બાળ કાવ્ય સંપદા/ઊંટના અઢારે વાંકા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ઊંટનાં અઢારે વાંકાં

લેખક : દલપતરામ
(1820-1898)

ઊંટ કહે કે “આ સમામાં,
વાંકાં અંગવાળાં ભૂંડાં,
ભૂતળમાં પશુઓ અને,
પક્ષીઓ અપાર છે.

બગલાની ડોક વાંકી,
પોપટની ચાંચ વાંકી,
કૂતરાની પૂંછડીનો,
વાંકો વિસ્તાર છે.

હાથીની તો સૂંઢ વાંકી,
વાઘના છે નખ વાંકા,
ભેંસને તો શિર વાંકાં,
શિંગડાંનો ભાર છે."

સાંભળી શિયાળ બોલ્યું
દાખે દલપતરામ
"અન્યનું તો એક વાંકું
આપનાં અઢાર છે."