બાંધણી/અભિનંદન!

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૬. અભિનંદન!

ઑફિસથી નીકળતાં નીકળતાં સાડા પાંચ થઈ ગયા. પાંચે ટેબલ સમેટીને નીકળી તો જોયું લિફ્ટ નીચે ગઈ હતી. એ આવે પછી પાંચ માળ ઉપર જાય અને પાછી નીચે આવે. એક હાથમાં સાડીની પાટલી અને બીજા હાથે કઠેડો પકડીને સડસડાટ ઊતરતી મને કોઈ જુએ તો એમ જ સમજે, આ બહેનની પાછળ કોઈ પડ્યું લાગે છે! બીજે માળે પહોંચી ત્યાં ઉપરથી અહેમદચાચાની બૂમ સંભળાઈ, મહેતાબહેન, તમારો ફોન છે! કોનો હશે? પ્રશાંતનો? પણ, એ તો સાડા છથી સાતમાં ઘેર પાછો ફરવાનો હતો. તો પછી? શું કાંઈ અણધાર્યું બન્યું હશે? પાછલા છ મહિનાથી મનને ટપારતી હતી એમ આજેય ટપાર્યું, થઈ થઈને શું થવાનું? દસ વર્ષથી કુટુંબ, પડોશ, ઑફિસ—બધાને ઘોળીને પી ગઈ અને હવે? ધારો કે કોઈ નિર્ણય નહીં આવે તોય શું ફરક પડશે? પણ પ્રશાંત? હવે એ ઘરમાં શ્વાસ લઈ શકશે? એક બાજુ ઋચા જેવી આક્રમક. ડોમિનન્ટ પુત્રવધૂ, બીજી બાજુ મોનોપોઝની સાથોસાથ મરજાદી થઈ ગયેલાં રમાબહેન! નિખિલનાં લગ્ન પછી રમાબહેન મને કહે, ‘મેં તો એના પપ્પાને કહી દીધું: લો હું તો પાર ઊતરી ગઈ, મારે તો વહુ પણ આવી ગઈ. હવે તમે જાણો ને તમારું કામ! ત્યારે એક પળ થઈ આવ્યું કે માગી લઉં એમની પાસેથી પ્રશાંતને? પણ થયું - એમણે ક્યારેય ક્યાં ના પાડી છે? ઋચાની પસંદગીમાંય મારી વાત પાછી નથી ઠેલી. ફરી બે દાદરા ચડી. ફોન લેવા ગઈ તો ઓપરેટર ત્રાંસી નજરે મારું નિરીક્ષણ કરતી હતી. મેં રિસિવર કાને માંડયું પણ કાંઈ જ સળવળાટ ન હતો. ફોન ચાલું પણ નહિ અને કટ પણ નહિ! કોઈ ચૂપચાપ મીંઢા સ્મિત સાથે મારું ‘હલો’ ‘હલો’, મારા શ્વાસ સાંભળતું હતું. મારું માપ કાઢતું હતું! હું એકદમ વિહવળ થઈ ગઈ. આ તે કેવી મજાક! મારા હાથમાંથી રિસિવર પડે એ પહેલાં ઓપરેટરે લઈ ક્રેડલ પર મૂકી દીધું. મને ખુરશી આપતાં એણે પાણી માટે બેલ મારી. પણ હું તરત ઊભી થઈ ગઈ. હંમેશા હુકમ કરતા મારા અવાજમાં આક્રંદ ભળી જશે તો? મેં લગભગ દોડતાં લિફ્ટ પકડી. ‘ગ્રાઉન્ડ ફ્લોર’ બોલતાં જ મને ખ્યાલ આવ્યો કે લિફ્ટ તો ઉપર જાય છે હવે? લિફ્ટમેન મને ધારી ધારીને જોતો હતો. મેં એની નજર લૂછી નાખવા પર્સમાંથી રૂમાલ કાઢ્યો, સાથોસાથ નિમંત્રણ કાર્ડેય આવ્યું. હેન્ડલૂમ વર્કશોપની ક્લોઝિંગ સેરિમની છે. મારે જવાનું હતું પણ પ્રશાંત નથી એટલે ક્યાંય ડગલું દેવાનું મન થતું નથી. એ આજે નથી. જોકે હમણાંથી એકદમ રઝળી પડ્યો હોય. એવું લાગે છે. એને જોઉં છું ને કોણ જાણે, મને રમાબહેન ઘેરી વળે છે. મને ડર છે, ક્યાંક મારા પણ ગિલ્ટના ભારે એના ખભા ઝૂકી તો નહીં જાય? એની સામે જવાની પણ હિંમત એકઠી કરવી પડે છે. કાલે સાંજે ફોન પર કહે, એ બધું બરાબર છેવટે, આ બધી યાતનાઓ પછીય તું આપણી મૈત્રી સ્વીકારે એટલે ઘણું! હું એના જેટલી સ્વસ્થ નથી રહી શકતી. હમણાંની બહુ જલદી તંગ થઈ જાઉં છું. સહેજ નાનકડી અમથી વાત હોય પણ કરોળીયાના જાળાની જેમ ક્યાંય સુધી કંપ્યા કરું! લિફ્ટ નીચે ઊતરી હતી. ગરગડી પર ડોલ અને સિંચાણીયું ટેકવ્યા હોય અને અચાનક જ બધું સરકી પડે એમ ક્યાંક ખેંચાઈ રહી હતી. નોંધારી ડોલની જેમ ટકવાની બધી જવાબદારીએ મને બેબાકળી કરી નાંખી હતી. રોડ પર આવી. રોજની ટેવ પ્રમાણે ઝવેરી વાડના બસ સ્ટેન્ડ તરફ ચાલવા માંડ્યું. ત્યાં યાદ આવ્યું આમેય સાડા પાંચ થઈ ગયા છે. કેસ પતી ગયો હશે? જોકે પરસ્પરની સંમતિથી છૂટાછેડા લેવાના હોય તો તો બહુ લાંબુ ના ચાલે. પણ ધારો કે આજે મુદત પડે જજ કે વકીલ હાજર ના હોય અથવા રમાબહેન જ હાજર ન રહે - અને રહે તો કંઈ વાંધો ઊભો કરે — તો? જોકે આજ સુધી એમણે હરફ પણ નથી કાઢ્યો તો શું ઋચા આગળ એમનું કાંઈ ચાલ્યું નહિ હોય? વળી, હું તો કાયમ એમની ઓશિંગણ થઈને જ રહી છું. તો પછી — ઘણી વાર પ્રશાંત ફરિયાદ કરે, ઘરમાં પગ મૂકું છું ને આખું રોંચું વાતાવરણ ઘેરી લે છે મને. હું રમાબહેનનો બચાવ કરતા કહું પણ ખાવા-પીવામાં તને કેટલો સાચવે છે. ઘર તો કેવું અરીસા જેવું રાખે છે! દીવાલ સાથે માથું અફાળતો હોય એમ એ બોલી ઊઠે, ઓહ નો! આ બધું તો હોટલોમાં ય મળી રહે. અરે એકાદ સગવડ ન સચવાય તો ય વાંધો નહિ. પણ સાલુ સમજાતું નથી કે કેમ એ આ તરફ આવતી જ નથી. ક્યારેક તો એની આ પોતાનામાં જ રમમાણ રહેવાની ટેવ મને ખૂચે છે. આ છે ને, હાથવણાટની પછેડી જેવી છે. જળી જાય પણ ખરબચડા પણું ના છોડે! આ તે કેવી જિંદગી? ઑફિસમાં ટ્રેડિશનલ ઇન્ડિયન હેન્ડીક્રાફ્ટ એન્ડ ફોક આર્ટના એક્ષપર્ટ. અને ઘેર સત્તર તાલુકા ગોળમાં ને ગોળ બહાર. કુળદેવી અને નૈવેદ્ય. સાચ્ચે જ પદમા! ગુંગળાઈ મરું છું. જો તું ના હોત તો— અરે! કહેતાંમાં તો એક ગામડિયા સાથે અથડાઈ પડી. મારી માફી સાંભળી ન સાંભળી કહે, ચેટલા વાજ્યા? પોણા છ, કહેતાં મેં રિક્ષા રોકી. વિચારવાનો પણ વખત નથી, મોડું થાય છે. સવા છ સુધીમાં તો ઘેર, છેક પ્રીતમનગર પહોંચવાનું છે. વચ્ચે આ રિલીફરોડ. નેહરુબિજનો ટ્રાફિક સહેજ વહેલી નીકળી શકી હોત તો આ પીક અવર્સ નડતું નહીં. ચારેબાજુથી ધસતાં વાહનોનો અવાજ. વધુ ને વધુ ગોટાતું વાતાવરણ જાતજાતના દાવ ખેલતી, અવનવી સ્પીડમાં નવા નવા રસ્તા ચીરતી રિક્ષા. એ અથડાઈ, એ ઊંધી! વારે વારે આંખો બંધ થઈ જાય. બંને હાથ કાન પર દેવાઈ જાય છે. હું ક્યારેય વાહન ચલાવી નહીં શકું. સાવ હોલા જેવું કાળજું લઈને સ્ટિયરીંગ કેમ પકડાય? આપણું તો ઠીક પણ બીજાના જીવનું જોખમ! પણ મેં ક્યાં આજની ઘડી સુધી સ્ટિયરીંગ હાથમાં લેવાની વાત જ કરી છે? થાય છે ઊતરી જાઉં રિક્ષામાંથી અને પહોંચી જાઉં દોડતી ઘેર. શું થયું હશે? જો બધું શાંતિથી પતી ગયું હશે તો? તો હું શું કરીશ? કંઈ જ સૂઝતું નથી. ખાલી થર્મોસમાંથી આવતા સૂમસૂમ જેવો અવાજ મારા કાળજામાંથી આવતો હતો. ત્યાં ગુજરાત હસ્તકલા હાટના સેલનું હોર્ડિંગ દેખાયું, અહીં રમાબહેન સાથે પહેલી મુલાકાત થયેલી. એ દિવસેય સેલ હતું. આગલા દિવસે મે પ્રશાંત સાથે ખરીદી કરવાની યોજના કરેલી. પૂરા ત્રણ કલાક રાહ જોઈ છેવટે એકલી નીકળી પડી. હાટનો દરવાજો ખૂલતાં જોયું તો સામે સિલ્કના કાઉન્ટર પર પ્રશાંત! થયું હમણાં કૂકરની જેમ ફાટી પડીશ, તમે તો — હું કાંઈ પણ બોલું એ પહેલાં પ્રશાંતે બાજુમાં ઊભેલી સ્ત્રીના ખભે હાથ મૂકતાં કહ્યું, રમા, પેલી જો તો. ઓહ! તો શ્રીમતીજી સાથે છે! પાછી વળી જાઉં. આ એ જ સ્ત્રી છે જેના વિશે હું રજેરજ જાણું છું. ખમણ અને મોહનથાળ તો એની સ્પેશિયલ વાનગી. દીવો કર્યા વિના એ ઘર બહાર પગ નથી મૂકતી. સફેદ રંગની એને એલર્જી છે. અરે, એને નાઈટલેમ્પ કેમ નથી ગમતો એની પણ મને ખબર છે. અને એ? મારું નામ પણ નથી જાણતી. આ લઈ લે રમા! મેં જોયું પ્રશાંતે એક સુંદર કોસા પર હાથ મૂક્યો હતો. એનો પહોળો પહોંચો. મને એના પર હથેળી મૂકવાનું મન થઈ આવ્યું. ત્યાં જ ઉઝરડા પાડતો રમા બહેનનો અવાજ સંભળાયો, ના રે! મારે એવી ડોશી જેવી સાડી નથી લેવી! ગમતો રંગ જોઈને, ચોરી લેવાનું મન થાય એવું પ્રશાંતનું સ્મિત રમાબહેને ક્યારેય જોયું હશે? પ્રશાંત કહેતો હતો : અરે, લઈ લે! એક વાર પહેરી કે પૈસા વસૂલ.’ ‘લ્યો કરો વાત! આખા આઠસો રૂપિયા આમ નાંખી દેવાના? જો હું ના હોત ને તો આ તમારા વ્યવહાર, મોભો બધું ક્યાંય—‘ એને બોલતી મૂકીને પ્રશાંત એકદમ મારી તરફ વળી ગયો, અરે, મહેતા તમે? રમા, આવ! તને ઓળખાણ કરાવું, આ પદ્મજાબહેન. અમારી ઑફિસમાં પરચેઈઝ ઑફિસર છે. તારી જેમ ઠેર ઠેર ફરીને એય ખરીદી કરે છે, કહેતાં એ ધૂપછાંવ જેવું હસ્યો. રમાબહેન જાણે આંધળાને આંખ મળી હોય એમ, આ જુઓને, પરાણે ખેંચી લાવી છું. પછી તો લગભગ બધી જ ખરીદીમાં મને સાથે લઈ જાય. ઘેર જાઉં એટલે રમાબહેનની વાનગીઓ અને નિખિલની વાર્તાઓ. નિખિલ એ વખતે પાંચમાંમાં હશે. એણે મારી આંખો જોઈને ભૂરી આન્ટી નામ પાડી દીધેલું. પ્રશાંત અમને ત્રણેયને ચૂપચાપ જોયા કરે. નદી કિનારે ઊગેલા એકલવાયા વૃક્ષની જેમ. હું દૂર રહે રહે એની છાયાના અહેસાસે ટકી રહેતી. અરે, અરે. યા ખુદા! ટ્રાફિકના અઠંગ ખેલાડી એવા રિક્ષાવાળાના મોંમાથીય નીકળી પડયું. એક પ્રૌઢ મહિલાનું કાઈનેટિક સીટી બસમાં આવતાં આવતાં રહી ગયું. હાશ બચી ગઈ! બચી ગઈ કે પછી આનાથી કોઈ મોટો અકસ્માત એની રાહ જોતો હશે? ખબર નથી પડતી જે થાય છે તે સારું છે કે નઠારું? વીજળીઘરના ચાર રસ્તે ટ્રાફિક બંધ છે. બે સીટી બસ પડખોપડખ ઊભી છે. મને ઘણી વાર આમ ઊભેલી બસોની બારી સામ સામે આવી જાય ત્યારે ભ્રમ થાય કે હું આ બસમાં છું કે પેલીમાં? એક સમયે તો મેં નક્કી જ કરી નાખેલું કે હવે પ્રશાંત જોડે માત્ર ઔપચારિક સંબંધ રાખવો. રમાબહેનનો સ્નેહ, એમની સરળતાં અનુભવતા સતત કશુંક અનધિકાર કર્યાની ગ્લાનિથી મન ભરાઈ જાય. બીજાની સુંદર સાડી પહેર્યા પછી કોઈ વખાણ કરે અને ઊંડે ઊંડે જે ક્ષોભ થાય એવું કાંઈક થયા કરે. એમણે ક્યારેય અછડતો ઈશારો પણ નથી કર્યો. ક્યારેક કોઈક આર્ટ પ્રદર્શન હોય કે કોઈક સાંસ્કૃતિક કાર્યક્રમ હોય તો કહે, એ બધું તમને સોંપ્યું તમારી તો ન્યાત જ ન્યારી. મને નહીં ફાવે. એ દિવસે પણ એવું જ થયું. નિખિલ બારમામાં પંચ્યાશી ટકા લઈ આવ્યો ત્યારે પ્રશાંતે કુટુંબ સાથે ફિલ્મ - ડિનરનો કાર્યક્રમ ગોઠવ્યો હતો. બપોરે લંચમાં અમે બેઠાં હતાં. ત્યાં રમાબહેનનો ફોન : જુઓ સાંભળો, હું સાજે નહીં આવું. મારે લંડનવાળા માસીને ત્યાં મોઢે જવાનું છે. એમના વેવાઈ ગુજરી ગયા. પ્રશાંતે કાંઈ પણ બોલ્યા વિના રિસિવર મને પકડાવી દીધું : ના ચાલે એમ કરો. ત્રીજી ટીકિટમાં પદમાબહેનને લઈ જાઓ. તમે તો જાણો જ છો, મને આવા બધા ખરચા નથી ગમતા, લ્યો ત્યારે મૂકું છું : રમાબહેને પ્રશાંતના અવાજનીય અપેક્ષા નહિ રાખી હોય! પ્રશાંત સામે બેઠો પોતાની ખુલ્લી હથેળીને તાકી રહ્યો હતો. મેં ધીમેથી મારો હાથ એમાં મૂકી દીધો. નહેરૂબ્રિજના પુલથી લઉં કે લક્કડિયા? રિક્ષાવાળો પૂછતો હતો. નહેરૂબ્રિજથી. હું ઘણી વાર પ્રશાંતને કહું. એલિસબ્રિજનું આર્કિટેક્ચર જે હોય તે એની ધ્રૂજારી અને સંકડાશ મને સતત લાગે કે હમણાં બેસી પડશે, જેમ રણ વચ્ચોવચ્ચ કોઈ ઊંટ બેસી પડે! રૂપાલીનો શો છૂટવાને હજુ વાર છે. હજી બ્રિજકોર્નર નહિ ખૂલ્યો હોય! અમારી પ્રિય જગ્યા. મહિનામાં એકાદ ઢળતી સાંજે બ્રિજ ચાલવો, કૉફી પીવી અને છૂટા પડવું. ક્યારેક પ્રશાંત ભાવુક થઈને બોલી ઊઠતો, પદ્મા, આપણે નદીના બે કિનારા છીએ. એને આગળ બોલતો અટકાવીને હું કહેતી, પ્રશાંત આપણને જોડનાર પુલ સાબૂત છે, પછી ભલેને પૂર આવે! જોને ગયા વર્ષે મારી બદલી આશ્રમરોડ બ્રાન્ચમાં કરી, કદાચ ઑફિસને એમ હોય કે આમ કરતાંય આ લોકો છુટ્ટાં પડે. પણ દિવસમાં રમાબહેનના બે ફોન અને દર અઠવાડિયે ક્યાંક કલાનિકેતન, તો ક્યાંક દિપકલા - તો વળી ક્યાંક આસોપાલવ. સ્ટાફના ખસિયાણા ચહેરા અને ઈર્ષાભરી આંખ એમાંય નિખિલના લગ્ને રહ્યાં સહ્યાં મોં પણ બંધ કરી દીધા. પરંતુ આજે જો આ પુલ ખસી જસે તો? કિનારા આંખ મેળવી શકશે? નજર સામે અવકાશ ફેલાઈ જાય છે. થાય છે રિક્ષા પાછી વાળી લઉં. પણ પછી ફોન આવશે તો? તો શું? ઘંટડીઓ વાગીને બંધ. અને પ્રશાંત ઘેર આવે તો? ના, મારે એને આમ એકલો ના છોડી દેવાય. હવે તો જે થાય તે. શું ઈશ્વર આ બધું નહિ જોતો હોય? કયો ઈશ્વર? આ સંન્યાસ આશ્રમવાળો? આજે રમાબહેનનો નિયમ તૂટ્યો હશે. રોજ સવારે ઑફિસ જતાં પ્રશાંત એમને સ્કૂટર પર અહીં ઉતારે. કદાચ ઋચા લઈ આવી હશે. પણ, આજે એ ય રજા પર હશે. મારી સગી ભત્રીજી અને એ જ સમજી ના શકી! હતું કે મેડિકલમાં ગયા પછી એણે પોતાની મમ્મીના વાઘા ઉતારી નાંખ્યા હશે. માત્ર શરીર નહીં માણસનું મન પણ સમજતાં શીખી હશે. મને એમ કે નિખિલ જેવા આર્કિટેક્ટને ડૉક્ટર પત્ની મળશે અને પ્રશાંતના ઘરને નવો ઓપ, પરંતુ જે પ્રશ્ન આજ સુધી રમાબહેને ના કર્યો એ ઋચાએ— લોકો શું કહેશે? હેં, રિક્ષાવાળો પૂછતો હતો, બેન શું કરવું છે? આગળ પ્રીતમનગરના ચાર રસ્તે ટ્રાફિક જામ છે. કંઈક અકસ્માત થયો લાગે છે. ક્યાંક પ્રશાંત—આ બધા ટેન્શનમાં સ્કૂટર — દોડીને પહોંચી ગઈ. દૂરથી રિક્ષા ને બસ જોઈને રાહત લાગી. પણ, વળતી પળે જાત પર શરમ આવી. બસ રોડ રોકીને ત્રાંસી ઊભી હતી અને જમીન પર પ્રૌઢ સ્ત્રીની લાશ — હું દોડતી પાછી વળી. રિક્ષા અન્ડરબ્રિજ પાસેથી લેવાનું કહ્યું. હું શ્વાસ લેવાનું લગભગ ભૂલી ગઈ હતી. મારા પગ થથરતા હતા. વારે વારે હું આંખો બંધ કરી દેતી હતી. મારી રિક્ષાની આગળ એ લાશ. ચત્તીપાટ એનો એક હાથ ફૂટપાથને પાળીને અડતો હતો. માથામાંથી લોહી નીકળ્યું હતું. અધખુલ્લા હોઠ અને ફાટી ગયેલી આંખો. કાંડા પર સોનાની એકેક બંગડી પાસે વેરાયેલી તુલસીની માળા, એણે પહેરેલી છિદરી ઘૂંટી સુધી ચડી ગઈ હતી. હું દર ડગલે એની છાતી પર પગ મૂકીને આગળ જતી હતી. એ લાશની આસપાસ કાળાં-સફેદ ચકરડાં દોરાતાં હતાં. હમણાં ઊતરી આવશે. ગીધ અને કાગડાનાં ટોળાં. મારા હાથ અનાયાસ માથે પહોંચી જતા હતા. અને હું નીચી નમી જતી. વારેવારે રિક્ષાની ઝડપ વધારવા કહેતી રહી. મે હાથમાંની કાચની બંગડીઓ કાઢીને પર્સમાં મૂકી દીધી. પસાર થતાં વાહનોના હોર્નનો અવાજ સાંભળી હું ફફડી ઊઠતી. ચાર રસ્તે ઊભેલું એ ટોળું મારી પાછળ પાછળ પકડો, પકડો... કરતું આવતું હતું. મારે વહેલામાં વહેલી તકે ઘેર પહોંચવું હતું. એ લાશ રમાબહેનનું પટોળું પહેરી લે એ પહેલાં મારે ઘેર પહોંચવું હતું. બહેન કયો નંબર? ચોપ્પન. હા, હા, ચોપ્પન! રૂમાલથી ચશ્મા લૂંછતા જોયું : ગઈ કાલે ઘર ખાલી કરીને ગયેલા પડોશી લારીમાં બધાં કૂંડાં સાથે છેલ્લું તુલસીનું કૂંડું ગોઠવતા હતાં. મારો ઝાંપો પકડીને કોઈ ઊભું હતું. રિક્ષાવાળાના હાથમાં પૈસા પકડાવ્યા. ઝાંપો ઉઘાડવા જતા મારા હાથ પર હાથ મૂકતાં પ્રશાંત ધીમે અવાજે બોલ્યો, અભિનંદન! એને ઓળખવાનો પ્રયત્ન કરતાં હું બોલી પડી, શેના? (ગદ્યપર્વ)

****