બાળ કાવ્ય સંપદા/ઈશ્વરસ્તુતિ વિશે
Jump to navigation
Jump to search
ઈશ્વરસ્તુતિ વિશે
અજ્ઞાત
અહો દેવના દેવ હે વિશ્વસ્વામી,
કરું હું સ્તુતિ આપની શીશ નામી,
દયાળુ પ્રભુ આપદાયી ઉગારો,
દીનાનાથ, તું એક આધાર મારો.
પ્રભુ આપ છો સર્વને પાળનારા,
તમે છો સદા સંકટો ટાળનારા;
કીધા છે કરોડો તમે ઉપકારો,
દીનાનાથ, તું એક આધાર મારો.
હું છું રાંકનો રાંક અજ્ઞાન પ્રાણી,
ન મારી કશી વાત તુંથી અજાણી,
કરો હે દયાળુ ક્ષમા વાંક મારો,
દીનાનાથ, તું એક આધાર મારો.
અમે બાળકો બોલીએ બે હાથ જોડી,
અમારી મતિ હે પ્રભુ છેક થોડી;
સદા આપજો આપ સારા વિચારો,
દીનાનાથ, તું એક આધાર મારો.
અમે ને કુટુંબીજનો જે અમારાં,
રહીએ શરીરે સુખી સર્વ સારાં;
દયા લાવીને પ્રાર્થના દિલ ધારો,
દીનાનાથ, તું એક આધાર મારો.
નથી મેં કરી આપની કાંઈ ભક્તિ,
નથી આપના ગુણ ગાવાની શક્તિ;
દયા લાવીને દાસ દુઃખો નિવારો,
દીનાનાથ, તું એક આધાર મારો.