બહુવચન/હે અર્જુન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
Bahuvachan Photo 7.jpg


હે અર્જુન
પરિતોષ સેન

ઢાકા જિલ્લામાં આવેલા અમારા ગામનું સ્મરણ થતાં જ આંખ સામે એક એબ્સ્ટ્રેક્ટ ચિત્ર ઊપસી આવે છે. નખશિખ લીલા રંગથી આંકેલું. લીલા રંગના અનેકવિધ પટ્ટાઓને એકબીજા પર ગોઠવીને મૂક્યા હોય એ રીતે રચાયેલું. વિખ્યાત અમેરિકન ચિત્રકાર માર્ક રોથકોની ચિત્રકૃતિ જેવું. એમ પણ કહી શકાય, જાણે લીલાશનો દરિયો ઘૂઘવતો હોય. ભરવર્ષાના દિવસોમાં અને વસન્ત ઋતુમાં એવું લાગવા માંડતું કે ગામઆખુંય જાણે લીલા પ્રકાશના સરોવરમાં ઝબકોળાઈ ઊઠ્યું છે. બધું જ જાણે કે એકાદ લીલા કાચની આરપાર જોઈ રહ્યો હોઉં, બધું જ જાણે લીલા સેલોફેનથી મઢેલું લાગે. ક્યારેક કોઈ અચેતન ક્ષણે એવું પણ અનુભવું કે સૂર્ય પણ જાણે લીલા જ રંગનો છે. તડકાનો રંગ પણ લીલો. ચારેકોર આવી લીલાશની જ છટા. નીલા આકાશ નીચે ઝાડપાનની લીલોતરી, એની નીચે જળનો નીલ-લીલો, કાદવિયા માટીના રાખોડી રંગ ઉપર ઘાસની લીલાશ, શેવાળનો લીલો, જળવેલનો લીલો, અળવીના પાનનો લીલો, કાળો-લીલો, નીલો-લીલો, ઘેરો લીલો, પીળો-લીલો, એમેરાલ્ડ લીલો, ઓનિકાસ-લીલો, ટાર્કવાઇઝ-લીલો, લીલો-લીલો, વધુ લીલો. લીલા રંગની પૂરી સિમ્ફની જોઈલો. આહા! સઘળી ઇન્દ્રિયો જાણે એ લીલા રંગના સંગીતની છાલકથી ઘેરાવા માંડે. અમારા ઘરની ત્રણે સીમાઓ વચ્ચે ભાતભાતનાં વૃક્ષ-વેલીઓમાં પણ આવી લીલાશની જ છાકમછોળ. કેરી-જાંબુ-ફણસ, જારૂલ-જિયલ, ધોળાજાંબુ અને આંબલીઓ, ગાબ્‌-કદમ-અંજીર, કોઠાં અને ફાલસા, સોનચંપો અને દાડમડી, સોપારી અને નાળિયેરી- ઉપરાંત કેટલીય અગણિત વનવેલીઓ-એનો હિસાબ માંડવો કપરો થઈ પડે, પરંતુ આ બધાયને વામણા બનાવી દેતું અમારી તળાવડીના ઈશાન ખૂણે આવેલું અર્જુન વૃક્ષ ઊભું છે. જાત તો એની વનસ્પતિની જ. એટલું ઘેઘૂર અને મહાકાય કે એ એકલું એકે હજારા, એકલું વૃક્ષ જ વનસમાણું. જીવજગતની પેઠે વનસ્પતિજગતમાં પણ લાગે છે નર અને નારી હોય છે. કેટલાંક વૃક્ષ એવાં હોય છે જેનાં ડાળ-પાંદડાંની સજાવટ, ફૂલોનો ચહેરો, ગંધ, રંગ બધું મળીને ખૂબ ઠસ્સાદાર, સુંદર સ્ત્રીની યાદ અપાવે. હવાનો જરા સરખો હડદોલો લાગતાં કેવા નાચના તાલે ડોલવા માંડે! ભરજોબનથી છલકાતી સ્ત્રી જેમ પોતાના જ સ્તનભારથી સહેજ આગળ ઝૂકી પડે તેમ વૃક્ષો પણ એમનાં ફળફૂલના ભારથી લચી પડે. હા, એમ જ તો અમારા ઘરના ધાબા પરથી દેખાતી લાલ કરેણ વસંતની લહેરોમાં કેવી નાચી ઊઠે છે! ફૂલોના ભારથી કેવી ઝૂકી પડે છે! ધાબાને લગભગ અડી જાય છે કે નહિ! બીજું પેલું શ્વેત્‌ કરેણનું વૃક્ષ! સફેદ સફેદ ફૂલોની ભાતવાળો લીલી સાડીનો ઘૂમટો માથે ઓઢીને લાજુલ નવવધૂની જેમ કેવું માથું ઝુકાવીને ઊભું છે. વળી ચાલતા વૃક્ષની પાંદડીઓ પણ કેવી પુરબહારમાં છે. કોઈકે એમને એક એક કરીને ફૂલના તોરાની જેમ ગોઠવી મૂકી હોય એવી દેખાય છે. એનાં પાંદડાં અસ્ત્રી કરીને ગડી કરી દીધાં હોય એટલાં સુંદર છે, એવી જ એની શિરટોચની બેજોડ સિમેટ્રી. વળી પાંદડાંઓનો રંગ પણ કેવો અદ્‌ભુત! એકદમ અસલી વૅટ સિક્સ્ટીનાઇનની બોતલ જેવો ઘેરો લીલો. અઝરબૈજાનની કોઈ નર્તકીની બારીક મલમલ જેવી ઓઢણી જેવાં કુમળાં કેળનાં કે ખાખરાનાં પાંદડાંઓમાંથી ચળાઈને આવતા શરદની સવારનાં કોમળ સોનેરી કિરણો કેવાં ઝળહળી ઊઠે છે! સહેજ અમથી હવાની લેરખી લાગતાં અદ્‌ભુત લીલાશ પડતા પીળા પ્રકાશમાં ઝુમ્મરમાંથી વેરાતા પ્રકાશની પેઠે વેરાઈ જાય છે. મન ભરીને હું એ નિહાળ્યા કરું, સહેજે થાક ન વરતાય. દૂરના પેલા પીળા રંગેલા ઘરની પડખે ઊભેલી નાળિયેરી દેખાય છે, એની અડોઅડ એક બીજી નાળિયેરી પણ હતી. પવન સાથે તાલ મેળવીને નાચ દેખાડવામાં એમના જેવી જોડી જડવી આ ગામમાં દુર્લભ હતી. વૈશાખી વાયરો ફૂંકાવાની રાહ જોતી એ આખું વરસ બેસી રહેતી. જેવો વાયરો ફૂંકાવો શરૂ થાય પછી એમને કોણ ઝાલી રાખી શકે? એવી જ એક ઝંઝાભરી સંધ્યાએ આગળ-પાછળ ઝૂકી ઝૂકીને ઝોલાં ખાવામાં તડાક્‌ દઈને અચાનક બટકી પડી. બાળપણમાં અમારી દાયણ જમિલાની માના મોઢેથી એમના જમાનાના ઢાકાની સૌથી નામચીન બાઈજી સુન્નતબાઈના અદ્‌ભુત નૃત્યની વાત સાંભળેલી. ઢેલની ડોક જેવી લાંબી, પાતળી એની ગરદન અને એવી જ ઘાટીલી એની કાયા, હરિણી જેવી ગભરુ અને એવી જ એની ચાલ, એના શરીરમાં હાડ જેવું કશું હતું જ નહિ. શરીરને ધાર્યા મુજબના મરોડ આપી શકે. એક વાર જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે શહેરના તેજાનાના ધનાઢ્‌ય વેપારી નિમાઈચાંદ સાહાના ઘેર જલસો ગોઠવેલો. જેસલમેરની કોઈ એક વિખ્યાત નર્તકીને એમાં તેડાવેલી. પૂરા ઢાકા શહેરમાં હો-હા મચી ગઈ. એ સાંભળીને સુન્નતબાઈ તો ઈર્ષ્યાથી બળીને ખાખ થઈ ગઈ. એકસાથે બન્નેને નાચવાનું નોતરું દેવામાં આવ્યું. પણ સુન્નતબાઈએ મંજૂર ન રાખ્યું. જાતજાતનાં નખરાં કરવા લાગી. ત્યાર પછી જ્યારે મહેફિલ શરૂ થઈ, એ કુર્નિશ બજાવતી પ્રવેશી. પગે ઢગલોએક ઘૂંઘરું બાંધેલાં છતાં એકાદી ઘૂઘરીનો અવાજ સરખો ન સંભળાયો. કેમ જાણે હવામાં જ પગ અધ્ધર મૂકતી ન હોય. એકસામટાં નાટકી ઢબે સારંગી, તબલાં અને ઘૂંઘરું ઝનનનઝનનન કરતાં રણકી ઊઠ્યાં. નાચતી નાચતી તબલાંના બોલની સાથે સાથે જાતે પણ મોઢેથી બોલ બોલતી જાય અને એ જ બોલ પગેથી પણ તોળતી જાય.

ધારિ કિટ્‌ મારિ કિટ્‌, તુન્‌ તુન્‌ થારિ
બેંધે કેટે, મેરે કેટે
દગમગ દગજગ
તેરે કિટ મેરે ચિટ્‌
જાધરિગ, તા ફરિગ થ્‌ન્‌ ગા
કિટ્‌ કિટ્‌ તાક્‌ તાક્‌
થારિક્‌ થારિક્‌ ચિટ્‌ પિટ્‌ થાક્‌ થાક્‌
ઝિન્‌ કિટ્‌ ફાંકા ઘાલંગ થાકા થેઈ

સોળ માત્રાનો બોલ, એનું ચાર વાર આવર્તન કરી ચોસઠ માત્રા પર લઈ જાય. નાચનારીએ શરૂઆત કરી પ્રથમ લયમાં, ત્યાર બાદ મધ્યમમાં, આખરે ધીરે ધીરે દ્રુતલયની દિશામાં આગળ વધતી ગઈ. પોતાની છાતીએ તાળીના તાલે તબલચીને લયનો વેગ વધારવાનું સૂચન કરતી જાય. તબલચીનાં આંગળાંમાંથી ફૂલઝરીની પેઠે બોલની રમઝટ વરસે એવી જ વર્ષા નાચનારીના પગેથી વરસે. સુન્નતબાઈ ચપટી વગાડી વાદકોને ફરી ઈશારો કરી કહે, લય ઔર ભી બઢાઈએ. એ એક તાજ્જુબની ઘટના હતી. મહેફિલમાં બેઠેલા કદરદાન પ્રેક્ષકો મંત્રમુગ્ધ બની નિહાળી રહ્યા. એના સ્પંદનથી ઝુમ્મરમાંના સ્ફટિકો ડોલતા એકબીજા સાથે ભટકાતાં ટણિંગ વાગવા લાગ્યા. સૂર અને લય દ્રુતગતિમાં વધતાં વધતાં સાંઘાતિક ચરમે જઈ પહોંચ્યા. સુન્નતબાઈનો સર્પ જેવો દેહ ધીમે ધીમે વળોટાય અને પાછળની તરફ વંકાય. આ અવસ્થામાં પકવ બીજોરાની જોડ જેવાં સુંદર, મુલાયમ સ્તનોને એવી રીતે નચાવે જાણે ઝંઝામાં કુમળી વાંસની પાંદડીઓ કાંપે. ઉપર ઊંચકે અને નીચે નમાવે. એની ભીતરથી કશું ઊછળીને બહાર કૂદી પડવા માગે. અત્યંત સૂક્ષ્મ મરોડ લેતું એનું માથું નિતંબને ટેકવી રહે. બરાબર ગુલછડી જોઈ લો. તાજા જ વળ દીધેલા ઢોલકના ચામડાની પેઠે એનાં પેટ અને કમ્મર અસંભવ તંગ થઈ ચૂક્યાં હતાં. તાળીઓના અદમ્ય ગડગડાટ અને ‘વાહ વા, વાહ વા, ક્યા બાત, ક્યા બાત, મુકરર’ના પોકારોથી નૃત્યખંડ ફાટી પડ્યો. એમાં કાને બધિરતા આવી જાય કે બીજું કંઈ? ખૂબ જ ઝડપી મિંડના ખેંચાણથી સિતારની જવારીનો તાર ખડિંગ કરતો તૂટી જાય એમ નાચનારીનું શરીર કમ્મરેથી એકાએક બટકીને જમીન પર ફસડાઈ પડ્યું. પેલી નાળિયેરીની જેમ. સુન્નતબાઈ પણ ફરી કદી ઊભી થવા ન પામી. હા, તો હું શેની વાત કરતો હતો? પેલા અર્જુન વૃક્ષની. ગામ બહાર – દક્ષિણે, ઉત્તરે, પશ્ચિમે, પૂર્વે – કેટલોય દૂર કેમ ન ગયો હોઉં મારા ઘરની દિશામાં તાકવાથી દિગન્ત સુધી વ્યાપેલી લીલોતરી વચ્ચેથી એનું માથું ખાસ્સું ઊંચકાયેલું નજરે પડે. એ વૃક્ષને નિહાળી રહેવાથી મારા ચિત્તમાં તરેહ તરેહના આવેગોનો શંભુમેળો જામવા માંડે. એક તરફ શાંતિ અને આનંદ, બીજી તરફ એવા જ વિસ્મય અને ભય. એના અદ્‌ભુત આકારની સંરચના અને એની ઋજુ રેખાઓનું અંકન જોઈને મનમાં થાય કે આ તો કોઈ ઉસ્તાદ એન્જિનિયરના હાથની રચનાસૃષ્ટિ ભાસે છે. એની બહારની અને અંદરની ઊભી અને સમાંતર રેખાઓનો કેવો અજબ સમન્વય! એવું જ નિતાંતપૂર્ણ એનું સંતુલન. સમસ્ત વૃક્ષમાં એના આપાદમસ્તક વજનનું એવું ચમત્કારી વિભાજન થયેલું છે કે મેનહટનના એકસો એંસી માળના મકાનની જેમ યદૃચ્છયા આકાશગામી થઈ વધી શકે. ઝંઝા, વૃષ્ટિ, ભૂકંપ, એ બધાં એની કાયાનો કાંકરો સરખો ખેરવી શકે એમ નથી. મારી બાને મોઢે વાત સાંભળેલી કે સન ૧૯૧૮માં પ્રલયંકારી જીવલેણ વંટોળિયો ફૂંકાયેલો, એ ઝંઝાવાતમાં ઢાકા જિલ્લાનો ખાસ્સો એવો ગ્રામીણ પ્રદેશ ઉજ્જડ વેરાનમાં ફેરવાઈ ગયેલો. પણ અર્જુન વૃક્ષને ઊની આંચ સરખી આવી નહોતી. પહાડ પેઠે એ તો નરવું, અવિચળ ટકી રહ્યું. એવી તો એની સ્થિતિ અને રચનાકૌશલ! એવી જ એની આસુરી શક્તિ. વર્ષો પૂર્વે હું કિંગકોંગનો સિનેમા જોવા ગયેલો. એ જોઈ બીકથી થથરી ઊઠેલો, મારી જીભ તાળવે ચોંટી ગયેલી. કેવી વિરાટ એની કાયા! જાણે વીસેક દૈત્યોને મારીને એને ઘડ્યો હોય! એનો સંહાર કરવા અનેક જાતનાં છટકાં ગોઠવવામાં આવેલાં – તોપ, બંદૂક, ઍરોપ્લેન, અને બીજું કંઈ કેટલુંય. એ બધાથી કિંગકોંગના પેટનું પાણીય ન હલ્યું. એ તો એવો જ નિરુદ્વેગ અને નિર્વિકાર. બધાને સામાન્ય કોઈ જંતુ ગણીને એમની કનડગત, ચપટીમાં મચ્છરની જેમ ચોળી નાખે. પોતાની શક્તિ અને પરિમાણ વિશે એ જેટલો સભાન એટલો જ નિશ્ચિંત પણ હતો. એટલો તો ગર્વિષ્ઠ! ચારેકોર જે બધી ઊથલપાથલ મચી રહી હતી એ છોને થતી રહેતી, એનાથી એનો વાળેય વાંકો થવાનો નહોતો. આ તો થઈ એની તાકાત અને સામર્થ્યની વાત. હવે આપણે એના રૂપ વિશે કેટલીક વાત કરીએ. શાસ્ત્રો કહે છે, “રૂપન્ત ષોડશવિધમ્‌.” અર્થાત્‌ રૂપના આકાર-પ્રકાર સોળ રીતે ઓળખાય છે. એ મુજબ આ વૃક્ષના રૂપનું વિશ્લેષણ કરવા જતાં અનેક પૃષ્ઠો ખોવાઈ જાય એમ છે. સરળ ભાષામાં કહું તો કોઈ પણ પદાર્થના રૂપનો એક મુખ્ય નિયમ છે એના માપજોખ. એટલે કે જેને આપણે પ્રપોર્શન કહીએ તે. એમાં પણ પાછાં પ્રદેશે પ્રદેશે ભિન્ન ધોરણો હોય. માણસ વિશે તો આવો નિયમ ખૂબ જાણીતો છે. એના પોતાના જ હાથ વડે માપો તો એ સાડાત્રણ હાથ લાંબો ગણાય, એનો ચહેરો પોતાની વેંત જેવડો! સઘળા મનુષ્યોને લગભગ આ નિયમ લાગુ પડે, પરંતુ અર્જુન વૃક્ષની બાબતમાં આપણે કેવી રીતે વિચારશું? વૃક્ષના માપજોખનો એવો કોઈ નિયમ જાણીતો નથી. છતાં દૂરથી જ્યારે હું એ વૃક્ષને જોઉં છું ત્યારે એવું લાગે કે જાણે શ્રવણ બેલગોડાની ગગનચુંબી એ વિરાટકાય દિગંબર મૂર્તિ જેવું જ નિતાંત સુંદર : એવું માનવા મન પ્રેરાય છે. જે માપજોખથી એ મૂર્તિ તૈયાર કરાઈ છે, એવાં જ પરિમાણોથી વિધાતાએ એનું સર્જન શું નહિ કર્યું હોય! રંગો અને વિવિધ આકારોના સંમિશ્રણથી જ શું વિધાતાએ આ રૂપજગતનું નિર્માણ નથી કર્યું? શાસ્ત્રમાં તો એવું પણ કહ્યું છે કે મૂર્તિના ગુણ ત્રણ પ્રકારના છે. ઉષાનો ગુલાબી તડકો એ વૃક્ષની ટોચને સ્પર્શી રહ્યો હોય ત્યારે એવું લાગવા માંડે કે કોઈ વિરાટ સાત્ત્વિક પુરુષ ટટ્ટાર થઈને યોગમુદ્રામાં બેસી ગયો છે, હાથે અભયદાનની મુદ્રા ધારીને. વસન્ત ઋતુમાં એ જ તડકો વર્ષાની ઝડી માફક કાચા, કુમળા પાનને અથડાઈને એકાદ નીતર્યા, લીલા દિવ્યજ્યોતિ મહાયોગીના મુખમંડલની ચારેપાસ વેરાઈ જતો લાગે. ધીમે ધીમે તડકો હવળો બનીને આકાશની નીલિમામાં ભળી જાય. કેટલાંક જંગલી પારેવાં એની ચારેકોર વિવિધ ભંગીઓમાં ચકરાવા લેતાં ફરે, પ્રભાતનું જાણે અભિવાદન કરતાં હોય. વૃક્ષમૂળે પડેલાં શિશિરભીનાં શ્વેત અર્કમંદારગુચ્છ આ તડકાના સ્પર્શે ઝળહળી ઊઠે-યોગીનાં શ્રીચરણોમાં ભક્તોની પુષ્પાંજલિ! નમતા પહોરના તડકામાં એ મને હંમેશાં રાજસિક રૂપે દેખાયો છે. જાણે એ રંગબેરંગી, ભાતીગળ નકશીકામ કરેલા વાહનમાં ઊભો રહી પશ્ચિમભણી દોડી રહ્યો છે. ભરબપોરે આકરો, આંખો આંજી નાખતો તડકો એના માથે પડે એ વેળા એની પ્રચંડ ઉગ્ર મૂર્તિ ઊપસી આવે. શુંભ, નિશુંભ, હિડિમ્બા, પુલોમા, બકાસુર – આકાશ, પાતાળ, મર્ત્યલોકના સફળ રાક્ષસદૈત્યોની સંગે લડવા બહાર પડ્યો હોય એવું લાગે. ‘સર્વવરઃ મનોરમા’ એટલે એવી મૂર્તિ જેનાં અંગ-પ્રત્યંગ વધુ પડતાં પાતળાં ન હોય કે જાડાં ન હોય. વધુ પડતાં લાંબા કે ટૂંકાં ન હોય : કેવળ આવી જ શાસ્ત્રમાનસંપન્ન મૂર્તિને જ રમ્ય કહેવાતી હશે નહિ? દસેક લાખમાં એકાદીક એવી નજરે ચડે. ‘તત્‌ લગ્નમ્‌હૃદ’ હૃદયને જીતી લે એવી વસ્તુ મનોરમ હોઈ શકે, પરંતુ ખરેખર ‘અનુપમ’ થવા માટે એને ‘શાસ્ત્રમાન’ થવું પડે. ‘વાક્યં રસાત્મકં કાવ્યં’. એટલે કળાનું નિર્માણ ત્યારે ગણાય જ્યારે કંડારાયેલી મૂર્તિમાં ‘રસ’ એના આત્મારૂપે પ્રવેશ કરે છે. અર્જુન વૃક્ષને જોઈ આવી કેટલીય વાતો મારા મનમાં ઊભરાયા કરે જેનો કદી અંત ન લાવી શકું. આપણા દેશના શું કે પરદેશના શું – જે પણ માનદંડથી કેમ ન વિચારીએ, એનાથી આ વૃક્ષના સૌંદર્યમાં કોઈ ઊણપ દેખાય છે એવું નથી વરતી શકાતું, રિયાલિસ્ટિક એટલે કે વાસ્તવધર્મી શિલ્પ, ઉપરથી પડતા પ્રકાશમાં તો સૌથી સરસ દેખાય. એના શરીરની બહિ-રેખાઓ, જેને આપણે ‘કોન્ટુર’ કહીએ છીએ એની સંરચના, એની માંસપેશીઓ, એનાં સૂક્ષ્મ મુલાયમ ઉત્થાન-પતન, એનાં ડાળ-પાંદડાંમાં છન્દની જે રમત ચાલે! એના ઊભા રહેવાની ભંગિમા, એની ત્રિમાત્રિકતા – સઘળું મળીને રેનેસાં યુગના શિલ્પીઓમાં ચરમ ઉત્કર્ષ એવા માઈકલ એન્જેલોએ નિર્માણ કરેલો ‘ડેવિડ’ જાણે જોઈ લો. વિશ્વકર્માએ આવા મહીરુહ (મહાવૃક્ષ) ને છુટ્ટે હાથે લાવણ્ય અર્પ્યું છે, સકળ ભાવે, વિધવિધ પ્રકારે – છાયા-પ્રકાશ અર્પીને, રંગ-બેરંગ મેળવીને, કઠોર-કોમળને એક સૂત્રે બાંધીને. મસમોટા સખત પથ્થરો પરથી પહાડી ઝરણું કેવું દડી જતું હોય છે! માત્ર કડી કે માત્ર કોમળ સૂરથી કંઈ સિતાર થોડી વાગી શકે? જીવન-મરણ, પ્રકાશ-અંધકાર એ સઘળાં એકત્ર થાય ત્યારે જ સંસારમાં ઐક્યનો સૂર બજી ઊઠે. આને જ તો આપણે કહીએ છીએ યુનિટી. આ સૂત્ર વડે જ તો સકળ બ્રહ્માંડ બંધાયેલું છે. કોણ જાણે કેટલાય યુગોથી તળાવડીના ઈશાન ખૂણામાં અર્જુન વૃક્ષ ઊભેલું છે. એની વયની કોને જાણ છે? કાદવના થરોની અંદર પૃથ્વીના ભાવિ અરણ્યનો જે દિવસે પ્રથમ મર્મધ્વનિ સંભળાયો એ દિવસથી જ એનો આવિર્ભાવ પૂર્વનિર્ધારિત થઈ ચૂક્યો હતો? નુબિયાની મરુભૂમિમાં નાઈલ નદીને કિનારે જે દિવસે મિસરના સઘળા રૂપદક્ષીઓ અબુ સિમ્બાલના મંદિરના દેહ પર રામાસીસ બીજાની પર્વતપ્રમાણ મૂર્તિ કંડારી રહ્યા હતા, કદાચ એ જ દિવસોમાં આ મહીરુહનો જન્મ થયો હશે. એ બન્ને જાણે સૃષ્ટિના આદિકાળથી સ્થિર, નિશ્ચલ બનીને ઊભા રહ્યા છે. કાળના પથ પર અગ્રગામી આ વૃક્ષ આકાશ તરફ કર જોડી જાણે કહી રહ્યું છે : હું હતું, હું છું, હું રહીશ. પુરાણ પુરુષ સમા વટવૃક્ષને જોઈ એક આ જ વાતનું સ્મરણ થાય. પરંતુ અર્જુનની સાથે અત્યારે પણ એનો કોઈ મેળ બેસતો નથી. વટવૃક્ષો પૃથ્વીના જે કોઈ નિરાશ્રિત, શાંત જીવો છે એમને પોતાની શીળી છાયા જેવા ખોળમાં લઈ લેતા હોય છે. જેવી રીતે નિત ઊંડા અરણ્યના પુરાતન જટાજુટધારી ઋષિમુનિઓના અવારિતદ્વારયુક્ત આશ્રમો કરતા હોય. વટવૃક્ષનો ધર્મ જ કરુણા. અર્જુન વૃક્ષ તો પોતાની વિશાળતા પર, પોતાની શક્તિ પર જ મુસ્તાક. પોતે જૈવ જગતના ઉપકાર માટે આવ્યો છે કે નહિ – એ અંગે કદી લમણાઝીક કરતો નથી. આવું તો એનું ગુમાન, આવી તો એની નિર્લિપ્તિ. પ્રથમ દૃષ્ટિએ આ બધી વાતો ગમે એટલી સાચી કેમ ન લાગે પણ અહીં મૂળ વાત એ નથી. એ વાત હું પાછળથી કરીશ. અમારી તળાવડીનો એ ઈશાન ખૂણો ગજ લઈ માપીએ તો કંઈ એવડો છેટો નહોતો. છતાં ઘરની આસપાસના બીજા અંશો કરતાં એ ઘણો આઘો વરતાયા કરતો. એનું એક કારણ કદાચ એ પણ હોય કે પુરુષવર્ગને લોટે જવાની જગ્યા એ જમાનાના ઘરના નકશામાં સૌથી દૂર હડસેલી દેવાનો નિયમ થઈ ગયો હોય. સવારના પહોર સિવાય અમે બધા એ દિશામાં ઝાઝું ફરકતા નહિ. વેળાકવેળા જઈ ચડીએ તો શરીરે પસીનો વળી જતો. કેટલીય જાતનાં સરિસૃપ અને પશુપક્ષીઓનો આ વૃક્ષમાં અડ્ડો હતો એનો કોઈ હિસાબ નહિ. એક રીતે એ એક અજબ ચીડિયાઘર જોઈ લો. પ્રત્યેક પ્રકારના જીવની પોતાની, અદૃશ્ય છતાં, એક નિશ્ચિત સીમારેખા દોરાયેલી હોય છે. કોઈ નિયત સમયે એ સીમાડાઓ અંગે આરંભમાં કલરવ, પછી કલહ અને આખરે દંગલ મચી જાય. રિવાજ મુજબ લોહી રેડાય. આવા ચિત્કાર – ચેંચા મિચિ – નિખર કિચ્‌, નિખર કિચ્‌, કિરરરરર – મિરરરરરર, વુઈટી વુઈટી, વિટ – વિટ, વિટર – વિટ, વિરરરરર, પૃઇચિ, પૃઇચિ, ચિરિ ચિરિ ચિડડડ કુચિડિ કુચિક કુઇટુંગ, પિપિપિઈ કુઈચૂંગ ચુડડડ ડડડ ટુઈયા ટુઈયા ટુઈયા – બીજીય કંઈ કેટલીય કેકોફોનિ – કોણ એ સમજી શકે! સાંભળીને કાનમાં ધાક પડી જાય. બાળપણમાં તપેલીમાંથી ચમચા વડે પાયસ ભરતાં ખડિંગ ખડિંગ તીક્ષ્ણ અવાજથી શરીરમાં લખલખું પ્રસરી જતું. પંખીઓની કચકચ સાંભળીને એવું લાગતું જાણે પૃથ્વીની સઘળી છૂટક ઘરકામ કરતી નોકરાણીઓને તપેલીઓમાં ચમચો હલાવવા હારબંધ બેસાડી હોય! કેવી ગજબનાક ઘટના! એક દિવસ સવારે પ્રચંડ એવા ઘોંઘાટથી અચાનક મારી ઊંઘ ઊડી ગઈ. ઊઠીને જોઉં છું તો અર્જુન વૃક્ષને ઘેરીને અસંખ્ય પંખીઓ ઊડાઊડ કરી રહ્યાં છે, તારસ્વરે ચીખી રહ્યાં છે. એ દળને મજબૂત કરવા બીજા ફળિયાનાં પંખીઓ પણ આવીને એમાં જોડાયાં છે. એ સાંભળી મને થયું કે આ ચિચિયારીઓ જુદા જ પ્રકારની છે. એક તરફ ભયાનક આપદની આશંકાનો એમાં ચિત્કાર વરતાયો તો બીજી તરફ રણસંગ્રામનો ભેરીનાદ પણ એમાં ભળેલો લાગ્યો. વૃક્ષ તરફ આગળ વધીને જોઉં છું તો ક્યાંકથી બે હનુમાનજી અજસ ડાળપાંદડાંઓમાં ભૂસકા મારતા દેખાયા – સર્કસના કુશળ ટ્રેપેજ ખેલાડીઓની પેઠે, ડાળીએ પૂંછડું ભેરવીને ઝૂલા ખાતાં ખાતાં તડિંગ દઈને એક કૂદકે બીજી એક ડાળીએ પૂંછડું ભેરવી ઝૂલતા ટારઝનની પેઠે શ્‌ન્‌ન્‌ કરતા એક ભૂસકે ઝાડના બીજા ભાગમાં ચાલી જતા. કેવી અજબની સ્ફૂર્તિ અને આનંદક્રીડા! વૃક્ષ જાણે સર્કસનો તંબૂ જોઈ લો – જાતજાતના ખેલ કરવાની જગ્યા. ભારોભાર નિર્વ્યાજ આનંદનું આવું લીલાક્ષેત્ર બીજે કશે છે ખરું? વૃક્ષ પર કબજો જમાવી દઈએ તો કેવુંક રહે, કદાચ આવું વિચારીને બન્ને હનુમાનજી અચાનક એક તાંડવનૃત્ય કરવા મચી પડ્યા. પંખીઓના જેટલા પણ માળાઓ હતા એ સઘળાને ખેંચી કાઢી એમણે કચ્ચરઘાણ વાળવાનું શરૂ કર્યું. ઝાડની અંદર અને નીચેના ભાગમાં ખાસી એવી ઘટના રહી. (એ કહેવાની જરૂર નહીં, ઝાડની ઊંચેરી ડાળીઓએ, જ્યાં સમડી, બાજ અને ગીધોને વાસ હતો એ તરફ જવાનું બેઉ વાનરોને મુનાસિબ લાગ્યું નહીં). થોડીક ક્ષણોમાં તો બધું જ વેરણછેરણ થઈ ગયું. સામાન્ય શિરસ્તા અનુસાર બેઉ હનુમાનજીઓની આ તો વિજયગાથા ગણાઈ રહેવી જોઈએ. પરંતુ ઘટનાએ એકાએક નાટકીય વળાંક લીધો, આલ્ફ્રેડ હિચકોકની ‘ધી બર્ડ’ ફિલ્મની જેમ. દેખીતી રીતે નિરાપદ ગણાતાં પંખીઓ જેવા જીવો પણ કેવી ભયાનક રીતે હિંસક બની શકે એ ચૈત્ર મહિનાની સવારનું આ દૃશ્ય જોઈ હું ખૂબ ચકિત થઈ ગયો. ગમે તે હોય, પોતાનાં ઘરબાર અને જાન બચાવવાં જોઈએ એ ઈન્સ્ટિંક્ટ પ્રેર્યા સુમારે હજારેક પંખીઓ-એમાં કલકલિયા, દરજીડા અને ચંડોળ જેવાં પણ-એકજૂથ થઈને ‘મારો, મારો, કાપો, કાપો, હાંકી મૂકો’ એવા હુંકારથી ભયાનક એક કાળા વાદળની જેમ બેઉ હનુમાનજીઓ પર બેતમા બની ત્રાટકી પડ્યાં. જોતજોતામાં એક કુરુક્ષેત્ર મચી ગયું. ચારેકોર લોહી જ લોહી. થોડી જ વારમાં લોહીલુહાણ થઈ, કૂદતાં કૂદતાં બેઉ વાનરો – પંખીઓની સરહદમાંથી પોબારા ગણી ગયા. ઝાડની હેઠળ નામી-અનામી અનેક પંખીઓના મૃતદેહ પડ્યા હતા. વાનરોની અંદર અમથા અમથા ધ્વંસ કરવાની આવી પ્રવૃત્તિ આ પહેલાં પણ મેં નોંધેલી. એની સરખામણીમાં માણસની અંદર રહેલી આ પશુપ્રવૃત્તિ હજાર ગણી વધારે છે. ભારોભાર આનંદ પામવાના અદમ્ય લોભને કારણે કે પછી વ્યાવસાયિક લાલચને કારણે હોય, આ બન્નેના પરિણામે પૃથ્વીના પટ પરથી બે’ક હજાર પ્રકારનાં સ્તન્ય પ્રાણીઓ અને બસોપચાસ પ્રકારનાં પંખીઓ માનવના શિકાર બની નષ્ટપ્રાય થઈ ચૂક્યાં છે. કહે છે કે હજુ છસો પચાસ જાતનાં સ્તન્ય પ્રાણીઓ અને પંખીઓનો આવો લોપ અનિવાર્ય છે. હિંસકતામાં જરૂર પંખીઓ, વાઘ-રીંછ-મનુષ્ય કોઈનાથી પાછાં પડે એમ નથી. એક વાર હું પૂજાના દિવસોમાં ચોરી કરીને ઘણાં બધાં કેળાં ઝાપટી ગયેલો. પરિણામે મારે અર્જુન વૃક્ષની નીચે વારંવાર દોડવું પડેલું. ત્યાં જઈ ચડતાં જોઉં તો ઘણી સુંદર પણ લોહીલુહાણ એક શાલિક (કાબરી મેના) એક ખૂણે હાંફતી બેઠી હતી. મારું માનવું છે કે ચિત્કાર – કલબલાટ કરી ઝઘડવામાં શાલિકને કોઈ ન પહોંચે. મારા જ અનુભવની વાત. અમારા ફળિયાનો બી. એ. પાસ થયેલો બંકુ મોદી એની વંઠેલી વહુ જોડે ઝઘડવામાં પહોંચે નહીં ત્યારે નાસિકાસૂરે બબડ્યા કરતો, ‘માંરી બેંટી બૈંરીની જાંત જાંણે શાંલિંક જોંઈ લોં.’ જવા દો એ વાત, ગમે તેમ તોય હું વૈદનો દીકરો રહ્યો. એને હવળેથી ઉપાડી ધોતિયાની ખોઈમાં લઈ આવ્યો. અને અરડૂસીનાં પાનના રસ વડે સાફસૂફ કરી, હળદર-ચૂનો ચોપડી પાટો બાંધી દીધો. ત્રણચાર દિવસ વટાણાની સાથે કીટ, કંસારી અને બીજી જીવાતનો નાસ્તો ઉડાવીને એવી તો એ તાજીમાજી થઈ ગઈ કે ઊડી જવા માટે ધમપછાડા કરવા લાગી. એને પગે દોરી બાંધી મારી સાથે જ રાખું. અનિત્ય આ સંસારમાં માયા વધારવાથી લાભ શો? એવું વિચારી જેવો હું એને અર્જુનની નજીક લઈ ગયો કે પલકવારમાં એ ડાળ-પાનમાં ક્યાંય અદૃશ્ય થઈ ગઈ, એને પછી કદી જોઈ નથી. પશુપંખીના જગતના હોય કે માનવજગતના હોય, સીમાડાને લગતા ઝઘડાઓએ આજે ઊંડાં મૂળ ઘાલ્યાં છે. ઠાકુર રામકૃષ્ણ કહેતા, ‘મનુષ્યો ધનદોલત, જમીન અંગે ઝઘડા ઊભા કરતા હોય છે. આકાશ માટે તો કોઈ જ ઝઘડતું નથી’. તે બચાડા જીવ આ યુગમાં જીવ્યા હોત તો ચોક્કસ આવી વાત ન જ કરત. આજે તો આકાશ-પવન-પાણી સઘળે જ આ સીમાઓના ટંટા નજરે ચડે છે. જમીનમાંથી જે કંઈ પાક પેદા થાય છે તેમાંથી આજના માનવીને ક્યાં પૂરું પડે છે! પાણીને તળિયે જે મત્સ્યાદિ અન્ય ખાદ્ય પદાર્થ રહેલા છે એને માટે પણ પડાપડી છે. ઉપરાંત મહાસાગરની સપાટી નીચે ક્યારે ક્યાંથી તરલ સોનું નીકળી પડે એ પણ કોણ કહી શકે એમ છે? એટલે તો જમીનની જેમ સાગરની સીમાઓ અંગે યુદ્ધો લડાઈ રહ્યાં છે. અદૃશ્ય હોવા છતાં આકાશ પર પણ આ જ પ્રમાણે સીમાઓ અંકાયેલી છે. વિના અનુમતિએ એમાં ઘૂસ્યા તો એનાં ઘોર પરિણામો સંભવી શકે. એટલું જ કેમ-રાતોરાત યુદ્ધો પણ ફાટી નીકળે. આકાશ – પવન – પાણી – જે કોઈ તરફ જુઓ બધે જ ગરબડ મચેલી છે. વૃક્ષ-ડાળ-પાન પણ એમાં અપવાદરૂપ નથી. અમારા આવડા આ અર્જુન વૃક્ષની સાથે આજકાલનાં ગગનચુંબી એપાર્ટમેન્ટ હાઉસનું ગજબનું સામ્ય છે. જેમની આર્થિક સ્થિતિ સારી એવી નબળી હોય તેઓ આ પ્રકારનાં મકાનોમાં ભોંયતળિયે કે પાછળના ભાગમાં સ્થાન પામે. ત્યાર પછી જે ક્રમમાં માલિકની આર્થિક સમૃદ્ધિ વધતી જાય એ જ ક્રમમાં એની ક્ષમતા પણ વધે. અને એ ક્રમ પ્રમાણે એમનું સ્થાન પણ ઊર્ધ્વીકરણ પામે! ઉપરાંત, તેઓ પ્રકાશ અને પવનના ઉપભોગના પણ વિશેષ અધિકારી. વૃક્ષના તળભાગમાં સંખ્યાબંધ દરોમાં સાપ, દેડકાં, ઊંદર વગેરેનો વાસ. એની બરોબર ઉપલા ભાગે થડનાં પોલાણોમાં લક્કડખોદ, કાળોકોશી, સૂડા, શાલિક, બુલબુલ અને બીજાં કેટલાંક પંખીઓનાં રહેઠાણ. વૃક્ષના પાછળના ભાગમાં એટલે કે જ્યાં શિયાળા સિવાય ખાસ તડકો નહોતો પડતો, એની વચ્ચેની ઉપલાણમાં, શતશો ચામાચીડિયાંની ગાઢ વસતિ. આઘેથી અચાનક નજર પડી જાય, ઝાડનો એટલો ભાગ કોઈકે બાળી મૂક્યો એવું જણાય. એની જ પડખે કેટલીક મોટી મોટી ચીબરીઓ અને ઘુવડો. આવા પાછળના ભાગનાં ડાળી-ડાખળાં અને પાંદડાંઓને વાગોળોએ ગંધારા સફેદ રંગે રંગી મૂક્યાં છે. ફ્‌લેટવાળા મકાનને ચૂનો ધોળવાથી એ ઘણો શોભી ઊઠે. જ્યારે મહીરુહના શરીરે આવી સફેદીનું પીછું વરવું બની જતું હતું. આ જ વસતિની ઉપર, મોખરાના ભાગમાં બગલાના ઝુંડ વસે. એની ઉપરની તરફ સી-ગલ અને સમડીઓ. એમાં ક્યારેક એકાદ-બે બાજ પણ દેખા દે. ઉનાળાની બપોરે પાંદડાંઓના છત્ર નીચે મજાનાં ઝોકાં ખાતાં હોય. એ બધાયથી ઠેઠ ઊંચે આવેલો છે ગીધડાંઓનો લક્‌ઝરી ફ્લેટ. મનુષ્ય સમાજમાં જેવા શ્રેણીભેદ-વર્ણભેદ છે એવા જ ભેદ પશુપંખી-કીટ-પતંગોમાં પણ જોઈ શકાય. એમાં કશો વ્યતિક્રમ નથી. મેં અગાઉ કહ્યું તેમ અર્જુન વૃક્ષની સામે પડખે થઈને જતાં ધોળે દિવસે પણ અમારાં કાળજાં ધડકી ઊઠતાં. તેમાં રાતવેળાએ તો અનેક પ્રદેશોનાં ભૂત-ડાકણો આવીને એમાં અડિંગો જમાવે એમાં શી નવાઈ? વૃક્ષને જાણે રીતસરની ક્લબ બનાવી મૂકે. એવું સંભળાયા કરે કે ચોફેરનાં ગામડાંઓમાં જે કોઈનું અપમૃત્યુ થાય એનો પ્રેતાત્મા જાણે એ વૃક્ષ પર જ વાસો બાંધે. ઉપરાંત, આત્મીય-સ્વજન જે બધા અમારી માયાનું બંધન તોડીને જતા રહ્યા છે, તે પણ ઓછામાં ઓછું એકાદ વર્ષ એ ઝાડની આસપાસ આંટાફેરા મારતા રહે. એક દિવસ અમે બધા હુતુતુ રમી રહ્યા હતા. ત્યાં અચાનક અમારો બાંધેલો કઠિયારો કાર્તિકચાંદ દોડતો આવીને અમારી સામે ફસડાઈ પડ્યો. એને મોઢેથી ચૂંકારો સરખો નીકળતો નહોતો. ભયથી જાણે થીજી ગયેલો. ઘણી વારની ઊલટતપાસ પછી હાંફતો હાંફતો બોલ્યો કે મોટા શેઠ ત્યાં થઈને પસાર થઈ રહ્યા હતા અને મને પૂછ્યું, ‘કેમ રે કાર્તિક, સારો તો છે ને? ઘણે દિવસે તને જોયો.’ વાત એમ હતી કે મોટા શેઠ, એટલે કે અમારા પિતાજી, એકાદ માસ પૂર્વે જ અવસાન પામેલા. એક દિવસ અમારા એક પિતરાઈને કાલીપૂજામાં ખાવાની હોડ બકી. એમાં એ ડઝનબંધ પૂરીઓ, બશેર જેટલી નાળિયેરનું ખમણ નાખી વઘારેલી ચણાની દાળ, વીસ-પચ્ચીસ મોટાં મોટાં રીંગણાનું શાક, ત્રણચાર મુઠ્ઠી લાલ મરચાં ઝાપટી ગયો. એની પર ભાઈસાહેબે પાંચ-છ વાડકા રબડી પેટમાં પધરાવી દીધી. પછી તો થવાનું હતું એમ જ થયું. અમાસની કાળી ડિબાંગ રાતે હાથમાં લોટો લઈ હાંફળાફાંફળા એને દોડવું પડેલું. શરદઋતુની આખરના હલકા નીલ ધુમ્મસનું પડળ આ અંધકારને ઘેરી વળી વધુ રહસ્યમય બનાવી મૂકતું હતું. તળાવકિનારે હાથપંખા જેવડા મસમોટા જણાતા કંદનાં પાંદડાંના જંગલની બરાબર ઉપરના ભાગમાં આગિયાઓ એકસામટા ઝબકી ઝબકી બુઝાઈ જતા હતા. શિશિરભીનાં પાકાં ધાનની વાસ, સડી ગયેલાં પાંદડાંની થરની ગંધ, કાદવિયા માટીની ગંધ, એકસાથે ભળી જઈને ચોફેરનું વાતાવરણ જાણે એક પ્રકારની ભયાવહ લાગણી જગાડતું હતું. હવાનું નામનિશાન નહિ. હાથમાં ફાનસ ઝાલી મારો પિતરાઈ ભાઈ સાંકડી કેડી પર આગળ વધી રહ્યો હતો. આઘેથી વૃક્ષભણી નજર પડતાં એને એક તદ્દન જુદા જ પ્રકારની મૂર્તિ દેખાણી. જાણે રામપ્રસાદી શ્યામા વિખેરાયલા વાળે સ્મશાનકાલીની મુદ્રામાં ઊભી છે. ચારેકોર સૂમસામ. ઝબ દઈને પાણીમાં કશુંક કૂદી પડ્યું. કદાચ કોઈ તગડા કદનો દેડકો હોય અથવા તો કદાચ એકાદ મોટી માછલી પાણીમાંથી હવા ખાવા ઉપર સપાટી પર આવી હોય અને ગુલાંટ મારી ઊંડા પાણીમાં લપાઈ ગઈ હોય. પેલું શું છે? પેલું દેખાય એ છે શું? ધુમ્મસના પડમાંથી ઝાંખુંપાંખું પેલું શું દેખાઈ રહ્યું છે? મારો ભાઈ એમ તો સહેજે ડરપોક નહોતો. અમારા ઘરમાં એના જેટલો અજબનો સાહસિક બીજો કોઈ ન મળે. ફાનસની વાટ વધારી જરાક ઊંચકીને એણે નજર માંડી. હાથ-પગ-આંખ સઘળું થીજી ગયું. અમારો પાળેલો કૂતરો ‘ભોલો’ રહી રહીને ભૂંડા સાદે રોવા લાગ્યો. એ જાણે કશુંક કહેવા માગતો હતો. તળાવડીના નૈર્ઋત્ય ખૂણામાંના વાંસવનમાંથી કેટલાંક શિયાળે એવી જ ભૂંડી લાળીથી એની સાથે જોડાઈને જુગલબંદી આરંભી. તમરાંઓએ પણ એમનો ત્રમત્રમાટ સપ્તમે ચડાવ્યો. બધા જ જાણે સમસ્વરે કહે છે, ‘ભાગો, ભાગો’. કોઈક અદૃશ્ય તર્જની સંકેતે પલકવારમાં બધું જ થંભી ગયું. કેવી ભેંકાર નિસ્તબ્ધતા. દ્રાક્ષનો ટકોરો વાગતાં જાણે વેનિશિયન વાઈન ગ્લાસ ઠણિંગ ઠણિંગ અવાજે હજાર ટુકડામાં વેરાઈ ગયો. ધુમ્મસ ધીમે ધીમે સરકતું વાંસવનની દિશાભણી ચાલ્યું ગયું. ફાનસના અજવાળામાં ચોખ્ખું દેખાવા માંડ્યું સળેકડા જેવી પાતળી, માંદલી – દેખાવમાં અમારી સેજોફઈને ઘણી મળતી આવતી એક ડોસી ત્યાં કિનારે બેસી પાણીમાં ગલ નાખી માછલાં પકડવા બેઠી છે. ફઈ એમના જેઠને જોઈ અઢી હાથ લાંબો ઘૂમટો તાણતાં, એ ડોસીના માથા પર એવો જ લાંબો ઘૂમટો તાણેલો છે. એ જ અવસ્થામાં ડોસીએ મારા પિતરાઈ ભાઈની તરફ માથું ફેરવ્યું. ધૂંધળા પ્રકાશમાં દેખાયું કે ડોસીને માથું જ નહોતું. એના હાથમાંની ગલની અણીએથી દીવાદાંડીમાંથી ફેંકાતો હોય એમ ભૂરાશ પડતા લીલા પ્રકાશનો રેલો નીકળી ચોફેર ઘૂમરાતો હતો. ડોસીના એ સળેકડા જેવા હાથનો ઝાટકો ખાઈને પંદરેક હાથ લાંબી એવી માછલી કિનારા પર પછડાઈ પડી. કમાલની એ માછલી. બેલ્ટ પહેરેલી મડમ જેવી કમ્મરે પાતળી, એકની જગાએ ત્રણ ત્રણ માથાં અને ત્રણ જેટલાં પૂંછડાંવાળી, નીચેના ભાગમાં બબ્બે હાથને છેટે ગાંઠો જેવું કશુંક બાંધેલું, હારમાં પરોવી દીધેલાં ઘણાં બધાં અનનાસ જોઈ લો. અલ્સેશિયન કૂતરાની જેવી લાલચોળ જીભ લપકી રહી છે, માથા પર ગેંડા જેવાં શિંગડાં અને વાલરસ જેવાં થોભિયાં, આંખોમાંથી લગ્નમંડપની વેદીમાં પ્રગટાવેલા અગ્નિની પેઠે જ્વાળાઓ ભભૂકે છે અને વળી વિના કારણે બુઝાઈ જાય છે. ફરી વાર પ્રકાશે છે અને બુઝાઈ જાય છે. એવી એ માછલી તળાવકિનારે પછડાતાં જમીનની માટી થરથર કાંપી ઊઠી. એક પ્રકારના ગુજરાતી પોશાકમાં આભલાં જડેલાં હોય છે એવાં આભલાં એના આખા શરીરે મોઝાઈકની જેમ જડેલાં હતાં. ફાનસનો પ્રકાશ પડતાં માછલીનાં અંગો આરસીઓ પેઠે ઝલમલી ઊઠ્યાં. માછલી જેમ જેમ તરફડતી તેમ તેમ શતશો સર્ચલાઈટ પ્રગટી ઊઠતી હતી અને બુઝાઈ જતી હતી. એક મસમોટું ચૂલતેરું સૂકા પાંદડાની જેમ તરતું વહી આવીને ડોસીની સામે આવી ચડ્યું. એવી જ રીતે થોડી વારમાં પિત્તળની બે થાળીઓ પણ અદબપૂર્વક તરતી તરતી આવી પૂગી. આ શું? અર્જુન વૃક્ષની ચારેકોર એકાએક શૂન્ય ગુરુત્વાકર્ષણ ઊતરી આવ્યું કે શું? બુઢ્‌ઢીએ હાથ પર થોડીક માટી ચોપડીને જેવી માછલીની ગર્દન ચૂલેતરાના ધારિયાને અડકાડી તેવી જ લોહીની એવી ધાર વછૂટી કે હેમન્તની તળાવડીના ખૂણેખૂણાને ભરી દીધા. એના છાંટા ઊડીને મારા પિતરાઈના બાંય વિનાના ફાંકા પડેલા ગંજીને પલાળી મૂક્યું. આ શું! બે પગના ફાંકા વચ્ચેથી પેલું શું બહાર નીકળ્યું? એ ઊંદર હતો કે પછી નોળિયો. સૂકાં પાંદડાંની અંદર આ ખચખચ અવાજ શેનો થાય છે? એક ચામાચીડિયું સનનન્‌ કરતું કાન પાસેથી પસાર થયું. એકાદ તીડિયું આવીને જોરથી કપાળમાં અથડાયું કે મારા આ દાદા (મોટો ભાઈ) ચત્તાપાટ પડી જવામાં હતા. આ બધાં કાંડકરતૂતોથી વાજ આવીને દાદા ભાગી છૂટવાની વેતરણમાં હતા, બરાબર એ જ ટાણે એની કાંધ પર બરફ જેવા ઠંડા એરિંગ ટેકવાયા અને એના કાનમાં ગુસપુસ સંભળાઈ, ‘જાણે છે અમારી તો આજે ઉજાણી થવાની છે. મેનુ શું છે, ખબર છે? બિરિયાની, પાતૂડી, કૂર્મા, મૂળિઘન્ટ. *[1]રાંધશે કોણ જાણે છે? ળાયબાળીના પન્ટૂ બાપની પહેલી વહુ. મારી ભેગો જમીશ કે? શુદ્ધ બંગાળી ભાષા. એમાં જરાય ના નહિ. પણ ‘ર’ની જગ્યાએ ‘ળ’કેમ બોલે છે? એ જણ શું બંગાળી તામિલનાડુથી શીખી આવ્યું છે શું?’ વળતી સવારે અમારા ગોર મહારાજ, ટેવ પ્રમાણે મળસકે પ્રાતઃકર્મ પતાવવા આવેલા ત્યારે મારા આ મોટા ભાઈને બેભાન અવસ્થામાં પડેલો જોયો. એને મોઢે હાંડીમાં રંધાતા ભાતની પેઠે ભક્‌-ભક્‌ કરતાં ગરમ ફીણ વળી ગયેલાં. બીજી એક વેળા અમારા ગામનો જોગેશ માછીમાર આ જ પ્રમાણે એક અમાસની રાતે મનની મસ્તીમાં ગાન ગાતો ગાતો અર્જુન વૃક્ષની પછવાડેના ખાબોચિયાની ધારે ઘસાઈને હોડી હંકારી જતો હતો. નસીમપુર ગામથી જાત્રાનો પાઠ ભજવીને એ પાછો વળી રહ્યો હશે. જેવો એ વૃક્ષ નીચે આવ્યો, બસ એનું ગાન ગયું થીજી. એ ઘડીથી એ ગાયબ છે. હજુ પણ કદીક કદીક ખૂબ ઘેરી રાતે વૃક્ષને ટગડાળેથી એનું ગીત વહી આવતું સંભળાય છે. ત્યારથી ગામમાં બધા રાતના સૂતી વખતે રૂનાં પૂમડાં કાનમાં ઘાલીને સૂએ. એ ગીત જેને કાને પડે. ધીરે ધીરે એના દિવસો ભરાઈ ચૂકે એવી માન્યતા પ્રચલિત થઈ. પરંતુ અનેકવિધ રૂપે પ્રગટતા ગગનચુંબી આ મહીરુહને હું જ્યારે પણ જોઉં છું ત્યારે મારા કાને તો કેવળ સૃષ્ટિનું શાશ્વત સંગીત જ વહી આવે છે. જે સંગીતને એક રીતે જીવનસંગીત કહી શકાય. એ સંગીતના અનાવિલ, ઉન્મત્ત અનુભવે મારા જીવનને સહસ્રભાવે સમૃદ્ધ કર્યું છે. હે તરુવર! આજ લગભગ અર્ધીએક શતાબ્દી થઈ હશે તને જોયાને. આજે તું મારા માટે પરદેશી જેવો છે. આજે તું હોઈશ કે નહીં એની પણ મને ક્યાં જાણ છે? વસ્તીવિસ્ફોટને કારણે, માનવના પ્રયોજનને કારણે તું કદાચ વિસર્જિત પણ થઈ ગયો હોઈશ. તારી પાદપીઠ પર થઈને કદાચ કોઈ નૂતન રાજપથ પણ તૈયાર થઈ ચૂક્યો હોય. એક દિવસ ત્યાં કારખાનું પણ ઊભું થઈ જાય. સવારના સોનેરી તડકામાં જ્યાં તારો મુગટમણિ જોયો હતો, એક દિવસ ત્યાં દૈત્યના જેવી એ કારખાનાની વિરાટ ચીમની માથું ઊંચકી ઊભી હશે. કાળા કાળા ઝેરી સાપની જેમ એનો અનર્ગળ ધુમાડો ચકરાવા લેતો ઊંચે થઈને નીલમ જેવા સ્વચ્છ નીલ આકાશને અંધકારમય કરી મૂકશે. ક્યારેક કોઇ દારચીનીના દ્વીપમાં વસંતના કોઈક ઢળતા દિવસે સુદૂર સાઈબેરિયાગામી એકાદું વેંગણી રંગનું બગલું અમારી આ તળાવડીને કિનારે નરમ ઘાસમાં બે ઘડી વિસામા ખાવા ઊતરીને અચાનક એકાદ બીજ નાખી ગયું હશે. તારા જન્મના એ શુભ સમયે, સ્વાતી, રેવતી, અરુંધતી એ બધાં નક્ષત્રોએ શંખધ્વનિ ફૂંકીને તારા આગમનની ઘોષણા કરી હશે. એ દિવસે હશે ફાલ્ગુની પૂર્ણિમા. એ દિવસે પ્રકૃતિ તારા સર્જનની કલ્પનામાં મશગૂલ હશે. આ કલ્પનામાં હતો દૂરના ભવિષ્યના વિસ્મયનો આવિર્ભાવ, નૂતન નૂતન સૌંદર્યનો જન્મ, નૂતન નૂતન પ્રાણના વિકાસબીજરૂપે નિહિત. ચરક, સુશ્રુત, વાગ્ભટ્ટ, ચક્રદત્ત, આર્યાવર્તના સઘળા ઋષિમુનિઓએ કેટલી ધામધૂમપૂર્વક તારા નામકરણનો ઉત્સવ ઊજવેલો. અદ્‌ભુત બધાં નામ રાખીને તારો મહિમા ગાયેલો. જેવો તારો ધ્વનિ એવી જ તારી માધુરી – ગાંડવી, કિરીટી, કર્ણારી, અર્જુન, શંબર, પૃથજ, કૌન્તેય, ધનંજય, કકૂભ અને બીજાં કંઈ કેટલાય! તું રહ્યો કરોડોમાં એક, સહસ્ર ગુણનો આધાર. તારા ગુણ થકી કેટલાય અસાધ્ય રોગોમાંથી હજારો માનવોએ મુક્તિ મેળવી, નવજીવન પ્રાપ્ત કર્યું. તારાં એકાધિક નામ થાય એમાં આશ્ચર્ય પામવા જેવું છે વળી? તું જ પ્રેમ, તું જ સૌંદર્ય, તું જ કલા, તું જ ભાવુકતા, તું જ અનુકંપા, તું જ સૌંદર્યપિપાસુ પ્રકૃત રસિકજનોની અનુભૂતિ અને આનંદનો ઉત્સવ, કીટપતંગ, પશુપંખી, મનુષ્ય બધાયને તેં પ્રાણ ભરીને ચાહ્યા છે. પોતાની જાતને સંપૂર્ણપણે નિશેષ સમર્પી દીધી છે. એટલે તો તારા કપાળે અંકાયલું છે પ્રેમનું જયતિલક, પ્રેમની ઉજ્જ્વળ વર્તિકા. હે તરુરાજ! અમાવસ્યાની કાજળઘેરી અંધારી રાત્રે મેં તને જોયો છે. જાણે એક રહસ્યમય સ્વપ્નબંદરરૂપે. ક્યારેક શુક્લ પક્ષની બીજનો ચંદ્રમા ઊગીને તારી ચોપાસની છાયા અને આસન્ન પ્રદોષવેળાના ગભીર અંધકારને દૂર કરી દેતો, એની જ પ્રતીક્ષામાં કેટલીય રાતોમાં ચૂપચાપ ઊભો રહેલો મેં તને જોયો છે. ગ્રીષ્મની કેટલીય અલસ બપોરોએ તારી શીતળ છાયામાં પક્ષીઓનું કૂજન મેં સાંભળ્યું છે. કેટલાય દિવસોમાંથી સ્વપ્નમાં મેં કલ્પના કરી છે કે તારી એ ઊંચી ચૂડાએ ઊભો રહીશ. હાથ લંબાવીને નીલ આકાશને અડકી લઈશ, ઉપરથી પૃથ્વીને જોઈશ, સમડીઓ જુએ તેમ. શિયાળામાં તારી પાંદડાં ખરી ગયેલી રુક્ષ કર્કશ મૂર્તિને મેં જોઈ છે. તારા ચકચકતા, તામ્રવર્ણાં નવાંનકોર પાંદડાં ફાગણની ગરમ હવામાં ચળકતાં મેં જોયાં છે. કેટલું અપૂર્વ એ દૃશ્ય! જાણે ઉમર ખય્યામના દેશના કોઈ કુશળ કારીગરે તૈયાર કરેલા હંસજોડધારી કાચના સુરાપાત્રમાં ખોરાસાની દાડમનું શરબત છલકાઈ ઊઠે છે. તારી ચૂડાનો ધક્કો ખાઈને વર્ષાનો પ્રથમ મેઘ તને સિંચિત કરી મૂકે છે. કાબરી મેનાઓ, કલકલિયાઓ, બુલબુલો, સૂડાઓ એમનાં ભીનાં થયેલાં પીછાં સૂકવવા હારબંધ તારી ડાળીએ ડાળીએ બેસી જાય છે. આહા! ડાળપાનમાં જાણે રંગબેરંગી ભાતભાતના પતંગોની દુકાન બેસી ગઈ છે. વળી ભરવસંતે મસૃણ લીલા મખમલના કુરર્તામાં સજ્જ થયેલો મેં તને જોયો છે. માથા પર માખણ રંગનાં ફૂલોના પુંજનો મુગટ તારા હૃદયસ્પંદનને આજે પણ હું મારા રક્તમાં અનુભવી રહ્યો છું. કલકત્તા જેવા આ જનાકીર્ણ, કોલાહલ ભરપૂર કામઢા, થાકેલા, ગોબરા, ભાંગ્યાતૂટ્યા શહેરમાં હું વસું છું છતાં તને કદી પણ વીસર્યો નથી. જીવનાનન્દની જે અમૃતવાણી તેં મને સંભળાવી છે એ વાતનું સ્મરણ છતાં હું આજે પણ કેવો રખડુ થવા તડપી ઊઠું છું! જાણે દૂર દૂર, એક જનહીન, અજ્ઞાત જગતના ઉદાસ અપરૂપ એવા વગડાઉ સૌંદર્યની વચ્ચે જીવન આણી આપે છે એક અપૂર્વ મુક્તિનો સ્વાદ અને આનંદની અનુભૂતિ. “હે સમય, હે સૂર્ય, હે માઘનિશીથની કોયલ, હે સ્મૃતિ, હે હિમ હવા, મને શાને જગાડવા ચાહો છો!”

(મૂળ બંગાળી પરથી ગુજરાતી અનુવાદ) (ગદ્યપર્વ : વર્ષ ૨ : અંક ૬, સળંગ અંક ૧૨, માર્ચ ૧૯૯૦- ચિત્રકાર લેખક વિશેષાંક)

  1. * કેટલીક બંગાળી સ્વાદિષ્ટ વાનગીઓ.