zoom in zoom out toggle zoom 

< બાબુ સુથારની કવિતા

બાબુ સુથારની કવિતા/હું જોઉં છું

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૦. હું જોઉં છું

હું જોઉં છું:
સર્વત્ર જયજયકાર છે
કાચંડાઓનો.
સર્વત્ર ફરકી રહી છે એમની
લીલી અને કેસરી ધજાઓ.
નાનપણમાં
જ્યાં મેં મેરૈયાં મૂક્યાં હતાં
એ મંગાકાકાની વાડ પણ
બચી નથી
કે
મારા ગામમાં શાક વેચવા આવતી હતી
એ ચાંદબીબીની કબર પણ
બચી નથી.
થોરના કાંટા
ને કાગડાની અઘાર પર પણ
ફરકવા લાગી છે
એમની કેસરી અને લીલી
ધજાઓ.
(‘ઘરઝુરાપો’માંથી)