બારી બહાર/૯૮. કોણ એવું છે અપાર!

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૯૮. કોણ એવું છે અપાર!

કોણ એવું છે અપાર ?
કોણ મારી બાથ કેરી બા’ર છે ?
ધારતાં એવું તમે ઓ આભ, વાયુ, તેજ, સિંધુ ને ધરા !
કે સૌ તમે વણપાર છો ?
ને પ્રેમ કેરી બાથની મુજ બા’ર છો ?
પ્રેમ મારો જે ક્ષણે
થાય છે ઊભો ધરાને પ્રાંગણે,
બાથ ભરવા કારણે
બાહુને પ્હોળા કરી, ભેગા કરીને બાથ જ્યાં પૂરી કરે,
જાઓ છો એમાં પુરાઈ સૌ તમે !
ને તોય ખાલી એટલી એ તો રહે,
કે, જે તમારો સર્જનારો,
તે ય તેમાં જઈ સમાઈને રમે !