી લાવવું પડતું નથી. શું આપ આજે આપના આગલા કામથી દૂર સરકી આવવાનું ગણો છો? જો એવું હોય, તો પછી એનું પ્રયોજન શા કારણે જરૂરી લાગ્યું? ઉ. : એમાંનું કેટલુંક અવશ્ય સાચું છે. જોકે આ પહેલાં પણ મેં ‘જન અરણ્ય’ કે ‘પ્રતિદ્વંદ્વી’ જેવી ફિલ્મોમાં મારું વક્તવ્ય રજૂ કરેલું છે. છતાં દિવસો જતા જાય છે એમ હું સતત અનુભૂતિ કરતો રહું છું, હું પણ મારા સમયનો અને સમવયસ્ક એવો એક માનવી છું. મારી ચારેકોર આજે જે બની રહ્યું છે એ સંબંધી મારે મારું મંતવ્ય રજૂ કરવું જ રહ્યું. મારી સગી આંખે જોઉં છું કે માણસ આજે કઈ રીતે જીવી રહ્યો છે. જુદી જુદી શ્રેણીના લોકોના જુદા જુદા મૂલ્યબોધ સંબંધી પણ હું માહિતગાર છું. ઓગણીસમી સદીમાં પાછા ચાલ્યા જવાની કોઈ વાસના મારામાં નથી. મારી નવી ફિલ્મ (આગંતુક)માં પણ વક્તવ્ય રજૂ કરવાનો મેં પ્રયત્ન કર્યો છે, આ ફિલ્મ આજના સમયની ઝાંખી કરીને બનાવી છે. ‘ગણશત્રુ’થી આ પ્રવૃત્તિનો આરંભ થયો. નાટક પર આધારિત એવું આ કાર્ય પરિસ્થિતિના દબાણ હેઠળ કરવું પડ્યું, પરંતુ એ ફિલ્મનું વસ્તુ ઓગણીસમી શતાબ્દીના સ્કેન્ડિનેવિયામાંથી ઊંચકીને મેં સાંપ્રત સમયના પશ્ચિમ બંગાળમાં મૂકી આપ્યું છે. એ આખા વ્યાપારને અત્યંત સફળતાપૂર્વક ‘બંગાળી’ કરી આપવા સમર્થ રહ્યો છું. આ ફિલ્મનો વિષય મને મારો દૃષ્ટિકોણ રજૂ કરી આપવાની અનુકૂળતા કરી આપે એમ લાગવાથી હું ભારે ઉત્તેજિત થઈ ગયો હતો. શક્ય હતું એટલે સુધી ઉત્સાહપૂર્વક, સહજભાવે, સીધેસીધું મારું મંતવ્ય રજૂ કરવાનો પ્રયત્નો કર્યો છે. નાટ્યાત્મકતાને સ્હેજ પણ બાદ રાખ્યા વિના. કેમ કે બન્ને ભાઈઓ વચ્ચેનો સંઘર્ષ ખૂબ બળૂકો હતો. કોણે કઈ રીતે ફિલ્મને સ્વીકારી એ મારે મન મહત્ત્વનું નથી, એ કામ કરવાથી મને પૂરો સંતોષ થયેલો, એટલું પૂરતું છે. ત્યાર પછી ‘શાખા-પ્રશાખા’ આવી. અગાઉથી જ જણાવી દઉં કે આ વાર્તા પચ્ચીસ વર્ષ પૂર્વે એક ટૂંકીવાર્તા રૂપે પ્રસિદ્ધ થયેલી. મારી આ ફિલ્મમાં એ જ પરિવાર એના એ રૂપે રજૂ થયો છે. એ જ ચાર દીકરા, બે પુત્રવધૂ. ટૂંકીવાર્તામાં છે યથાતથ એમ જ. પરંતુ એ વાર્તામાં બે નંબરી, એક નંબરી, બ્લેક-મની એ વાતો નહોતી. ટૂંકીવાર્તામાં એ સમયે પ્રાસંગિક ગણાતી વિયેટનામની ઘટના આવે છે. એ વિયેટનામ આજે એટલું પ્રસ્તુત રહ્યું નથી, એટલે એને બદલે મારે બીજી કોઈ પ્રાસંગિક ઘટના આણવી પડી. નીતિમત્તાના કથળતા જતા ધોરણ અંગે આજે પ્રત્યેક જણ સારી પેઠે પરિચિત છે. સમાજના પ્રત્યેક સ્તરે, જીવનના પ્રત્યેક વળાંકે, પ્રત્યેક દિવસે પ્રત્યેક કામમાં આપણે અનીતિના મોઢામોઢ ઊભા રહીએ છીએ. એનો આ સમયે કોઈ જ અસ્વીકાર કરી શકે નહીં. આ તો નિશાન તાકવા જેવો વિષય છે એવું મને લાગેલું, કંઈ નહીં તોય મારી એકાદી ફિલ્મામાં તો એ વિષય આવવો જ જોઈએ. પ્ર. : ‘ગણશત્રુ’, ‘શાખા-પ્રશાખા’, ‘આગન્તુક’ – એક પછી એક ત્રણ ફિલ્મોમાં જે બધા ‘ઈશ્યુ’ લઈને કહેવા માગતા હતા અથવા એ અંગે કંઈક કહેવું ઉચિત સમજ્યા હો, એને લઈને આપે કામ પણ કર્યું. પણ આપને શું આગમચથી એવો અણસાર હતો ખરો કે આપને જરૂરી લાગ્યા એ ‘ઈશ્યુ’ઓવાળી ફિલ્મો ચોક્કસપણે આપણે ત્યાંના મોટા ભાગના દર્શકો સુધી પહોંચી શકે એમ નથી? ઉ. : એ તો હવે જોવાનું રહ્યું. ‘શાખા-પ્રશાખા’ અહીં જે બે-ત્રણ ઠેકાણે દેખાડાઈ એમાં, મને લાગે છે કે પ્રેક્ષકોનો પ્રતિભાવ પ્રમાણમાં સારો રહ્યો. બીજા પણ મોટી સંખ્યાના પ્રેક્ષકોનો પ્રતિભાવ કેવો હશે એ અંગે હું કશું કહી શકું નહીં. પ્રેક્ષકો અંગે, મારું માનવું છે કે, ક્યાંક કશો જબરો ગોટાળો થઈ ગયો છે. અંગત રીતે હું પાંચ વર્ષ સુધી મારા કાર્યક્ષેત્રની બહાર રહ્યો એ દરમ્યાન બીજા દિગ્દર્શકો કામ કરતા જ હતા, પણ એમાંથી કોઈ પણ ‘ક્લિક’ થયો નહીં. કદાચ એઓ આંતરરાષ્ટ્રિય ફિલ્મ મહોત્સવોને ધ્યાનમાં રાખીને ફિલ્મ બનાવી રહ્યા હોય. અહીં એમના બેચાર પ્રાઈવેટ શોઝ થાય, એમાં જોવા આવનારા પ્રેક્ષકો એમની પીઠ થાબડે, એટલાથી રાજીના રેડ. ત્યાર પછી એમની ફિલ્મો જુદા જુદા ફિલ્મોત્સવમાં મોકલી આપે. કાં તો બ્રિટિશ, અથવા કોઈ અમેરિકન કે પછી કોઈ ફ્રેન્ચ સમીક્ષકો એમના બારામાં બેચાર સારી-સારી વાતો કહે; એમાંના કોઈ વળી ઈનામ-અકરામ પણ લઈ આવે, પરંતુ એમની ફિલ્મો વિદેશમાં વ્યાપકરૂપે દેખાડવામાં ન આવે. એમાં વળી અહીં દેખાડવાની તો વાત જ ક્યાંથી હોય? બધે ઠેકાણે કદાચ ન પણ હોય, મોટે ભાગે આ પ્રમાણે બનતું હોય છે. આ ઘણું બેહૂદું ગણાય. આ પદ્ધતિમાં જ કશીક ખામી રહેલી છે. અત્યારે પણ મને યાદ આવે છે કે મેં ‘શાખા-પ્રશાખા’ મૂળભૂત રીતે ભારતીય પ્રેક્ષકોને લક્ષમાં રાખીને બનાવી છે. ‘બ્લેક-મની’ એક એવો શબ્દપ્રયોગ છે જેનો ઉલ્લેખ અંગ્રેજી શબ્દકોશમાં તમને કશે પણ નહીં જડે. એમાં તમને ‘બ્લેક-માર્કેટ’ જડશે, ‘બ્લેક-મની’ નહીં જડે. એ પૂરેપૂરી ભારતીય કલ્પના છે. એના પરથી મેં એવું ધારેલું કે વિદેશી પ્રેક્ષકોને આ ફિલ્મમાં આપણે ત્યાંના લોકો અને એમના મૂલ્યબોધ સંબંધે કશીક નવી જાણકારી મળે. અહીંના પ્રેક્ષકો તો આ બધું જાણતા હોય છે, સમજતા હોય છે. એટલે અહીં નજરે ચડતી પરિસ્થિતિ અંગે એમનો પ્રતિભાવ કેવો હોઈ શકે? પ્ર. : પાંચેક વર્ષ તમે સક્રિય કામથી દૂર રહ્યા, દરમ્યાન કહેવાતા ગંભીર સિનેમાની ગતિવિધિ કેવીક રહી એ અંગેના તમારા અવલોકન બારામાં એક સવાલ ઊભો થાય છે. સાઠના કે સિત્તેરના દાયકામાં આ પ્રકારના સિનેમા પરત્વે અહીંના પ્રેક્ષકો ભારે ઉત્સાહી રહ્યા હતા. કોઈ નવો દિગ્દર્શક, કોઈ નવી વિચારધારા મળીને જે પ્રવૃત્તિ થતી એમાંનું આજે સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગયું છે. ગંભીર સિનેમા અત્યારે અલ્પસંખ્યક સમાલોચકો, મહોત્સવો અને ફિલ્મ સોસાયટીના સભ્યો પૂરતા મર્યાદિત રહ્યા છે. આવી પરિસ્થિતિ શેને કારણે ઊભી થઈ? મોટા ભાગના પ્રેક્ષકોનાં વિચારો અને લાગણીઓ, એમના દૃષ્ટિબિન્દુ પર પ્રભાવ પાડવામાં પચાસ કે સાઠના દાયકાના સિનેમા જેટલા કાર્યક્ષમ હતા એટલા જ આજે પણ કાર્યક્ષમ છે એવું તમને લાગે છે ખરું? ઉ. : નહીં. મેં તો કહ્યું જ છે, પૂરી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. સૌપ્રથમ એ કહેવું પડે કે પ્રેક્ષકોમાં ક્યાંક ગરબડ થઈ ગઈ છે. ઉપરાંત સિરિયસ ફિલ્મસર્જકોની કૃતિઓ વ્યાપારી ધોરણે દેખાડવાની અનુકૂળતાનો અભાવ પણ એક મોટું કારણ છે. શક્ય છે ફિલ્મસર્જકો અને એમની કૃતિઓમાં કશીક ખામી છુપાયેલી પડી હોય. શક્ય છે ખામી કોઈ વ્યવસ્થાતંત્રમાં ન પણ હોય. ઉદાહરણ આપવું હોય તો હું ‘મિર્ચ-મસાલા’ ફિલ્મનું આપું. હું ખાતરીપૂર્વક કહું છું, આ એક પ્રશંસનીય ફિલ્મ છે. ઘણાં લોકપ્રિય તત્ત્વો એમાં રહેલાં છે, છતાં ફિલ્મ આખર સુધી ગંભીર રહી છે. ખૂબ સારી રીતે તૈયાર કરવામાં આવી છે. સરસ અભિનય છે. આ ફિલ્મ અથવા તો ‘આક્રોશ’ કે પછી ‘ભવની ભવાઈ’ જેવી ફિલ્મો જ અત્યારે મોટા ભાગના દિગ્દર્શકોએ બનાવવા જેવી છે. પરંતુ એઓ એવું કશું કરતા નથી. ગૌતમ ઘોષે ‘અન્તર્જલિ યાત્રા’ બનાવી, આપર્ણા સેને ‘સતી’ બનાવી. પરંતુ એમણે પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને આ નથી બનાવી. ‘અન્તર્જલિ યાત્રા’ નિઃશંકપણે બનવી જરૂરી છે, એ એવી રીતે બનાવવી જોઈએ કે પ્રેક્ષકો માટે એ પ્રેક્ષણીય બની રહે. આ ફિલ્મો એવી રીતે બનાવવામાં નથી આવી. પ્ર. : જે રીતે પ્રેક્ષકની રુચિ બદલાઈ છે, પ્રેક્ષક બદલાયો છે, એ વાત ધ્યાનમાં રાખીને જ પ્રેક્ષક સુધી પહોંચવા દિગ્દર્શકે હજુ પણ વધારે સચેત અને સચેષ્ટ બનવાની વાત આપ કરી રહ્યા છો? ઉ. : મારી પાસે તો આ વાત એક અભ્યાસની જેમ ઊભેલી છે. હંમેશાં એક વિશેષ દર્શકગણ મારા ધ્યાનમાં હોય છે. મને એવું જણાયું છે કે આ પ્રેક્ષકસંખ્યા મોટે ભાગે બરાબર જ હોય છે. આટલી ફિલ્મો બનાવ્યા પછી, આટલો વખત કામ કર્યા પછી એક દિગ્દર્શકના હિસાબે હું આ પ્રેક્ષકશ્રેણીમાં શ્રદ્ધા મૂકી શકું છું. ‘શાખા-પ્રશાખા’ વિશે પણ એમાં કશો વ્યતિક્રમ થવા નહીં પામે. ‘ગણશત્રુ’ બોક્સ ઓફિસ પર સફળ ન થઈ– એનું કારણ હું ચોક્કસપણે કહી શકતો નથી. પણ વિતરણવ્યવસ્થા એમાંનું એક કારણ હોઈ શકે ખરું. જોઈએ એવી જાહેરાત ન થઈ, પોસ્ટરો પણ નહોતાં બન્યાં, બિલબોર્ડો પણ નહોતાં ગોઠવ્યાં. મારા પર ઘણા લોકોના ટેલિફોન આવ્યા, એમણે એવું જણાવ્યું કે ફિલ્મ ક્યારે આવી અને ક્યારે જતી રહી એ વિશે અમે તો અંધારામાં રહી ગયા. એટલે એ એકમાત્ર ફિલ્મના આધારે હું કશી તારવણી કરવા ઇચ્છતો નથી. ‘શાખા-પ્રશાખા’ની જો યથારૂપ જાહેરાત થાય તો શક્ય છે સામાન્ય માણસ પણ એ જરૂર જોઈ શકે. જાહેરાતની અગત્યતાને કદી ઉવેખી શકાય નહીં. કોઈ પણ ફિલ્મની રજૂઆત પાછળ જો જાહેરખબરનું યોગ્ય પીઠબળ હોય તો મૂડીનું રોકાણ પાછું પ્રાપ્ત કરવું સહેલું થઈ પડે. પ્ર. : પ્રેક્ષકની વાત નીકળી જ છે એટલે યાદ આવી જાય છે કે કેટલાંક વર્ષો પૂર્વે આપેલા પ્રવચનમાં આપે કહેલું કે કલાસમ્મત કોઈ કાર્ય અને કેવળ કારીગરી દક્ષતાસંપન્ન કાર્ય વચ્ચે ભેદ પાડવા જતાં કલાના પ્રયોજનનો મુદ્દો ઉપસ્થિત કરવો પડે. અને એ અંગે અનેક પ્રતિક્રિયાઓ આવી પડે. પ્રયોજન રસિકવર્ગ માટેનો. મોટી સંખ્યાના લોકો અને રસિકવર્ગ, એ બેઉ શ્રેણીને તમે કઈ રીતે તૃપ્ત કરતા હો છો? મેં આ પ્રશ્ન એટલા માટે પૂછ્યો કે, મર્યાદિત સંખ્યાના પ્રેક્ષકો માટે ફિલ્મ બનાવનારા, જેમની વાત તમે આગળ કરી, એ લોકો પોતાના કામ વિશે એવું કહેતા જણાયા છે કે એઓ કેવળ રસિકજનો માટે ફિલ્મો બનાવે છે. ઉ. : જો કેવળ રસિકવર્ગ માટે ફિલ્મ બનાવવી શક્ય હોય, તો એમાં કશું ખોટું થાય છે કે ભૂલભરેલું છે એવું ન કહી શકાય. અહીં પહેલેથી જ એક વાત આપણે ધ્યાનમાં રાખવા જેવી છે કે જે નાણાં ખરચીને ફિલ્મ તૈયાર કરવામાં આવે છે એ નાણાં આખરે તો ઘરમાં પાછાં ફરવાં જોઈએ. ફિલ્મ બનાવવાના આ આર્થિક પાસા અંગે હું પોતે ઘણું બધું વિચારતો હોઉં છું. મને એવું લાગે છે, જે પ્રમાણે લોકો હજુ પણ સિનેમા જોવા જાય છે, હજુ પણ નાટક જોવા જાય છે, પુસ્તકમેળામાં જાય છે, કવિતાપઠન સાંભળવા જતા હોય છે, અને જે પ્રમાણેનો એક પ્રેક્ષકવર્ગ રહેલો છે. એને સુયોગ્ય ભોજન અપાય તો ભવિષ્યમાં પણ એ જ પ્રેક્ષક નજરે પડતો રહેશે. કોઈ પણ સિનેમાનાં અનેક પરિમાણો હોય છે. એમાંનાં કેટલાંક પરિમાણ કદાચ કેવળ રસિકજનોને જ ગમે એવાં હોય, પરંતુ માનવીય સંપર્ક, ભાવાવેગ ઇત્યાદિ ગુણ એકી સમયે સામાન્ય માનવીને આકર્ષતા હોય છે. એટલે સિનેમાના અનેકવિધ સ્તરો હોવા જરૂરી છે. કેવળ રસિકજનને સંતોષી શકે એવી ફિલ્મ બનાવવી એવા ભ્રમમાં રહી શકાય નહીં. એ કામ એટલું બધું સરળ પણ નથી. ખૂબ અઘરું કામ છે. આ કામ યોગ્ય રીતે કરવા સજ્જતા હોવી જરૂરી છે. મારી પ્રથમ ફિલ્મની રજૂઆતના બારામાં હું ખૂબ ભાગ્યશાળી રહ્યો. એમાં માનવીય વૃત્તાંત હોવા છતાં, રસિકજનો માટે પૂરતા પ્રમાણમાં ભાવતાં ભોજન હતાં. હું એ જ પ્રણાલી જારી રાખવાનો પ્રયત્ન કરતો રહ્યો છું, જેમાં સામાન્ય માનવીને તેમ જ રસપ્રિયવૃત્તિ માટેની ઉપભોગસામગ્રી એકી વખતે ઉપસ્થિત હોય. પ્ર. : ટેલિવિઝન અને વિડિયો જે ઝડપી ગતિએ દોડવા માંડ્યાં છે એ જોઈ ઘણાનું કહેવું છે કે સિનેમાનું ભાવિ ભયમાં છે. મારો પ્રશ્ન છે, આપણા દેશમાં ટેલિવિઝન પ્રસારણ સંબંધે આપ શું માનો છો? કેવળ મધ્યમવર્ગના માનવીના મનોરંજન અને વસ્તુઓ વેચવાની બજાર તૈયાર કરવા સિવાય આ દેશમાં ટેલિવિઝન શું બીજે કોઈ સારે માર્ગે જઈ શકે એમ છે જ નહીં? ઉ. : સાચી વાત કરું તો ટેલિવિઝન બાબતે હું મારામાં એવો કશો ઉત્સાહ જગાડી શક્યો નથી. હા, ટેલિવિઝન માટે કેટલીક ફિલ્મો મેં બનાવી જરૂર છે. એમાંની એક ‘પિકુ’ ફ્રેન્ચ ટેલિવિઝન માટે. બીજી ‘સદ્‌ગતિ’, ભારતીય ટેલિવિઝન માટે. ઝાઝી કશી ચિંતા કર્યા વિના કે વિચાર્યા વિના મેં નાનકડા પરદા માટે આ બે ફિલ્મો બનાવી. ફિલ્મ બનાવવાની મારી નિયત રીત મુજબ મેં એ બનાવી. એ કહી શકાય ખરું કે ટી. વી. જોવાનું મેં લગભગ બંધ કરી દીધું છે. વચ્ચે વચ્ચે થોડું કંઈક જોઈ લઉં. એ પણ એટલું નિમ્ન હોય છે, ખાસ કરીને કલકત્તા દૂરદર્શન. હું નેશનલ નેટવર્કની વાત નથી કરતો, બાકી અહીંનું આયોજન તો ભારે રેઢિયાળ; સસ્તી રીતે તૈયાર કરાયેલું. અંગત રીતે મને મોટા પરદા માટે કામ કરવામાં જ આનંદ આવે છે. ટેલિવિઝન તરફ સરકી પડવા પહેલેથી ગંભીર કશું વિચાર્યું નથી. પ્ર. : નહીં, ટેલિવિઝન માટે ફિલ્મ બનાવવા અંગે તમે કેટલા ઉત્સાહી છો, એવું પૂછવાનો મારો ઇરાદો હતો જ નહીં- ઉ. : કોઈ વ્યક્તિ ટેલિવિઝન પર આવતા કાર્યક્રમોના સતત સંપર્કમાં ન હોય તો આપણા દેશમાં ટી. વી. પર શું ચાલી રહ્યું છે એ જાણવું શક્ય નથી. મેં રીતસરનો આવો કોઈ અભ્યાસ કર્યો નથી. આનું કારણ મારા મતે કદાચ એ હોઈ શકે, મારા ઘરના જે ઓરડામાં ટી. વી. રાખવામાં આવ્યું છે એ ઓરડામાં મારાથી દર વખતે જઈ શકાતું નથી. ઉપરાંત, હું જે ઓરડામાં બેસું છું ને કામ કરતો હોઉં છું ત્યાંથી ટી. વી.વાળો ઓરડો ખાસ્સો દૂર પણ છે. એટલે દૂર જઈને ટી. વી. જોવાની ઈચ્છા પણ કદી થતી નથી. ટી. વી. પર કોઈ ચમકપ્રદ કાર્યક્રમ આવવાનો છે એવી કશી ખબર પણ મને મળતી નથી. એક અરસામાં હું સારું એવું ટી. વી. જોતો ખરો, પણ મારું મન ઠરે એવું કશું એમાં મળતું નહીં કે એવી કશી ઉત્તેજના પણ મળતી નહીં. સિનેમાની સરખામણીમાં આ માધ્યમની સંભાવનાની વાત પણ મારા મનમાં એટલી સ્પષ્ટ નહોતી. આ માધ્યમ દ્વારા દર્શકોની વિપુલ સંખ્યા સાથે ઘડીકભરમાં નાતો બાંધી શકાય એની ના નહીં, પણ એ તો કેવળ વ્યાપારિક દૃષ્ટિએ. એ સિવાય થિયેટરમાં અથવા સિનેમામાં દર્શકોનું જેમ ફીડબેક પ્રાપ્ત કરી શકાય, અહીં એ સમૂળગું ન થાય. આ અત્યંત જરૂરી હોય છે. હું સિનેમા જોવા એટલો બધો ટેવાયેલો છું કે ટેલિવિઝનમાં મને ઘણું ઘણું ખૂટતું લાગતું હોય છે. ગમે તે કારણે, આપણા દેશમાં લોકોએ જોયેલી વસ્તુ કેવી લાગી એ પત્ર દ્વારા જણાવવાની ટેવ પાડી નથી – એટલે જાણવા પણ મળે નહીં. પ્ર. : અહીં મને તારકોવસ્કીના પુસ્તક ‘સ્કલ્પટિંગ ઈન ટાઈમ’ની યાદ આવે છે. એના પુસ્તકનાં પ્રથમ બે કે ત્રણ પ્રકરણોમાં એમની ફિલ્મો અંગે જે બધા કાગળપત્રો આવ્યા એના કેટલાક અંશો આપવામાં આવ્યા છે. મને લાગે છે કે એનાથી ફિલ્મસર્જકના ઉત્સાહમાં પણ અનેકગણો વધારો થાય. ઉ. : ખરી વાત. આપણે ત્યાં હજુ પણ આ પ્રકારની ટેવ પડી નથી. રડ્યાખડ્યા એકાદબે પત્રો અથવા તો ટેલિફોન કોલ કદાચ આવે ખરા, પરંતુ એટલું કંઈ પૂરતું ન ગણાય. ઉપરાંત, સમાલોચકો કદી વિચારક બની શકતા નથી. પ્ર. : આપ લગભગ કહેતા હો છો કે કલકત્તા છોડીને આપ બીજે કશે રહેવા જવા માગતા નથી, બીજે ક્યાંક રહીને કામ પણ કરવા ઇચ્છતા નથી. આજે શહેરોની જે અવદશા થઈ છે તે અંગે આપ કોઈ ખેદની લાગણી અનુભવતા નથી? આ અવસ્થામાંથી બહાર નીકળવા કોઈ ઉપાય ખરો? ઉ. : દેખીતી રીતે આ અવસ્થામાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ દેખાતો નથી. જેમ કે આપણે ત્યાં વીજળીની સમસ્યા અંગે આપણે ઉદ્વિગ્ન રહેવું પડે છે. વ્યક્તિગત સ્તરે હું લગાતાર આ સમસ્યાનો મુકાબલો કરવાનો પ્રયત્ન કરતો રહ્યો છું. મુખ્ય પ્રધાન પાસે રજૂઆત કરવાથી માંડીને જે કંઈ થઈ શકે એ બધું જ કરતો રહું છું. જેટલી વાર મારે મુખ્ય પ્રધાનને મળવાનું થાય છે ત્યારે દરેક વખતે હું કહું છું, આ બાબતમાં જો કશું કરવામાં નહીં આવે તો અહીં કામ કરવું અશક્ય બની જશે. પહેલી વાત એ કે જનરેટરનો ઉપયોગ કરવાનો આવે તો ખર્ચ અનેકગણો વધી જાય. આ વિશે એમનું કહેવું હોય છે, ‘આ એક ખરેખરી સમસ્યા છે, અને એ માટે આગલી સરકાર જવાબદાર છે.’ બીજું થઈ પણ શું શકે? હું મારી જાતને કામમાં ડૂબેલી રાખું છું, આ પ્રકારની પરિસ્થિતિમાં સૃજનશીલ બની રહેવું પણ શક્ય નથી. કેમ કે આવી પરિસ્થિતિ છેલ્લાં દશ-પંદર વર્ષોથી ચાલતી આવી છે. શહેરમાં જીવનનિર્વાહનું ધોરણ, વિદ્યુત-પરિસ્થિતિ, વાહનવ્યવહારની સમસ્યા, રસ્તાઓની અવદશા – આ બધાની ઉત્તરોત્તર અવનતિ થતી ચાલી છે. આવું હોવા છતાં આપણે અહીં કામકાજ કરતા રહીએ છીએ. નહીં, આ પરિસ્થિતિમાંથી ભાગી છૂટવા કે કશેક દૂર જતા રહેવાનો, કલકત્તાથી દૂર બીજે કશેક ચાલ્યા જઈને કામ ચાલુ રાખવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. કંઈ નહીં તો મારા માટે એવો પ્રશ્ન હવે રહેતો નથી. કેમ કે મારા મિત્ર-બાંધવો, મારા દાક્તરો બધા અહીં જ રહે છે, એટલે જતા રહેવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. પ્ર. : આ અંગે બીજા બે’ક પ્રશ્નો આપને પૂછવા માગું છું. આપ એવું માનો છો ખરા કે કોઈ પણ રીતે કલકત્તાનું નિયંત્રણ કલકત્તાવાસીઓના હાથમાંથી સરકી ગયું છે? ખરેખર એવું માનતા હો તો આ નિયંત્રણની પુનઃ સ્થાપના માટે કોઈ ઉપાય સૂચવી શકો? ઉ. : કદાચ એમ પણ હોઈ શકે. મારી ફિલ્મ ‘શાખા-પ્રશાખા’માં એમાંનું કેટલુંક વિશ્લેષણ કરવાની ચેષ્ટા મેં કરી છે. ચારેપાસ આજે જે કંઈ બની રહ્યું છે અથવા માણસ બીજી રીતે વિચારતો થાય તો શું શું થઈ શકે – એ બધું. સૌથી નાના ભાઈની વાત લેવામાં આવે અથવા તો આ પરિસ્થિતિના વિરોધમાં એ જે કંઈ પગલાં ભરે છે એ અંગે વિચાર કરવામાં આવે... અસલમાં કોઈ એવું નક્કી કરી લે કે તે અમુક કામ કરશે નહીં અને પરિણામે એક સામાન્ય માનવી તરીકે જીવન વિતાવી સુખેથી રહી શકે, તો પછી નૈતિકતાના દૃષ્ટિકોણથી હજુ પણ આશા રહેલી છે એવું કહી શકાય. એમ જો નહીં કરી શકીએ તો ગાડરિયા પ્રવાહમાં ભળી જવું રહ્યું. ત્યાર પછી તો કાળાં નાણાંમાંથી કે પેલા જાતીય પ્રલોભનમાંથી બહાર નીકળી જવાનો કોઈ સવાલ જ રહેશે નહીં. પ્ર. : સામાન્ય રીતે જીવન ટકાવી રાખવા વિશે આપનો શો ખ્યાલ છે? ઉ. : કોઈનામાં પણ જો પ્રતિભા જેવું કશું હોય, જેમ આ યુવાનમાં હતું એવું, તો તો હજુય સારી એવી સભ્ય રીતે જીવન જીવી શકાય. કદાચ એની પાસે ત્રણ ત્રણ મોટરગાડીઓ કે મકાનો નહીં હોય, છતાં પૂરતા પ્રમાણમાં સંસ્કારી રીતે જીવન ટકાવી રાખવું શક્ય છે. હું મારા સમગ્ર જીવન દરમ્યાન ભાડાવાળા મકાનમાં રહ્યો છું. પૂરતા પ્રમાણમાં સુખિયો જીવ છું. મારી આમદાનીનો મોટો ભાગ પુસ્તકો અને રેકર્ડો ખરીદવામાં ખર્ચાઈ જાય છે. છતાં મારા સંસારનું ગાડું ખાસ્સું સરળ રીતે હંકારી રહ્યો છું. મારાં કુટુંબીજનોને સારી રીતે રાખી શક્યો છું. કહેવાનો ભાવાર્થ એ કે આ બધું શક્ય બની શકે એમ છે. ઘણું બધું મેળવ્યા વિનાના રહીને, પરિસ્થિતિ સામે ઝૂકી પડીને કાદવમાં પડવાનું ટાળવું નિશ્ચિત થઈ શકે. નહીં મેળવીને પણ જુદા પ્રકારનું જીવન જીવી શકાય છે. પ્ર. : ‘ગણશત્રુ’ તેમ જ ‘શાખા-પ્રશાખા’ બેઉમાં બંગાળી મધ્યમવર્ગને કેન્દ્રમાં રાખી આપે ફિલ્મો બનાવી છે. પરિણામે, સ્વાભાવિક રીતે જ ભારતીય શહેરી – મધ્યમવર્ગનો અનૈતિકતાના કાદવમાં ડૂબેલો ચહેરો આપણે જોવા પામીએ છીએ. આપનું શું એવું માનવું છે કે મધ્યમવર્ગનો આ એકદમ તાજો જ ચહેરો છે? આવું સામાજિક રૂપાંતર કેમ કરતાં થયું? એ બારામાં આપનું શું મંતવ્ય છે? ઉ. : અગાઉ મેં કદી પણ આ વાતનું વિશ્લેષણ કરી જોવાનું મુનાસિબ માન્યું નહોતું. દિવસરાત આ બધી દુશ્ચિન્તા વહોરી લેવાનો મને અવસર જ નહોતો સાંપડ્યો. મારે રોજ પુષ્કળ પ્રમાણમાં કાગળના જવાબ વાળવાના રહેતા, જાતે જ બધા કાગળો વાંચી જવાનું રાખતો, એના ઉત્તરો પાઠવતો. પરંતુ ‘શાખા-પ્રશાખા’ જેવી ફિલ્મ બનાવવાનો વખત આવ્યો ત્યારે આ વાતોનું વિશ્લેષણ કરવાની તાકીદ અનુભવી. નાના પ્રકારના પ્રશ્નો તૈયાર કરીને એના પ્રતીતિકર લાગે એવા ઉત્તરો શોધવાની ચેષ્ટા શરૂ કરી. સાચી વાત એ છે કે ભારત દેશમાં બરાબર આવે ટાણે, જેની પર ભરોસો મૂકી શકાય એવી કોઈ વ્યક્તિ ઉપલબ્ધ નથી. રાજકારણની જ વાત કરીએ. અત્યારે રાજકારણમાં શું ચાલી રહ્યું છે? ત્યાંની દુનિયામાં ડોકિયું કરીએ તો બધા પરથી શ્રદ્ધા ઊઠી જાય એવી પરિસ્થિતિ છે. ગણનાપાત્ર એવા મૂલ્યબોધ પર આસ્થા રાખવાથી કશો અર્થ સરે એમ નથી. આવા એક સમયમાં માણસના મનમાં એવો વિચાર પેદા થાય છે, ચારેપાસનું સઘળું જ્યારે અધઃપતન તરફ ધસી રહ્યું છે તો આવા સમયનો ફાયદો હું પણ શા માટે ન ઉઠાવું? જીવન એક વાર તો મળ્યું છે! પરિસ્થિતિ આવી છે તો એને મહત્ત્વ આપવું જ પડે. પરિણામે, ગણનાપાત્ર કૃતિમાં સ્વલક્ષી બની રહેવાનો હવે કોઈ પ્રશ્ન રહેતો નથી. જે ઘડીએ તમે સાનુકૂળતાથી ઉત્તમ સદ્‌-વ્યવહાર કરવાનું શરૂ કરો છો એ જ ઘડીએ તમને દેખાવા માંડે કે એ બધું તો તમને એક પ્રકારની અનૈતિક અવસ્થા ભણી તાણી જાય છે. પછી તો અનૈતિકતાના પ્રલોભનના કળણમાં તમે ધીરે ધીરે ખૂંપતા જાઓ છો, એમાંથી બહાર નીકળી શકાય એવું રહેતું નથી. અને પછી તો તમે એ જ અવસ્થાને શરણે થઈ જાઓ છો. પ્ર. : આપે દેશને લગતી વાતો કરી, દેશના રાજનૈતિક ચહેરાનો નકશો દેખાડી આપ્યો, આજની ઘડીએ રાજકારણમાં શું ચાલી રહ્યું છે એની વાતો કરી, રાજકારણમાંથી જનસાધારણના ઊઠી ગયેલા વિશ્વાસની વાત – તો પછી જવાહરલાલ નેહરુ બુદ્ધિસંગત, વૈજ્ઞાની, ધર્મનિરપેક્ષ જગતનું જે સ્વપ્ન જોતા રહેલા એનું શું થયું? આ વાત મેં એટલા માટે કાઢી કે ‘ગણશત્રુ’ ફિલ્મમાં આપનું કેન્દ્રીય પાત્ર પણ આવી જ ભાવનાશીલતા, આવું જ દર્શન લઈને જીવનને જુએ છે. આધુનિક ભારતમાં શું આ ભાવના છેક વ્યર્થ ગઈ? ઉ. : પહેલી નજરે તો કંઈક એવું જ લાગે છે, નહીંતર બીજી કઈ રીતે વર્તમાન સમયનું વિશ્લેષણ કરી શકાય એમ છે? નૈતિકતાનું એકધારું અધઃપતન થઈ રહ્યું છે એની મને ખાતરી થઈ ચૂકી છે. બાકી હું એવો કોઈ વિશેષજ્ઞ છું નહીં, એટલે એ બધાનાં કારણોની સમાલોચનામાં પડવાનું મારું ગજું નહીં. હું એટલું જોઈ શકું છું કે આપણી આંખ સમક્ષ આદર્શરૂપે કોઈ જ રહ્યું નથી. પ્ર. : આ વિશે બીજા પણ બે’ક પ્રશ્નો. આપને એવું લાગે છે કે ભારતવર્ષ ધીમે ધીમે ભાંગતું ચાલ્યું છે? આજનું ભારત એટલે મૂળે તો એક પશ્ચિમી કલ્પના જ, જે ક્રમશઃ ભાંગી રહી છે? શું આપણે ફરી એક વાર પચાસ કે સો વર્ષ પહેલાં જે સ્થિતિમાં હતા એવી જ સ્થિતિમાં પાછા ફરી શકીએ ખરા? જેમ કે નાનાં નાનાં ગણરાજ્યો, રજવાડાં વા એવા જ પ્રકારનું કશુંક? અત્યારના ભારતવર્ષની જે ધારણાઓ છે એ શું સાચેસાચ કૃત્રિમ છે? ભારતીય વિચારધારા જેવું ખરેખર કશું છે ખરું? ઉ. : આનો પુરાવો જડે એમ છે? સાચી વાત એ કે આ બાબતમાં મેં અગાઉ કદી વિચાર્યું જ નથી. ભવિષ્યમાં શું થવાનું છે એની અપેક્ષામાં છું ખરો. ભાવિમાં શું બનવાનું છે કે બની શકે એમ છે એની કશી પૂર્વધારણાઓ કરી શકવાની મારી ક્ષમતા નથી. પ્ર. : ઠીક છે. તો પછી વિષયાંતર કરીએ. આપે અગાઉ કહ્યું કે શાન્તિનિકેતનમાં ગાળેલા સમયગાળામાં આપે ભારતીયતાની અને આપણી પરંપરાની શોધ કરેલી. આપ ત્યારથી જ જાણતા થયેલા કે આ જાણકારી જ કળાના કોઈ પણ માધ્યમમાં કામ કરતી વેળા પીઠિકાની ગરજ સારશે. આ બારામાં હજુ જો આપ થોડી વધારે વાત કરી શકો કે ભારતીયતાની વિભાવના દ્વારા તમે શું સમજતા રહ્યા છો? ઉ. : હું શાન્તિનિકેતન ગયો એના ઘણા વખત અગાઉથી જ ‘પ્રવાસી’ અથવા એવા જ પ્રકારનાં જે ચોપાનિયાં-સામયિકોમાં ચિત્રકળાની કૃતિઓ છપાતી એનાથી હું પરિચિત હતો. એ બધો વ્યાપાર એટલો તો લાગણીવેડાથી ભરપૂર હતો. આ પ્રકારના કામનો હું સખત વિરોધી હતો. હવે, મારી માતાની એવી ઇચ્છા કે છેવટે થોડા વખત માટે પણ હું શાન્તિનિકેતનમાં કલાભવનના વિદ્યાર્થી તરીકે રહું. આ સાંભળીને મારો પ્રાથમિક પ્રતિભાવ હતો, ના, હું ત્યાં કદી નહીં જાઉં. કેમ કે એ પ્રકારની ચિત્રકળાને પનારે પડવા માગતો નથી. એ વિશે હું છેક નિર્લેપ રહ્યો, પરંતુ મારી માતાએ એવી રોકકળ કરી મૂકી કે મારે ત્યાં જવું જ પડ્યું. એક તો મારી વય નાની, નોકરીએ લાગવાનો પ્રશ્ન હતો નહીં, એટલે શાન્તિનિકેતન ચાલ્યો જ ગયો. ત્યાં જઈને મારી માતાએ નન્દલાલ બસુને શરૂઆતમાં જ કહી દીધું કે મારો દીકરો અહીં જે પ્રકારની ચિત્રકળા શીખવવામાં આવે છે એનો ભયંકર વિરોધી છે. સાંભળીને નન્દલાલ હસી પડેલા કહે, ઠીક છે, એ તો જોઈશું. એ પછી તરત મારું શિક્ષણ શરૂ થયું. શરૂ શરૂમાં મને પશ્ચિમી ચિત્રો, શિલ્પો, અમુક-તમુક, દા વિન્ચી-માઈકેન્જેલો, આ બધાની નકલ કરવાનું કહેવામાં આવતું. ત્યાર પછી ધીરે ધીરે ભારતીય પરંપરા સંબંધી હું વાકેફ થવા માંડ્યો. મને સમજાવા માંડ્યું કે ‘પ્રવાસી’માં બેન્ગોલ સ્કૂલની જે ચિત્રકૃતિઓ છપાતી એટલામાં જ આખી બેન્ગોલ સ્કૂલ સમાઈ જતી નહોતી. દેખીતી રીતે જ બેન્ગોલ સ્કૂલના એ ઉત્કૃષ્ટ નમૂના હતા જ નહીં. નન્દલાલ બોઝની ખુદની પ્રચુર માત્રામાં વિસ્તૃતિવાળી શૈલીએ મારામાં ગજબની પ્રેરણા જગાડી. આ બધી વાતની, શાન્તિનિકેતન આવ્યા પછી પ્રથમ વાર મને જાણ થઈ. ત્યાર પછી મને બિનોદબિહારી વિશે જાણવા મળ્યું. જોકે નન્દલાલ મને અવનીન્દ્રનાથની કહેવાતી બેન્ગોલ સ્કૂલની રીતિમાં કામ કરવા કદી આગ્રહ કરતા નહીં, છતાં રામકિંકર બેજ અથવા બિનોદબિહારીનું જુદી જુદી રીતે પરીક્ષણ-નિરીક્ષણ કરવાની સાનુકૂળતા કરી આપતા, જે ક્યારેક ક્યારેક લગભગ આધુનિક પાશ્ચાત્ય કળાની નજદીક ચાલી જતી. એ બન્નેની કળા પાશ્ચાત્ય હોવા છતાં એમના કામમાં એક વિશેષ પ્રકારનું ભારતીયપણું રહેલું હતું. તે કદી પિકાસો કે મોહિલ્યાન્ની કે ફલાણા-ઢીકણાની હૂબહૂ નકલ બની ન રહેતી. શાન્તિનિકેતનમાં એક અપૂર્વ લાઇબ્રેરી હતી. મેં ત્યાં જ જાપાની કળા, જાપાની કાઠખોદાઈ (વુડકટ્‌સ), ચીની અક્ષરાંકનરીતિ, અને અલબત્ત આપણી પોતાની પરંપરાનું અજન્ઠા – આ બધાનો પરિચય કેળવ્યો. અજન્ઠાના કામે મને મોહિત કરી મૂક્યો. અજન્ઠાનું કામ એટલું તો બળકટ, એટલું તો વ્યક્તિસ્વાતંત્ર્યથી ભરપૂર હતું! કહેવાતી બંગાળ સ્કૂલનું કામ પહેલેથી જ મને ખૂબ ભૂલભરેલું લાગેલું. જેમનું જેમનું કામ ‘પ્રવાસી’માં છપાતું એમાંનો પ્રત્યેક ખૂબ રેઢિયાળ કળાકાર જણાયેલો. નન્દલાલ બસુ અને બિનોદબિહારી એમાં અપવાદરૂપ હતા. એમની ડ્રોઈંગની શૈલી પણ એકદમ પોતીકી. એક દિવસ હું એક વૃક્ષનો સ્કેચ દોરવાનો અભ્યાસ કરી રહ્યો હતો. ખુલ્લા અવકાશમાં જેમ નેચર સ્ટડી કરીએ એમ જ તો! વૃક્ષની નીચે ઊભા રહીને પેન વડે સ્કેચ આંકી રહ્યો હતો. નન્દલાલની એવી રીત કે ચૂપચાપ પાછળથી હવળે પગલે આવીને ખભા પરથી, ચાલી રહેલું કામ નીરખી જુએ, અથવા તો ધીમા સાદે કામના બારામાં ચર્ચા કરે. મારું આંકેલું જોઈને કહે, ‘વૃક્ષ હંમેશાં તળિયેથી ઉપર વધે. એટલે જ્યારે પણ તું વૃક્ષ આંકવાની કોશિશ કરે ત્યારે કદી પણ ડાળપાંદડેથી શરૂઆત કરવી નહીં. છેક પાયાથી શરૂઆત કરવી, થડથી. ત્યાર પછી ધીમે ધીમે ઉપર જઈ પહોંચવું, ડાળપાંદડે’. એમનું આ મંતવ્ય મને ઘણું જ રસપ્રદ લાગેલું. વળી બીજા એક દિવસે હું ગાયનું ચિત્રાંકન કરી રહ્યો હતો, ટેવ મુજબ એઓ પાછળ આવીને ઊભા રહી ગયા હતા. મને કહે, ‘ગાયને કેવળ એકાદ રેખામાત્ર ન માનવી. એના અંગમાં સ્નાયુઓ હોય, માંસલતા હોય. એટલે જ્યારે પણ તું ગાયનું રેખાંકન કરે ત્યારે માત્ર આઉટલાઈન ડ્રોઈંગમાં મન નહીં પરોવતો. કેમ કે એથી એ પ્રાણી કદી સમગ્રરૂપે પકડમાં નહીં આવે. કેવળ એનો આછોપાતળો ખ્યાલ મેળવીશ. એના ફોર્મને ફીલ કરવાનો યત્ન કર, એના દેહની ત્વચાની ભીતર જે કંઈ રહેલું છે એને અનુભવવાનો પ્રયત્ન કર. કેવળ માત્ર આઉટલાઈન પૂરતી જાતને મર્યાદિત રાખવી નહીં.’ આ આખી વાત જ અનેક રીતે ભારતીય હતી. નન્દલાલ બસુના આ વિચારોએ મારી આંખ ખોલી દીધી. શાન્તિનિકેતનવાસના દિવસોમાં અમારું ચારેક મિત્રોનું એક જૂથ હતું. પૃથ્વીશ નિયોગી, દિનકર કૌશિક, અને એક બટકા કદનો છોકરો મથ્થુસ્વામી. ભારતવર્ષનાં સઘળાં કલાસ્થાનોના પ્રવાસે અમે નીકળેલા. ઘણી મુશ્કેલીઓ વેઠી, ટ્રેનના થર્ડ ક્લાસના ડબ્બામાં પ્રવાસ કરી લગભગ એક મહિના સુધી અમે રખડેલા. અમે સાંચી, અજંટા, ઈલોરા, ખજૂરાહો તેમ જ કળા માટે મશહૂર ગણાતાં બીજાં પણ વિખ્યાત સ્થળોએ ફરેલા. આ પ્રવાસે પણ મારી દૃષ્ટિ ઉઘાડી આપી હતી. હું તો વિસ્મયથી ચકિત બની ઊઠેલો, એટલા માટે કે, આ સઘળા કલાકારોનાં નામ સુધ્ધાંની કોઈને જાણ નથી. ઈલોરાનાં શિલ્પો કયા કયા કળાકારોએ કર્યાં એનાં નામોની કોઈને જાણ છે ખરી? કોઈને કશી જાણ નથી કે અજન્ઠાનાં ભીંતચિત્રો કોણે કોણે ચીતરેલાં! આ બિન્દુએથી જ ભારતીય કલાબોધ સંબંધી મારા વિચારો ઘડાવા શરૂ થયા. શાન્તિનિકેતન ગયા અગાઉ ઘણી નાની વયથી જ મને ચિત્ર દોરતાં આવડતું. એમાંનું કેટલુંક તો મારા પિતા અને દાદાના કારણે. એટલું જ નહીં, માટીકામમાં પણ મને નાનીમોટી માનવ મૂર્તિઓ ઉપસાવતાં આવડતી. એમાં ક્યારેક વિગતો પૂરવાનું કામ પણ સમાઈ જતું. જાણે એ કામ જોતાંવેત સમજાઈ જતું કે એકાદ માનવી બેસી રહેલો છે અથવા તો કામ કરી રહેલો છે, અથવા તો કશુંક પણ કરી રહ્યો છે. પરંતુ રામકિંકર બેજે મને એવું કહેલું, જે યોગ્ય શબ્દમાં સમજાવી શકવું મારા માટે મુશ્કેલ છે. મૂળે તો તેઓ નિસર્ગવાદ (naturalism) અને વાસ્તવવાદ (realism) વચ્ચે રહેલા ભેદ અંગે કંઈક સમજાવવા માગતા હતા. બિનોદબિહારીબાબુ પણ નિસર્ગવાદ અને વાસ્તવવાદ વચ્ચે રહેલા તફાવતને આખો વખત ધ્યાનમાં રાખીને જ વાત કરતા. આપણે જે કંઈ પણ કરી રહ્યા છીએ એ હકીકતમાં નિસર્ગવાદ છે. પરંતુ વાસ્તવવાદ તો એથીય કંઈક વિશેષ છે, અને એ દિશામાં હજી વધુ નજર દોડાવવી જરૂરી છે. એ સમયથી જ ફોટોગ્રાફિક નૅચરલિઝમના પ્રભાવમાંથી મારી જાતને મુક્ત કરવાની શરૂઆત મેં કરી. એટલે કે શાન્તિનિકેતન પહોંચ્યા પહેલાં મને એમાં જ વધુ શ્રદ્ધા હતી, ત્યાર પછીનાં કેટલાંક વર્ષોમાં ચિત્ર ચીતરવાની મારી શૈલીમાં મેં ધરમૂળથી ફેરફાર કરી દીધા. મેં ત્યાં લગભગ અઢી વર્ષ ગાળ્યાં, પરંતુ ત્યાંનાં બે વર્ષ દરમ્યાન જ હું પહેલાં જે પ્રકારનાં ચિત્રો ચીતરતો એથી સાવ ભિન્ન પ્રકારનું કામ કરવાની શરૂઆત મેં કરી દીધી. નિસર્ગવાદી શૈલીમાંથી બહાર નીકળવું મારા માટે ખૂબ જ મુશ્કેલ હતું. પરંતુ એ બન્યું. ભારતીય કળાપરંપરા સંબંધી જાણકારી મેળવ્યા પછી જ એ બની શક્યું. હું એટલું જોઈ શક્યો કે કળાના ઇતિહાસમાં ફોટોગ્રાફિક નૅચરલિઝમનું સ્થાયિત્વ કેવળ ત્રણસો વર્ષનું જ છે, એથી વધુ નહીં. રેનેસાં એની શરૂઆત, ત્યાર પછી આખી વાત બદલાઈ ગઈ. આ રીતે મારી શ્રદ્ધા દૃઢ થતી ચાલી કે નૅચરલિઝમ મરી પરવાર્યું છે. શાન્તિનિકેતનમાં નિસર્ગને જોતાં જોતાં આ બધી વાતનું રહસ્ય પામી શક્યો. એ પહેલાં નિસર્ગની સમીપ રહેવાના અનુકૂળ સંજોગો મને મળ્યા નહોતા. બાળપણથી જ હું કલકત્તામાં ઊછરેલો. હું એકદમ શહેરી માણસ. એ કાળે શાન્તિનિકેતન આજના જેવું ભીડભાડવાળું નહોતું. કોઈ પણ જગ્યાએ જઈ ઊભા રહો તો દિગન્તરેખાનાં દર્શન થઈ શકતાં. સઘળો સમય નિસર્ગનું સામીપ્ય રહેતું, ખુલ્લા અવકાશમાં નિસર્ગનો વા નિસર્ગવાદી ઘટનાઓનો અભ્યાસ કરી આવતો. ઝંઝા હોય કે પવન ફૂંકાતો હોય કે પછી વૃષ્ટિ થતી હોય ત્યારે ઝાડપાંદડાં કઈ રીતે વર્તન કરતાં હોય – એ બધું. આ સમસ્તે મળી મારી દૃષ્ટિ ઉઘાડી આપી. છેક ભિન્ન પ્રકારની અભિજ્ઞતા વચ્ચે રહીને સમય વિતાવેલો. પ્ર. : ત્યાર પછી આપ કલકત્તા આવતા રહ્યા. ચિરકાલ સુધી આપ રહ્યા એક શહેરી માણસ તરીકે. હવે વ્યક્તિગત ભાવે, એક કળાકારના નાતે નિસર્ગ સાથેનો આપનો સંબંધ આપ કયા પ્રકારનો બાંધી શક્યા? પર્યાવરણનું સંરક્ષણ, ઈકોલોજી, રાષ્ટ્રીય સ્તરે આજના તબક્કે વાસ્તવિક સમસ્યાઓ આપને પોતાને કેટલી આવશ્યક વર્તાય છે? ઉ. : તાત્ત્વિક રીતે, એ સઘળા મુદ્દાઓનું હું નિઃશંકપણે સમર્થન કરું છું. એથી વિશેષ મારા માટે કરવા જેવું પણ શું હોય. પરંતુ બેશક હું એ બધાનું સમર્થન કરું જ છું. જે પ્રમાણમાં વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે, આબોહવા બદલાઈ રહી છે – આ બધું ઊંડા દુઃખનું કારણ બની રહે છે. શાન્તિનિકેતન જેવા સ્થળની પણ આ જ હાલત છે. પંદરેક વર્ષના ગાળા પછી મારે ત્યાં જવાનું થયું ત્યારે ખોઆઈનું કોઈ નામોનિશાન ત્યાં જોવા ન મળ્યું. મારી ફિલ્મ ‘બિનોદબિહારી’ માટે ખોઆઈનું દૃશ્ય ઝડપવું અતિ આવશ્યક હતું. એકલદોકલ તાડના ઝાડ સમેતનું એક ભૂમિદૃશ્ય જેમાં પાતળી ધારે કોતરો વચ્ચેથી વહી જતી ખોઆઈ નદીને શોધી કાઢવા અમારે લગભગ દશ માઈલ રખડવું પડેલું. આમ તો મારું આખું જીવન શહેરમાં જ વીત્યું છે, છતાં મારી ટૂંકીવાર્તાઓમાં પ્રકૃતિ અથવા તો શહેર બહારની પ્રકૃતિની સમીપ જવાના સંદર્ભો પુષ્કળ પ્રમાણમાં હજુ પણ જડી આવશે. કલકત્તા છોડીને બહાર જવાની જરાક પણ તક મને મળે ત્યારે પુરી અથવા તો ગોપાલપુર કે પછી કાઠમંડુ ઊપડી જાઉં. ત્યાં ગયા પછી ફરી પાછો સ્ફૂર્તિમાં આવી જાઉં છું, જાણે કે એક નવું જીવન પ્રાપ્ત કર્યાનો અનુભવ કરતો રહું છું. પ્ર. : ધર્મ, અતીન્દ્રિયવાદ, અધ્યાત્મવાદ – ઇત્યાદિ તમારે માટે કશો અર્થ ધરાવે છે ખરા? પ્રાચીન ભારતીય ભાવના વા ધાર્મિક વ્યવસ્થા પ્રતિ તમારે કોઈ આકર્ષણ ખરું? ઉ. : કોઈ ને કોઈ પ્રકારે મારા કાર્યના અનેકવિધ પ્રકારોમાં એ સઘળું પ્રવેશી જતું હોય છે. હું પોતે મને હજુય ભૌતિકવાદી તરીકે ઓળખાવું છું. પરંતુ મારા જે દાક્તરો છે, એમની જે કંઈ વાતો છે એને હું સતત નોંધતો હોઉં છું. એમાં વળી એ બધા રહ્યા વિજ્ઞાનને વરેલા માણસો! જેમ કે ડૉ. મલ્લિકનો જ દાખલો. તેઓ સુપરનેચરલના પાવરમાં હાડોહાડ આસ્થા ધરાવનારા માણસ છે. લગભગ કહેતા રહે છે, ‘માનવીના શરીરમાં જે વ્યાપારો ચાલી રહ્યા છે એનો જ વિચાર કરી જુઓને. માણસના શરીરમાં જે રીતે બધું ચાલી રહ્યું છે એનો એક વાર વિચાર કરી જોજો. જીભ, હોઠ, હાથ, પગ, સ્નાયુઓ હાડકાં, જે રીતે કાન સાંભળે છે – આ સઘળું કંઈ રાતોરાત બની જવું સંભવિત નથી, એ પ્રત્યેક વસ્તુમાં સ્પષ્ટપણે એક ડિઝાઈન રહેલી છે. પ્રશ્ન એ છે કે આ ડિઝાઈન આવે છે ક્યાંથી? સ્વાભાવિક રીતે જ કોઈ એક સુપિરિયર ફોર્સ કાર્ય કરી રહ્યો હોય છે.’ હું પોતે એ દલીલ સ્વીકારી શકતો નથી. છતાં મારા મનમાં પણ ઘણા ઘણા પ્રશ્નો ઊઠતા હોય છે. મને કશી ખબર નથી પડતી, એ પ્રશ્નોના મારી પાસે કોઈ ઉત્તરો નથી. તો પણ આ બારામાં મારું પોતાનું નાનકડું એવું તત્ત્વજ્ઞાન છે. એને મેં મારી એક વાર્તામાં વાચા આપી છે. આ વાર્તા ઘણા સમય અગાઉ લખાયલી છે. પુખ્ત વયના લોકો માટે લખાયેલી મારી આ એકમાત્ર વાર્તા છે. વાર્તાનું શીર્ષક છે ‘આર્યશેખરનું જન્મવું અને મૃત્યુ પામવું’. ‘પિંકુની ડાયરી અને બીજી’ નામે મારા એક વાર્તાસંગ્રહમાં એ પ્રસિદ્ધ થઈ છે. વાર્તાના કેન્દ્રમાં કલ્પી ન શકાય એટલી હદનો પ્રતિભાવાન એક બાળક છે. અંકશાસ્ત્રમાં એની પ્રતિભા અસાધારણ રીતે ઝળકી ઊઠી છે. એક દિવસ અચાનક એ વિચારવા લાગ્યો, જ્યાં મારા પિતા એક સાધારણ માણસ, મારી માતા પણ સાવ સાધારણ, ત્યાં હું આવા અપવાદ જેવો શી રીતે પેદા થયો? એના વિચારોનું ચક્ર ગતિમાન થઈ ગયું. જિનીઓલોજી, જિન ઇત્યાદિ અંગે પુષ્કળ વાંચવાનું શરૂ કરી દીધું. બચપણના દિવસોથી જ શબ્દકોશની મદદ વડે અઘરાં અઘરાં પુસ્તકો વાંચી કાઢવાની એને ટેવ. પુસ્તકો વાંચતાં વાંચતાં એને સૂઝી આવ્યું કે આપણે કોઈ પણ રીતે એક વાર જો સમયના આરંભબિન્દુ સુધી આપણા પૂર્વજોના વંશવેલાને લંબાવી જઈએ તો પછી શક્ય છે એવું પણ બને કે મારા પૂર્વજોમાંથી જ કોઈ એક જણ પ્રતિભાવાન હોવો જોઈએ. ગમે તે પ્રકારે એ માણસના જિન મારી સિસ્ટમમાં પ્રવેશી ગયા છે. આટલું સમજાતાંવેંત એણે પોતાના બાપ પાસે એમના જ મોઢે જાણવા ઇચ્છ્યું,શું હું કુદરતી સંતાન છું કે પછી અનૌરસ? તમારા સિવાય મારો પિતા કોઈ બીજો હોય એવું ખરું? બાળકનો આવો સવાલ સાંભળી એનો બાપ ક્રોધથી એવો સળગી ઊઠ્યો કે પાસે પડેલું પેપરવેઈટ ઊંચકી છુટ્ટો ઘા કર્યો. એ બાળકના માથામાં લાગ્યું. એના આઘાતથી બાળકની પ્રતિભા નષ્ટપ્રાય થઈ ગઈ. ત્યાર પછી એ બાળક મટી યુવાન થયો અને ઘણું બધું સમજતો થયો. એની પ્રતિભા નષ્ટ થઈ ગઈ હોવા છતાં એના અનુભવ અને વિચારજગતમાં કશીય બાધ આવી નહોતી. એમ કરતાં એક દિવસ એને એવી સમજણ પ્રાપ્ત થઈ કે પ્રત્યેક શોધ પાછળ કોઈ નાનીઅમથી ઘટના રહેલી હોય છે. જેમ કે ન્યુટને જે શોધ કરી એની પાછળ સફરજન પડવાની ઘટના સંકળાયેલી હતી. એટલે એ તો મંડી પડ્યો તુચ્છ દેખાતી ઘટનાઓની પાછળ, જેના થકી એ પણ કોઈ નવી શોધ કરવા શક્તિમાન બને. એક દિવસ એ પોતાના મકાનના માળ પર ઊભો હતો ત્યાં પાસેના મકાનમાં રહેતી ડોલી નામની કન્યા એની નજરે પડી. એ સમયે ડોલી ભીનાં કપડાં સૂકવવા નાખી રહી હતી. ડોલીએ પોતાના અંગ પર કબજો જેવું કશું પહેર્યું નહોતું. છોકરાએ નોંધ્યું કે ડોલીનાં સ્તનો અત્યંત સુડોળ તેમ જ ઉન્નત હતાં. નહીં, એની પણ અગાઉ એક બીજી વાત હોય છે. એક વાર એ હુગલી નદીના કાંઠે એક ઝાડ નીચે બેઠો હતો. એટલામાં ઝાડની ડાળીએ બેઠેલું પંખી એના પર ચરક્યું. એને થયું, કોઈ એક શોધની પાછળ આવી જ નાની ઘટના હોઈ શકે, જોકે એ દરમ્યાન ન્યુટન ગુરુત્વાકર્ષણની શોધ કરી ચૂક્યો હતો, છતાં ગુરુત્વાકર્ષણ સંબંધી હજુ એવી ઊંડી જાણકારી મળી ગઈ હોય એવું લાગતું નથી. એટલે કે શા માટે અને કેવી રીતે અભિકર્ષણ કાર્ય કરી રહ્યું હોય છે વગેરે. અભિકર્ષણ અંગે જ એણે વિચારવું શરૂ કર્યું. દિવસો જતા ગયા. એના આ વિચારની પ્રક્રિયા ચાલુ રહી, દરમ્યાનમાં એની નજર પેલી યુવતીનાં ઉન્નત સ્તનો પર પડી. યુવતીનાં ઉન્નત સ્તનો જોઈને એ એક એવા સિદ્ધાંત પર પહોંચ્યો – ઊર્ધ્વમુખી બનવું એ જ તારુણ્યનું લક્ષણ અને એનું કારણ સૂર્યનું ગુરુત્વાકર્ષણ હોવાનું કલ્પ્યું છે. જેમ વય વધતી ચાલે તેમ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ એના પર પ્રભાવ જમાવવા માંડે, પરિણામે સઘળું જ નતમુખ થવા માંડે, જેમ કે પછી સ્તનો પણ નીચે નમવા માંડે. આ વિષય પર પેલા યુવાને એક પ્રબન્ધ લખ્યો અને વિશ્વભરના વૈજ્ઞાનિકો પર મોકલી આપ્યો. દરમ્યાનમાં એક જણે એને એવું કહ્યું કે તારી વિચારધારા અત્યંત કુતૂહલપ્રેરક છે. એટલામાં એક અમેરિકન સાથે એ પરિચયમાં આવે છે. અમેરિકને યુવકને સાકરનો એક ક્યુબ આપ્યો, કારણ કે એટલા સમયમાં તો યુવકનો ઉત્સાહ લઘુત્વાકર્ષણ (Levitation) સુધી પહોંચી ગયેલો. ગુરુત્વાકર્ષણને નસિયત આપવા માટે જ જાણે, પોતે લઘુત્વાકર્ષણ તરફ કેમ ખેંચાતો નથી એની ચિંતામાં પડી ગયો હતો. બાબ ગુડમેન નામના પેલા અમેરિકને એને કહ્યું, એ તો સાવ સહેલું છે. આ સાકરનો ક્યુબ ખાઈ લેવાથી તું લઘુત્વાકર્ષણ કરતો થઈ જઈશ. (હાસ્ય). પછી વાર્તામાં સુગર ક્યુબ ખાવાથી યુવકના શા હાલ થાય છે તેનું વર્ણન આપ્યું છે. એ દિવસ મકરસંક્રાંતિનો હતો, આખું આકાશ પતંગોથી છવાઈ ગયું હતું. આકાશ તરફ નજર નાખતાં ત્યાં જાણે રંગોનું પૂર ઊમટ્યું હોય એવું જણાતું હતું. ધાબા પરથી નીચે ડોકિયું કરતાં પૂરું શહેર પર્શિયન ગાલીચો પાથરી દીધો હોય એવું જણાતું હતું. પેલા યુવકને નીચે કૂદી પડવાની ઇચ્છા થઈ આવી. એ જેવો એક પગ પાળી પર મૂકી કૂદવાની તૈયારી કરે છે ત્યાં જ ધાબા પર ઊંધે માથે પછડાઈ પડે છે અને માથું ભાંગી બેસે છે. એની ઘાયલ દશામાં એના પિતા યુવકને વતનના બાપીકા ઘરમાં થોડો સમય રહેવા મોકલી આપે છે. પોતાના ગામમાં ફરતાં ફરતાં એક દિવસ એની નજર સુગરીના માળા પર પડી. એણે વિચાર્યું કે હું પણ જો આવો એક માળો બનાવી શકું તો કદાચ ઊડી પણ શકું. યુવક સુગરીનો માળો ઘરે લઈ આવ્યો. એને જોઈ જોઈને ધીરજપૂર્વક એવો જ માળો બનાવવો શરૂ કર્યો. એક મહિનાની મથામણ પછી માળો પૂરો તૈયાર કર્યો. ઉનાળાના ધોમધખતા તાપમાં ઝાડ પર માળો ટાંગવા ઘરેથી બહાર પડતાં જ સૂરજના આકરા તાપમાં લૂ લાગવાથી એ મૃત્યુ પામ્યો. સૂરજનું ગુરુત્વાકર્ષણ. એ જે હોય તે, વાર્તા કંઈક આ રીતની છે. હું એ બધા વિશે શું વિચારું છું એનું મોટા ભાગનું આ વાર્તામાં આવી જાય છે. પરિણામે, દાક્તરો જેવા માણસો પણ જ્યારે કહેતા હોય કે કોઈ આધિભૌતિક તત્ત્વ કે એવું જ કશુંક સતત કામ કરી રહ્યું હોય છે, ત્યારે હું સાચેસાચ ખૂબ નવાઈ પામું છું. સૂર્યગ્રહણ વખતે સૂરજ અને ચંદ્રમાને દેખીતી રીતે એક જ દિશામાં જોવા એ પણ એટલું જ નવાઈ ઊપજાવે એવું છે. હું વખતોવખત વિચારતો રહું છું કે જો બીજા કોઈ ગ્રહ પર જીવતત્ત્વ રહેલું હોય તો પણ એનો ચહેરો પૃથ્વી પરના મનુષ્ય જેવો ન પણ હોય, કેમ કે એમ થવું કદાપિ સંભવિત નથી. પૃથ્વી પર સૂર્ય કે ચંદ્રનો જે રીતનો પ્રભાવ છે અક્ષરશ : એવો જ પ્રભાવ એ ગ્રહ પર ન હોઈ શકે. મેં મારું મન ખુલ્લું રાખ્યું છે એ વાત ખરી, પરંતુ આમાં હું મારો વધુ સમય વેડફવામાં માનતો નથી, મારા કામમાં ડૂબેલો રહેવાને કારણે જ તો. પ્ર. : સ્પિરિચ્યુઆલિઝમ અને મિસ્ટિસિઝમનો પૂરો વ્યાપાર લાગે છે બે સ્તરે કામ કરી શકે. એક તો, પેલું આપે કહ્યું તેમ, આ અંગેની શ્રદ્ધા માંહ્યલામાંથી આવે, અથવા કોઈના પ્રભાવ હેઠળ આવે. ઉ. : ભગવાનને કોઈ દાઢીધારી વયોવૃદ્ધ પુરુષ તરીકે સ્વીકારવા અંગે મારો સખત વિરોધ છે, કેમ કે એવા કોઈ પુરુષનું અસ્તિત્વ જ નથી. સાથે સાથે એ વાત પણ ખરી છે કે આપણા આ સૌરમંડલમાં બીજા કોઈ ગ્રહ પર નહીં, કેવળ માત્ર પૃથ્વી પર પ્રાણનો સંચાર જોઈ શકાયો છે. બીજા કોઈ સૌરમંડલની વાત મારી જાણમાં નથી, પરંતુ એનો ઉત્તર ન જાણતા હોઈએ છતાં એને વિશે વિચારી તો શકાય. પ્ર. : આધિભૌતિકને પામવાની વાત અથવા સુપિરિયર કશાક વિશે વિચારવા સિવાય પણ સાથે સાથે જાતને જાણવાની એક અનુસંધિત્સા રહેલી છે. ઘણા લોકો એવું કહેતા હોય છે કે અમારા વ્યાયામનો મોટો ભાગ જાતને જાણવા પાછળ ખર્ચાઈ જાય છે. કલાત્મક પ્રયત્નો, બૌદ્ધિક પ્રયત્નો – આ બધાના અનુષંગે સ્વાનુસંધાનનો વ્યાપાર જોડાયેલો હોય છે. એક ભૌતિકવાદી માનવી તરીકે આ બધી વાતો તમારે મન સાવ અપ્રસ્તુત છે? શું માત્ર રાષ્ટ્રીય વા તાર્કિક હોવું જ પૂરતું છે એવું તમને લાગે છે? ઉ. : નહીં. આટલું પૂરતું હોય એવું હું જરા પણ માનતો નથી. જેમ જેમ સમય જતો જાય છે તેમ તેમ આટલું હવે જરા પણ પૂરતું લાગતું નથી. પરંતુ બુદ્ધિપરકતાની બહાર બીજાં કયાં તત્ત્વો છે એની પણ મને એવી કોઈ જાણ છે નહીં. મને જે કેટલાક અસાધારણ વિચારો આવ્યા કરતા હોય છે એમાં એક વિચાર સતત આવ્યા કરતો હોય છે, એ છે મૃત્યુ શા માટે હોય? મરણ પછી શું શું બને? આ સંદર્ભમાં રવીન્દ્રનાથ ઠાકુરની સેઆંસ પરત્વેની શ્રદ્ધાની વાત યાદ આવી જાય છે. જેના જેનામાં એમને સૌથી વધુ શ્રદ્ધા હતી, જેમના જેમના અભિપ્રાયને એઓ સૌથી મૂલ્યવાન ગણતા એ સૌ એક પછી એક મરણ પામતા ગયા. એમને સંગાથ આપવાવાળું, એમની વાતો સાંભળી શકે એવું કોઈ જ રહ્યું નહીં. ત્યાર પછી એમણે પરલોકચર્ચા આરંભી દીધી. એક તરુણીના માધ્યમ દ્વારા એઓ પ્રશ્નો રજૂ કરતા, મેં એક નાનું નાટક લખ્યું છે, વાંચ્યું છે? એ નાટકનો વિષય શો છે જાણે છે? એના વિશે તારો શો અભિપ્રાય છે? એટલું નહીં મારા પિતા સાથે પણ વાત કરેલી, એવી ઘટના પણ બનેલી. આ એક કરુણ પરિસ્થિતિ કહેવાય, એને પરિણામે એમનામાં એક પ્રકારની શ્રદ્ધા નિર્માણ થઈ. તેઓ અધ્યાત્મવાદ, સેઆંસ, મૃતાત્માઓ સાથે વાતો કરવી એ બધામાં માનતા થયા. પ્ર. : ફરી એક વાર વિષયાન્તર કરું. આપે હજુ વધુ લખ્યું કેમ નહીં? જેમકે કોઈ સામયિકમાં એકાદી કોલમ જેવું. જેથી હજુ પણ વધુ સંખ્યામાં લોકો સુધી પહોંચી શક્યા હોત. ઉ. : સિનેમા અથવા અન્ય કોઈ વિષય પર અવારનવાર હું લખતો તો રહું જ છું. મને લાગે છે કે મેં પૂરતા પ્રમાણમાં લખ્યું છે. અત્યારે તો કેવળ ટૂંકીવાર્તાઓ જ લખવા માગું છું. મને એમાં જ આનંદ આવતો હોય છે. આ મારા માટે ખૂબ રસપ્રદ પ્રક્રિયા બની રહે છે. કથાવસ્તુ શોધી કાઢવી, એનું માળખું રચવું, રસ પડે એવાં પાત્રો ઊભાં કરવાં, ખાસ કરીને જેઓ એકાકી હોય, આ પ્રવૃત્તિ મારા માટે ખૂબ રસપ્રદ બની રહે છે. એકાકી લોકોની વાતમાં મને ખૂબ રસ પડતો હોય છે. એ સિવાય વરસમાં એકાદી ફિલ્મ બનાવવી, એમાં જ મારા છથી સાત મહિના વીતી જાય. એટલે કોલમ લખવાની મને સહેજ પણ ઇચ્છા થતી નથી. ઉપરાંત, હું મારા પોતા વિષે જરા પણ લખવા માગતો નથી. મને જ્યારે પણ કશુંક કહેવાની ઇચ્છા થાય, ત્યારે હું તે મારી ફિલ્મ દ્વારા જ કહીશ. સાચી વાત કરું તો મારું એ જ મિડિયા. ત્રીસ વર્ષ કામ કર્યા પછી મને સમજાઈ ચૂક્યું છે કે આ જ મારું એકમાત્ર માધ્યમ છે, જેમાં હું મારું સ્ટેટમેન્ટ કરી શકું. મારે જો ક્યાંય સ્ટેટમેન્ટ કરવાનું આવે તો હું એ ફિલ્મ માધ્યમ દ્વારા જ કરું. વળી, જો વાર્તા કહેવાની ઇચ્છા થાય તો હું એ ટૂંકીવાર્તાના માધ્યમ દ્વારા કરીશ. સાથે સાથે એમાં હું વાર્તા કરવાનું છોડીને ઇચ્છા થાય તો સ્ટેટમેન્ટ પણ કરી શકું. પ્ર. : તો પછી શું આપ એવું કહેવા ઇચ્છો છો કે આત્મકથા જેવું કશું કદી પણ લખશો નહીં? ઉ. : મૂળે તો મેં એવું કરવા ઇચ્છ્યું હતું, સમયના અભાવે તે કદી કરી શકીશ કે નહીં એ જાણતો નથી. એક ફિલ્મસર્જક તરીકેની મારી અભિજ્ઞતા લખી રાખવી, મને લાગે છે કે એ બધું એકદમ વિશિષ્ટ છે. આપણે ત્યાં કામ કરવું, જે પરિસ્થિતિઓ વચ્ચે આપણે ત્યાં કામ કરવું પડે છે, મેં જે ભૂલો કરી છે, એ જો લખી જાઉં તો, કદાચ ફિલ્મસર્જકોને એમાંથી શીખવા મળે. પરંતુ બીજો વિચાર એ પણ આવે છે કે ફિલ્મ બનાવવાની આખી પદ્ધતિ જ્યાં બદલાઈ ગઈ છે, ફિલ્મમેકિંગની થિયરી પણ બદલાઈ ગઈ છે; સ્ટ્રક્ચરાલિઝમ, અમુક અમુક એ બધું સહેજે જાણતો નથી, અનુસરવા પણ માગતો નથી, એટલે મને ભય રહે છે કે તો પછી એ પુસ્તકનું કોઈ મૂલ્ય ન રહે! છતાં હા, આ પુસ્તકમાં ઘણી બધી રસપ્રદ ગપ્પા-ગોષ્ઠી હશે, જેમ કે કામ કરતી વેળા મારા પર શું શું વીત્યું હતું, કઈ રીતે વિપદોમાંથી બહાર નીકળી શકેલો, કેટલું તો ઈન્વેન્ટિવ થવું પડેલું, એવી પરિસ્થિતિઓ ઊભી થતી જ્યારે અમારે માટે એમાંથી બહાર નીકળવા, કશુંક નવું શોધી કાઢવાનો એકમાત્ર માર્ગ રહેતો હતો. એટલે તો કોઈ કોલમ-બોલમ લખવાની મને ઇચ્છા થતી નથી. ઉપરાંત, એ મારા માટે મોટા બોજારૂપ બની રહે. અસ્વસ્થ રહેતી તબિયતના કારણે હું એવો બોજો ઊંચકવા માગતો નથી. પ્ર. : આપે તો એવું કહ્યું કે ફિલ્મ મેકિંગ થિયરી ઘણી બધી બદલાઈ ગઈ છે. પરંતુ આપણે આજે જ્યારે બર્ગમેન, બ્યુનુએલ કે કુરોસાવાની આત્મકથાઓ વાંચીએ છીએ તો આપણને એવું લાગતું હોય છે કે ફિલ્મમાં ઉત્સાહ ધરાવતા આ લોકો પોતાની આત્મકથાને કંઈ ફિલ્મ મૅન્યુઅલ જેવી લેખતા નથી. ઊલટું, એ બધા તો વિવિધ પ્રકારે રસપ્રદ માનસ કામ કરતું હોય છે એવું બધું નોંધી રાખે છે. ઉ. : હા, મારે જો ક્યારે પણ એવું પુસ્તક લખવાનું આવે જેમાં મારે ફિલ્મ મેકિંગ અથવા તો ફિલ્મસર્જક તરીકેના મારા અનુભવોનો અહેવાલ આપવાનો હોય તો હું તે કુરોસાવાના પુસ્તક જેવું કરવા ધારું, કેમ કે એમણે પણ કંઈક એવું જ કામ કર્યું છે. એમનું પુસ્તક વાંચ્યા પછી હું પહેલી વાર જાણવા પામ્યો કે જાપાની ફિલ્મ મેકિંગમાં દિગ્દર્શક પોતાના મદદનીશને કેટલું મહત્ત્વ આપતો હોય છે. એક વાર કુરોસાવા બીમાર પડેલા. એક વયોવૃદ્ધ ફિલ્મસર્જક એમની ખબર કાઢવા હોસ્પિટલ ગયેલા. કુરોસાવા પણ એક ફિલ્મસર્જક છે એવું જાણીને એમણે કુરોસાવાને પહેલો પ્રશ્ન એ પૂછ્યો કે તમે કોઈ સારો મદદનીશ મેળવી લીધો છે? આવા પ્રકારની વિવિધ ઘટનાઓ જે આપણને વૈવિધ્યસભર લાગતી હોય એની જાણકારી મળવા પામે. પ્ર. : ફરી એક વાર આપણે સિનેમા પર પાછા ફરીએ. આપે આ અગાઉ ‘મિર્ચ-મસાલા’, ‘અર્ધસત્ય’, ઇત્યાદિ ફિલ્મોનાં ઉદાહરણ આપેલાં. મારો હવે પછીનો પ્રશ્ન, નિશ્ચિતપણે આપની ફિલ્મોના સંદર્ભમાં નથી. આ જે ‘મિડલ સિનેમા’નો પ્રકાર ગણાવ્યો જેમાં નક્કર મનોરંજન હોય, આ પ્રકારના સિનેમા જ શું આજે સંકટગ્રસ્ત અવસ્થામાંથી બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો બચ્યો છે? ઉ. : આંશિકપણે ખરો. ખૂબ ઓછી સંખ્યામાં દિગ્દર્શકો આ પ્રકાર પર હાથ અજમાવતા તો હોય છે, માત્ર આપણી નજરે ચડતા નથી. મેં ‘બાઘ-બહાદુર’ નથી જોયું. જે કંઈ જાણું છું એના આધારે કહી શકું કે આ પ્રકારનું કામ અત્યારે થતું નથી. કેતન મહેતાની નવી ફિલ્મ ‘હીરો હીરાલાલ’ કદાચ સારી બની છે. ખબર નથી. મને લાગે છે કે મૂળભૂત ખામી સારી પટકથા અથવા સારા પટકથાલેખકના અભાવમાં રહેલી છે. સાધારણ રીતે એવું બનતું હોય છે, અડધોક સમય તો દિગ્દર્શકો જાતે જ પટકથા તૈયાર કરવા પાછળ ખરચી નાખતા હોય છે. સારી લેખાય એવી મૌલિક વાર્તાઓનો ભયંકર દુકાળ વરતાય છે. કોઈ પણ સામયિકનો પૂજાઅંક વાંચતાંવેંત ખબર પડી જશે કે કોઈ પણ વાર્તા પૂરી વાંચી શકાય એવી હોતી નથી, દસ-પંદર પાનાં વાંચ્યા પછી એને પડતી મૂકવી પડે છે. એ એટલી બધી નિમ્ન સ્તરની હોય છે. સિનેમા બનાવવા ઉપયોગી નીવડે એવી વાર્તાઓનો ખરેખર અભાવ વરતાય છે. અત્યારે કોઈ ઈન્વેેન્ટિવ દિગ્દર્શક જો ‘મિર્ચ-મસાલા’ જેવી ફિલ્મ બનાવે તો એને જ મુક્તિનો માર્ગ ગણવો રહ્યો. પૂના ઈન્સ્ટિટ્યૂટ સારા કસબીનો મોટો ફાલ ઉતારે છે એ વાતમાં જરા પણ સંદેહ નથી. ખાસ કરીને ટેેક્નિકલ દૃષ્ટિએ – જેમ કે સાઉન્ડ, લાઈટિંગ, એડિટિંગ, ફોટોગ્રાફી – એ બધા દૃષ્ટિબિન્દુથી, પરંતુ એ વાત પણ સાચી કે ત્યાં સારા દિગ્દર્શકો પેદા થતા નથી. વિશ્વની કોઈ પણ સ્કૂલ સારા દિગ્દર્શકો પેદા કરી શકી નથી, એકાદ-બે અપવાદો સિવાય. પ્ર. : ઘણા લોકો કહેતા હોય છે આજકાલ યુવાન ફિલ્મસર્જકો આપનું જોઈને દેખાદેખીમાં જાતે જ બધું કરી લેવાનો યત્ન કરતા હોય છે. એને લીધે જૂથમાં રહીને કામ કરવાની પ્રવીણતા વિકસતી નથી. ઉ. : સાંભળ્યું છે કે ઘણા દિગ્દર્શકો આજકાલ પોતાની ફિલ્મ માટેની સંગીતરચના જાતે જ કરે છે. કેટલા લોકો એવું કરે છે એની મને જાણ નથી. મને એની ખબર પડતી નથી, કારણ કે હું કોઈ ફિલ્મ મેગેઝિન વાંચતો નથી. છતાં જાણવા મળ્યું છે કે અહીં એ વ્યાપકપણે ચાલે છે. કેટલાક પોતાની ફિલ્મનું સંગીત જાતે જ તૈયાર કરતા હોય છે, કેટલાક જાતે કેમેરાનો હવાલો સંભાળતા હોય છે. એમાંના કેટલાક સારું કામ કરી પણ દેખાડે છે. જેમ કે ગૌતમ ઘોષ ઘણા જ સારા કેમેરામેન છે, પરંતુ સંગીતના ક્ષેત્રમાં જે બની રહ્યું છે એમાંનું કેટલુંક, મારી ફિલ્મના સંગીત સાથે સંકળાયેલા પાસેથી જાણવા મળે છે. સાંભળ્યું છે એ પ્રમાણે તો દિગ્દર્શક મોઢેથી ગણગણીને સ્વરો સંભળાવી દે. ત્યાર પછીનું સઘળું એટલે ઓરકેસ્ટ્રેશન, એરેન્જમેન્ટ વગેરે બીજા લોકો સંભાળી લે. પૂરેપૂરું બીજાઓનું જ કરેલું. તો પછી ખરેખર જે સ્વરો તૈયાર થાય છે એ કંઈ દિગ્દર્શકે રચેલા નથી હોતા. એઓ મોટું માન ખાટી જતા હોય છે. રવિ ઠાકુરના ગીતના સૂરો ગણગણી જવાથી કંઈ સંગીત દિગ્દર્શક બની જવાય નહીં. પ્ર. : તારકોવસ્કી પોતાના પુસ્તકમાં એક જગ્યાએ જણાવે છે કે એમને સાચા અર્થમાં શ્રેષ્ઠ કહેવાય એવી કોઈ નવલકથા આકર્ષતી નથી. કારણ એમને એવું લાગે છે કે એ પ્રકારની નવલકથાને સિનેમામાં રૂપાંતર કરવાના પ્રયાસમાં પોતાનું વ્યક્તિગત કહેવાય એવું યોગદાન કરવાનું રહેતું નથી. ઉ. : શક્ય છે તારકોવસ્કીને એમને ત્યાંની નોવેલ, એમના દેશ સાથે સુમેળ ધરાવતી લાગતી હોય. જ્યારે અહીં મને જે કંઈ પણ મળે છે, જેમ કે પ્રફુલ્લ રાયની નવલકથા. તાજેતરમાં મારા દીકરા માટે પ્રફુલ્લ રાયની એક નવલકથા મેં ફિલ્મ માટે એડેપ્ટ કરી છે, એનો સ્ક્રીનપ્લે લખવાનો બાકી છે, ઘણી જૂની વાર્તા છે, સરસ સિનેમા બની શકવાનું સઘળું ઉપાદાન એ વાર્તામાં રહેલું છે. ભારે રસપ્રદ. એક ફિલ્મસર્જક તરીકે સિનેમાની પરિભાષામાં વિચારવાનું શરૂ કરતાં જણાઈ આવશે કે ઘણાં બધાં પરિવર્તનો કરવાનું પ્રયોજન ઊભું થાય એમ છે. હું એવું બધું કરતો જ હોઉં છું. આ જગ્યાએ હું તારકોવસ્કી સાથે સહમત નથી. મને તો લાગે છે કે એવી કોઈ નવલકથા હોઈ ન શકે જેમાં સહેજ પણ ફેરફાર કરવા ન પડે. સિનેમા બનાવવો હોય તો પ્રત્યેક સાહિત્યકૃતિને રદબદલ કરવાનું આવશ્યક બની રહે. કોઈ કોઈ વાર નવલકથામાંના સંવાદોને પૂરેપૂરા બદલી નવી રીતે લખવા પડે. કોઈ કોઈ લેખક, જેવા કે વિભૂતિભૂષણ, ખૂબ જ તાદૃશ સંવાદો લખતા, ટ્રિલોજીમાં એમના જ સંવાદો યથાતથ રાખી શક્યો છું. અલબત્ત શરૂ શરૂના એ ગાળામાં સંવાદો લખવા જેટલો આત્મવિશ્વાસ હું કેળવી શક્યો નહોતો. તે વેળા હું હજુ સંક્રાંતિકાળમાં હતો એવું કહી શકાય, પરંતુ આ ક્ષણે મને લાગે છે કે ગર્ભિતરૂપે રહેલા કોઈ પણ સુંદર ફિલ્મવસ્તુને રૂપાંતરની જરૂર અનિવાર્યપણે પડતી જ હોય છે. સિનેમાને લાગેવળગે છે ત્યાં સુધી તો ખરું જ. પ્ર. : હવે છેલ્લે એક નાના પ્રશ્ન દ્વારા હું આપણા વાર્તાલાપને આટોપી લેવા માગું છું. આપણે આપણા વાર્તાલાપમાં સિનેમાની સમગ્ર પરિસ્થિતિને લઈને ઘણી વાતો કરી. આપણે જાણીએ છીએ કે આજના દિવસે ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાંથી જે છાત્રો બહાર પડે છે તેમાંના મોટા ભાગના સિનેમામાં આવવાને બદલે ટી.વી. તરફ વળી જાય છે. ત્યાં એઓ સિરિયલો બનાવવાનું કરે છે. એમને ઉદ્દેશીને આપ કંઈ કહેવા માગો ખરા? કલાત્મક, સાંસ્કૃતિક, સમાજવૈજ્ઞાનિક દૃષ્ટિબિન્દુથી સિનેમા પરત્વે અનુરાગ ધરાવવો કે ગંભીર સિનેમાને વ્યવસાય તરીકે અપનાવી ઝંપલાવવું? એનું કશું મૂલ્ય, આજેય હજુ છે એવું આપને લાગે છે ખરું? ઉ. : આજે પણ હું જ્યારે આ જ એક કામ કર્યે જાઉં છું ત્યારે નવા નવા છોકરા આ કામમાં આવતા માગતા હોય તો સ્વાગત કેમ ન કરું ભલા? મારી તો આજે પણ દૃઢ શ્રદ્ધા છે કે હજુ પણ કશુંક કરી શકાય એમ છે, આજે પણ કરી શકાય એમ છે. મારી આ શ્રદ્ધા નવા નિશાળિયાઓમાં નહીં રોપવાનું કોઈ કારણ નથી. અલબત્ત, એડ્‌ ફિલ્મો અને ટેલિવિઝનનાં પ્રલોભનો રહેલાં જ છે. એનું કારણ એ ક્ષેત્રોમાં સારા એવા પૈસા રળી શકાય. માત્ર પૈસાની વાત જો દિમાગમાં હોય તો તેઓ જરૂર એ કામ કરે, પરંતુ હું પોતે આટલા વખત સુધી જે કોટિની ફિલ્મો બનાવતો આવ્યો છું એ કોટિના કામ માટે જ નવાગંતુકોમાં જાગૃતિ આણીશ. એમને હું એમની ચારેપાસ આવી રહેલા જગતમાંથી વિષયવસ્તુ ખોળી કાઢવાનું કહીશ. મારી પોતાની વય તેમ જ અભિજ્ઞતા વધતા જવાના કારણે, માનવી પાસે વધુ ને વધુ નિકટ જવાના કારણે, મારી આસપાસના જગત સંબંધી વધુ ને વધુ સભાન થઈ ઊઠવાના કારણે, હું કેવળ ખાસ પ્રકારની ફિલ્મો બનાવી રહ્યો છું. ગમે તે કહો, હું પણ એક સમયે યુવાન હતો, એ વેળા મેં મારી કારકીર્દિનો આરંભ કરેલો, એ જ પ્રમાણે આજે પણ કેમ ન કરી શકાય? એમને પ્રયત્ન તો કરી જોવા દો. કેતને ‘મિર્ચ-મસાલા’ બનાવતાં એ માર્ગે વળવાનો પ્રયત્ન કર્યો જ ને? ખાસ પ્રકારની શ્રેણીના દર્શકોની વાત સઘળો સમય લક્ષ્યમાં રાખવી જોઈએ. કેવળ વિદેશી મહોત્સવો, પુરસ્કાર, વિદેશી સમાલોચકની પ્રશંસા પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખશો તો કોણ એવી ફિલ્મ બનાવવા આપશે? પોતાના દર્શકોની વાત સતત ધ્યાનમાં રાખવી પડશે. મને તો હજુ પણ શ્રદ્ધા છે કે આ વિશેષ રૂપના સિનેમાનો દર્શક હજુ પણ અસ્તિત્વ ધરાવે છે. હું પોતે આ પ્રકારની ફિલ્મ બનાવવામાં શ્રદ્ધા ધરાવું છું. જે પણ આ પ્રકારનો સિનેમા બનાવવા ચાહતો હોય, એવા યુવાન ફિલ્મસર્જકનું હું હંમેશાં હંમેશાં સ્વાગત કરી વધાવી લઈશ. ધૃતિમાન : આભાર સત્યજિત : આભાર.

(મૂળ બંગાળી પરથી ગુજરાતી અનુવાદ)
(ગદ્યપર્વ, વર્ષ : ૫, અંક ૩-૪, સળંગ અંક ૨૭-૨૮, સપ્ટેમ્બર-નવેમ્બર ૧૯૯૨)