બાળ કાવ્ય સંપદા/ખિસકોલીબેન
ખિસકોલીબહેન
લેખક : કિરીટ ગોસ્વામી
(1975)
આંગણિયે આવે ને જાય ખિસકોલીબહેન,
ડાળ ડાળ કૂદે ને ગાય ખિસકોલીબહેન !
મોતી– શી આંખો ને રૂપેરી રંગ છે,
રામજીનાં આંગળાંની છાપ એને અંગ છે,
સોનેરી તડકામાં ન્હાય ખિસકોલીબહેન !
કાજુ હરખે હરખે ખાય ખિસકોલીબહેન !
થોડાં નટખટ છે ને થોડાં શરમાળ છે,
દોસ્ત બની જાય તો તો ખૂબ રમતિયાળ છે,
આપણાથી દૂર ના થાય ખિસકોલીબહેન !
આંગણિયે કેવાં સોહાય ખિસકોલીબહેન !