બાબુ સુથારની કવિતા/ઘરઝુરાપાનો હવે અર્થ રહ્યો નથી
૧૧. ઘરઝુરાપાનો હવે કોઈ અર્થ રહ્યો નથી
ઘરઝુરાપાનો
હવે કોઈ અર્થ રહ્યો નથી.
જોતાંની સાથે જ
જેમ બાળક
માને બાઝી પડે
એમ
છેલ્લે જ્યારે હું મારા ગામ ગયો ત્યારે
મારા ગામના પાદરને
બાઝી પડેલો.
મને એમ કે પાદર મને ઊંચકી લેશે.
મને એમ કે પાદર મને એક ખભેથી બીજા ખભે કરશે,
મને એમ કે પાદર મને ચારપાંચ બકીઓ કરી લેશે
અને હું પણ પાદરને ભીંજવી નાખીશ હું ખિસ્સું ભરીને લઈ
ગયેલો એ સાત સમંદરોથી
પણ, એવું કાંઈ ન બન્યું.
ઊલટાનો હું લોહીલુહાણ થઈ ગયો.
મારા રોમેરોમમાં
પાદરની ધૂળના કંઈ કેટલાય કણ
ખીલી બનીને
પેસી ગયા.
તે હું હજીય કાઢ્યા કરું છું
ક્યારેક કવિતામાં
ક્યારેક સપનામાં.
(‘ઘરઝુરાપો’માંથી)