બાબુ સુથારની કવિતા/નાનો હતો ત્યારે ઘણી વાર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૨૫. નાનો હતો ત્યારે ઘણી વાર

નાનો હતો ત્યારે ઘણી વાર
મારા આંગણામાં આવેલા લીમડાંમાં સંતાઈ જતો
એ જ રીતે એ લીમડો પણ ઘણી વાર મારામાં સંતાઈ જતો.
હું મારા ભેરુઓને કહેતોઃ
હું અને લીમડો જુદા નથી
જેમ એને ડાળ
એમ મને પણ
જેમ એને મૂળ
એમ મને પણ
જેમ એને પાન
એમ મને પણ
પણ, એ લોકો મારી વાત માનતા ન હતા.
હવે હું મારું ઘર છોડીને
અમેરિકા આવ્યો છું
અહીં મારા આંગણામાં લીમડો નથી
પણ એક વૃક્ષ છે ખરું
એ શાનું વૃક્ષ છે એની મને ખબર નથી.
પણ હું એને લીમડો માનીને ઘણી વાર
એમાં સંતાઈ જતો હોઉં છું
અને એ પણ ઘણી વાર મને બાબુ માનીને
મારામાં સંતાઈ જતું હોય છે
ઘર છોડ્યા પછી બસ આટલી જ
એક ઘટના બનતી હોય છે
એક અજાણ્યા વૃક્ષને માણસે લીમડો
અને એ વૃક્ષે એક અજાણ્યા માણસને બાબુ
માનવો પડતો હોય છે
અહીં પણ મારા ભેરુઓ મારી આ વાત માનશે નહીં.

(‘ડોશી, બાપા અને બીજાં કાવ્યો’ માંથી)