બાળ કાવ્ય સંપદા/કાગળની હોડી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
કાગળની હોડી

મૂળજીભાઈ પીતાંબરદાસ શાહ
(1910-1975)


કાગળની મેં હોડી બનાવી, નાની સરખી હોડી;
સોહે કેવી સારી એ તો, જડશે ના જગ જોડી.

નાની સરખી હોડી.


કાગળની૦



સાંજ પડી ને ફરવા ચાલ્યો, સાથે લીધી હોડી;
બાપુ સાથે નદીએ આવ્યો, રેતીમાં હું દોડી.

નાની સરખી હોડી.


કાગળની૦



ખળખળ કરતી વહેતી નદીમાં, નાંખી મેં તો કોડી;
જઈને એ તો તળીએ બેઠી, જોઈ રહ્યો કર જોડી.

નાની સરખી હોડી.


કાગળની૦



પાણીમાં જ્યાં હોડી મૂકી, ડોલે થોડી થોડી;
પવન સપાટે આગળ વધતી, જાણે દોડી ઘોડી.

નાની સરખી હોડી.


કાગળની૦



પાણી નાચે, હોડી નાચે, નાચું અંગ મરોડી;
દૂર દૂર દોડી હોડી મારી, ઘેર ગયો એ છોડી.

નાની સરખી હોડી.


કાગળની૦