બાળ કાવ્ય સંપદા/એક કબૂતર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
એક કબૂતર

લેખક : પારુલ બારોટ
(1969)

એક કબૂતર મેના સાથે, ખો ખો ખો ખો રમતું' તું,
રમતાં રમતાં પગ લપસ્યો, હીબકે હીબકે રડતું' તું.
એક કબૂતર મેના સાથે...

પોપટ, ચકલી, કાબર દોડી આવી એને પંપાળે છે,
કૂકડો પાંખ ફેલાવે તો જોઈ એને ડરતું' તું.
એક કબૂતર મેના સાથે...

ઝીણાં પગલે દોડી આવી, કીડીબાઈની સવ્વારી,
હળવે હાથે ઊઠે તોયે, ધડામ દઈને પડતું' તું.
એક કબૂતર મેના સાથે...

ચૉકલેટ લાવી આપે ચકલી, કાગો પાણી પાતો' તો,
તો પણ બેઠું પકડીને પગ, હળવે હળવે સરતું' તું.
એક કબૂતર મેના સાથે...

‘ત્ર્યક્ષુ’, ‘જિયાંશ’ દોડી આવ્યા, ખોળામાં સળવળતું' તું
હૂંફાળા સ્પંદનને પામી, મરક મરક થઈ હસતું' તું.
એક કબૂતર મેના સાથે...