બાળ કાવ્ય સંપદા/ઊડ્યાં કરું
ઊડ્યા કરું
લેખક : પિનાકીન ત્રિવેદી
(1910-1988)
પેલા પંખીને જોઈ મને થાય
એના જેવી જો પાંખ મળી જાય
તો આભલે ઊડ્યા કરું, બસ ઊડ્યા કરું.
ઘડિયાળમાં દસ વાગે
ટન... ટન... ટન... ટન...
બા મને ખોળવા લાગે :
બચુ ક્યાં ? બચુ ક્યાં ? બચુ ક્યાં ?
હું તો આભલે ઊડ્યા કર્યું,
ઊંચે ઊંચે ઊડ્યા કરું.
પેલા ડુંગરાની ટોચે
મારી પાંખ જઈને પહોંચે
બા ઢીંગલી જેવાં !
બાપુ ઢીંગલા જેવા !
નાનાં, નાનાં, નાનાં, નાનાં
જોઉં હું તો છાનાંમાનાં
આભલે ઊડ્યા કરું.