બાળ કાવ્ય સંપદા/ખદુક, ઘોડી ખદુક
લેખક : રમણલાલ સોની
(1908-2006)
(ડંગોરો તે ઘોડો, અને તે ઘોડા પર અસવાર તે બાળક-રાજકુંવર ! રવિવારની રજાની મજા તે આ ઘોડે સવારી ! ઘોડેસવાર બાળક કંઈ કંઈ જળસ્થળજંગલની ખેપ કરી આવે છે ને કેટલાયે દેશ જીતી આવે છે.)
ખદુક, ઘોડા, ખદુક !
ખદુક, ઘોડા, ખદુક !
ઘોડો મારો સાતપાંખાળો ઊડતો ચાલે કેવો,
કેડી નહિ ત્યાં કેડી પાડે જળજંગલમાં એવો !
ખદુક, ઘોડા, ખદુક ! ખદુક, ઘોડા, ખદુક !
એક કહેતામાં અમદાવાદ ને બે કહેતામાં બમ્બઈ,
ત્રણ કહેતામાં ઘેરે પાછો આવે ખબરું લઈ !
ખદુક, ઘોડા, ખદુક ! ખદુક, ઘોડા, ખદુક !
માગે ના એ ખાવું પીવું, માગે ના એ ચારો,
હુકમ કરો ને કરો સવારી, પળનો નહીં ઉધારો !
ખદુક, ઘોડા, ખદુક ! ખદુક, ઘોડા, ખદુક !
જાય ટપી એ ખેતરપાદર, જાય ટપી એ ડુંગર,
માન ઘણું અસવાર તણું જે રાજાનો છે કુંવર !
ખદુક, ઘોડા, ખદુક ! ખદુક, ઘોડા, ખદુક !
ઓળખી લો આ ઘોડાને, ને ઓળખી લો અસવાર,
જાઓ ઉપડી દેશ જીતવા, આજે છે દિત વાર !
ખદક, ઘોડા, ખદુક ! ખદુક, ઘોડા, ખદુક !