બાબુ સુથારની કવિતા/લખવું એટલે મૃત્યુ પામવું
૩૩. લખવું એટલે મૃત્યુ પામવું
લખવું એટલે
મૃત્યુ પામવું
એટલે કે
કોઈક પ્રાચીન લિપિ તળે દટાઈને
મરણ પામેલા પતંગિયા સાથે
વાત માંડવી
મૃત્યુ પામવું
એટલે લખવું
એટલે કે હમણાં જ
ગર્ભપાતમાં મરણ પામેલા શિશુની આંખમાં
દોરડે લટકીને મરી ગયેલા
ચંદ્રના પડછાયાની નીચે
પડી રહેલા મેઘધનુષના હાડપિંજરની
અંતિમવિધિ કરવી
એટલે કે કાગળમાં ડૂબવું
અને બાગળમાં તર્યા કરવું
(‘લખવું એટલે કે...’ માંથી)