બાળ કાવ્ય સંપદા/અભિલાષ (૨)
Jump to navigation
Jump to search
અભિલાષ
લેખક : કૃષ્ણલાલ શ્રીધરાણી
(1911-1960)
તારા ! તારા ! તારા જેવી
મીઠી, મીઠી, આંખ દે !
પંખી મીઠા ! ત્હારા જેવી
ચેતનવંતી પાંખ દે !
સાત સમંદર વીંધી જાઉં,
હસતી આંખે જોતો જાઉં !
મધમાખી, તું ત્હારા જેવી
મુજને મીઠી ખંત દે !
કોયલબ્હેની ! ત્હારા જેવો
મીઠો મીઠો કંઠ દે !
વિશ્વ તણો મધકોશ ભરું,
ચૌદ લોક ટહુકાર કરું !
સાગર ઊંડા, ત્હારા જેવો
ધીર ઘોર ઘુઘવાટ દે !
વેગી વાયુ ! ત્હારા જેવો
વેગીલો સુસવાટ દે !
વિશ્વ ધ્રૂજે, સુસવાટ કરું,
સાગર શો હું જ્યાં ગરજું !
આશા ! ચાલો બાને કહીએ,
રમકડાં તું આવાં દે !
બ્હેની ! બ્હેની ! ત્યાર પછી તો
જગનાં રાજા આપણ બે !
બાળક ન્હાનાં હું ને બ્હેન !
તો ના કરત કશાનું વ્હેન !