zoom in zoom out toggle zoom 

< બાળ કાવ્ય સંપદા

બાળ કાવ્ય સંપદા/ઊગ્યો ચબૂતરો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ઊગ્યો ચબૂતરો

લેખક : હરિકૃષ્ણ પાઠક
(1938-2025)

ચોકની વચ્ચે ઊગ્યો ચબૂતરો
પોપટિયાં પાન બે બેઠાં રે લોલ.
ફડફડતાં ફૂલ શાં કાબર-કબૂતરાં
આભ લઈ ઊતર્યાં હેઠાં રે લોલ.

બપ્પોરી વેળને વડલાની ડાળીએ
ઝોકે ચડેલ સ્હેજ દીઠી રે લોલ.
ગાયુંનાં ધણની ઘંટડીના છાંયડે
ઊની આ લૂયે મધ-મીઠી રે લોલ.

ઠાકર-દુવા૨ની રણઝણતી ઝાલરે
કલરવનો વાયરો ઝીલ્યો રે લોલ.
અજવાળાં ઓસર્યાં ને ટમક્યાં તારોડિયાં
પરીઓનો દેશ ક્યાંક ખીલ્યો રે લોલ.