બાળ કાવ્ય સંપદા/ગાડી... ગાડી...

ગાડી... ગાડી

અજ્ઞાત

દીવાસળીનાં ખોખાં લીધાં,
તેના તો મેં ડબ્બા કીધા,
સૌથી આગળ મોટું ખોખું,
બનાવી દીધું એન્જિન મોટું.
સીટી વાગે પૂપ પૂપ,
ગાડી ચાલે છૂક છૂક.
છૂક એન્જિન ચાલ્યું જાય,
પાછળ ડબ્બા દોડ્યા જાય;
જાતાં જાતાં આવી ભીંત,
ધડાક ! અથડાયું એન્જિન !
એન્જિનના તો ભુક્કા થયા,
દરેક ડબ્બા છૂટા થયા.
ડબ્બા મટીને ખોખાં થયાં,
અમે રમત રમી રહ્યાં.