બાળ કાવ્ય સંપદા/એમ મને થાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
એમ મને થાય

લેખક : સુન્દરમ્
(1908-1991)

આજ મને બા, આજ એમ મને થાય,
મીંદડીનું નાનું હું બચ્ચું થઈ જાઉં,
છાનુંમાનું હું તારું દૂધ પી જાઉં.

આજ મને બા, આજ એમ મને થાય,
લાલ એક નાનકડું કુરકુરિયું થાઉં,
ડાઉં ડાઉં કરી તને કરડવા ધાઉં.

આજ મને બા, આજ એમ મને થાય,
ખિલખિલ મોગરાનું ફૂલ બની જાઉં,
તારા અંબોડલામાં આવી સંતાઉં.

આજ મને બા, આજ એમ મને થાય,
જૂઈ તણી વેલ બની માંડવે ફેલાઉં,
હાથ પગ કંઠ તારે ગૂંચવાઈ જાઉં.

આજ મને બા, આજ એમ મને થાય,
ગોળ ગોળ સાબુડો તારો થઈ જાઉં,
સરી સરી હાથમાંથી ખીજવું પજાવું.

આજ મને બા, આજ એમ મને થાય,
તારો ઝગઝગતો અરીસો થાઉં,
એરિયાં પાડું ને તારી આંખ ઝંખવાઉં.