zoom in zoom out toggle zoom 

< બાપુનાં પારણાં

બાપુનાં પારણાં/નગારે ગેડી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
નગારે ગેડી

(અલખ નિરંજન, અલખ નિરંજન, એમ બોલતા બોલતાં નાગા અવધૂતોની ઘણી જમાતો પીપાવાવ તથા ગોપનાથજીમાં જોઈ છે અને સાથોસાથ ઘોડા કે ઊંટ પર એની નોબત વાગી હોય કાન પડ્યું સંભળાય નહિ ને જે કોઈ જેવા જાય તે બાવાજીની ધૂન સાથે ધૂન મેળવી દ્યે, એ ઉ૫રથી પૂ. ગાંધીજી પણ એ અલેકીયા હોય અને એની નોબત વાગતી હોય એવી આ કલ્પના છે.)
ભજન કાફી
બાવલીઆની નોબત ઘોર રડી;
નોબત ઘોર રડી;
બાવલીઆની ગેડી નગારે પડી,
બાવલીઆની નોબત ઘોર રડી.

સત્યાગ્રહનાં કીધાં નગારાં, અહિંસાની હાંડી કરી,
એ ત્રંબાળુ માથે ઘાવ દીધો એની વિલાંતે ફાળ પડી
–બાવલીઆની૦

જાગ્યા જેગીડા લાખમ લાખું, આલેક ધૂન પડી,
ધાવણ ધાવતાં બાળ ફગાવી, જોગણીયું રણ ખડી,
–બાવલીઆની૦
નમી પડેલી જૂના જુગની, ઝૂંપડિયું થઈ ખડી,
ઝૂંપડિયુંના જય નીરખી, મેલાતું લડચડી
—બાવલીઆની૦

કાચે તાગડે તોપને બાંધી, આ તે જાદુગરી કે જડી,
નવો અખાડો જોવાને દુનિયા કિલ્લે કાંગરે ચડી
—બાવલીઆની૦

ભોળા શંભુજીનો શંખ વાગ્યો, આકાશે ધૂન ચડી,
મસાણુંમાંથી મુડદાં જાગ્યાં, હુહૂકારની જડી
—બાવલીઆની૦

એરણ માથે ઘણ નીવેડી, નવી દુનિયા ઘડી,
કાદવ કેરાં માનવી જુઓ ઝીલે બંદૂકો ઝડી
—બાવલીઆની૦

નાળ જંજાળુંના દારૂ ન ઊઠે, બંદૂક શકે નહિ લડી;
તલવારુંની ધારું ઓરાણી, સતની ફોજું ચડી
—બાવલીઆની૦

જૂના દાખલા નથી કે કોઈએ લડાઈ આવી લડી;
રામતણાં રખવાળાં જોગીડા, ભલે પેરી એક પોતડી
—બાવલીઆની૦