બાબુ સુથારની કવિતા/રાત પડે ને


૨૪. રાત પડે ને

રાત પડે ને
ચોતરે
પૂર્વજો ભેગા થઈ
રાહ જોતા હોય છે
ગામલોકો એની પાસે આવે એની.
એમણે મર્યા પછી પણ
દિવાળીઓ જોવાનું ચાલ રાખ્યું છે;
પશલાની મગફળીમાં ઇયળો પડી છે
પણ મૂઆને
ખબર જ નથી કે કઈ રીતે લડવું એ ઇયળો સામે.
પૂર્વજો કહે છેઃ “પૂછે તો ઉકેલ બતાવીએ ને.”
એમ તો મંગાની દીકરીને પરણ્યે બે વરસ થયાં.
હજી સાસરિયે જતી નથી
પૂર્વજો કહે છેઃ “મંગાને પણ મદદ કરીએ
પણ ચોતરે આવે તો ને.”
પેલા અંબાલાલના છોરાનું થાય છે ને તૂટી જાય છે
પૂર્વજો પાસે એનો પણ ઉકેલ છે
પણ અંબાલાલ રોજ રાતે સપનામાં
તીનપત્તી રમતો હોય છે.
(‘ડોશી, બાપા અને બીજાં કાવ્યો’ માંથી)