બાળ કાવ્ય સંપદા/એક રૂપિયાના દસકા

એક રૂપિયાના દસકા

લેખક : નાગજીભાઈ દેસાઈ
(1931)

એક રૂપિયાના દસકા દસ,
ખિસ્સામાં ખખડે ને પડે મારો વટ. એક૦
એક દસકું મેં ભાભીને આપ્યું
કાગળ લખો ભાઈ આવે ઘેર ઝટ... એક૦
બે દસકા મેં મમ્મીને આપ્યા,
મમ્મીએ ઊંચકી લીધો. મને પટ... એક૦
ત્રણ દસકા મેં પપ્પાને આપ્યા,
ટપલી ગાલ પર મારી મને ટપ... એક૦
ચાર દસકા મેં દાદીને આપ્યા,
બાથમાં લઈ મને બકી ભરી બચ... એક૦
સૌની ચીજ મેં સૌને આપી,
દાદાના દીકરાનો ભારે પડે વટ... એક૦