બાળ કાવ્ય સંપદા/કહો તો...

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કહો તો...

લેખક : સુન્દરમ્
(1908-1991)

આ ઝરમર ઝરમર
કોણ વરસતું, કોણ વરસતું ?
વાદળ વાદળ.

આ ગડગડ ગડગડ
કોણ ગરજતું, કોણ ગરજતું ?
વાદળ વાદળ.

આ મઘમઘ મઘમઘ
કોણ મહકતું, કોણ મહકતું ?
જૂઈ ચમેલી, જૂઈ ચમેલી.

આ ખિલખિલ ખિલખિલ
કોણ હસંતું, કોણ હસંતું ?
જૂઈ ચમેલી, જૂઈ ચમેલી.

આ ઊંચે ઊંચે ઊંચે ઊંચે
કોણ ધસંતું, કોણ ધસંતું ?
ડુંગર ડુંગર.

આ લાંબું પહોળું લાંબું પહોળું
કોણ પડ્યું છે, કોણ પડ્યું છે ?
ડુંગર ડુંગર.

આ ખળખળ ખળખળ
કોણ વહંતું, કોણ વહંતું ?
સરિતા સરિતા,

આ છલ છલ
કોણ છલકતું, કોણ છલકતું ?
સરિતા સરિતા,

આ થનગન થનગન
કોણ નરતતું, રૂમઝૂમ રૂમઝૂમ,
કૃષ્ણ કનૈયો, કૃષ્ણ કનૈયો.

આ સનનન સનનન
કોણ ૨મંતું ગેડી દડો લૈ ?
કૃષ્ણ કનૈયો, કૃષ્ણ કનૈયો

આ પળ પળ પળ પળ
કોણ રટંતું શ્વાસે શ્વાસે ?
રાધા પ્યારી, રાધા પ્યારી.

આ ગુપચુપ ગુપચુપ
કોણ મલકતું હોઠ ભરીને ?
રાધા પ્યારી, રાધા પ્યારી

આ ધસમસ ધસમસ
કોણ ધસંતાં ટોળંટોળાં?
સૌ ગોવાળા, સૌ ગોવાળા.

આ રસબસ રસબસ
કોણ હસંતાં હૃદય ભરીને ?
નંદ જશોદા, નંદ જશોદા.

આ પુલકિત પુલકિત
કોણ સ્તવંતા કર જોડીને ?
અગણિત દેવો, દાનવ-માનવ.

આ અકલિત અકલિત
કોણ વરસતા આશિષધારા ?
બહ્મા-વિષ્ણુ, શુભ શંકર-શિવ.