બાળ કાવ્ય સંપદા/આવ્યું ચોમાસું કે નહીં ?
આવ્યું ચોમાસું કે નહીં ?
લેખક : પારુલ બારોટ
(1969)
ઝાડવાએ પાંદડાને પૂછ્યું; કે આવ્યું ચોમાસું કે નહીં ?
પાંદડાએ વાદળાને પૂછ્યું; કે આવ્યું ચોમાસું કે નહીં ?
નાનાં ને મોટાં સહુ સાથે પલળતાં,
ટીપાં ને ફોરાંની માફક ચમકતાં,
છત્રીએ નેવાને પૂછ્યું; કે આવ્યું ચોમાસું કે નહીં ?
ઝાડવાએ...
ફૂલડાની ગલીઓમાં ભમરાઓ ગુંજતાં,
વેલીના માથે જઈ હળવે મલકતાં,
સુગંધે વાયરાને પૂછ્યું; કે આવ્યું ચોમાસું કે નહીં ?
ઝાડવાએ...
ગ૨મીથી અકળાતા મોઢું સહુ મરડે,
વીજળીના ચમકારે બાલુડાં હરખે,
ઢેફાંએ ખાડાને પૂછ્યું; કે આવ્યું ચોમાસું કે નહીં ?
ઝાડવાએ...
કાગળની હોડી મેં હાથે બનાવી,
મમ્મી ને પપ્પાએ હરખે વધાવી,
દાદાએ જિયુંને પૂછ્યું; કે આવ્યું ચોમાસું કે નહીં ?
ઝાડવાએ...