બાળ કાવ્ય સંપદા/આવ રે વરસાદ (૨)
આવ રે વરસાદ
લેખક : ચંદ્રકાન્ત શેઠ
(1938-2024)
આવ રે વરસાદ,
લાવ રે પરસાદ.
પરસાદ ખાઈ લઉં,
ગીત એક ગાઈ લઉં,
પછી લઉં હોડી,
જલમાં દઉં છોડી.
વ્હેળે વ્હેળે વળું,
ઝરણાને જઈ મળું,
ઝરણામાં છે ઝાંઝર,
પ્હેરીને જઉં પાદર,
ત્યાં મળશે એક નદી,
વાતો કરશું બધી,
હોડી મારી છોટી,
દરિયો માયા મોટી.
નદી મને લઈ જશે,
દરિયો તે જ્યાં હશે.
એ દરિયાને જ્યારે,
હોડી જોશે ત્યારે,
એવી થાશે બડી,
આભે જાશે અડી !
દરિયો ત્યારે ડરી ડરી દૂર દૂર ભાગશે,
વાદળોના શઢ મારી હોડલી ઉઘાડશે.