બાબુ સુથારની કવિતા/મારે હજી જનમવાને થોડીક વાર હતી
મારે હજી જનમવાને થોડીક વાર હતી, ત્યાં જ પોપટની ચાંચ જેવી ચાંચ ધરાવતા એક દેવ આવ્યા. એમણે મારું માપ લીધું. એમની સાથે આવેલા એમના સહાયકે એ માપ લખી લીધું. પછી એમણે એક દરજીને બોલાવ્યો ને કહ્યું કે આનું જીવન આ માપ પ્રમાણે સીવી નાખો. પછી દરજીએ એ માપ પ્રમાણે મારું જીવન સીવી નાંખ્યું. હજી એ જીવન મને ફિટ બેસતું નથી. કોઈક કહે છેઃ એમાં પેલા પોપટની ચાંચ જેવી ચાંચ ધરાવતા દેવનો વાંક છે. એણે ખોટું માપ લીધેલું. તો વળી કોઈ કહે છેઃ ના, દેવો ખોટું માપ ન લે. એમના સહાયકે લખવામાં ભૂલ કરી હશે. નહીં તો ના બને આવું. તો વળી કોઈ કહે છેઃ ના, દેવોના સહાયકો તો ભૂલ કરે જ નહીં. ચોક્કસ દરજીનો વાંક હશે. મને ખબર નથી કે એમાં કોનો વાંક હશે. પણ, હું જન્મ્યો ત્યારથી રોજેરોજ થીંગડાં મારીને જીવન જીવી રહ્યો છું. હજી પણ હું રોજ સવારે ઊઠીને સૌ પહેલું કામ થીંગડાં મારવાનું જ કરતો હોઉં છું.
(‘ઉદ્વેગ’ માંથી)